ઈરાન - ઇઝરાયલ વચ્ચે સંઘર્ષનાં એંધાણ : ભારત સહિતના દેશોએ ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી

    • લેેખક, ક્રિસ્ટી કૂની
    • પદ, બીબીસી સંવાદદાતા

સીરીયામાં ઈરાનની એલચીકચેરી પર હુમલો થયા બાદ તહેરાને કરેલી વળતી કાર્યવાહીની આશંકાઓને જોતા ભારત, અમેરિકા અને અન્ય કેટલાક યુરોપીયન દેશોએ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ ઍડ્વાઇઝરી જાહેર કરી છે.

ભારતે પોતાના નાગરિકોને કહ્યું છે કે તેઓ બીજી સૂચના જારી કરવામાં આવે ત્યાં સુધી ઈરાન અથવા ઇઝરાયલની મુસાફરી ન કરે.

આ મામલે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, “આ ક્ષેત્રમાં વર્તમાન સ્થિતિને જોતાં, તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વધુ સૂચના ન મળે ત્યાં સુધી ઈરાન અથવા ઇઝરાયલની સફર ન કરે.”

“જે લોકો પહેલાથી જ ઈરાન અથવા ઇઝરાયલમાં રહે છે, તેમને નિવેદન છે કે તેઓ ત્યાં ભારતીય એલચીકચેરીનો સંપર્ક કરે અને પોતાની નોંધણી કરાવે. આ બન્ને દેશોમાં રહેનારાઓને આગ્રહ કરવામાં આવે છે કે તેઓ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે અને ઓછામાં ઓછું બહાર નીકળે.”

ઇઝરાયલસ્થિત ભારતીય એલચીકચેરીએ પણ ત્યાં રહેનારા ભારતીયો માટે જાહેર કરેલી ઍડવાઇઝરીમાં લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

અમેરિકાએ પણ ઇઝરાયલમાં રહેનારા પોતાના રાજદૂતોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાની એલચીકચેરીએ કહ્યું છે કે તેમણે ઇઝરાયલમાં કાર્યરત્ તેમની વિદેશ સેવાના કર્મચારીઓને જેરૂસલેમ, તેલ અવીવ અથવા બીરશેબાના વિસ્તારોની બહાર સાવચેતીના પગલાંરૂપે મુસાફરી ન કરવાનું જણાવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આશંકા વ્યક્ત કરી છે કે ઈરાન ઇઝરાયલ પર હુમલો કરી શકે છે.

જોકે બાઇડને ઈરાનને આવું ન કરવાની સલાહ આપી છે. બાઇડને આશંકા વ્યક્ત કરી હતી કે ઈરાન સીરિયામાં પોતાના દૂતાવાસ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલો કરી શકે છે.

ઇઝરાયલ પર ઈરાનના હુમલાના સવાલ પર શુક્રવારે બાઇડને કહ્યું કે, ''આવું ન કરો.''

બાઇડને સ્પષ્ટ કર્યું કે અમેરિકા ઇઝરાયલનો સાથ આપશે.

તેમણે કહ્યું કે, ''અમે ઇઝરાયલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ, અમે ઇઝરાયલનો સાથ આપીશું, અમે ઇઝરાયલની સુરક્ષા કરીશું અને ઈરાનને સફળ નહીં થવા દઈએ. ''

તારીખ પહેલી એપ્રિલે ઈરાનના સીરિયા ખાતેના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો થયો હતો જેમાં 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ હુમલામાં ઈરાનની ઍલીટ ક્વૉડ્સ ફોર્સના શીર્ષ કમાંડર અને તેમના ડેપ્યુટીનું પણ મૃત્યુ થયું હતું.

અમેરિકાએ શું કહ્યું?

પહેલી એપ્રિલએ ઈરાને સીરિયાની રાજધાની દમાસ્કસમાં એના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યો છે અને વળતા હુમલાની ચેતવણી આપી છે.

આ હુમલામાં એક વરિષ્ઠ ઈરાની કમાન્ડર સહિત 13 લોકોનાં મૃત્યુ થયાં હતા. બે અમેરિકન અધિકારીઓએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું છે કે ઈરાન ટૂંક સમયમાં વળતો હુમલો કરી શકે છે.

એક અમેરિકન અધિકારીએ દાવો કર્યો છે કે તેમની પાસે જે ગુપ્ત માહિતી છે તે પ્રમાણે ઈરાનના સંભવિત હુમલામાં 100થી પણ વધુ ડ્રોન, મોટી સંખ્યામાં ક્રુઝ મિસાઇલો અને શક્ય છે કે બૅલેસ્ટિક મિસાઇલોનો પણ ઉપયોગ થઈ શકે છે.

અમેરિકન અધિકારી અનુસાર આ શસ્ત્રોનો ઉપયોગ ઇઝરાયલમાં સૈન્ય ચોકીઓને નિશાન બનાવવા માટે થઈ શકે છે.

