ઓડિશા ટ્રેન દુર્ઘટના : 187 મૃતકોની ઓળખ હજુ સુધી કેમ થઈ શકતી નથી?

ઓડિશા, કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટના

ઇમેજ સ્રોત, DREES MOHAMMED/EPA-EFE/REX/SHUTTERSTOCK

ઓડિશાના બાલાસોર જિલ્લા પાસે શુક્રવારે સાંજે આશરે સાત વાગ્યે ભયાનક ટ્રેન દુર્ઘટના સર્જાઈ. ઘટનાસ્થળે રેસ્ક્યૂ ઑપરેશન પૂર્ણ થઈ ગયું છે. ઘાયલોની અલગઅલગ હૉસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સાથે જ રેલવે ટ્રૅકને રિસ્ટોર કરવાની કામગીરી પણ ચાલુ છે.

આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 288 સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ઓડિશાના ચીફ સૅક્રેટરી પ્રદીપ જેનાએ સ્પષ્ટતા કરી હતી કે મૃત્યુઆંક 275 છે.

દુર્ઘટનાથી અંદાજે એક હજાર લોકો ઘાયલ છે અને કેટલાકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

પરંતુ મહત્ત્વની વાત એ છે કે મૃતક 275માંથી અત્યાર સુધીમાં 187 લોકોની ઓળખ થઈ શકી નથી. આથી સવાલ એ થાય કે એ લોકોના પરિજનોને સહાય કેવી રીતે મળશે?

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે હજારથી વધુ ઘાયલોની ભુવનેશ્વરથી લઈને બાલાસોર, ભદ્રક અને કટકની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તેમણે કહ્યું કે સરકારે લોકોને સહાય આપવાની જવાબદારી દીધી છે અને એના માટે હેલ્પ ડેસ્ક પર ચાલુ કરવામાં આવ્યું છે.

ચીફ સેક્રેટરી પ્રદીપ જેનાએ કહ્યું કે "અમારા માટે આ મોટો પડકાર છે. 187 મૃતકોની ઓળખ થઈ શકી નથી. ત્રણ સરકારી વેબસાઇટ પર મૃતકોની તસવીર અપલોડ કરાઈ રહી છે. જરૂર પડ્યે મૃતકોના ડીએનએ ટેસ્ટ કરાશે. આમાંથી 170 મૃતદેહો ભુવનેશ્વર પહોંચી ગયા છે. બાકીના 17 મૃતદેહોને બાલાસોરથી ભુવનેશ્વર લવાઈ રહ્યા છે."

"મૃતકોનું સન્માન રાખીને મૃતદેહોને ટ્રાન્સફર કરવામાં ટ્રક કે ટ્રેનનો ઉપયોગ કરાયો નથી. એક એમ્બ્યુલન્સમાં બે મૃતદેહો રાખીને ભુવનેશ્વર મોકલ્યા છે. કુલ 85 એમ્બ્યુલન્સનો ઉપયોગ ડેડબૉડી માટે થયો છે."

તો હાલમાં સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો વાઇરલ થઈ રહી છે, જેમાં ઘટનાસ્થળ પર મોજૂદ લોકો મૃતદેહોને અસન્માનજનક રીતે ગાડીઓમાં રાખી રહ્યા છે.

બીબીસી ગુજરાતી

મૃતદેહોની ઓળખ કેવી રીતે થશે?

મૃતકોની ઓળખ માટેની વેબસાઇટ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અસરગ્રસ્ત પરિવારોને મદદ માટે ભુવનેશ્વરના સત્યનગરસ્થિત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં એક કંટ્રોલ રૂમ બનાવાયો છે.

મૃતદેહોની ઓળખ માટે રાજ્ય સરકારે એક યાદી બનાવી છે જે તસવીરો સાથે ત્રણ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.

મૃતદેહોની ઓળખ કરવા માટે વહીવટીતંત્રે પરિજનોને ભુવનેશ્વર મ્યુનિસિપલ કૉર્પોરેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ માટે ટોલ ફ્રી નંબર પણ જારી કરવામાં આવ્યો છે.

ટોલ ફ્રી નંબર પર કૉલ કરીને પીડિત પરિવાર અકસ્માતથી પ્રભાવિત પોતાના લોકો વિશે માહિતી મેળવી શકે છે.

આ ત્રણેય વેબસાઈટ પર સારવાર લઈ રહેલા લોકોની માહિતી પણ અપલોડ કરવામાં આવી છે. જોકે હૉસ્પિટલના જણાવ્યા મુજબ હજુ સુધી યાદી તૈયાર કરાઈ નથી.

ચેતવણી: સાથે જ સરકારે ચેતવણી આપી છે કે અકસ્માતની તસવીરો વિચલિત કરનારી છે, બાળકો અને નબળા હૃદયવાળાઓએ તે ન જોવી જોઈએ.

