You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાથરસ : 'ભોલે બાબા'ના ચરણોની ધૂળ લેવાને કારણે થઈ નાસભાગ, શ્રદ્ધાળુઓએ શું કહ્યું? – ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, હાથરસથી
ઍમ્બુલન્સની લાઇન, બસોમાંથી ઝડપથી ઉતરતા એસડીઆરએફના જવાનો, છૂટી ગયેલા પગરખાંનો ઢગલો, લાઇવ ટીવી રિપોર્ટિંગ કરતા ટીવી મીડિયાના પત્રકારો અને સ્વજનોને શોધતા લોકો.
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકન્દ્રારાઉ કસબાની નજીક સત્સંગ કાર્યક્રમમાં થયેલી નાસભાગનાં દૃશ્યો આ ઘટનાની સંપૂર્ણ કહાણી કહેવા માટે પૂરતા નથી.
ઉત્તર પ્રદેશના પ્રમુખ સચિવ મનોજકુમારે બે જુલાઈની મોડી સાંજે આ ઘટનામાં ઓછામાં ઓછા 116 લોકોનાં મોતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે એફઆઈઆર દાખલ કરવામાં આવશે અને આ ઘટનાની સંપૂર્ણ તપાસ થશે. આ ઘટનામાં જેમનાં મોત થયાં છે તેમાં મહિલાઓની સંખ્યા વધારે છે.
આ સત્સંગનાં આયોજનોની તૈયારી કેટલાક દિવસોથી ચાલી રહી હતી. તંબૂને લગાડવામાં આઠ દિવસનો સમય લાગ્યો હતો.
આયોજનકર્તાઓએ પરવાનગી માંગીને વહીવટી તંત્રને જણાવ્યું હતું કે લગભગ 80 હજાર લોકો સત્સંગમાં ભાગ લેશે. જોકે, આ સત્સંગમાં પહોંચનાર લોકોની સંખ્યા ખૂબ જ વધારે હતી.
પ્રત્યક્ષદર્શીઓ અને ભક્તો મુજબ, સત્સંગ પૂર્ણ થયા પછી ત્યાં આવેલા શ્રદ્ધાળુઓમાં બાબાના ચરણોની ધૂળ એકઠી કરવા માટે હોડ લાગી અને તેને કારણે જ આ નાસભાગ થઈ.
શ્રદ્ધાળુઓ ફરી ક્યારેય ઊઠી ન શક્યા
આયોજન સ્થળ અલીગઢથી એટા સાથે જોડતો નેશનલ હાઇવે 34 પર આવેલા સિકન્દ્રારાઉ કસબામાં લગભગ ચાર કિલોમીટર દૂર ફુલરાઈ ગામમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં સેંકડો વીઘા જમીન પર તંબૂઓ લગાડવામાં આવ્યા હતા, જેને ઉતાવળમાં ઉખાડવામાં આવી રહ્યા છે.
મોટાભાગનાં લોકોનું મોત આયોજન સ્થળ પર હાઇવેની પાસે થયું હતું. વરસાદને કારણે હાઇવેનો આ ઢોળાવ લપસણો છે.
પ્રત્યક્ષદર્શીઓએ આપેલી માહિતી પ્રમાણે, જે લોકો પડ્યા તે ઊઠી ન શક્યા. દિવસે થયેલાં વરસાદને કારણે માટી ભીની અને લપસણી હતી. આ કારણે સ્થિતિ મુશ્કેલ બની હતી.
નારાયણ સાકાર વિશ્વ હરિ ઉર્ફ ‘ભોલે બાબા’ના નીકળવા માટે અલગ રસ્તો બનાવવામાં આવ્યો હતો. ઘણી મહિલાઓ બાબાના નજીકથી દર્શન કરવા માટે ઊભી હતી.
સત્સંગ પૂરો થતાની સાથે જ હાઇવે પર ભીડ વધી ગઈ હતી. નારાયણ સાકાર જ્યારે પોતાના વાહન તરફ જઈ રહ્યાં હતાં ત્યારે જ નાસભાગ થઈ.