હમાસ અને હિઝબુલ્લાહ

પહેલી એપ્રિલે દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલા માટે ઇઝરાયલે જવાબદારી સ્વીકારી નથી. જોકે આ હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

એવું માનવામાં આવે છે કે ગાઝામાં ઇઝરાયલ સામે લડત ચલાવી રહેલાં સશસ્ત્ર પેલેસ્ટાઇન સમૂહ હમાસનું ઈરાન સમર્થન કરે છે.

ગાઝામાં હમાસ અને લેબનાનમાં હિઝબુલ્લાની જેમ સમગ્ર વિસ્તારમાં સક્રિય જુદાંજુદાં સશસ્ત્ર દળો ઇઝરાયલની સૈન્ય ચોકીઓ પણ છાસવારે હુમલા કરતાં રહે છે.

દમાસ્કસમાં એના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલામાં જે લોકોનાં મૃત્યુ થયાં હતા તેમાં ઈરાનની ઍલિટ ક્વૉડ્સ ફૉર્સના એક વરિષ્ઠ અધિકારી સહિત કેટલાક બીજા સેન્ય અધિકારીઓ પણ સામેલ હતા.

આ હુમલો એવા સમયમાં થયો છે જ્યારે ગાઝામાં ચાલતો યુદ્ધ સમગ્ર વિસ્તારમાં ન પ્રસરે તે માટે વૈશ્વિક રાજકીય પ્રયાસો ચાલી રહ્યાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બુધવારે ચેતવણી આપી હતી કે ઈરાન એક મોટા હુમલાની તૈયારી કરવાની ધમકી આપી રહ્યું છે. સાથે જ તેમણે કોઈ પણ રીતે ઇઝરાયલ સાથે ઊભા રહેવાની પોતાની પ્રતિબદ્ધતા પણ જણાવી હતી.

અમેરિકાના અધિકારીનો ઇઝરાયલ પ્રવાસ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું છે કે તેમની સરકાર કોઈપણ સુરક્ષા પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

નેતન્યાહુએ એવી પણ ચેતવણી આપી છે કે ઇઝરાયલને નુકસાન પહોંચાડનારને સખત જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે તેમની સરકાર ઇઝરાયલની તમામ સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર છે.

મધ્ય પૂર્વમાં અમેરિકન ઑપરેશનોની જવાબદારી સંભાળતા કમાન્ડર ઍરિક કરેલાએ સુરક્ષા જોખમો અંગે ચર્ચા કરવા માટે થોડા દિવસો પહેલાં ઇઝરાયલની મુલાકાત લીધી હતી.

પૅન્ટાગોને કહ્યું છે કે કમાન્ડર ઍરિકની ઇઝરાયલ યાત્રાનો કાર્યક્રમ પહેલાથી નક્કી હતો, પરંતુ હાલના ઘટનાક્રમને જોતાં તેને ફરીથી ગોઠવીને નિર્ધારિત સમય પહેલાં ખસેડવામાં આવી હતી.

બ્રિટેને ઈરાનના વિદેશ મંત્રીને ફોન કર્યો

બીજી બાજુ બ્રિટનના વિદેશમંત્રી ડેવિડ કૅમરૂને ઈરાનના વિદેશ મંત્રી હોસેન અમીર અબદુલ્લાહિયન સાથે ફોન પર વાત કરી હતી અને વિસ્તારમાં ઘર્ષણ ઓછા કરવા પર ભાર મૂક્યો હતો.

ડેવિડ કૅમરૂને જણાવ્યું કે બ્રિટને સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાને મધ્ય પૂર્વને મોટા પાયે સંઘર્ષમાં જતા બચાવવો જોઈએ. કૅમરૂને કહ્યું કે સ્થિતિનું યોગ્ય રીતે મૂલ્યાંકન ન કરવાથી હિંસા વધી શકે છે.

અમેરિકાના વિદેશમંત્રી ઍન્ટની બ્લિંકને ચીન, સાઉદી અરેબિયા અને તુર્કીના વિદેશ મંત્રીઓ સાથે વાત કરીને જણાવ્યું છે કે વધુ તણાવ કોઈના હિતમાં નથી.

અમેરિકન વિદેશમંત્રી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ ચીને મધ્ય પૂર્વમાં 'રચનાત્મક ભૂમિકા' ભજવવા માટે અમેરિકાને વિનંતી કરી છે.

દમાસ્કસમાં ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા હુમલાની ચીને નિંદા કરી છે.

ફ્રાન્સે પણ લગાવી રોક

ફ્રાન્સના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર નિવેદન બહાર પાડીને પોતાના નાગરિકોને આવનારા દિવસોમાં ઈરાન, લેબેનાન, ઇઝરાયલ અને પેલેસ્ટિનિયન પ્રદેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

ઈરાનમાં કાર્યરત્ રાજદ્વારીઓના સંબંધીઓને ફ્રાન્સ પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. ફ્રાન્સના રાજદ્વારીઓ ઉપર આ દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)