'મૃતક મા-બાપ પાસે રડીરડીને નાનું બાળક પણ મોતને ભેટ્યું', નજરે જોનારે શું કહ્યું?

"અમને અચાનક જ જોરદાર ધડાકો સંભળાયો. અમે ઘરની બહાર આવીને જોયું તો એક ટ્રેન માલગાડી પર ચઢેલી જોવા મળી. હું જ્યારે ભાગીને ત્યાં ગયો. તો જે દૃશ્યો હતા એ જોઈને મારું દિમાગ કામ નહોતું કરતું. મારી આંખ સામે એક નાનકડું બાળક તેના માતાપિતાના મૃતદેહ પાસે રડી રહ્યું હતું. રડતાં-રડતાં તેનું પણ મૃત્યુ થઈ ગયું."
આ શબ્દો છે ટુટ્ટુ બિશ્વાસના.
શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં જે જગ્યાએ એક સાથે ત્રણ ટ્રેનો અથડાવાથી 238થી વધુ લોકોનાં મૃત્યુ થયાં, ટુટ્ટુ ત્યાંથી થોડેક દૂર જ રહે છે.
ઘટનાસ્થળેથી ઢીલાંપોચા હૃદયના લોકોને કંપાવી દે તેવા દૃશ્યો સામે આવ્યા. આખી રાત ચાલેલા રેસ્ક્યૂ ઑપરેશનમાં સંખ્યાબંધ લોકોને જીવિત બચાવવામાં આવ્યા તો બીજી બાજુ ઘણા બધા લોકોને 'બૉડી-બૅગ'માં હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
ટુટ્ટુ બિશ્વાસ જણાવે છે, "ત્યાં ચારેબાજુ લોહી હતું. ઘણા લોકો ઘાયલ હતા, ઘણાનું મૃત્યુ થઈ ગયું હતું. ઘાયલ લોકો પાણી માગી રહ્યા હતા. મારાથી શક્ય થઈ એટલી મદદ કરી. અમારું આખું ગામ અહીં લોકોને મદદ કરવા આવી પહોંચ્યું હતું."
(નોંધ: અહેવાલના કેટલાક વિવરણ વાચકને વિચલિત કરી શકે છે.)
અકસ્માતના સ્થળે સૌથી પહેલા પહોંચનારી વ્યક્તિઓમાંથી એક ગિરીજાશંકર રથે બીબીસીના સહયોગી પત્રકાર સુબ્રત કુમાર પતી સાથે વાત કરતા કહ્યું, "સૌથી પહેલાં કોરોમંડલ એક્સ્પ્રેસ પ્લેટફૉર્મ પર ઊભેલી ગુડ્સ ટ્રેનની પાછળ અથડાઈ. ટક્કરના કારણે ટ્રેનના કેટલાક ડબ્બા સામેની બાજુના પાટા પર જતા રહ્યા હતા. એવામાં સામેની તરફથી આવી રહેલા યશવંતપુર-હાવડા સુપરફાસ્ટ ટ્રેન તેની સાથે અથડાઈ."
તેઓ આગળ કહે છે, "આ બધુ એટલું જલદી થઈ ગયું કે અમે માત્ર પાંચ મિનિટમાં ત્યાં પહોંચ્યા હતા, પણ ત્યાર સુધીમાં આખા વિસ્તારમાં કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો અને ટ્રેનના ડબ્બામાં અને આસપાસ મૃતદેહો અને ઘાયલ લોકો પડ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોતરફથી મદદ માટે પોકાર અને દર્દનાક ચીસો વચ્ચે દુર્ઘટનાસ્થળ પાસે રહેતા લોકોએ પોલીસ તેમજ એનડીઆરએફની ટીમ સાથે મળીને આખી રાત લોકોને બચાવવાનું કામ કર્યું હતું.