મૃતદેહોને ભુવનેશ્વરની એઇમ્સ હૉસ્પિટલ, કૅપિટલ હૉસ્પિટલ અને અન્ય ખાનગી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

ભુવનેશ્વરના મ્યુનિસિપલ કમિશનર વિજય અમૃત કુલાંગે બીબીસીને જણાવ્યું કે મૃતકના પરિવજનોને દરેક પ્રકારની સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોએ મૃતદેહોની શોધમાં ભટકવાની જરૂર નથી.

ઓડિશા, કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટના

ઇમેજ સ્રોત, @IPR_Odisha

ઓળખ બાદ મૃતદેહને તેમના વિસ્તારમાં લઈ જવા માટે સંબંધીઓ માટે ઓડિશા સરકારે મફત વ્યવસ્થા પણ કરી છે. જોકે આ પહેલાં મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે.

મુખ્ય સચિવનું કહેવું છે કે જો મૃતકના પરિજનો ભુવનેશ્વરમાં મૃતદેહના અંતિમસંસ્કાર કરવા માગતા હોય તો તેમને જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.

તેમનું કહેવું છે કે આ માટે શહેરનાં સ્મશાનગૃહને પણ તૈયાર રાખવામાં આવ્યાં છે.

તો અગાઉ ઓડિશાના મુખ્ય સચિવે કહ્યું હતું કે "અમે મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે રાખીશું અને જેમની ઓળખ થઈ શકતી નથી તેની પોસ્ટમૉર્ટમ માટે તબીબી-કાનૂની કાર્યવાહી પછી અંતિમસંસ્કારની વ્યવસ્થા કરીશું. મૃતદેહો રાખવા માટે અમારે ઓછા તાપમાનના ફ્રીઝરની જરૂર છે અને આ માટે અમે હૉસ્પિટલો સાથે વાત કરી રહ્યા છીએ."

બીબીસી ગુજરાતી

મૃતદેહની ઓળખમાં મોડું કેમ થઈ રહ્યું છે?

મૃતકોની ઓળખ કરતા લોકો

ઇમેજ સ્રોત, REUTERS/ADNAN ABIDI

બીબીસી સંવાદદાતા ચંદન જજવાડે જણાવે છે કે રેલ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન શાલીમારથી ચેન્નાઈ તરફ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસને થયું છે.

કોરોમંડલ એક્સપ્રેસે બાલાસોરના બહાનાગા બજાર રેલવેસ્ટેશન પર લૂપલાઇનમાં ઊભેલી માલગાડીને પાછળથી ટક્કર મારી હતી અને બાદમાં તેના ડબ્બા બીજા ટ્રેક પર આવતી યશવંતપુર-હાવડા ટ્રેન સાથે અથડાયા હતા.

અકસ્માત સમયે કોરોમંડલ ટ્રેનના એન્જિનની પાછળ એક એસએલઆર કોચ અને તેની પાછળ એક જનરલ કોચ હતો.

ચંદન કહે છે કે અકસ્માતમાં એન્જિન સાથે જોડાયેલા આ બે કોચને જ સૌથી વધુ નુકસાન થયું છે. દુર્ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના લોકો પાઇલટનો પગ તૂટી ગયો છે, જ્યારે સહાયક લોકો પાઇલટનો હાથ કપાઈને અલગ થઈ ગયો છે.

કેવી રીતે થયો અકસ્માત

એન્જિનની પાછળ એસએલઆર કોચમાં બેઠેલા અન્ય એક લોકો પાઇલટનું મોત થયું છે. મળતી માહિતી મુજબ તે પોતાની ડ્યુટી માટે જઈ રહ્યા હતા.

એસએલઆર કોચની પાછળનો જનરલ ડબ્બો સામાન્ય મુસાફરોથી ભરેલો હતો. સામાન્ય લોકો આ ડબ્બામાં જનરલ ટિકિટ પર મુસાફરી કરે છે.

આવી સ્થિતિમાં રેલવે પાસે આ કોચમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા કે ઓળખનો કોઈ રેકૉર્ડ હોતો નથી.

આ જ કારણે આ જનરલ ડબ્બામાં મુસાફરી કરતા લોકોની ઓળખ કરવામાં વધુ સમય લાગી રહ્યો છે.

બીબીસી ગુજરાતી

સહાયની જાહેરાત

  • રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને બે લાખ રૂપિયા અને સામાન્ય ઈજાઓ ધરાવતા લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
  • પીએમઓ આપત્તિ રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરાઈ છે.
  • ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ અને ગંભીર રીતે ઘાયલ લોકોને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
  • આ સિવાય મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના લોકો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
  • તામિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિને મૃતકોના પરિવાર માટે પાંચ લાખ રૂપિયા અને ઘાયલો માટે એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
  • આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ મૃતકોના પરિવારોને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ લોકોને પાંચ-પાંચ લાખ અને ઘાયલોને એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી