પેરિસ ઑલિમ્પિક : આજે કયા ભારતીય ખેલાડીઓ પર રહેશે લોકોની નજર?

ઇમેજ સ્રોત, Getty Images
પેરિસ ઑલિમ્પિકના આઠમાં દિવસે ભારતીય શૂટર મનુ ભાકર પોતાની ત્રીજી ઇવેન્ટમાં મેડલ માટે ફાઇનલ મૅચ રમશે. આ ઉપરાંત બીજા ભારતીય ખેલાડીઓ પણ અલગ-અલગ સ્પર્ધામાં પોતાનો દમ દેખાડશે.
ભારતીય શૂટર મનુ ભાકર પેરિસ ઑલિમ્પિકમાં 25 મીટર પિસ્તોલ સ્પર્ધાના ફાઇનલમાં પહોંચ્યાં છે. તેમણે શુક્રવારે ક્વૉલિફિકેશન રાઉન્ડ પાર કર્યો હતો.
આ સાથે તેઓ આ ઑલિમ્પિકમાં પોતાના ત્રીજા મેડલ પર નિશાનો સાધશે.
શુક્રવારે ભારતીય પુરુષ હૉકી ટીમે પેરિસ ઑલિમ્પિકના પૂલ બીમાં પોતાની છેલ્લા મૅચમાં ઑસ્ટ્રેલિયાને 3-2થી માત આપી હતી. ભારતીય હૉકી ટીમે ટોક્યો ઑલિમ્પિકમાં કાંસ્યપદક જીત્યો હતો.
ભારતના ખાતામા હાલમાં ત્રણ ઑલિમ્પિક પદક છે.
3 ઑગ્સ્ટના રોજ ઑલિમ્પિકમાં ભારતીય ખેલાડીનું શેડ્યુલ
શૂટિંગ
મહિલા સ્કીટ ક્વૉલિફિકેશન (પહેલો દિવસ) : રૈઝા ઢિલ્લન અને મહેશ્વરી ચૌહાણ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમય : બપોરે 12 : 30 કલાકે
મહિલા 25 મીટર પિસ્તોલ (મેડલ રાઉન્ડ) : મનુ ભાકર
સમય : બપોરે 1 : 00 કલાકે
તીરંદાજી
વિમેન્સ ઇન્ડીવિઝુઅલ (1/8 એલિમિનેશન) : દીપિકા કુમારી વિરુદ્ધ મિશેલ ક્રોપેન (જર્મની)
સમય : બપોરે 1 : 52 કલાકે
વિમેન્સ ઇન્ડીવિઝુઅલ (1/8 એલિમિનેશન) : ભજનકોર વિરુદ્ધ દિયાનંદા ચોઇરૂનિસા (ઇન્ડોનેશિયા)
સમય : બપોરે 2 : 05 કલાકે
સેલિંગ
પુરુષ ડિંગી ઓપનિંગ સિરીઝ (રેસ 5) : વિષ્ણુ સરવાનન
સમય : સાંજે 3 : 45 કલાકે
પુરુષ ડિંગી ઓપનિંગ સિરીઝ (રેસ 6) : વિષ્ણુ સરવાનન
સમય : સાંજે 4 : 53 કલાકે
મહિલા ડિંગી ઓપનિંગ સિરીઝ (રેસ 5) : નેથ્રા કુમાનન
સમય : સાંજે 5 : 55 કલાકે
મહિલા ડિંગી ઓપનિંગ સિરીઝ (રેસ 6) : નેથ્રા કુમાનન
સમય : સાંજે 7 : 03 કલાકે
બૉક્સિંગ
પુરૂષ વેલ્ટરવેટ (ક્વાર્ટર ફાઇનલ) : નિશાંદ દેવ વિરુદ્ધ મારોક વેર્દે (મૅક્સિકો)
સમય : સવારે 12 : 18 કલાકે (રવિવાર)
2 ઑગ્સ્ટ : કોણ જીત્યું, કોણ બહાર?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શુક્રવારે પેરિસ ઑલિમ્પિકમાં સાતમાં દિવસે ભારતીય ખેલાડીઓએ પોતાનો દમ દેખાડ્યો.