'મૃતદેહો ઓળખાઈ શકે એવી હાલતમાં નહોતા'

મુકેશ પાંડે કોરોમંડલ એક્સ્પ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.
હૉસ્પિટલમાં સારવાર કરાવી રહેલા મુકેશ પાંડેનું કહેવું છે કે ટ્રેન દુર્ઘટના બાદ તેઓ ઘેરા આઘાતમાં આવી ગયા છે.
તેઓ જણાવે છે, "અડધા કલાક બાદ હું ટ્રેનની બહાર આવી શક્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને પહેલા હૉસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા. એ પછી અમારો વારો આવ્યો."
મુકેશે કહ્યું, "મેં ઘણા મૃતદેહો જોયા. કોઈ પણ ઓળખાઈ શકે એવી હાલતમાં નહોતા."
બિહારના સનીકુમાર પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ કહે છે કે જ્યારે ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થઈ તો તેઓ બેહોશ થઈ ગયા અને અડધો કલાક બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
'કોઈકના હાથ નહોતા તો કોઈકના પગ'

ઇમેજ સ્રોત, ANI
એક પ્રત્યક્ષદર્શીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "અમે એસ-5 કોચમાં હતા. આ કોચના લોકોને વધારે ઇજાઓ પહોંચી નથી. અમારે ચેન્નઈ જવું હતું પણ હવે કેવી રીતે જઈશું?"
આ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરસૌમ્યરંજન શેટ્ટીએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, "હું શાલીમારથી ચેન્નઈ જઈ રહ્યો હતો. જે સમયે દુર્ઘટના ઘટી, એ સમયે હું ઊંઘી રહ્યો હતો. ટ્રેનો અથડાઈ ત્યારે ભયાનક અવાજ સંભળાયો. મારી આંખ ખુલી ત્યારે ટ્રેન નીચેની તરફ જતી હતી. હું ડબ્બામાં લાગેલા પંખાને પકડીને બેસી રહ્યો."

ઇમેજ સ્રોત, @ANI / Twitter
તેમણે આગળ કહ્યું, "હું સૌથી ઉપરની સીટ પર હતો. જ્યારે ટ્રેન રોકાઈ તો અમે નીચે ઊતર્યા. ચારેબાજુથી લોકોની બૂમરાણ સંભળાઈ રહી હતી કે 'મને બચાવો, મદદ કરો'."
"જ્યાં જુઓ ત્યાં લોકો ભાગતા દેખાઈ રહ્યા હતા. એટલા બધા લોકો હતા કે કોની-કોની મદદ કરવી? આ દરમિયાન ટ્રેનની કૅન્ટીનમાં આગ લાગી ગઈ. જેથી અમે ભાગી ગયા.
"કોઈકના હાથ નહોતા, કોઈકના પગ નહોતા, ક્યાંક ધડ પડ્યાં હતાં, તો ક્યાંક માથાં. દુર્ઘટના બાદ શરૂઆતમાં તો મુસાફરો જ એકબીજાની મદદ કરી રહ્યા હતા. બધા ગભરાયેલા હતા."

ઇમેજ સ્રોત, Twitter/ANI
ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોનાં મૃત્યુ થયાં પણ જો દુર્ઘટનાને નજરે જોનારા લોકોની વાત માનીએ તો કેટલાક ચમત્કાર પણ જોવા મળ્યા.
આ મુસાફરે જણાવ્યું, "સૌથી સારી વાત એ હતી કે અમારી સીટની નીચે બે વર્ષનું એક બાળક હતું. એ બચી ગયું છે. તેને અને તેના પરિવારને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં છે."
દુર્ઘટનાનો ભોગ બનેલી અન્ય એક વ્યક્તિએ કહ્યું, "અચાનક જોરદાર અવાજ સંભળાયો અને ગણતરીની સેકન્ડોમાં મારા પર 10-15 લોકો પડ્યા. હું જ્યારે ઉઠ્યો તો હાથ અને ગરદન પર ઈજાઓ હતી. ટ્રેનની બહાર નીકળ્યો તો કપાયેલા હાથ-પગ જોવા મળ્યા. કેટલાક ચહેરા પણ વિકૃત થઈ ગયા હતા."

'મને એમ કે એ પણ નીકળી ગયો હશે'

