મહેમદાબાદના સોજાલી ગામે રોજા-રોજીના મકબરા પાસે મૂર્તિની પ્રતિષ્ઠાનો વિવાદ શું છે?

રોજા-રોજીનો મકબરો

ઇમેજ સ્રોત, Sultan Diwan

ઇમેજ કૅપ્શન, રોજા-રોજીનો મકબરો
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી
  • મહેમદાબાદ શહેરથી 5 કિલોમિટર દૂર આવેલા સોજાલી ગામનો ઐતિહાસિક રોજા-રોજી મકબરો ઐતિહાસિક સ્થાપત્યકલાનો નમૂનો છે
  • આ મકબરા વિશે એવી માન્યતા છે કે આ મકબરાના સ્તંભની જેટલી વાર ગણતરી કરો તેટલી વાર આંકડો અલગ આવે
  • રોજા-રોજીનો મકબરો જોવા માટે દેશ ઉપરાંત વિદેશથી પણ પર્યટકો આવે છે
  • શું છે રોજા-રોજી મકબરાનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલો વિવાદ?
બીબીસી ગુજરાતી
રોજા-રોજીનો મકબરો

ઇમેજ સ્રોત, Sultan Diwan

ઇમેજ કૅપ્શન, રોજા-રોજીનો મકબરો અને તેની દીવાલને અડીને આવેલું મંદિર

અમદાવાદ શહેરથી 40 કિલોમિટર દૂર આવેલા મહેમદાબાદ શહેરથી 5 કિલોમિટરના અંતરે સોજાલી ગામ આવે છે. સોજાલી ગામમાં 15મી સદીમાં બંધાયેલો ઐતિહાસિક રોજા-રોજી મકબરો અહીંનું વિખ્યાત સ્થાપત્ય છે.

આ મકબરા વિશે એવી માન્યતા છે કે આ મકબરાના સ્તંભની જેટલી વાર ગણતરી કરો તેટલી વાર આંકડો અલગ આવે.

એટલે કે પિલ્લરનો સાચો આંકડો મળતો નથી એવી માન્યતા છે.

રોજા-રોજીનો મકબરો જોવા માટે દેશ ઉપરાંત વિદેશથી પણ પર્યટકો આવે છે, પણ છેલ્લાં બે વર્ષથી રોજા-રોજીનો મકબરો તેની સ્થાપત્યકલાને બદલે બીજી રીતે ચર્ચામાં છે.

છેલ્લાં બે વર્ષથી ઐતિહાસિક મકબરાની આસપાસ ગેરકાયદેસર રીતે દબાણ થઈ રહ્યું હોવાના આરોપ લાગ્યા છે અને તેનો વિવાદ છેક ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.

શું છે રોજા-રોજી મકબરાનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલો વિવાદ?

ગ્રે લાઇન

રાષ્ટ્રીય સ્મારક

કથિત દબાણ ખોડિયાર મંદિર

ઇમેજ સ્રોત, Sultan Diwan

ઇમેજ કૅપ્શન, કથિત દબાણ ખોડિયાર મંદિર

મહમદ બેગડાએ 15મી સદીમાં બંધાવેલા મકબરામાં મુબારક સૈયદ સૈફુદ્દીન અને નિઝામુદ્દીનના મકબરા આવેલા છે. આ મકબરો રોજા-રોજીના મકબરા તરીકે પણ જાણીતો છે.

છેલ્લાં બે વર્ષથી આ ઐતિહાસિક મકબરાની નજીક એક મૂર્તિની સ્થાપનાની પ્રવૃત્તિ અને પ્રતિબંધિત વિસ્તારમાં કથિત ગેરકાયદેસર દબાણ મુદ્દે વિવિધ મુસ્લિમ સંગઠનો દ્વારા આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા (એએસઆઈ) સહિતની વિવિધ સંસ્થાઓમાં વારંવારની રજૂઆતો પછી પણ કોઈ ઉકેલ ન આવતા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે.

રોજા-રોજી મકબરાની નજીક મૂર્તિની સ્થાપનાની કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.

આ પીઆઈએલને લઈને ગત 17 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

હાઈકોર્ટે આર્કિયોલૉજી સર્વે ઑફ ઇન્ડિયાની અમદાવાદ અને બરોડાની કચેરીઓને નોટિસ આપી છે અને વધુ સુનાવણી 7 ફેબ્રુઆરી 2023એ રાખી છે.

હાઈકોર્ટમાં અરજદારના વકીલ અઝીઝ અલવીની રજૂઆત હતી કે, આ ઐતિહાસિક મકબરા નજીક ગામના લોકો મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા માટે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા હોવાથી સ્ટે આપવામાં આવે.