નારાયણ સાકારના ભક્તો જ્યારે નાસભાગમાં ફસાયા હતા ત્યારે તેઓ ત્યાં રોકાયા વગર ચાલી નીકળ્યા. આ ઘટના પછી બાબા કે તેમના સત્સંગ સાથે જોડાયેલા લોકો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ભક્તોની શ્રદ્ધા
ઉત્તર પ્રદેશનાં બહરાઇચ જીલ્લાથી આવેલાં ગોમતી દેવીના ગળામાં નારાયણ સરકારની તસવીરવાળું લૉકેટ છે. તેમણે આ લૉકેટ સંપૂર્ણ આસ્થા સાથે પહેર્યું છે.
તેઓ જે બસમાં આવ્યા હતાં, તેમાંથી બે લોકો ખોવાઈ ગયા છે. આ દુર્ઘટના પછી પણ ગોમતી દેવીના મનમાં નારાયણ સાકાર પ્રત્યે જે શ્રદ્ધા છે, તેમાં કોઇ ઘટાડો થયો નથી.
કેટલાક કલાકોની શોધખોળ પછી પણ લોકોને શોધવામાં સફળતા ન મળતા બહરાઇચથી આવેલી બસ બાકીના શ્રદ્ધાળુઓને લઇને પાછી ફરી હતી.
આ શ્રદ્ધાળુઓનો નારાયણ સાકાર પર વિશ્વાસ આ ગંભીર દુર્ઘટના પછી પણ ઓછો થયો નથી.
ગોમતી દેવી લગભગ ચાર વર્ષ પહેલાં બાબાના સત્સંગિઓના સંપર્કમાં આવ્યાં હતાં. તેમણે ગળામાં લટકતી નારાયણ સાકારની તસવીરવાળી માળા દેખાડતાં દાવો કર્યો, “આ માળાને ગળામાં પહેરવાથી લાભ મળે છે, શાંતિ મળે છે, રોગો મટે છે, ઘરમાં ઝઘડાઓ થતા નથી અને રોજગારી મળે છે.”
બહરાઇચથી જ આવેલા દિનેશ યાદવે કહ્યું, “અમારી તરફના લોકો બાબાની છબી રાખીને પૂજા કરે છે. તેમણે જોઇને અમે પણ પૂજા કરવા લાગ્યા. અમે એક વર્ષથી આ સંગતમાં છીએ. અમને હજું કોઈ અનુભવ થયો નથી. જોકે, પરમાત્મા (બાબા) પર અમને વિશ્વાસ છે. જે માનતા માનીએ છીએ તે પૂરી કરે છે.”
દિનેશ આ દુર્ધટના માટે નારાયણ સાકારને જવાબદાર માનતા નથી.
નાસભાગ પછીની પરિસ્થિતિ
નાસભાગ લગભગ દિવસે અઢી વાગ્યાની આસપાસ થઈ હતી. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલીક ધોરણે સિકન્દ્રારાઉ સીએચસી લઈ જવામાં આવ્યા હતા. આ સીએચસી પર પહોંચનારા પત્રકારો જણાવે છે કે સીએચસીના ટ્રૉમા સેન્ટરના ફળિયામાં મૃતદેહો પડ્યા હતા.
હાથરસમાં એક દાયકાથી વધારે સમયથી પત્રકારિતા કરી રહેલા બીએન શર્માએ જણાવ્યું, “હું અહીં ચાર વાગ્યે પહોંચ્યો હતો. દરેક જગ્યાએ મૃતદેહો પડ્યા હતા. એક છોકરીના શ્વાસ ચાલી રહ્યા હતા. જોકે, તેમને સારવાર ન મળી અને મારી સામે જ તેઓ મૃત્યુ પામ્યાં.”
સીએચસી સિકન્દ્રારાઉની સૌથી મોટી હૉસ્પિટલ છે, પરંતુ આ હૉસ્પિટલની ક્ષમતા એકસાથે આટલી મોટી સંખ્યામાં ઇજાગ્રસ્તોની સારવાર માટે પૂરતી નથી.
