ગુજરાતમાં આજથી શરૂ થશે ભારે વરસાદ, આ જિલ્લા પર પવન અને વરસાદનો ખતરો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઑક્ટોબર મહિનાના અંતમાં પણ વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી છે. તેમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી ઓરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત, કચ્છ અને દીવમાં હવામાન મુખ્યત્વે સૂકું છે.
અમરેલીમાં જાફરાબાદના દરિયાઈ પટ્ટામાં સતત વરસાદ ચાલુ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જાફરાબાદમાં શનિવારે રાતે પણ પવનના સુસવાટા સાથે ધીમી ગતિએ વરસાદ ચાલુ હતો.
રાજકોટમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ છે અને હળવો પવન ફૂંકાય છે. આસપાસના વિસ્તારોમાં પણ આકાશ વાદળોથી ઘેરાયેલું છે.
દરમિયાન વડોદરામાં પણ આજે સવારથી શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ઝરમર વરસાદ અને માવઠા જેવા હવામાનના કારણે ખેતીને હવે નુકસાન થાય તેવો અંદાજ છે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશન

ઇમેજ સ્રોત, IMD
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારા નજીક અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે ગોવાથી આ ડિપ્રેશન 450 કિમી દૂર, મુંબઈથી 430 કિમી દૂર, મેંગલોરથી 680 કિમીના અંતરે આવેલું છે. આગામી 24 કલાકમાં તે અરબી સમુદ્રમાં પૂર્વ મધ્ય દિશામાં આગળ વધે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના ડેટા પ્રમાણે ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધીના દરિયાકિનારે હાલમાં 45 કિમીથી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. કેટલીક જગ્યાએ પવનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. ગુજરાતના દરિયાકિનારે માછીમારોને હાલમાં સમુદ્રમાં ન જવાની સૂચના અપાઈ છે.
કયા જિલ્લાઓમાં વરસાદ પડશે

ઇમેજ સ્રોત, IMD
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 26 ઑક્ટોબર, રવિવારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઉપરાંત અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યના બાકીના જિલ્લાઓમાં રવિવારે 30થી 40 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
27 ઑક્ટોબર, સોમવારે ગુજરાતમાં એક ડઝન કરતા વધારે જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગ જણાવે છે. આગાહી પ્રમાણે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટીછવાઈ જગ્યાએ સોમવારે ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની આગાહી છે. તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો સામેલ છે.
28 ઑકટોબર, મંગળવારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી છે.
મંગળવારે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ,બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વાપી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટીછવાઈ જગ્યાએ હળવો વરસાદ પડવાની આગાહી છે.
ઠંડી શરૂ થવાની તૈયારી

ઇમેજ સ્રોત, IMD
અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજે રવિવારે આકાશ વાદળછાયું રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.
આગામી બે દિવસ સુધી ગુજરાતમાં લઘુતમ કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. ત્યાર પછી લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. મહત્તમ તાપમાન પણ આટલું જ ઘટી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