તો હાઈકોર્ટના જજ બિરેન વૈષ્ણવે આ મુદ્દે સ્ટે આપવાનો ઇનકાર કરતા આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાને નોટિસ પાઠવીને 7 ફેબ્રુઆરી સુધીમાં જવાબ માગ્યો છે.

રોજા-રોજીનો મકબરો

ઇમેજ સ્રોત, Sultan Diwan

ઇમેજ કૅપ્શન, રોજા-રોજીનો મકબરો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મળેલી વિગતો અનુસાર, ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા આ મકબરાને સંરક્ષિત ઇમારત જાહેર કરવામાં આવ્યો છે.

પીઆઈએલની વિગતો અનુસાર, 'ખેડા જિલ્લાના સોજાલી ગામના રેવન્યૂ સર્વે નંબર 204, 210 અને 211માં મુબારક સૈયદનો મકબરો આવેલો છે, જે રોઝા રોઝીની દરગાહના નામે પ્રખ્યાત છે. આ ઇમારતની સારસંભાળની જવાબદારી ભારતીય પુરાતત્ત્વ વિભાગની છે. આ ઇમારતમાં પુરાતત્ત્વ વિભાગની મંજૂરી વિના કોઈ ફેરફાર કરી શકાતા નથી. પરંતુ એએસઆઈની મંજૂરી વિના મકબરાના ખાદીમે બલ્બ લગાવ્યો હતો તેને દૂર કરાયો હતો. જ્યારે બીજી તરફ દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદેસર વીજળીનું જોડાણ લેવામાં આવ્યું છે.'

'નિયમ અનુસાર સંરક્ષિત સ્મારકની 300 મિટરની ત્રિજ્યામાં કોઈ ખોદકામ કે બાંધકામ કરવું સજાપાત્ર ગુનો બને છે. ગત તા. 13 ઑક્ટોબરે કેટલાક દબાણકર્તા દ્વારા બદઈરાદાથી રક્ષિત દીવાલની નજીક ગેરકાયદેસર કબજો જમાવ્યો છે, રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારકની નજીક જેસીબીથી 20થી 25 ફૂટ ખોદકામ કર્યું હતું. તે સમયે પુરાતત્ત્વ વિભાગના અધિકારી પણ ત્યાં હાજર હતા.'

'હાજર કર્મચારીએ ખોદકામ રોકવા અંગે કોઈ પગલાં લીધાં ન હતાં તેમજ ત્યાં મંદિર બાંધી દેવામાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે વીજળીનું જોડાણ પણ લઈ લેવામાં આવ્યું છે. મંદિર પર 30થી 40 ફૂટ ઊંચી ધજા પણ ફરકાવવામાં આવી છે.'

ફરિયાદમાં વધુમાં લખવામાં આવ્યું છે કે 'દરગાહમાં સાંજે લોબાન ધૂપના સમયે દબાણકર્તાઓ દ્વારા ઢોલનગારાં સાથે આરતી કરવામાં આવે છે. આ પ્રવૃત્તિથી ભાઈચારાનું વાતાવરણ ડહોળાઈ રહ્યું છે અને સાંપ્રદાયિક તણાવનો માહોલ સર્જાઈ રહ્યો છે. ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે અલગ સમૂહો અને વ્યક્તિગત ધોરણે એએસઆઈને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે.'

ગ્રે લાઇન

એએસઆઈની કાર્યવાહી

એએસઆઈ

ઇમેજ સ્રોત, Laxmi Patel

દબાણ હટાવવા માટે જમિયતે ઉલેમા-એ-હિંદ સંસ્થા દ્વારા તા. 7 જુલાઈ 2020ના રોજ એએસઆઈને પત્ર લખવામાં આવ્યો હતો.

તેમજ વ્યક્તિગત ધોરણે વકીલ મોહમ્મદ ઇકબાલ જે. શેખ દ્વારા તા. 25 ઑગસ્ટ 2021ના રોજ પત્ર લખવામાં આવ્યો હતો.

આ પત્રોના જવાબમાં આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાની અમદાવાદ ઑફિસ દ્વારા સોજાલી ગામેના એએસઆઈના કર્મચારીને તા. 25 સપ્ટેમ્બર 2021ના રોજ પત્ર લખ્યો હતો.

પત્રમાં લખ્યું હતું કે 'આ સ્મારક સૈયદ મુબારક મકબરો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના અમદાવાદ ઉપમંડલ હેઠળ આવતું રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક છે. તેને જોવા માટે દેશ-વિદેશથી પર્યટકો આવે છે. રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક "સૈયદ મુબારકના મકબરા સોજાલી"ની સાર-સંભાળ તેમજ સફાઈ યોગ્ય રીતે થતા નથી.'

'તેમજ તાજેતરમાં જ ભારતીય પુરાતત્ત્વ વિભાગની મંજૂરી વગર મકબરામાં પ્રતિબંધિત વિસ્તારમાં લોખંડની કૅબિન રાખવામાં આવી છે, આ અંગે વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવે અને કૅબિન હટાવવા અંગે કાર્યવાહી કરવામાં આવે. જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તમારી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.'

ફરિયાદ

ઇમેજ સ્રોત, Laxmi Patel

ગુજરાત હાઈકોર્ટના વકીલ અઝીઝ અલવી બીબીસી સાથે વાત કરતા કહે છે, "એએસઆઈના કર્મચારી દ્વારા ભેદભાવ આચરાઈ રહ્યો છે. મસ્જિદના ખાદીમે બલ્બ લગાવ્યો તો ખાદીમને ફરજ પરથી હટાવવામાં આવ્યા હતા. જ્યારે સ્મારકની દીવાલ પાસે કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ રોકવામાં આવ્યું નથી."

રોજા-રોજીનો મકબરો

ઇમેજ સ્રોત, Sultan Diwan

ઇમેજ કૅપ્શન, રોજા-રોજીનો મકબરો

પિટિશનકર્તા ફૈઝાનખાન પઠાણ બીબીસી સાથે વાત કરતા કહે છે, "સોજાલી ગામનો રોજારોજીનો મકબરો 700 વર્ષ જૂનો છે. આ મકબરો સોજાલી ગામની સર્વે નંબર 204માં આવેલો છે. સ્મારકની દીવાલની બાજુમાં કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા મંદિર બાંધીને પૂજાવિધિ શરૂ કરવામાં આવી છે."

"તેમણે એએસઆઈની મંજૂરી લીધા વગર જ જાળી લગાવી અને લાઇટિંગ પણ કરાયું છે. અહીં સ્પીકર લગાવી દરરોજ આરતી કરવામાં આવી રહી છે."

તેઓ કહે છે, "અમારી માગણી છે કે ત્યાં મૂર્તિ હોય તો એએસઆઈ મંજૂરી આપે પણ અહીં આ સંરક્ષિત સ્મારકને નુકશાન પહોચાડવામાં આવી રહ્યું છે. અહીં ભયનો માહોલ ઊભો કરીને કોમી એકતા તોડવાની સ્થિતિ ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે."

બીબીસી ગુજરાતી

ગ્રામજનો અને પોલીસ શું કહે છે?

મંદિર

ઇમેજ સ્રોત, Sultan Diwan

સોજાલી ગામના સરપંચ પ્રહલાદભાઈ ચૌહાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "રોજારોજીની દરગાહના પાયામાં ખોડીયાર માતાની મૂર્તિ છે. તા. 29 જાન્યુઆરીએ ખોડીયાર જયંતી છે."

તેઓ કહે છે કે દર વર્ષે નવરાત્રીમાં ખોડિયાર માતાજીને પાંચ ધજા ચડાવવામાં આવે છે તેમજ રોજા-રોજીની દરગાહની અંદર માતાજીની માંડવી છે, ત્યાં ચૈત્ર મહિનાની અષ્ટમીના દિવસે પૂજાપાઠ કરવામાં આવે છે."

ગામની કોમી એકતાના સવાલ પર તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " અમારા ગામમાં આ મુદ્દા પર ક્યારેય કોઈ ટેન્શનવાળું વાતાવરણ જોવા મળ્યું નથી. શાંતિથી લોકો હળીમળીને રહે છે."

તો મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.કે. રાઠોડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે સોજાલી ગામમાં સૌ લોકો શાંતિપૂર્વક રહે છે.

"અગાઉ કોઈ વ્યક્તિએ બદઈરાદાથી વીડિયો વાઇરલ કર્યો હતો. જોકે, તેવો કોઈ બનાવ બન્યો ન હતો તેમજ આ પ્રકારની કોઈ ફરિયાદ પણ ક્યારેય દાખલ થયેલી નથી."

જ્યારે આ સમગ્ર વિવાદ અંગે અમદાવાદ સર્કલ એએસઆઈ ઑફિસના કન્ઝર્વેશન ઑફિસર ગૌતમ ચૌહાણને પૂછતાં જણાવ્યું હતું કે, "આ અંગે મારી પાસે કોઈ માહિતી નથી."

રેડ લાઇન
રેડ લાઇન