You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યામાં કથિત ગૅંગરેપ કેસમાં બુલડોઝર ઍક્શન બાદ વિવાદ
અયોધ્યા વહીવટી તંત્રની માહિતી પ્રમાણે 12 વર્ષની કિશોરી પર ગૅંગરેપના આરોપીની બેકરી પર શનિવારે બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.
અયોધ્યાના જિલ્લા મૅજિસ્ટ્રેટ ચંદ્રવિજયસિંહે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું, "મોઇદ ખાન નામની વ્યક્તિની બેકરી તોડી પાડવામાં આવી છે. આ બેકરી ગેરકાયદેસર રીતે એક તળાવ પર બનાવવામાં આવી હતી."
ઉત્તર પ્રદેશ પોલીસે 30 જુલાઈના રોજ બેકરીના માલિક મોઇદ ખાન અને તેમના કર્મચારી રાજુ ખાનની બળાત્કારના એક કેસમાં ધરપકડ કરી હતી.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ બંને આરોપીએ બે મહિના પહેલાં એક કિશોરી સાથે બળાત્કાર કરીને તેનો વીડિયો બનાવ્યો હતો.
ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ગુરુવારે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે મોઇદ ખાનનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે છે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પીડિતના પરિવારની પણ મુલાકાત કરી હતી. આ મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કોઈ સીધી ટિપ્પણી કરી નથી. જોકે, તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કરીને "દુષ્કર્મ કરનારા આરોપીઓનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માગણી કરી હતી." સમાજવાદી પાર્ટીના હૅન્ડલની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અખિલેશ યાદવે બળાત્કારના કેસ માટે જ આ માગણી કરી છે.
બીજી તરફ બહુજન સમાજ પાર્ટીના સર્વોચ્ચ નેતા માયાવતીએ આ મામલે કાર્યવાહીને લઈને ઉત્તર પ્રદેશ સરકારનો બચાવ કર્યો અને અખિલેશ યાદવની ટીકા કરી છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસ બે મહિના જૂનો છે. કિશોરીને જ્યારે મેડિકલ ચેકઅપમાં જાણ થઈ કે તે ગર્ભવતી છે ત્યારે આ ઘટના સામે આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર પ્રદેશની વિધાનસભામાં યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે મોઇદ ખાનનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે છે અને તે 12 વર્ષની કિશોરીના બળાત્કારમાં સામેલ છે.
આ મામલે ઉત્તર પ્રદેશના ભદરસાના રહેવાસી મોઇદ ખાન અને તેમના સહયોગી રાજુ ખાનને 30 જુલાઈના રોજ પુરા કલંદર વિસ્તારમાંથી પકડ્યા હતા.
અયોધ્યાના એસએસપી રાજ કરણ નય્યરે મીડિયાને જણાવ્યું કે આરોપીઓએ વીડિયો થકી પીડિતાને ડરાવી અને ધમકાવી હતી.
તેમણે જણાવ્યું, "વીડિયો થકી ડરાવી-ધમકાવીને લગભગ અઢી મહિના સુધી ખાન કિશોરીનું શોષણ કરતો રહ્યો. તેમણે પોતાના સહયોગી રાજુ ખાનની સાથે મળીને આ ગુનો આચર્યો હતો."
ત્યારબાદ પરિવારની ફરિયાદના આધારે પોલીસે પુરા કલંદર પોલીસ સ્ટેશનમાં આ મામલાની ફરિયાદ દાખલ કરી અને તપાસ શરૂ કરી.
અંગ્રેજી સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પીડિતા રાજુ ખાન પાસે કામ કરતી હતી. અઢી મહિના પહેલાં કામ ખતમ કર્યા પછી રાજુએ પીડિતાને કહ્યું કે મોઇદ ખાન તેમને મળવા માંગે છે.
જે બાદ મોઇદે તેમનું શારીરિક શોષણ કર્યું અને આ ઘટનાનો વીડિયો બનાવ્યો.
મોઇદ ખાનની બેકરી પર બુલડોઝર કેમ ચલાવાયું?
