You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલે લેબનોન પર કર્યો ફરી હુમલો, 51નાં મોત- ન્યૂઝ અપડેટ
લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ઇઝરાયલે બુધવારે લેબનોન પર ફરી હુમલો કર્યો છે જેમાં ઓછામાં ઓછાં 51 લોકોનાં મૃત્યુ થયાં છે.
ઇઝરાયલની સેનાએ જણાવ્યું કે તેમની ઍરફૉર્સે હિઝબુલ્લાહના લગભગ 280 ઠેકાણાંને નિશાન બનાવ્યાં જેમાં એ વિસ્તારો પણ સામેલ હતા જેમના પર સવારે હુમલો કરવામાં આવ્યો હતો.
ઇઝરાયલના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારોમાં હથિયારો રાખવામાં આવ્યાં હતાં અને સૈન્ય ઢાંચો પણ બનાવવામાં આવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે લેબનોનમાં સોમવારથી અત્યારસુધી લગભગ 90 હજાર લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.
સોમવારે લેબનોનમાં કરાયેલા ઇઝરાયલી હુમલામાં 550 લોકોનાં મોત થયાં હતાં જેમાં 50 બાળકોનો સમાવેશ થાય છે.
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે કોર્ટે તપાસ શરૂ કરવાના આપ્યા નિર્દેશ
જન પ્રતિનિધિ કોર્ટે મૈસૂરની લોકાયુક્ત પોલીસને કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાની પત્નીને જમીન આપવાના મામલામાં તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સ્પેશિયલ કોર્ટના જજ સંતોષ ગજાનન ભટે સ્ત્રીમયી કૃષ્ણાની ફરિયાદ પર દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 156(3) અંતર્ગત તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે આદેશ આપ્યો કે લોકાયુક્ત પોલીસ એફઆઈઆર નોંધીને 24 ડિસેમ્બર, 2024 સુધીમાં તપાસ પૂર્ણ કરે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિશેષ અદાલતનો આ ઑર્ડર કર્ણાટક હાઇકોર્ટના કાલના નિર્ણય બાદ આપ્યો છે.
મંગળવારે હાઇકોર્ટે મુખ્ય મંત્રીની અરજીને રદ કરી હતી. જેમાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોતના મુખ્ય મંત્રીની સામે તપાસના આદેશને રદ કરવાની અપીલ કરી હતી.
મૈસૂલ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીએ સીએમ સિદ્ધારમૈયાની પત્ની બીએમ પાર્વતીને 14 જગ્યા પર પ્લૉટ આપ્યા હતા. આરોપ પ્રમાણે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીએ તેમની 3,26 એકર જમીન પર અવૈધ પ્રકારે કબજો કર્યો હતો.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: ચૂંટણી જોવા વિદેશી પ્રતિનિધિમંડળ પહોંચ્યું, ઉમર અબ્દુલ્લા શું બોલ્યા
જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે બીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. 26 બેઠકો પર ચાલી રહેલા મતદાન વચ્ચે 16 વિદેશી રાજનાયકોનું એક દળ આજે શ્રીનગર પહોંચ્યું. 20 લોકોના આ દળમાં ભારતના વિદેશ મંત્રાલયના ચાર પ્રતિનિધિઓ પણ સામેલ છે.
તેમણે વિવિધ મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી.
જમ્મુ-કાશ્મીર નેશનલ કૉન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી જોવા આવેલા વિદેશી રાજનાયકોના દળનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે ચૂંટણી એ ભારતનો આંતરિક મામલો છે.
તેમણે કહ્યું, “મને નથી ખબર કે વિદેશીઓને અહીં ચૂંટણીની તપાસ કરવી જોઈએ જ્યારે કે ભારતનું કહેવું છે કે કાશ્મીર એ તેનો આંતરિક મામલો છે. અચાનક તેમને શી જરૂરત પડી કે વિદેશી પર્યવેક્ષક અહીં આવીને ચૂંટણીને જુએ.”
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આજે પ્રદેશની 26 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
26 બેઠકોમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ શકે માટે ચૂંટણીપંચે 3500 મતદાનમથકો બનાવ્યાં છે.
બીજા તબક્કામાં રાજૌરી, પૂંછ, રિયાસી, ગાંદરબલ, શ્રીનગર અને બડગામ જિલ્લાની વિધાનસભા બેઠકોનો સામવેશ થાય છે. 26 બેઠકો માટે 239 ઉમેદવારો મેદાનમાં છે.
આ બેઠકો પર 25.78 લાખ મતદારો છે. જેમાં 13.12 લાખ પુરુષ અને 12.65 લાખ મહિલા મતદારો છે.
મતદાનને ધ્યાનમાં રાખીને સમગ્ર જમ્મુ-કાશ્મીર અને પીર પંજાલ ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સોમવારે પ્રચારના છેલ્લા દિવસે નૅશનલ કૉન્ફરન્સ, પ્રોગ્રેસિવ ડેમૉક્રેટિક પાર્ટી અને અવામી ઇત્તેહાદ પાર્ટીએ રેલીઓ યોજી હતી.