બૅડમિન્ટનમાં લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઇનલમાં ચીની-તાઇપેઈના ચાઉ-તિએન-ચેનને હરાવીને સેમી-ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. તેઓ હવે ઑલિમ્પિક મેડલથી એક જીત દૂર છે.
શૂટર મનુ ભાકરે પોતાની ત્રીજી સ્પર્ધામાં 25 મીટર પિસ્તોલ શૂટિંગમાં ક્વૉલિફિકેશન રાઉન્ડ પાર કરી લીધો છે અને આજે તેમનો મેડલ રાઉન્ડ છે.
શુક્રવારે ભારતીય પુરુષ હૉકી ટીમે પેરિસ ઑલિમ્પિકના પૂલ બીમાં પોતાની છેલ્લી મૅચમાં ઑસ્ટ્રેલિયાને 3-2થી માત આપી હતી. આ વખતે પૂલ સ્ટેજમાં ભારતની હૉકી ટીમે એક મૅચ માત્ર બેલ્જીયમ સામે જ હારી છે.
મહિલા 25 મીટર પિસ્તોલના ક્વૉલિફિકેશન રાઉન્ડમાંથી ઇશાસિંહ બહાર થઈ ગયાં.
તીરંદાજીમાં અંકિતા અને ધીરજની ભારતીય ટીમ મિક્સડ શ્રેણીમાં બ્રોન્ઝ મેડલનો મૅચ જીતી ન શક્યાં.
ઍથલૅટિક્સમાં પારુલ ચૌધરી અને અંકિતા ધ્યાની મહિલાઓની પાંચ હજાર મીટરની રેસના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયા. પારુલ હવે ત્રણ હજાર મીટર સ્ટીપલચેઝમાં ભાગ લેશે.
ભારતીય રોઅર બલરાજ પવાર મેન્સ સિંગ્લસ સ્કલ્સ સ્પર્ધાના ફાઇનલમાં પાંચમાં સ્થાને રહ્યાં.
જૂડોમાં તુલિકા માનાને ક્યૂબાના ઇડાલિસ ઓર્ટિજ સામે 10-0થી હારનો સામનો કરવો પડ્યો.

એક ઑગ્સ્ટ : કોણ જીત્યું, કોણ બહાર

ઇમેજ સ્રોત, Getty Images
- બૅડમિન્ટન : પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં બહાર
- બૅડમિન્ટન : લક્ષ્ય સેન પુરુષ સિંગ્લસના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા
- હૉકી: ભારતીય પુરુષ હૉકી ટીમે પુલ બીમાં પોતાની અંતિમ મૅચમાં ઑસ્ટ્રેલિયાને 3-2થી હરાવી દીધું
- બૅડમિન્ટન : સાત્વિક-ચિરાગને ક્વાર્ટર ફાઇનલ મૅચમાં ચિયા-સોહ સામે હારનો સામનો કરવો પડ્યો
- શૂટિંગ : સિફ્તકૌર સામરા 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનના ફાઇનલમાં પ્રવેશ ન મેળવી શક્યા
- હૉકી : ભારતીય હૉકી ટીમનો અંતિમ પુલ મૅચમાં બેલ્જિયમ સામે હારનો સામનો કરવો પડ્યો
- ઍથલૅટિક્સ : મહિલાઓની 20 કિમી વૉક રેસમાં પ્રિયંકા ગોસ્વામી પદક ન મેળવી શક્યા
- તીરંદાજી : પ્રવીણ જાધવ પુરુષ સિંગ્લસના રાઉન્ડ ઑફ 64 હારની સ્પર્ધામાંથી બહાર થયા
- બૉક્સિંગ : નિખત ઝરીન મહિલાઓના 50 કિલોગ્રામ રાઉન્ડ ઑફ 16 બૉક્સિંગ મૅચમાં વુ યુ સામે હારીને બહાર થયાં.
- શૂટિંગ : સ્વપ્નિલ કુસાળેએ પુરુષોના 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં ઐતિહાસિક કાંસ્યપદક જીત્યો
- રેસ વૉક : પુરુષોની 20 કિમી રેસ વૉકમાં ભારતીય ખેલાડી પદક ન મેળવી શક્યા.
