ગીધની સંખ્યા ઘટવાથી પાંચ લાખ લોકોનાં મોત કેવી રીતે થયાં?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગીધ એક સમયે ભારતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતું અને સર્વવ્યાપક પક્ષી હતું.

સફાઈ કરતા આ પક્ષીઓ ઢોરના મૃતદેહોને શોધતાં અને કચરાના ઢગલાની ઉપર ઊડતાં રહેતાં હતાં. કેટલીક વાર ઍરપૉર્ટ પર ટેક-ઑફ દરમિયાન જેટ એન્જિનમાં ફસાઈને પાઇલટ માટે જોખમ ઊભું કરતાં હતાં.

જોકે, બે દાયકા કરતાં પણ વધુ સમય પહેલાંથી, બીમાર ગાયોની સારવાર માટે વપરાતી દવાને કારણે ભારતમાં ગીધ મરવાં લાગ્યાં હતાં.

સસ્તી, નોન-સ્ટીરોઈડલ દર્દશામક દવા ડાઈક્લોફેનેક ગીધ માટે ઘાતક સાબિત થઈ હતી. તે દવાને કારણે 1990ના દાયકાની મધ્ય સુધીમાં ભારતમાં ગીધની વસ્તી પાંચ કરોડમાંથી ઘટીને લગભગ શૂન્ય થઈ ગઈ હતી.

કિડનીની સમસ્યાથી પીડાતાં પશુઓને આ દવા આપવામાં આવતી હતી. એ પશુઓ મૃત્યુ પામે પછી તેના મૃતદેહનું માંસ ગીધ ખાતાં હતાં.

2006માં ડાયક્લોફેનેકના વેટરનરી ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ પછી કેટલાક વિસ્તારોમાં ગીધની વસ્તી ઘટવાનું પ્રમાણ ઓછું થયું હતું, પરંતુ તેની ઓછામાં ઓછી ત્રણ પ્રજાતિઓને લાંબા ગાળાનું 91થી 98 ટકા નુકસાન થયું હોવાનું સ્ટેટ ઑફ ઇન્ડિયાઝ બર્ડના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

પાંચ લાખ લોકોનાં મોત કેવી રીતે થયાં?

એટલું જ નહીં, અમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશન જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવાયું છે કે આ વજનદાર પક્ષીઓના અજાણતાં થયેલા વિનાશને કારણે જીવલેણ બૅક્ટેરિયા અને ચેપનો ફેલાવો થયો હતો. એ કારણે લગભગ પાંચ વર્ષમાં પાંચ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા.

તે અભ્યાસના સહ-લેખક અને શિકાગો યુનિવર્સિટીની હેરિસ સ્કૂલ ઑફ પબ્લિક પૉલિસી ખાતેના આસિસ્ટંટ પ્રોફેસર ઈયલ ફ્રેન્ક કહે છે, “ગીધને કુદરતની સ્વસ્છતા સેવા માનવામાં આવે છે, કારણ કે બૅક્ટેરિયા અને પેથોજેન્સ ધરાવતા મૃત પ્રાણીઓના આપણા પર્યાવરણમાંથી નિકાલમાં ગીધ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગીધ ન હોય તો રોગચાળો ફેલાઈ શકે છે.”

તેઓ ઉમેરે છે, “માનવ સ્વાસ્થ્યમાં ગીધ જે ભૂમિકા ભજવે છે તે તમામ વન્ય જીવોના રક્ષણના મહત્ત્વને રેખાંકિત કરે છે. આપણા જીવનને અસર કરતા આપણી ઇકૉસિસ્ટમમાંનાં તમામ કામ એ બધાં કરે છે.”

જ્યાં પશુઓ વધુ હતાં ત્યાં વધુ અસર થઈ

ઈયલ ફ્રેન્ક અને તેમના સહ-લેખક અનંત સુદર્શને ઐતિહાસિક રીતે ગીધની ઓછી વસ્તી ધરાવતા અને ગીધની વધુ વસ્તી ધરાવતા ભારતીય જિલ્લાઓની સરખામણી ગીધના પતન પહેલાં અને પછી કરી હતી.