આ દુર્ઘટના વિશે શરૂઆતી જાણકારીમાં 10-15 લોકો ઇજાગ્રસ્ત થયા તેવા સમાચાર હતા. વહીવટી તંત્રના અધિકારીઓ પણ લગભગ ચાર વાગ્યે હૉસ્પિટલ પહોંચ્યા હતા.
હાથરસના પોલીસ અધિકારી નિપુણ અગ્રવાલે સાંજે છ વાગ્યે બીબીસી સાથેની વાતચીતમાં 60 લોકોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ દરેક કલાકે મરનાર લોકોની સંખ્યામાં વધારો થયો હતો.
વહીવટી તંત્ર દ્વારા મૃતદેહોને નજીકના જિલ્લા એટા, કાસગંજ, આગરા અને અલીગઢ મોકલવામાં આવ્યાં હતાં. આ કારણે જે લોકોના સંબંધીઓ ખોવાઈ ગયા છે તેમના માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી.
સંબંધીઓને શોધતા લોકો
મથુરાના રહેવાસી અને ગુરૂગ્રામમાં પ્લબંરનું કામ કરતા વિપુલ પોતાની માતાને શોધવા માટે કેટલાક મિત્રોની સાથે ભાડે ટૅક્સી કરીને લગભગ રાત્રે 11 વાગ્યે સિકન્દ્રારાઉ પહોંચ્યા.
તેમણે હેલ્પલાઇન નંબરો, કન્ટ્રોલ સેન્ટર અને હૉસ્પિટલોમાં ફોન કર્યો. જોકે, તેમને પોતાની માતા વિશે કોઈ જાણકારી મળી નહીં.
વિપુલ હાથરસની જિલ્લા હૉસ્પિટલ પહોંચ્યા જ્યાં લગભગ 30 મૃતદેહો પહોંચાડવામાં આવ્યાં હતાં. જોકે, વિપુલને પોતાનાં માતા ન મળ્યા.
તેઓ રાત્રે લગભગ બે વાગ્યે અલીગઢના જેએન મેડિકલ કૉલેજ પહોંચ્યા અને પોતાનાં માતા વિશે તપાસ કરી હતી.
વિપુલે જણાવ્યું, “મારાં માતા સોમવતી લગભગ એક દાયકાથી બાબાના સત્સંગ સાથે જોડાયેલાં હતાં. તેમને બાબામાંં ખૂબ જ આસ્થા હતી. મારાં માતાની સાથે આવેલી અન્ય મહિલાઓએ જ્યારે જણાવ્યું કે તેઓ ખોવાઈ ગયા છે તો હું તરત જ ગુરૂગ્રામથી અહીં આવ્યો.”
અલગ-અલગ જિલ્લાઓમાંથી આવેલા કેટલાક બીજા લોકો પણ પોતાના પરિવારના સભ્યોની શોધખોળ કરી રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના કાસગંજથી આવેલાં શિવમ કુમારનાં માતા પણ મળી રહ્યા નથી. શિવમ જ્યારે સીએસસી પહોંચ્યા ત્યારે સીએચસીથી બધા જ મૃતદેહોને બીજી હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં. તેઓ પોતાનાં માતાનું આધાર કાર્ડ લઈને ભટકી રહ્યા છે.
અલીગઢથી આવેલા બંટી પાસે સીએચસીની બહારની એક તસવીર હતી, જેમાં તેમનાં માતા મૌહરી દેવી કેટલાંક મહિલાઓ સાથે સીએચસીની બહાર પડ્યાં હતાં. બંટીએ મીડિયામાં આવેલા એક વીડિયો થકી પોતાનાં માતાને ઓળખ્યા હતા.
બંટી જાણે છે કે તેમનાં વૃધ્ધ માતા હવે આ દુનિયામાં રહ્યાં નથી. તેઓ બસ પોતાના માતાનાં મૃતદેહને શોધવા માંગે છે.