પેરિસ ઑલિમ્પિકના ચોથા દિવસે મનુ ભાકર અને સરબજોતસિંહે મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં કાંસ્યપદક જીત્યો હતો. તેમણે દક્ષિણ કોરિયાની જોડી ઓહ યે જિન અને લી વોન્હોને માત આપી હતી.
આ સાથે જ મનુ ભાકરના નામે વધુ એક કીર્તિમાન નોંધાયો હતો. મનુ પ્રથમ ભારતીય ખેલાડી બન્યાં જેમણે એક જ ઑલિમ્પિકમાં બે પદક જીત્યા હોય.
મનુ ભાકરે આ પહેલાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્યપદક જીત્યો હતો, જે પેરિસ ઑલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ હતું.
પ્રથમ ગોલ્ડ મેડલ ચીનના નામે
ચીનનાં હુઆંગ યુટિંગ અને શેંગ લિહાઓ મિક્સ 10 મીટર ઍર રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે.
ઑલિમ્પિક માટે શૂટિંગની સ્પર્ધાનું આયોજન ફ્રાન્સના પાટનગર પેરિસથી ત્રણ કલાકની દૂર પર આવેલા ચેટેઉરૉક્સમાં થાય છે.
End of આપને આ પણ વાંચવું ગમશે
ભવ્ય સમારંભ સાથે પેરિસ ઑલિમ્પિકની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ 100 વર્ષ પછી ફરીથી પેરિસમાં ઑલિમ્પિકનું આયોજન થયું છે. આ સાથે જ પેરિસે ત્રણ વખત ઑલિમ્પિકનું આયોજન કર્યું છે.
ઑલિમ્પિકની શરૂઆત ગ્રીસમાં થઈ હતી, પરંતુ ઑલિમ્પિકે આધુનિક આકાર પેરિસમાં લીધો હતો. પેરિસનો દેખીતી રીતે જ ઑલિમ્પિક સાથે એક ખાસ સંબંધ છે. ઉદ્ઘાટન સમારંભમાં તેની ઝલક પણ જોવા મળી હતી.
પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેનાર 205 દેશોની ટીમોની પરેડ સ્ટેડિયમમાં નહીં, પરંતુ સીન નદીમાં હોડીઓ પર કરવામાં આવી. આખા પરેડમાર્ગ પર કળા અને સંસ્કૃતિનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
ક્રાર્યક્રમના અંતે ફ્રાન્સના સુપરસ્ટાર ફૂટબૉલર ઝિનેદિન ઝિદાને મશાલ રીલેમાં ભાગ લીધો હતો. રીલેના છેલ્લા ચરણમાં ટેનિસ સ્ટાર રાફેલ નડાલ, સેરેના વિલિયમ્સ, એમિલી મૉરેસ્મો ઉપરાંત ઍથ્લીટ કાર્લ લુઈસ અને જિમનાસ્ટ નાદિયા કોમનેસીએ પણ ભાગ લીધો હતો.
એક મહિલા અને પુરુષ ખેલાડીએ મળીને ઑલિમ્પિકની મશાલ સળગાવીને વિવિધતામાં એકતા અને સમાનતાનો સંદેશ આપ્યો. આ વખતે ઑલિમ્પિકમાં પહેલી વખત પુરુષ અને મહિલા ખેલાડીઓની સંખ્યા બરાબર છે.
લેડી ગાગા અને સેલીન ડાયોન જેવા દિગ્ગજ કલાકારોએ પોતાના પર્ફૉર્મન્સ થકી ઉદ્ઘાટન સમારંભમાં રંગ જમાવ્યો હતો.
શરૂઆત લેડી ગાગાએ પોતાના પર્ફૉર્મન્સથી કરી જ્યારે સેલીન ડાયોને ઍફિલ ટાવરના અડધા ભાગની છત પર ગીત ગાઈને સમારંભનું સમાપન કર્યું હતું. સેલીન ડાયોને બે વર્ષ પહેલાં એક ગંભીર બીમારીને કારણે ગાયન બંધ કરી દીધું હતું.
