પીએમ મોદીના કહ્યા પ્રમાણે, 'ભારતીયે' શોધેલા પેટ્રાના રસ્તે વેપાર શક્ય છે? ગુજરાતનું શું હતું કનેકશન?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જૉર્ડનની યાત્રા દરમિયાન ભારત અને યુરોપ વચ્ચેના વેપાર અને તેમાં પેટ્રાની ભૂમિકાની યાદ અપાવી હતી અને કહ્યું હતું કે 'આપણે ઉજ્જવળ ભવિષ્યને માટે ભૂતકાળના વેપાર સંબંધને ફરી સક્રિય કરવાની જરૂર છે.'
એક સમયે પેટ્રાનું વિશ્વના નકશા પરથી નામ હઠી ગયું હતું. ત્યારે એક 'ભારતીય'ને કારણે તે ફરીથી શોધાયું હતું.
કેટલાક લોકો આ વેપારમાર્ગને ફરી શરૂ કરવાની શક્યતા અંગે પણ સવાલ ઉઠાવી રહ્યા છે.
એક સવાલ એ પણ થાય કે રણની વચ્ચે આવેલું હોવા છતાં ત્યાં પાણીની તંગી કેમ નહોતી પડતી? કઈ રીતે સેંકડો ઊંટ સાથેના કાફલા અહીં આરામ કરતા અને યુરોપ તરફ આગળ વધતા?
પ્રાચીન સમયમાં આ નગરનું ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાં શું મહત્ત્વ હતું અને શા માટે તેનું પતન થયું હતું?
પેટ્રાની સમૃદ્ધિ અને પતન

ઈસ પૂર્વે ચોથી સદીમાં પેટ્રાનો વેપારમાં દબદબો હતો અને તે ખૂબ જ સમૃદ્ધ હતું. ગ્રીક ભાષામાં પેટ્રાનો મતલબ 'પાષાણ' એવો થાય છે.
નાબાતિયન નામની ખાનાબદોશ આરબ જનજાતિ આ વિસ્તાર ઉપર શાસન કરતી અને પેટ્રા તેમની રાજધાની હતી.
પેટ્રાનગર અડધું નિર્મિત છે અને તેના ખાસ્સા એવા વિસ્તારને પથ્થરોમાંથી કંડારવામાં આવ્યો છે. એક તબક્કે ત્યાં 10થી 30 હજાર લોકો નિવાસ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે રાતા સમુદ્ર તથા મૃત સમુદ્રની વચ્ચે આવેલું છે અને પ્રાચીન સમયથી અહીં માનવવસ્તી રહી છે. યુનાન, ગ્રીક, રોમન, પર્શિયન સમયમાં તે વેપારનું કેન્દ્ર હતું.
આરબ અને આફ્રિકામાંથી લોબાન, ચીનથી સિલ્ક અને ભારતથી મસાલા, તેજાના, હીરા-ઝવેરાત અને કપાસનાં કપડાં આ રસ્તેથી યુરોપિયન દેશોમાં જતાં.
એ સમયમાં દરિયાઈ માર્ગે વેપારપ્રવૃત્તિ એટલી પ્રચલિત નહોતી અને ઊંટોના કાફલા મારફત વેપાર થતો. વેપારના કાફલા પેટ્રામાં આરામ કરતા બદલામાં તેને વેરો ભરતા.
પેટ્રાવાસીઓએ આસપાસના ઊંચાણવાળા વિસ્તારોમાં આવેલાં ઝરણાં તથા વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ડૅમ બાંધ્યા હતા. એ પછી ચૅનલ, કૅનાલ તથા પાઇપ મારફત પાણી નીચે આવતું. જેનો ઉપયોગ વપરાશ માટે થતો. ગુરુત્વાકર્ષણ મારફત આ પાણી કુદરતી રીતે નીચે તરફ સરકતું હતું.
અહીં જે સામાન પસાર થતો, તેની ઉપર 25 ટકા સુધીનો કર લાદવામાં આવતો હતો, જેના કારણે આ નગર ખૂબ જ સમૃદ્ધ હતું. આજે પણ તે વિશ્વની વિખ્યાત પુરાતત્ત્વીય સાઇટોમાંથી એક છે.
જળવ્યવસ્થાના અવશેષો, કબરો, હાથીના ચહેરાનાં કોતરકામ, કુરબાની સ્થાન, ચર્ચ, દેવસ્થાન તથા અન્ય બાબતો પેટ્રાની સમૃદ્ધિને છતી કરે છે.
રોમનોને આ સ્થાનનું મહત્ત્વ સમજાયું હતું એટલે ઈસુની બીજી સદીમાં આ નગરને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું, જેથી કરીને બીજી સદીના શરૂઆતના ભાગમાં મહત્ત્વપૂર્ણ વેપારમાર્ગ ઉપર તેમનું પ્રભુત્વ જળવાઈ રહે.
રોમનોની પાસે 'વાયા નોવા તરાયાના' માર્ગ હતો, જે ઇસ્લામિક યુગમાં હજ માટેનો માર્ગ પણ હતો.
વડા પ્રધાન મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું કે "એક સમયે ગુજરાત અને યુરોપની વચ્ચે જે વેપાર થતો, તે પેટ્રાથી પસાર થતો. આપણે ભાવિ સમૃદ્ધિ માટે પ્રાચીન વેપારમાર્ગને ફરી સક્રિય કરવાની જરૂર છે."
મોદીએ કહ્યું હતું કે ભરૂચથી દરિયાઈમાર્ગે સામાન નીકળતો અને ભૂમધ્ય સાગર કે યુરોપ તરફ જતો, ત્યારે પેટ્રાએ વેપારનું મુખ્ય મથક હતું.