બંટીએ કહ્યું, “હું સીધો અહીં જ આવ્યો હતો. સમજ નથી પડતી કે કાસગંજ જવું, એટા જવું, અલીગઢ જવું કે હાથરસ.”
બંટી કન્ટ્રોલ સેન્ટરના કેટલાક નંબરો પર કૉલ કરે છે, પરંતુ કોઈ ચોક્કસ જાણકારી મળતી નથી. એક ઑપરેટર તેમને બધી જ હૉસ્પિટલમાં જઈને તપાસ કરવાની સલાહ આપે છે.
ઓળખાણ કેવી રીતે કરવી?
આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખાણ રાત્રે 12 વાગ્યા સુધી પણ થઈ ન શકી. જે લોકોની ઓળખાણ થઈ છે તેના વિશે વહીવટી તંત્રએ એક યાદી બહાર પાડી છે. જોકે, પરિવાર માટે પોતાના ખોવાયેલા સભ્યોને શોધવા એક મોટો પડકાર છે.
નારાયણ સાકારના સત્સંગમાં આવનારા મોટાભાગના લોકો આર્થિક રીતે નબળા અને પછાત જ્ઞાતીના છે. એકબીજા સાથે સંપર્કમાં આવવાને કારણે તેઓ બીજા સત્સંગીઓની નજીક અનુભવે છે. તેઓ જીવનમાં આવી રહેલી તકલીફોના નિરાકરણ માટે નારાયણ સાકારની મદદ લે છે.
સ્થાનીક પત્રકાઓની માહિતી પ્રમાણે, નારાયણ સાકારે હાથરસમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત સત્સંગ કર્યો હતો અને દરેક વખતે છેલ્લી વખત કરતા વધારે મેદની હતી. આ વાત દર્શાવે છે કે તેમના સત્સંગ સાથે જોડાતા લોકોની સંખ્યા સતત વધી રહી હતી.
પત્રકાર બીએન શર્માએ જણાવ્યું, “બાબાના સત્સંગમાં મીડિયાની એન્ટ્રી ન થતી અને વીડિયો બનાવવાની પણ મનાઈ હતી. બાબા મીડિયામાં પણ વધારે પ્રચાર કરતા ન હતા.”
બીએન શર્માએ ઘણી વખત બાબાના સત્સંગને બહારથી જોયો હતો. તેમના મત પ્રમાણે સત્સંગી ખૂબ જ શિસ્તબદ્ધ હોય છે. સત્સંગ સ્થળની સાફસફાઈ પોતે જ કરે છે અને બાકી જવાબદારીઓ પણ જાતે જ સંભાળે છે. મેદનીની વ્યવસ્થાથી લઇને ટ્રાફિક વ્યવસ્થા જેવા બધા જ કામોની જવાબદારી સત્સંગીઓની હોય છે.
નારાયણ સાકારની સુરક્ષામાં ભક્તોની મોટી ટીમ હોય છે, જે તેમની આસપાસ ચાલે છે. આ કારણે નારાયણ સાકારની નજીક પહોંચવું અત્યંત મુશ્કેલ છે.
બાબા જે પાણીથી પોતાના પગ અને શરીરને સાફ કરે છે તેને ચરણામૃત કહેવામાં આવે છે. સત્સંગ દરમિયાન ભક્તોને આ ચરણામૃત લેવાની હોડ હોય છે.
બીએન શર્માએ કહ્યું, “ભક્તો બાબાના ચરણોની ધૂળને આશીર્વાદ સમજે છે અને બાબા જ્યાંથી નીકળે છે ત્યાંની માટીને ઊઠાવીને લઈ જાય છે. મંગળવારે જ્યારે નાસભાગ થઈ ત્યારે ઘણી મહિલાઓ આ ધૂળને ઊઠાવવા માટે હોડ લગાવી રહી હતી. આ જ કારણે જ્યારે નાસભાગ થઈ ત્યારે ઘણી મહિલાઓ પડી જવા પામી જેમને ફરી ઊઠવાનો મોકો જ ન મળ્યો.”