ભારતના કયા ખેલાડીઓ પર છે લોકોની નજર?

ઇમેજ સ્રોત, Getty Images
ટોક્યો ઑલિમ્પિક્સ 2021માં નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. નીરજે ભાલો 87.58 મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
તે ઍથ્લેટિક્સમાં ભારતનો પહેલો ઍલિમ્પિક્સ મેડલ હતો, જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાં બીજો સુવર્ણચંદ્રક હતો. ભારત માટે પહેલો વ્યક્તિગત સુવર્ણચંદ્રક શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ 2008માં બીજિંગ ઍલિમ્પિક્સમાં પ્રાપ્ત કર્યો હતો.
આ વખતે ભારતની નજર નીરજ ચોપરા પર હશે. નીરજ ઉપરાંત કિશોર જેના અને અન્નુ રાની પણ ભાલાફેંકમાં ભાગ લેવાનાં છે. પુરુષોની ભાલાફેંક સ્પર્ધાનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ છઠ્ઠી ઑગસ્ટે રમાશે.
મહિલાઓની ભાલાફેંક સ્પર્ધાનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ સાતમી ઑગસ્ટે રમાશે, જેમાં અન્નુ રાની ભાગ લેશે.
પુરુષોની ભાલાફેંક સ્પર્ધાની ફાઇનલ આઠમી ઑગસ્ટે યોજાશે, જ્યારે મહિલાઓની ભાલાફેંક સ્પર્ધાની ફાઇનલ 10 ઑગસ્ટે યોજાશે.
રેસ વૉકિંગ
મહિલાઓમાં પ્રિયંકા ગોસ્વામી અને પુરુષોમાં અક્શદીપ સિંહ, વિકાસસિંહ, પરમજિત બિષ્ટ અને રામબાબુ 20 કિલોમીટરની પેદલચાલ સ્પર્ધામાં ભાગ લેશે. તે પહેલી ઑગસ્ટે યોજાશે.
રીલે રેસ
4X400 મીટર રીલે રેસમાં મહિલાઓ તથા પુરુષોનો ક્વૉલિફાઇંગ રાઉન્ડ નવમી ઑગસ્ટે યોજાશે.
ભારત તરફથી પુરુષોની ટીમમાં મોહમ્મદ અનસ, મોહમ્મદ અજમલ, રાજીવ અરોકિયા અને અમોજ જેકબ તેમાં ભાગ લેવાના છે, જ્યારે મહિલાઓની ટીમમાં જ્યોતિકા શ્રી દાંડી, રૂપલ સુભા વેંકટેશન અને પૂવમ્મા એમઆર ભાગ લેશે.
આ રેસની ફાઇનલ 10 ઑગસ્ટે યોજાશે.
વેઇટલિફ્ટિંગ
49 કિલોગ્રામ કૅટેગરી વેઇટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનુ પાસેથી ભારતને ગોલ્ડ મેડલની મોટી આશા હશે.
મીરાબાઈએ ટોક્યો ઑલિમ્પિક્સમાં કુલ 201 કિલોગ્રામ વજન ઊંચકીને રજતપદક પ્રાપ્ત કર્યું હતું.
વેઇટલિફ્ટિંગની સ્પર્ધા સાતમી ઑગસ્ટે યોજાશે.
બૅડમિન્ટન
બૅડમિન્ટન મહિલા સિંગલ્સ વર્ગમાં ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુ પાસેથી દેશને મેડલની આશા છે. સિંધુએ 2016 રિયો ઑલિમ્પિક્સમાં રજતપદક અને 2021 ટોક્યો ઑલિમ્પિક્સમાં કાંસ્યપદક જીત્યો હતો.
પુરુષ સિંગલ્સમાં એસએસ પ્રનોય અને લક્ષ્ય સેન ભારત તરફથી મેદાનમાં ઊતરશે.
કુસ્તી

ઇમેજ સ્રોત, VINESH PHOGAT@TWITTER
કુસ્તીમાં ભારત તરફથી મહિલાઓમાં અંતિમ પંઘાલ (53 કિલો), વીનેશ ફોગાટ (50 કિલો), અંશુ મલિક (57 કિલો), રિતિકા હડ્ડા (76 કિલો) અને નિશા દહિયા (68 કિલો)માં ભાગ લેશે.