નવા અને વધુ સલામત વેપારમાર્ગોની શોધ થઈ. આ સિવાય દરિયાઈમાર્ગે મોટા પ્રમાણમાં સામાનની ખૂબ જ દૂર સુધી હેરફેર થઈ શકતી હતી. આગળ જતાં બેદુઇન સમુદાયના લોકોએ આ વિસ્તાર ઉપર પ્રભુત્વ જમાવ્યું.
રોમનોનું ધ્યાન પેટ્રા કરતાં વધુ કૉન્સટન્ટિનોપલ (હાલના ઇસ્તાંબૂલ) પર કેન્દ્રિત થયું હતું, જેથી એ નગરનો વિકાસ થયો.
ઈસ ચોથી સદીમાં પેટ્રામાં ભયંક ભૂકંપ આવ્યો, જેનાં કારણે અનેક ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ. જેના કારણે નગરની જળવિતરણ વ્યવસ્થાને નુકસાન થયું. જેના કારણે વસતિ ઘટી અને ઉત્તરોત્તર ઘટતી રહી. ફરી ભૂકંપ આવ્યો અને અહીંથી વસતી નજીકના ફળદ્રુપ અને સપાટ પ્રદેશોમાં હિજરત કરી ગઈ.
સાતમી સદી દરમિયાન આ નગર પર હુમલો થયો હોવાની નોંધ મળે છે તથા ધર્મયુદ્ધના સમય દરમિયાન 12મી સદી દરમિયાન અહીં થાણું હતું. અહીં આવેલું ચર્ચ, એક સમયે અહીં ખ્રિસ્તી વસતી હોવાની સાક્ષી પૂરે છે.
વડા પ્રધાન મોદી આ રૂટને ફરી જાગૃત કરવાની વાત કરે છે, પરંતુ સોશિયલ મીડિયા ઉપર લોકો આ પગલાને અવાસ્તવિક ગણાવે છે.
આજે પેટ્રા એ પર્યટકસ્થળ છે. વર્ષ 1985માં તેને યુનેસ્કોના વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું, ત્યારથી ત્યાં પર્યટકોની સંખ્યા વધી છે.
આજે પેટ્રા ટ્રાન્સપૉર્ટેશન હબ નથી. જૉર્ડનમાં એક માત્ર દરિયાઈ બંદર અકાબા છે, જે પેટ્રાથી લગભગ 300 કિલોમીટર દૂર છે. આના કરતાં દરિયાઈમાર્ગે સામાન મોકલવો સરળ, સસ્તો અને ઝડપી છે.
જમીનમાર્ગે પેટ્રાના રસ્તે સામાન મોકલવો સરળ નહીં હોય. પેટ્રા પોતે પણ ઉત્પાદન હબ કે ઔદ્યોગિક હબ નથી અને આવી કોઈ સવલતો પણ ત્યાં નથી.
'ભારતીય' દ્વારા શોધ

ઇમેજ સ્રોત, Getty Images
જોહાન લુડવિગ બર્કહાર્ડ્ટનો જન્મ સ્વિટ્ઝરલૅન્ડમાં થયો અને તેમણે ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
આગળ જતાં તેઓ સીરિયા ગયા અને ત્યાં અરબી ભાષા તથા ઇસ્લામિક રીતરિવાજ તથા પદ્ધતિઓ શીખી. જોહાન મોટા ભાગે મુસ્લિમ પરિધાન જ ધારણ કરતા.
ભારતના પૂર્વ વિદેશ સચિવ શ્યામ શરણ જણાવે છે કે જોહાન જ્યારે સીરિયામાં હતા, ત્યારે તેમણે 'ગુમ થયેલા નગર' વિશેની વાતો સાંભળી હતી.
ત્યાં સુધી પહોંચવા માટે તેમણે ભારતીય વેપારી શેખ ઇબ્રાહીમ બિન અબ્દલ્લાની ઓળખ ધારણ કરી, જેથી કરીને તેઓ સરળતાથી આ નગર સુધી પહોંચી શકે તથા કોઈ તેમના પર શંકા ન કરે.
જોહાને મોહમ્મદ પયગંબરના સાથી એરોનની કબરની જિયારત પર નીકળ્યા. આ કબર પેટ્રાના ખૂણામાં આવેલી છે. બેદુઇન જનજાતિના લોકો તેમને અહીં સુધી લાવ્યા અને તેમણે આ પુરાતત્ત્વીય અવશેષો શોધ્યા અને તેની નોંધ કરી.
એ પછી જોહાને અબુ સિમ્બલ ખાતે પાષાણમાંથી બનાવવામાં આવેલાં દેવસ્થાનોની શોધ કરી હતી.
બર્કહાર્ડ્ટે આજીવન પોતાની ઓળખ છતી નહોતી કરી. તેમનું સીરિયામાં મૃત્યુ થયું, ત્યારે પણ તેમની કબર ઉપર શેખ ઇબ્રાહીમ બિલ અબદલ્લા તરીકેની ઓળખ અંકિત છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












