બદલો લેવાની વિચિત્ર રીત : મહિલાના નામે હજારો રૂપિયાનાં પાર્સલ 'કૅશ-ઑન-ડિલિવરી' ઑર્ડર કરી દીધાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝેવિયર સૅલ્વાકુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
તામિલનાડુના કોઇમ્બતૂરમાં એક મહિલાએ કંપની છોડી દીધી અને પોતાનો ધંધો શરૂ કર્યો.
આ વાત કંપનીના માલિકને ગમી નહીં, એટલે તેમણે મહિલાની કનડગત કરવાના હેતુથી તેમના સરનામે સેંકડોની સંખ્યામાં પાર્સલ મોકલ્યાં અને એ તમામ 'કૅશ ઑન ડિલિવરી' હતાં.
કોઇમ્બતૂર સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને કંપનીના માલિકની ધરપકડ કરી હતી.
કંપનીના માલિકના કહેવા પ્રમાણે, મહિલાએ નોકરી છોડી, તેના કારણે કંપનીને ભારે અસર થઈ હતી, એટલે ગુસ્સો કાઢવાના હેતુથી તેમણે આમ કર્યું હતું.
સમગ્ર ઘટનાક્રમ દરમિયાન શું થયું હતું, તેના વિશે કોઇમ્બતૂર સિટી સાયબર ક્રાઇમ પોલીસે બીબીસી તામિલને માહિતી આપી હતી.
મહિલા સાથે ખરેખર શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
કોઇમ્બતૂરમાં રહેતાં એક મહિલાને છેલ્લા એક વર્ષથી અલગ-અલગ કુરિયર કંપનીઓ મારફત પાર્સલ મળી રહ્યાં હતાં.
મહિલાનાં નામ, ઘરનાં સરનામાં, મોબાઇલ નંબર તથા ઇમેઇલ આઇડીની વિગતો સાથે 'કૅશ ઑન ડિલિવરી' પાર્સલ મળી રહ્યાં હતાં. જોકે, મહિલાએ તેમાંથી કોઈ પણ ચીજ ઑર્ડર કરી ન હતી. આવું વારંવાર થતાં મહિલા મૂંઝાયાં હતાં.
પોતે ઑર્ડર નથી આપ્યો, એમ કહીને મહિલા આ પાર્સલ પરત મોકલી દેતાં. જોકે, દિવસે ને દિવસે તેમની મુશ્કેલી વધતી રહી. ક્યારેક-ક્યારેક તો દરરોજના 50થી 100 પાર્સલ આ મહિલાના ઘરે આવતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાને જે પાર્સલ મળતાં, તેની ઉપર તેમનાં નામ સાથે આપત્તિજનક શબ્દો જોડાયેલા હતા.
કુરિયર આપવા આવતાં લોકો પણ મહિલાને એ નામ સાથે જ સંબોધિત કરતા. મહિનાઓ સુધી આવું દરરોજ બનતું રહ્યું. જેના કારણે મહિલા ભારે માનસિક તાણ અનુભવી રહ્યાં હતાં.
મોબાઇલ નંબર બદલે તો વ્યવસાયને અસર પડે તેમ હોવાથી પોલીસની સલાહ છતાં મહિલા તેમનો નંબર બંધ કરી શકે તેમ ન હતાં.
છેવટે એપ્રિલ મહિનામાં મહિલાએ કોઇમ્બતૂર શહેરના સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટને ફરિયાદ આપી હતી.
પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. છેવટે આઠ મહિનાની તપાસ બાદ આરોપી શખ્સનું નામ સામે આવ્યું છે.
'વેર લેવા માટે આવું કર્યું'
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સતીશકુમાર નામનો શખ્સ મહિલાના સરનામે પાર્સલ મોકલાવતો હતો એટલે પોલીસે તેની ધરપકડ કરી હતી.
પીડિત મહિલા વર્ષ 2023માં સતીશકુમારની કંપનીમાં જોડાયાં હતાં અને ગત વર્ષ સુધી ત્યાં કામ કરતાં હતાં. એ પછી મહિલાએ કંપની છોડી દીધી અને પોતાનો વ્યવસાય શરૂ કર્યો.
મહિલાએ નવી કંપની ચાલુ કરી તેના અમુક મહિના પછી તેમને પાર્સલ આવવા લાગ્યાં હતાં.
કોઇમ્બતૂર સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ઇન્સ્પેક્ટર અઝાગુ રાજાએ જણાવ્યું, "મહિલા જ્યારે કામ કરતાં હતાં, ત્યારે સતીશની કંપનીને પુષ્કળ ઑર્ડર મળતા હતા. જ્યારે મહિલાએ સતીશની કંપની છોડી દીધી અને પોતાની કંપની ચાલુ કરી, ત્યારે અનેક ગ્રાહકોએ સતીશને બદલે મહિલાની કંપની પાસેથી સામાન ખરીદવાનું ચાલુ કરી દીધું."

ઇમેજ સ્રોત, Sathish Kumar
આને કારણે સતીશની કંપનીને ભારે નુકસાન થયું હતું. પોલીસના કહેવા પ્રમાણે, સતીશકુમારે પોતાનો ગુનો કબૂલી લીધો છે અને મહિલાને ત્રાસ આપવાના હેતુસર આમ કર્યું હોવાનું જણાવ્યું હતું.
સતીશકુમાર અલગ-અલગ સોશિયલ મીડિયા પર જે કોઈ આઇટમ જોતો, તેને મહિલાના સરનામે ઑર્ડર કરી દેતો, જેથી મહિલાને મોટી સંખ્યામાં પાર્સલ આવવાં લાગ્યાં હતાં.
આ કોઈ ઑર્ડરમાં સતીશકુમારની સીધી સંડોવણી ન હતી, એટલે મહિલાને તેના ઉપર તરત જ શંકા નહોતી ગઈ.
ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે મહિલાને પાર્સલ મોકલનારી અલગ-અલગ કુરિયર કંપનીઓનો સંપર્ક કર્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, સતીશકુમારે એક જ કંપનીના 'આઇપી' ઍડ્રેસ પરથી કુરિયર મોકલાવ્યા હતા.
સતીશકુમારની ધરપકડ થઈ, તેના એક દિવસ પહેલાં સુધી મહિલાને દરરોજ પાર્સલ મળતાં હતાં.
બીબીસી તામિલ સાથે વાત કરતી વેળાએ મહિલાએ સમગ્ર ઘટનાક્રમ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
'સામે આવી ફરિયાદ નોંધાવો'

ઇમેજ સ્રોત, TN Police
સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને મહિલા વિરુદ્ધ અનેક ગુના આચરવામાં આવે છે, પરંતુ ઘણી વખત મહિલાઓ સામે આવીને ફરિયાદ નથી નોંધાવતી.
આથી કોઇમ્બતૂર પોલીસ દ્વારા અલગ-અલગ કૉલેજો તથા આઇટી (ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી) કંપનીઓમાં જઈને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.
પોલીસ ઇન્સ્પેક્ટર અઝાગુ રાજાના કહેવા પ્રમાણે, "મહિલાએ સામે આવીને ફરિયાદ નોંધાવી એટલે જ પોલીસ આરોપીને પકડી શકી હતી. જો અન્ય પીડિત મહિલાઓ પણ મક્કમતાપૂર્વક સામે આવીને ફરિયાદ નોંધાવે તો આ સમસ્યાને ઘટાડી શકાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