તેમણે હડકવાની રસીના વેચાણ, જંગલી કૂતરાંની સંખ્યા અને પાણી પુરવઠામાં પેથોજેનના સ્તરની તપાસ પણ કરી હતી.

તેમને જાણવા મળ્યું હતું કે ઍન્ટી-ઇન્ફ્લેમેટરી દવાનું વેચાણ વધ્યું અને ગીધની વસ્તીમાં ઘટાડો થયો તેની સાથે, જે જિલ્લાઓમાં એક સમયે ગીધની સારી એવી વસ્તી હતી તે જિલ્લાઓમાં માનવમૃત્યુના દરમાં ચારથી વધુ ટકાનો વધારો થયો હતો.

સંશોધકોને એ પણ જાણવા મળ્યું હતું કે મોટા પ્રમાણમાં પશુધન ધરાવતા શહેરી વિસ્તારોમાં ગીધની સંખ્યા ઘટવાની અસર સૌથી વધારે થઈ હતી.

લેખકોનો અંદાજ છે કે વર્ષ 2000 અને 2005ની વચ્ચે ગીધની વસ્તી ઘટવાને કારણે દર વર્ષે આશરે વધારાના એક લાખ માનવમૃત્યુ થયાં હતાં. તેના પરિણામે મૃત્યુદરમાં પ્રતિ વર્ષ 69 અબજ ડૉલરથી વધુનું નુકસાન થયું હતું અથવા અકાળ મૃત્યુ સાથે સંકળાયેલો આર્થિક ખર્ચ વધ્યો હતો.

આ લોકો બીમારી તથા બૅક્ટેરિયા ફેલાવાને કારણે મૃત્યુ પામ્યા હતા. ગીધની વસ્તી પૂરતા પ્રમાણમાં હોત તો તેમણે તે બૅક્ટેરિયા પર્યાવરણમાંથી સાફ કરી નાખ્યા હોત.

દાખલા તરીકે, ગીધ વિના રખડતાં કૂતરાંની વસ્તીમાં વધારો થયો. તેનાથી મનુષ્યોમાં રેબીઝ ફેલાયો. એ સમયે રેબીઝ વૅક્સિનનું વેચાણ વધ્યું, પરંતુ તે અપૂરતી હતી.

કઈ પ્રજાતિના નષ્ટ થવાથી માનવ પર અસર થાય?

ગીધની માફક રખડતાં કૂતરાં પશુઓના સડેલા અવશેષો સાફ કરવા સક્ષમ ન હતાં. તેના તથા નિકાલની કંગાળ વ્યવસ્થાને કારણે બૅક્ટેરિયા અને પેથોજેન્સ પીવાના પાણીમાં ફેલાયા હતા. પાણીમાં મળના બૅક્ટેરિયાનું પ્રમાણ બમણા કરતાં પણ વધુ થઈ ગયું.

વોરવિક યુનિવર્સિટીના ઍસોસિએટ પ્રોફેસર અને આ અભ્યાસના સહ-લેખક સુદર્શન કહે છે, “ભારતમાં ગીધોની સંખ્યામાં ઘટાડો, કોઈ પ્રજાતિના ખતમ થવાથી માણસે કેવાં અણધાર્યાં અને પલટાવી ન શકાય તેવાં નુકસાનનો સામનો કરવો પડે છે, તેનું સ્પષ્ટ ઉદાહરણ છે.”

તેઓ ઉમેરે છે, “આ કિસ્સામાં નવા કેમિકલ્સને દોષી ઠેરવવામાં આવ્યાં છે, પરંતુ વન્ય જીવોના આવાસનાં નુકસાન, વન્ય જીવ વ્યાપાર અને હવે જળવાયુ પરિવર્તન જેવી અન્ય માનવીય ગતિવિધિની અસર પ્રાણીઓ પર થાય છે અને પછી આપણા પર થાય છે. આ નુકસાનને સમજવું અને આ મહત્ત્વની પ્રજાતિઓના સંરક્ષણ માટે સંસાધનોની ફાળવણી તેમજ નિયમન કરવું બહુ જરૂરી છે.”