પટનામાં રહેતા રિતિક કુમારે આ દુર્ઘટનામાં દર્દનાક રીતે પોતાનો ભાઈ ગુમાવ્યો છે.
તેઓ કહે છે, "એ બારણાં પાસે સીટ પર બેઠો હતો અને હું બારણે ઊભો હતો. અચાનક ટ્રેન પલટવા લાગી તો હું સીધો કૂદ્યો. મને એમ જ હતું કે મારી પાછળ પાછળ એ પણ કૂદી ગયો હશે."
અકસ્માત બાદ જ્યારે રિતિક પોતાના ભાઈને શોધવા ગયા તો તે ટ્રેનના ડબ્બામાં મૂર્છિત હાલતમાં મળી આવ્યો હતો. અકસ્માત બાદની ક્ષણો વિશે તેઓ કહે છે, "ડબ્બામાંથી મેં મારા ભાઈ સિવાય એક નાની છોકરીને બહાર કાઢી હતી. સૌથી પહેલા મેં જ પોલીસને ફોન કર્યો હતો અને ફોન કર્યાના દોઢ કલાક બાદ પહેલી ઍમ્બ્યુલન્સ આવી હતી."
રિતિકના ભાઈને ગંભીર હાલતમાં હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. તેમના કહેવા મુજબ આજે સવાર સુધી તેમનો ભાઈ શ્વાસ લઈ રહ્યો હતો, પણ અચાનક જ તેણે દમ તોડી દીધો હતો.
રિતિક હવે તેના મૃતદેહને લઈને બિહાર જશે. જ્યાં તેની અંતિમવિધિ કરવામાં આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?
સમાચાર એજન્સીઓ અનુસાર, ચેન્નઈથી હાવડા જઈ રહેલી કોરોમંડલ એક્સ્પ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાતા તેના ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. તે જ સમયે સામેની તરફથી આવી રહેલી યશવંતપુર-હાવડા સુપરફાસ્ટ એક્સ્પ્રેસ ટ્રેન ઊતરેલા ડબ્બા સાથે અથડાઈ.
આ દુર્ઘટના બાલાસોર પાસે આવેલા બાહાનગા બાઝાર સ્ટેશન પાસે સર્જાઈ હતી.
ઈસ્ટ કોસ્ટ રેલવેના અધિકારી અમિતાભ શર્માએ ભુવનેશ્વરથી બીબીસીના સહયોગી પત્રકાર સુબ્રતકુમાર પતિને જણાવ્યું, "પહેલા કોરોમંડલ એક્સ્પ્રેસ પાટા પરથી ઊતરી અને સામેની તરફથી આવે રહેલી યશવંતપુર-હાવડા એક્સ્પ્રેસ સાથે અથડાઈ. ત્યાર પછી કોરોમંડલ એક્સ્પ્રેસ ટ્રેન રેલવેસ્ટેશન પર ઉભેલી માલગાડી સાથે અથડાઈ."
આ દુર્ઘટના સાંજે સાત વાગ્યાની આસપાસ સર્જાઈ હતી.

હાલ ઘટનાસ્થળની કેવી છે પરિસ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images
ઘટનાસ્થળે લગભગ ચાર ટ્રેનના ડબ્બા પલટેલી હાલતમાં પડેલા છે. કેટલાક ડબ્બા એકબીજા પર ચઢી ગયા છે અને કેટલાક બહુ જ ખરાબ રીતે કચડાઈ ગયા છે.
માલગાડીની ઉપર ટ્રેનનું ઍન્જિન ચઢેલું છે.
રેલવેટ્રેક પર લોકોનો સામાન વિખેરાયેલો પડ્યો છે. કેટલાક થેલા બંધ છે, તો કેટલાકનો સામાન વેરવિખેર હાલતમાં પડ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રૅક પાસે જ 'બૉડી-બૅગ'માં મૃતદેહો લાઈનબંધ ગોઠવાયેલા છે અને તેને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.
ટ્રેનના ડબ્બામાં જોઈએ તો અંદર લોકોના ચપ્પલો, કપડાં અને છૂટી ગયેલો સામાન પડ્યો છે.
દુર્ઘટનાનો સમય સાંજના સાત વાગ્યાનો હતો એટલે કે ઘણા લોકો તે સમયે ભોજન કરી રહ્યા હતા. ડબ્બામાં વિખેરાયેલું ભોજન પણ જોવા મળે છે.
દુર્ઘટના બાદ સૌથી શરૂઆતમાં બચાવવા માટે આવેલા લોકોએ આ ડબ્બામાં હાથ-પગ કપાયેલી હાલતમાં મૃતદેહો જોયા. ઘણા મૃતદેહો એકદમ વિકૃત હાલતમાં હતા.
ઘટનાસ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે હવે ડબ્બામાંથી કોઈ અવાજ આવતો નથી. અર્થાત હવે કોઈ જીવિત મળે તેની શક્યતા ઓછી છે, પરંતુ એકદમ ખરાબ રીતે કચડાયેલા ડબ્બાને મશીન વડે કાપીને હજુ પણ જીવિત લોકોને બચાવવાની શક્યતાઓ શોધાઈ રહી છે.