અયોધ્યાના એડીએમ અનિરુદ્ધકુમાર સિંહે કહ્યું કે ગેરકાયદેસર અતિક્રમણની તપાસ બાદ વહીવટી તંત્રએ બાંધકામ પર બુલડોઝર ચલાવવાનો નિર્ણય કર્યો હતો.
અનિરુદ્ધે જણાવ્યું, "આરોપી વ્યક્તિએ જાહેર તળાવ, જાહેર રસ્તા પર ગેરકાયદેસર અતિક્રમણ કરીને મલ્ટીકૉમ્પ્લેક્સ અને બેકરી બનાવ્યાં હતાં. અહીં ગેરકાયદેસર બાઉન્ડ્રી બનાવવામાં આવી રહી હતી. અમારી રેવન્યૂ ટીમે આ વિશે તપાસ કરી હતી."
"ઑથોરિટી અને મ્યુનિસિપલ કૉર્પોરેશને કાયદેસરની કાર્યવાહી કરીને શનિવારે બેકરીને તોડી નાખી હતી."
તેમણે કહ્યું, "મલ્ટીકૉમ્પ્લેક્સમાં એક બૅન્ક ચાલી રહી છે અને અમે બૅન્કના મૅનેજર સાથે વાત કરી છે. બૅન્ક ત્યાંથી હઠશે. તેમને પણ અમે નોટિસ આપી છે, છતાં પણ તેઓ ગેરકાયદેસર અતિક્રમણ હઠાવશે નહી તે તેમના પર પણ કાર્યવાહી થશે."
"તેમણે જે જમીન પર કબજો કર્યો હતો તે જમીન રસ્તાને કિનારે છે અને આ જમીનનો બજાર ભાવ લગભગ એક કરોડ રૂપિયા છે. તેની બીજી સંપત્તિની તપાસ માટે પણ રેવન્યૂની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. આ વિશે આગળ તપાસ ચાલી રહી છે. અમે નિયમ પ્રમાણે કાર્યવાહી કરીશું."
આ ઘટનાના એક દિવસ પહેલાં પીડિતાના પરિવારે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ કિશોરીનાં માતાએ જણાવ્યું હતું કે મુખ્ય મંત્રીએ ભરોસો આપ્યો છે કે મોઇદ ખાનની સંપત્તિની તપાસ કરાવશે.
અયોધ્યાના સંસદ સભ્યનો વીડિયો વાયરલ
અયોધ્યાના સંસદ સભ્ય અવધેશ પ્રસાદનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ટીવી ચૅનલ સાથે જોડાયેલા એક પત્રકાર તેમને પૂછે છે કે શું તમે મોઇદ ખાનને ઓળખો છો. તો પ્રસાદ જવાબ આપે છે કે, "ના, ના."
વધુ એક વખત સવાલ કરવામાં આવતા તેમણે પત્રકારને ઠપકો આપ્યો અને ગુસ્સામાં કહ્યું કે "તેઓ પહેલાં સંચાર મંત્રી હતા."
જોકે, સમાચાર એજન્સી એએનઆઈને અવધેશ પ્રસાદે કહ્યું કે પાર્ટી ક્યારેય પણ અન્યાય સાથે ઊભી રહી નથી.
બુલડોઝર ઍક્શન વિશે વાત કરતા પ્રસાદે એએનઆઈને કહ્યું, "આ માનનીય મુખ્ય મંત્રીની જૂની વિચારધારા છે. મુસ્લિમ અને યાદવો સાથે ખબર નથી તેમને શું દુશ્મની છે. ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારની શરમજનક ઘટના પર રાજકારણ ન કરવું જોઈએ."
તેમણે ઘટના વિશે વાત કરતા કહ્યું, "આ અત્યંત શરમજનક અને પીડાદાયક ઘટના છે. આ ઘટનાની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. આ ઘટનાના આરોપીઓને પકડવામાં આવે અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે."
"પોલીસ કોઈના પણ દબાણમાં આવ્યા વિના તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. અમે અને અમારી પાર્ટી પીડિતાની સાથે છીએ, એ વાત વિશે કોઈ શંકા નથી."
"અફસોસ સાથે કહેવું પડે છે કે ભાજપ આ મુદ્દે રાજકારણ કરી રહ્યો છે.આ રાજકારણનો સમય નથી, પરંતુ સંવેદનાનો સમય છે. પીડિતાને ન્યાય અપાવો, નિર્દોષો આમાં ફસાવવા ન જોઇએ અને ડીએનએ ટેસ્ટ કરાવવો જોઇએ. પીડિતાને આર્થિક મદદ આપવામાં આવે."
મોઇદ ખાન સાથે પોતાની તસવીર પર સવાલનો જવાબ આપતા અયોધ્યાના સંસદ સભ્યએ કહ્યું, "અમે લોકો રાજકરણ કરીએ છીએ. ચૂંટણી જીત્યા પછી અને ચૂંટણી દરમિયાન લોકો અમારી સાથે સૅલ્ફી લઈ લે છે. કોઈ કહે છે કે અમારા માથા પર હાથ રાખી દો, અમારા ખભા પર હાથ રાખી દો. તસવીરનો સવાલ છે તો હું કોઈને ના કેવી રીતે પાડી શકુ?"
ભાજપનો આરોપ
ઉત્તર પ્રદેશ ભાજપે અવધેશ પ્રસાદના વાયરલ વીડિયો અને મોઇદ ખાન સાથે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી.
ભાજપે પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો, "દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાઓના આરોપીને રાજકીય સંરક્ષણ દેનાર સમાજવાદી પાર્ટીનો સાચો ચહેરો એક વખત ફરીથી જોવા મળી રહ્યો છે."
પાર્ટીએ લખ્યું, "આયોધ્યામાં કિશોરીના બળાત્કારનો આરોપી અખિલેશ યાદવના સૌથી નજીકના સંસદ સભ્યનો શિષ્ય છે. જોકે, આ વિશે સાંસદને સવાલ કરવામા આવ્યો તો તેઓ પત્રકારને પોતાનો રાજકીય પાવરનો પરચો દેવા લાગ્યા."
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે સ્થાનિક ધારાસભ્ય અમિતસિંહ ચૌહાણ સાથે પીડિત પરિવારની મુલાકાત કરી હતી. તેમણે આ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, "કિશોરીને કોઇ પણ કિંમતે ન્યાય મળે તે માટે અમે પ્રતિબદ્ધ છીએ."
મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું, "કિશોરીનાં માતાએ જણાવ્યું કે મુખ્ય મંત્રીએ ભરોસો આપ્યો છે કે આરોપી સમાજવાદી પાર્ટીના નેતા મોઇન ખાનની સંપત્તિની તપાસ કરાવવામાં આવસે અને ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ચાલશે."
આ ઉપરાંત મુખ્ય મંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે કિશોરીના સ્વાસ્થ્ય અને તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે.
પીડિતાને સામાન્ય વૉર્ડમાંથી પ્રાઇવેટ વૉર્ડમાં શિફ્ટ કરીને અજાણ્યા લોકો સાથે ન મળવા દેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત હૉસ્પિટલ અને પીડિતાના ઘરની આસપાસ પરણ કડક સુરક્ષાવ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.
રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ કમિશનના સભ્યએ પણ પીડિત કિશોરી સાથે મુલાકાત કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા પ્રોબેશન અધિકારીને કહેવામાં આવ્યું છે કે બૅન્કમાં કિશોરીનું ખાતું ખોલીને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે.
ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સોશિયલ મીડિયા પર લખ્યું, "અયોધ્યાના પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કડક કાયદાકીય કાર્યવાહી થશે."
તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર ટોણો મારતાં લખ્યું, "તમે, તમારી પાર્ટી અને તમારા સંસદ સભ્યો આ પ્રકારના ગુનેગારોને બચાવી નહીં શકો. લોકસભાની ચૂંટણી પછી સમાજવાદી પાર્ટીના ગુંડા અરાજકતા ફેલાવી રહ્યા છે અને પ્રદેશનો માહોલ ખરાબ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીને આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે."