ભારતમાંની ગીધની પ્રજાતિઓમાં સફેદ પૂંછડીવાળાં ગીધ, ભારતીય ગીધ અને લાલ માથાવાળાં ગીધની વસ્તીમાં 2000ના દાયકાની શરૂઆતથી સૌથી વધુ નોંધપાત્ર દીર્ઘકાલીન ઘટાડો થયો છે. તેની વસ્તીમાં ક્રમશઃ 98 ટકા, 95 ટકા અને 91 ટકા ઘટાડો થયો છે.

ઇજિપ્તનાં ગીધ અને માઈગ્રેટરી ગ્રિફોન ગીધની વસ્તીમાં વિનાશકારી ઘટાડો થયો છે, પરંતુ એ વધારે વિનાશકારી નથી.

શોધકો અનુસાર, ભારતમાં 2019ની પશુધન ગણતરીમાં 50 કરોડથી વધુ જાનવરની નોંધ થઈ હતી, જે વિશ્વમાં સૌથી વધારે છે. તેમાં ગીધ સૌથી વધુ કુશળ ગંદકી સાફ કરતું પક્ષી છે અને પશુઓનાં મડદાંનો ઝડપથી સફાયો કરવા માટે ખેડૂતો તેના પર ઐતિહાસિક રીતે સૌથી વધુ ભરોસો કરતા રહ્યા હતા.

સંશોધકોના જણાવ્યા અનુસાર, ભારતમાં ગીધોની સંખ્યામાં થયેલો ઘટાડો કોઈ પણ પક્ષી પ્રજાતિ માટે અત્યાર સુધીમાં થયેલો સૌથી ઝડપી અને અમેરિકામાં કબૂતર લુપ્ત થયાં બાદનો સૌથી મોટો ઘટાડો છે.

ગીધ પાછાં આવશે?

સ્ટેટ ઑફ ઇન્ડિયન બર્ડ્ઝ રિપોર્ટ અનુસાર, ભારતમાં બચેલાં ગીધની વસ્તી હવે સંરક્ષિત ક્ષેત્રોની આસપાસ કેન્દ્રિત છે, જ્યાં તેમના આહારમાં દૂષિત પશુઓની સરખામણીએ મૃત વન્ય જીવો વધારે છે. સતત થઈ રહેલો આ ઘટાડો “ગીધો પરના ખતરાનો સંકેત આપે છે. ગીધની સંખ્યામાં ઘટાડાની માનવ કલ્યાણ પર નકારાત્મક અસર થઈ હોવાથી તે ખાસ કરીને ચિંતાનો વિષય છે.”

નિષ્ણાતો ચેતવણી આપે છે કે પશુ ચિકિત્સાની દવાઓ આજે પણ ગીધો માટે એક મોટો ખતરો છે. પશુઓના મૃતદેહોની ઘટતી ઉપલબ્ધતા, તેમને દફનાવવાનું વધતું ચલણ અને જંગલી કૂતરાં સાથેની તેમની સ્પર્ધાને કારણે સમસ્યા વકરી છે. ખાણ અને ખોદકામ ગીધની કેટલીક પ્રજાતિઓના માળા માટે વિક્ષેપ સર્જી શકે છે.

ગીધ પાછાં આવશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે, પરંતુ કેટલાક આશાજનક સંકેતો જરૂર મળે છે.

ગયા વર્ષે 20 ગીધને પાંજરામાં પાળવામાં આવ્યાં હતાં અને તેમના પર સેટેલાઈટ ટેગ્સ લગાવવામાં આવ્યાં હતાં અને તેમને પશ્ચિમ બંગાળના વાઘ અભયારણ્યમાં છોડી મૂકવામાં આવ્યાં હતાં.

તાજેતરમાં દક્ષિણ ભારતમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં 300થી વધુ ગીધની નોંધણી થઈ હતી, પરંતુ આ દિશામાં વધારે પગલાં લેવાં જરૂરી છે.