You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વેચાણ માટે કિટ્ટીપાર્ટીઝ પછી ટપરવેરનું નવું પ્લેટફોર્મ
- લેેખક, કૈટી હોપ
- પદ, બિઝનેસ સંવાદદાતા, બીબીસી ન્યુઝ
1950ના દાયકામાં આયોજિત થતી કિટ્ટી પાર્ટીઝથી લઈને આધુનિક યુવતીઓની ‘ગર્લ્સ નાઇટ આઉટ’ જેવી ‘વિમેન ઑન્લી મીટિંગ્સ’ પ્લાસ્ટિકના ડબ્બા બનાવતી કંપની ટપરવેરની સફળતાનું રહસ્ય છે.
ટપરવેરના ચીફ એક્ઝીક્યુટીવ ઑફિસર રીક ગોઈંગ્સ કહે છે કે, "અમે અમારી જાતને કોઈ એક અમેરિકન કંપની તરીકે નથી જોતા.”
તેમણે આ કહ્યું તેનું કારણ એ છે કે, ટપરવેરનાં ઉત્પાદનોના કુલ વેચાણમાં એશિયા-પેસિફિકના દેશોનો હિસ્સો ત્રીજા ભાગનો છે, જ્યારે ગયા વર્ષે સૌથી વધુ વેચાણ બ્રાઝિલમાં થયું હતું.
કંપની ટપરવેરનાં ડબ્બા ઉપરાંત કેટલીક બ્યુટી બ્રાન્ડ્સ, 80 કરતાં વધુ દેશોમાં વેચાય છે. કંપનીનાં કુલ વેચાણનાં 90% જેટલું વેચાણ અમેરિકા બહારના દેશોમાં થાય છે.
આ કંપનીની સ્થાપના 1946નાં વર્ષમાં સંશોધક અર્લ ટપરવેરે સ્થાપી હતી. ગોઈંગ્સે ૧૯૯૭માં જ્યારે તેનું સુકાન સંભાળ્યું ત્યારે કંપનીની શાખાઓ વિદેશમાં ફેલાઈ ચૂકી હતી.
પરંતુ આ આખી પ્રક્રિયામાં કંપનીને ભારે નિષ્ફળતા મળી હતી. ગોઈંગ્સને નેતૃત્વ સંભાળ્યું તેના પ્રથમ સપ્તાહમાં કંપનીએ 100 યુ.એસ. ડોલર ઘાલ-ખાઘ ખાતે જતા કરવા પડયા હતા.
ગોઈંગ્સે કહ્યું, "તે સમયે (કંપનીને) ઘણું નુકસાન ગયું હતું."
આ નુકસાનની ભરપાઈ કરવા કંપનીએ તેની શાખાઓનો વ્યાપ લૅટીન અમેરિકા, એશિયા અને આફ્રિકાના દેશોમાં વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોઈંગ્સે કહ્યું કે, યુરોપ અને અમેરિકા ખંડની વસતા લોકોની સંખ્યા દુનિયાની કુલ વસતીના માત્ર 10 ટકા જેટલી જ હતી. આથી વેચાણ માટે અમારે નવી વ્યૂહરચના કરવી જરૂરી હતી.
ગોઈંગ્સે કહ્યું, "અમારે અમારી વ્યવસાયિક વ્યવસ્થા (બિઝનેસ મોડેલ)માં બહુ મોટા ફેરફારો નહોતા કરવા પડ્યા. કારણ જ્યાં વસતીનો વ્યાપ વધુ હોય એ તરફ જ અમારે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું."
1950-1960નાં દશકોમાં વિકાસશીલ રાષ્ટ્રોમાં મધ્યમ વર્ગીય શહેરી મહિલાઓના કિટ્ટીપાર્ટી જેવી મીટિંગ્સ ટપરવેર માટે સીધા વેચાણનો પર્યાય સાબિત થયા હતા.
ત્યારથી લઇ અત્યાર સુધી કંપનીને આવી મહિલાઓ દ્વારા અને માત્ર મહિલાઓ માટે થતી મીટિંગ્સે જ પ્રોડક્ટ્સના વેચાણમાં અભૂતપૂર્વ સફળતા અપાવી છે.
કદાચ હસવું આવે એવી આ વાત છે, પણ આજની આધુનિક મહિલાઓને પ્લાસ્ટિકના ડબ્બા ખરીદવા માટે પ્રોત્સાહિત કરી શકાય?
ગોઈંગ્સનો જવાબ છે, "હા". તેમણે કહ્યું કે, આ પ્રક્રિયાને કારણે જ્યાં માળખાકીય સુવિધાઓનો અભાવ હોય અને દુકાનો સુધી વેચાણ માટે માલ પહોંચાડવો અઘરો છે એવા દુર્ગમ પ્રદેશોમાં મહિલાઓની આવી મીટિંગ્સમાં વેચાણ કરવું ખૂબ જ સરળ અને અસરકારક સાબિત થયું છે.
આવા પ્રકારની વેચાણ વ્યવસ્થાને કારણે કંપનીએ દુકાનો મારફતે થતી વેચાણ વ્યવસ્થામાં એક પણ રૂપિયાનું રોકાણ કર્યું નથી.
દુકાનો પર કંપનીની પ્રોડક્ટસ ખરીદવાને બદલે લોકો તેમનાં મિત્રો અને સગા સંબંધીઓના ઘરેથી ટપરવેરની પ્રોડક્ટસ ખરીદી શકે છે.
આવી કિટ્ટી પાર્ટીમાં હાજરી આપતી મહિલાઓ મોટા ભાગે ગૃહિણીઓ છે. ટપરવેરની આવી વેચાણ વ્યવસ્થાથી ગૃહિણીઓને એક સ્વતંત્ર આવકનો પર્યાય મળે છે. આથી મહિલાઓ તરતજ આ વેચાણ વ્યવસ્થાનો હિસ્સો બની જાય છે.
હાલ 31 લાખ મહિલાઓ માટે ટપરવેરની આ વેચાણ વ્યવસ્થા સમગ્ર વિશ્વમાં સ્વતંત્ર આવકનો પર્યાય સાબિત થઈ ચૂકી છે. આવી કોઈ પાર્ટીમાં અંદાજે 25 હજાર રૂપિયાનું વેચાણ થતા વેચાણકર્તા મહિલાને તેમાં ૩૦% હિસ્સો મળે છે.
ગોઇંગ્સ કહે છે, "આ બહુ મોટી રકમ છે."
તેમણે વધુમાં કહ્યું કે ટપરવેર હવે આવા ચા-નાસ્તાવાળી કિટ્ટી પાર્ટીઓની બીબાંઢાળ વેચાણ વ્યવસ્થાથી થોડી અલગ, અને આધુનિક મહિલા કેન્દ્રિત વ્યવસ્થા અપનાવી રહી છે.
જે "ગર્લ્સ નાઈટ આઉટ" સ્વરૂપે ઉજવાય છે. આવી મોડર્ન મીટિંગ્સની થીમ મેક્સિકન નાઈટ વિથ ટકીલાથી લઈને ચટાકેદાર વાનગીઓ અને સ્વાદિષ્ટ ડેઝર્ટ્સ સાથે કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં દર ૧.૩ સેકન્ડે આવી એક પાર્ટી યોજાઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.