અખિલેશ યાદવે શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સીધી રીતે મોઇન ખાનનું નામ તો ન લીધું, પરંતુ તેમણે કહ્યું કે આ મામલે રાજકારણ ન થવું જોઇએ.
તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "દુષ્કર્મ મામલે જેના પર આરોપ લાગ્યા છે તેનો ડીએનએ ટેસ્ટ કરાવીને ન્યાયનો રસ્તો કાઢવામાં આવે અને ખાલી આરોપ લગાવીને રાજકારણ કરવામાં ન આવે."
તેમણે લખ્યું, "જે દોષી છે તેમને કાયદા પ્રમાણે સજા કરવામાં આવે. જોકે, ડીએનએ ટેસ્ટ પછી આરોપ ખોટા સાબિત થાય તો સંડોવાયેલા સરકારી અધિકારીઓને પણ બક્ષવામાં ન આવે. ન્યાયની આ જ માંગ છે."
જોકે, સમાજવાદી પાર્ટીના હૅન્ડલ પર પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરી થકી એક લાંબુ નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું.
આ નિવેદનમાં લખ્યું છે, " સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે કહ્યું છે કે અયોધ્યાના ભદરસા મામલામાં ડીએનએ ટેસ્ટ વગર ભાજપના આરોપને દુરાગ્રહ ગણવામાં આવશે. દુષ્કર્મ મામલે જેના પર આરોપ લાગ્યા છે તેનો ડીએનએ ટેસ્ટ કરાવીને ન્યાયનો રસ્તો કાઢવામાં આવે અને ખાલી આરોપ લગાવીને રાજકારણ કરવામાં ન આવે. જે દોષી છે તેમને કાયદા પ્રમાણે સજા કરવામાં આવે. જોકે, ડીએનએ ટેસ્ટ પછી આરોપ ખોટા સાબિત થાય તો સંડોવાયેલા સરકારી અધિકારીઓને પણ બક્ષવામાં ન આવે. તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે."
સમાજવાદી પાર્ટી સામે માયાવતીની પ્રતિક્રિયા
ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદની માંગણીનો જવાબ સોશિયલ મીડિયા પર આપ્યો હતો.
તેમણે લખ્યું, "બળાત્કારીઓને બચાવવાનો સમાજવાદી પાર્ટીનો જન્મજાત સ્વભાવ છે. બળાત્કારી મુસ્લિમ હોય તો આખો સેફઈ પરિવાર તેમને બચાવવા માટે તૈયાર થઈ જાય છે."
બીજી તરફ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ કહ્યું, "ઉત્તર પ્રદેશ અયોધ્યા ગૅંગરેપ કેસમાં આરોપીઓ સામે જે કડક કાર્યવાહી કરી રહી છે તે યોગ્ય છે."
તેમણે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર અખિલેશ યાદવ પર સવાલ ઉઠાવ્યો, "સમાજવાદી પાર્ટીનું કહેવું છે કે આરોપીના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવે, આ માગણીને કેવી રીતે જોવી?"
"સમાજવાદી પાર્ટીએ એ પણ જણાવવું જોઇએ કે તેમની સરકારમાં આ પ્રકારના આરોપી વિરુદ્ધ કેટલા ડીએનએ ટેસ્ટ થયા હતા."
તેમણે બીજી એક પોસ્ટમાં લખ્યું, "ઉત્તર પ્રદેશમાં ગુનાઓ પર નિયંત્રણ અને કાયદા વ્યવસ્થામાં ખાસ કરીને મહિલાની સુરક્ષા અને ઉત્પીડન વિશે વધતી ચિંતાઓ વચ્ચે અયોધ્યા અને લખનૌ જેવી ઘટનાઓ દુખદ છે."
"સરકાર તેના નિવારણ માટે નાતજાત અને રાજકારણથી ઉપર ઉઠીને કડક પગલાં લેશે તો સારૂં રહેશે."