બંગાળની ખાડીમાં ફરી બનશે નવું લૉ-પ્રેશર, આ સિસ્ટમ કઈ તરફ જશે?

ગુજરાત ચોમાસું, હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પર વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે

ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંતમાં પડેલા અતિભારે વરસાદ બાદ ફરીથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં હજી આગામી દિવસોમાં પણ વરસાદ પડવાનો ચાલુ રહેવાની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરી છે.

બંગાળની ખાડીમાં બનેલું ડીપ્રેશન આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર પરથી આગળ વધીને નબળું પડી ગયું અને હવે તે લૉ-પ્રેશર એરિયા બની ગયું છે.

જે હવે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પહોંચ્યું છે એટલે કે તે ગુજરાતની નજીક છે, જેની અસર હજી આગામી દિવસોમાં ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા છે.

આ પહેલાં 25 ઑગસ્ટથી ગુજરાતમાં જે પૂરની સ્થિતિ પેદા થવાની શરૂ થઈ હતી, એ ડીપ ડિપ્રેશનની સિસ્ટમની શરૂઆત પણ બંગાળની ખાડીમાં થઈ હતી અને કચ્છ પરથી આગળ વધીને તે વાવાઝોડું બન્યું હતું.

હવે હવામાન વિભાગે ફરી નવું લૉ-પ્રેશર બંગાળની ખાડીમાં બનશે તેવી આગાહી કરી છે અને તેની અસર ભારતના કેટલાક વિસ્તારોમાં આવતી કાલથી શરૂ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતમાં હજી કેટલા દિવસ કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

ગુજરાત હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, imd

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે અને કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલ્સ પ્રમાણે ગુજરાતમાં 9 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી સતત વરસાદ પડે તેવી સંભાવના છે.

આગામી ત્રણથી ચાર દિવસમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, ડાંગ તાપી તથા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે કોઈ વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે.

આ ઉપરાંત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છુટોછવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે વરસાદનું જોર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારો પર વધારે રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.

ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતના દિવસોમાં પડેલા વરસાદને કારણે મોટા ભાગના જિલ્લામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. આ પહેલાં જુલાઈ મહિનામાં પણ ઘણા વિસ્તારોમાં વધારે વરસાદ થયો હતો.

બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવશે?

દક્ષિણપશ્ચિમી મૉનસૂનની આગળ વધવાની પેટર્ન

ઇમેજ સ્રોત, IMD

ઇમેજ કૅપ્શન, દક્ષિણપશ્ચિમી મૉનસૂનની આગળ વધવાની પેટર્ન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવો લૉ-પ્રેશર એરિયા સર્જાવાની શક્યતા છે. 5 સપ્ટેમ્બરના રોજ આ સિસ્ટમ સર્જાશે અને તેની અસરની શરૂઆત થઈ જશે.

આ સિસ્ટમ હાલ ઓડિશાના દરિયાકિનારાની આસપાસ બને તેવી સંભાવના છે.

હવામાન વિભાગ પ્રમાણે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં બનશે અને શરૂઆતમાં તેની અસર અહીં આવેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં થવાની શક્યતા છે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે આ સિસ્ટમ પહેલાં પૂર્વ તરફ આગળ વધશે અને પછી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કે આ સિસ્ટમની સૌથી વધારે અસર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશને થવાની શક્યતા છે.

જે બાદ આ સિસ્ટમ ઉત્તર પ્રદેશના વિસ્તારોને પણ અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે.

હાલની સ્થિતિ પ્રમાણે આ લૉ-પ્રેશર એરિયા ગુજરાત પર આવે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. જો તે પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતને તેની અસર થાય તેવી શક્યતા છે.

હાલની સ્થિતિ પ્રમાણે 9 અને 10 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે.

સપ્ટેમ્બર મહિનો એ ચોમાસાનો છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે 20 સપ્ટેમ્બર બાદ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે.

કેરળમાંથી ચોમાસાની શરૂઆત થાય અને રાજસ્થાનથી ચોમાસું પરત ફરવાની શરૂઆત થતી હોય છે. જોકે, બંગાળની ખાડીમાં ફરી કોઈ નવી સિસ્ટમ સર્જાશે તો ચોમાસાની વિદાયમાં મોડું થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.