ઓડિશામાં ત્રણ ટ્રેન વચ્ચે થયેલા અકસ્માત બાદ કેવી તબાહી સર્જાઈ? જુઓ ડ્રોન દૃશ્યો
ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં એકસાથે ત્રણ ટ્રેનનો અકસ્માત થયો છે. અત્યાર સુધીમાં આ ભયાનક અકસ્માતમાં 288 લોકોનાં મોત થયાં છે અને લગભગ 800 લોકો ઘાયલ થયા છે.
ઇન્ડિયન એક્સ્પ્રેસના રિપોર્ટ પ્રમાણે ચેન્નઈ જઈ રહેલી કોરોમંડલ એક્સ્પ્રેસના ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ડબ્બા ઊતરેલા ડબ્બા બાજુના રેલ્વે ટ્રેક પર જઈને પડ્યા હતા. એ પાટા પરથી બેંગલુરુ હાવડા સુપરફાસ્ટ એક્સ્પ્રેસ જઈ રહી હતી.
અખબારે દક્ષિણ પૂર્વ રેલવે પ્રવક્તાના નિવેદનના આધારે લખ્યું છે કે કોરોમંડલ ટ્રેનના કોચ નંબર બી2, એ1થી એ2, બી1 અને એન્જિન અકસ્માતનો ભોગ બન્યા હતા. જ્યારે ટ્રેન નંબર 12864 (યશવંતપુર-હાવડા એક્સ્પ્રેસ)ના એક જનરલ કોચને નુકસાન પહોંચ્યું હતું. જનરલ કોચ અને કોચ નંબર 2 પાછળની તરફથી પાટા પરથી ઊતરી ગયા હતા.
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ અખબારને જણાવ્યું કે બહાનગા બાઝાર રેલવે સ્ટેશનથી પસાર થતાં શાલીમાર ચેન્નઈ કોરોમંડલ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ ડબ્બા પાસેથી પસાર થઈ રહેલી હાવડા એક્સ્પ્રેસ ટ્રેનની સાથે અથડાયા. જે બાદ હાવડા એક્સ્પ્રેસના ત્રણ ડબ્બા પણ પાટા પરથી ઊતરી ગયા.
અખબારના રિપોર્ટ પ્રમાણે બહાનગા બાઝાર રેલવે સ્ટેશન પર ચાર ટ્રેક છે. એક લૂપ ટ્રેક પર માલગાડી ઊભી હતી. બે મુખ્ય લાઇનો પર સામ-સામે બે ટ્રેનોને પસાર કરાવવાની હતી.
કોરોમંડલ ટ્રેનના જે ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા તેની ટક્કર પાસેના ટ્રેક પર રહેલી માલગાડી સાથે પણ થઈ.

ઇમેજ સ્રોત, EPA