પુરુષોમાં ભારત તરફથી અમન સહરાવત 57 કિલો ફ્રી સ્ટાઈલ વર્ગમાં ભાગ લેશે.
આ સ્પર્ધા પાંચમીથી અગિયારમી ઑગસ્ટ દરમિયાન યોજાશે.
હૉકી
ભારતીય મહિલા હૉકી ટીમ આ વખતે ઑલિમ્પિક્સ માટે ક્વૉલિફાઈ કરી શકી નથી. પુરુષ હૉકી ટીમ પુલ બીમાં છે.
ભારતની ન્યૂઝીલૅન્ડ સામેની પહેલી મૅચ 27 જુલાઈએ રમાઈ ચૂકી છે. 29 જુલાઈએ ભારતની ટક્કર આર્જેન્ટિના સામે, 30 જુલાઈએ આયર્લેન્ડ સામે, પહેલી ઑગસ્ટે બેલ્જિયમ સામે અને બીજી ઑગસ્ટે ઑસ્ટ્રેલિયા સામે થશે.
ચોથી ઑગસ્ટે ક્વાર્ટર ફાઇનલ, છઠ્ઠી ઑગસ્ટે સેમિફાઇનલ અને આઠમી ઑગસ્ટે ફાઇનલ મૅચ રમાશે.
બૉક્સિંગ
બૉક્સિંગ મહિલા વર્ગમાં ભારત તરફથી નીખત ઝરીન (50 કિલો), પ્રીતિ પવાર (54 કિલો), જેસમિન લંબોરિયા (57 કિલો) અને લોવલિના બોરગહેન (75 કિલો) ભાગ લેશે.
પુરુષ વર્ગમાં નિશાંત દેવ (71 કિલો) અને અમિત પંઘાલ (51 કિલો) ભાગ લેશે બૉક્સિંગની મૅચો 27 જુલાઈથી શરૂ થશે.
ગોલ્ફ
ગોલ્ફમાં ભારત તરફથી મહિલા વર્ગમાં અદિતિ અશોક અને દીક્ષા ડાગર ભાગ લેશે. પુરુષ વર્ગમાં શુભાંકર શર્મા અને ગગનજિત ભુલ્લર ભાગ લેશે.
પુરુષ વર્ગના મુકાબલા પહેલી ઑગસ્ટથી અને મહિલા વર્ગના મુકાબલા સાત ઑગસ્ટથી રમાશે.
ભારતની નજર અદિતિ અશોક પર હશે.
શૂટિંગ
ટ્રેપ શૂટિંગના પુરુષ વર્ગમાં પૃથ્વીરાજ તોંડાઈમાન અને મહિલા વર્ગમાં રાજેશ્વરી કુમારી તથા શ્રેયસીસિંહ ભાગ લેશે.
આ મૅચ 29, 30 અને 31 જુલાઈએ યોજાશે.
50 મીટર રાઇફલ શૂટિંગમાં ભારતના સ્વપ્નિલ કુશલે, ઐશ્વર્યા પ્રતાપસિંહ તોમર, સિફ્તકોર સામરા અને અંજુમ મૌદગિલ ભાગ લેશે.
આ મૅચ 31 જુલાઈ, પહેલી ઑગસ્ટ અને બીજી ઑગસ્ટે સવારે નવ વાગ્યાથી શરૂ થશે.
25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ શૂટિંગમાં ભારતના અનિશ ભાનવાલા અને વિજયવીર સિંધુ ભાગ લેશે.
આ મૅચ ચોથી અને પાંચમી ઑગસ્ટે સવારે નવ વાગ્યાથી શરૂ થશે.
25 મીટર પિસ્તોલમાં ભારત તરફથી ઈશાસિંહ ભાગ લેશે. આ મૅચ બીજી અને ત્રીજી ઑગસ્ટે સવારે નવ વાગ્યાથી શરૂ થશે.