બીજા તબક્કામાં જમ્મુ અને કાશ્મીર નૅશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા, જમ્મુ અને કાશ્મીર કૉંગ્રેસના પ્રમુખ તારીક હમીદ કારા અને જમ્મુ-કાશ્મીરના ભાજપ પ્રમુખ રવીન્દ્ર રૈનાની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
ઓમર અબ્દુલ્લા ગાંદરબલ અને બડગામથી ચૂંટણી લડી રહ્યા છે. તારીક હમીદ કારા મધ્ય શાલતેંગથી ચૂંટણી લડી રહ્યા છે. રવીન્દ્ર રૈના રાજૌરીની નૌશેરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
પાંચ ઑગસ્ટ 2019ના દિવસે કલમ 370ને રદ કરીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લઈ લેવામાં આવ્યો અને બે કેન્દ્ર-શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા.
આ ચૂંટણીમાં નૅશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસે ગઠબંધન કર્યું છે અને જમ્મુ-કાશ્મીરની બધી જ 90 બેઠકો પર સાથે ચૂંટણી લડી રહ્યા છે.
બીજી તરફ પીડીપી અને ભાજપ એકલા ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાના સંસદસભ્ય એન્જિનિયર રશીદની પાર્ટી અવામી ઇત્તિહાદે જમાત-એ-ઇસ્લામી સમર્થિત અપક્ષ ઉમેદવારોની સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે જમાત-એ-ઇસ્લામી એક પ્રતિબંધિત સંગઠન છે.
મતદાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. 8 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થશે.
હિઝબુલ્લાહના મિસાઈલ અને રૉકેટ વડાનું ઇઝરાયલી ઍર સ્ટ્રાઈકમાં મૃત્યુ
લેબનોનમાં ઇઝરાયલે ઍર સ્ટ્રાઇક કરતા હિઝબુલ્લાહના મિસાઇલ અને રૉકેટ યુનિટના વડા ઇબ્રાહીમ કુબેસીનું મૃત્યુ થયું છે.
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું, ''મંગળવાર બપોરે બૈરુત શહેરના દક્ષિણ વિસ્તારમાં બૉમ્બમારો કરવામાં આવ્યો હતો, જેમાં હિઝબુલ્લાહના કમાન્ડર ઇબ્રાહીમ કુબેસીનું મૃત્યુ થયું છે. કુબેસી સાથે અન્ય લોકોનાં પણ મોત થયાં છે.''
તેમણે વધુમાં જણાવ્યું કે કુબેસી હિઝબુલ્લાહની મિસાઇલો ઍક્ટિવેટ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હતા અને ઇઝરાયલ વિરુદ્ધ કેટલાક હુમલામાં તેઓ સામેલ પણ હતા.
ઇઝરાયલના દાવા બાદ હિઝબુલ્લાહે સોશિયલ મીડિયા ઍપ ટેલિગ્રામમાં જણાવ્યું કે, ''એક હુમલામાં તેમના કમાન્ડર ઇબ્રાહીમ કુબેસી શહીદ થયા છે.''
લેબનોનના આરોગ્ય આરોગ્ય મંત્રાલય અનુસાર ઇઝરાયલના ઍર સ્ટ્રાઇકમાં અત્યાર સુધી 558 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1835થી વધુ લોકો ઘાયલ થયા છે.
બીબીસી સાથેની વાતચીતમાં લેબનોનના આરોગ્યમંત્રી ફિરાશ અબૈદે જણાવ્યું કે, ''મૃતકોમાં 50 બાળકો અને 94 મહિલાઓ પણ સામેલ છે. હાલમાં લેબનોનમાં જે થઈ રહ્યું છે તે નરસંહાર છે. જો તમે હૉસ્પિટલના ઇમરજન્સી રૂમમાં ઘાયલોને જોશે તો ખબર પડશે કે બધા નાગરિકો છે. તેઓ ઇઝરાયલ દાવા કરે છે તે પ્રમાણે લડવૈયા કે સૈનિકો નથી.''
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી, દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે
મંગળવારે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ સંસદ ભંગ કરીને દેશમાં વહેલી સામાન્ય ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. સરકારે એક આદેશમાં જણાવ્યું કે દેશમાં 14 નવેમ્બરના રોજ સામાન્ય ચૂંટણી યોજાશે. શ્રીલંકામાં સાલ 2020માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.
શ્રીલંકામાં પણ સંસદસભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષ સુધીનો હોય છે. હવે સંસદ ભંગ થતા દેશમાં નિર્ધારિત સમય કરતાં ચૂંટણી વહેલી થશે.
રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાના થોડા સમય બાદ દિસાનાયકેએ જણાવ્યું હતું કે, એવી સંસદને ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી જેને લોકોની જરૂરિયાત વિશે સમજ ન હોય.
રાષ્ટ્રપતિ દિસાનાયકેએ મંગળવારે પ્રાધ્યાપકથી સાંસદ બનેલાં હરિની અમરાસૂર્યાને વડાં પ્રધાન તરીકે પસંદ કર્યા છે. સાથે તેમને ન્યાય, શિક્ષણ અને શ્રમ મંત્રાલયની જવાબદારી પણ સોંપી છે.
દિસાનાયકે અને અમરાસૂર્યા એમ બંને વામપંથી તરફી નૅશનલ પિપલ્સ પાવર ગઠબંધનનાં સભ્યો છે. આ ગઠબંધન પાસે 225 બેઠકો ધરાવતી શ્રીલંકાની સંસદમાં માત્ર ત્રણ સાંસદો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન