ગુજરાત : ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળથી ભાજપને આગામી ચૂંટણીમાં ફાયદો થશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર અંગે લાંબા સમયથી ચાલતી અટકળોનો ગત શુક્રવારે અંત આવ્યો હતો અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ થઈ હતી. શુક્રવારે સાંજે જ નવા મંત્રીઓને ખાતાંની ફાળવણી પણ કરી દેવાઈ.

નોંધનીય છે કે સાલ 2021માં તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળે રાજીનામું આપ્યું હતું, જે બાદ ભૂપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી.

મંત્રીમંડળમાં ફેરફારના આ નિર્ણયની સાથે જ રાજ્યના મંત્રીમંડળમાં થયેલા આ મોટા ફેરફારોનાં સંભવિત કારણો અંગે ચર્ચા શરૂ થઈ હતી.

ભાજપનો દાવો છે કે નવા મંત્રીમંડળમાં પક્ષે દરેક જ્ઞાતિને પ્રતિનિધત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નવા મંત્રીમંડળની રચના પાછળ અનેક તર્ક આપવામાં આવી રહ્યા છે, ત્યારે બીબીસીએ રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી અને આ સંભવિત કારણો અંગે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

કેટલાક રાજકીય નિષ્ણાતોએ પોતાનો મત વ્યક્ત કરતાં આ ફેરફારને 'ભાજપની સત્તાવિરોધી લહેર ખાળવાની વ્યૂહરચના' ગણાવી તો કોઈએ 'પક્ષમાં અસંતોષ દૂર કરવા માટેની કવાયત' ગણાવી.

આ ઉપરાંત કેટલાકે આ સમગ્ર કાર્યવાહીને પક્ષમાં લવાયેલા 'આયાતી નેતાઓની મહત્ત્વાકાંક્ષા સંતોષવાની વ્યૂહરચના' ગણાવી.

સત્તાવિરોધી લહેર અથવા બીજું કોઈ કારણ?

તાજેતરમાં વીસાવદર પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ મોટી જીત મેળવી હતી જે બાદ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. હાલમાં જ બોટાદમાં ખેડૂતોના વિરોધપ્રદર્શનની આગેવાની પણ આમ આદમી પાર્ટીએ લીધી હતી.

એક તરફ આપની સક્રિયતા વધી રહી છે ત્યારે બીજી તરફ કૉંગ્રેસે પણ પોતાના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

નોંધનીય છે કે હાલમાં જૂનાગઢમાં કૉંગ્રેસ પાર્ટીએ દસ દિવસના કાર્યશિબિરનું આયોજન કર્યું હતું.

2026માં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે પણ આ 'મિની વિધાનસભા'ની તૈયારીઓના ભાગરૂપે મંત્રીમંડળ ફેરબદલ કર્યો હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી કહે છે કે, ''2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકૉર્ડબ્રેક બેઠકો મેળવી હતી, પણ જોવાની વાત એ છે કે આટલી મોટી સફળતા મેળવવા છતાં ભાજપવિરોધી મતમાં ઘટાડો થયો નથી.''

''2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. તે ચૂંટણીમાં 41.7 ટકા મતદારોએ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. 2022ની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો પર જીત મેળવી હતી, પરંતુ કૉંગ્રેસ અને આપની મતોની ટકાવારીમાં કોઈ ખાસ ઘટાડો આવ્યો નથી.''

વિદ્યુત જોશી ગણતરી સમજાવતાં કહે છે કે, ''2022ની ચૂંટણીમાં કૉંગ્રેસને 27.28 ટકા મત જ્યારે આમ આદમી પાર્ટીને 12.92 ટકા અને ઓવૈસીની પાર્ટીને 0.30 ટકા મત મળ્યા હતા. આમ સરવાળો 40.58 ટકા થાય છે જે સૂચવે છે કે એક મોટો વર્ગ છે, જે ભાજપથી ખુશ નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપે જાન્યુઆરી 2025માં નવી નવ મહાનગરપાલિકાની જાહેરાત કરી હતી. મહાનગરપાલિકાની જાહેરાત થાય તો વિકાસનાં કામો થકી મોટી વસતીને સાધી શકાય."

રાજકીય વિશ્લેષકો અનુસાર ઓબીસી (અન્ય પછાત વર્ગ)માંથી આવતા જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકેની વરણી પાછળ પણ રાજકીય ગણિત હોઈ શકે છે.

તેમના મતે ઓબીસી પ્રદેશપ્રમુખ હોય અને મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે જ્ઞાતિઓને પ્રભુત્વ આપીને મતબૅન્કને મજબૂત કરી શકાય છે.

રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે, ''સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નો હલ નથી થયા, જેના કારણે ખેડૂતો નારાજ છે. શહેરી વિસ્તારમાં બ્રિજ અને બીજી સુવિધા પૂરી પાડી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં અસમાનતા હજુ યથાવત્ છે.''

''એટલે નવા મંત્રીમંડળમાં પટેલ ઉપરાંત આ જ્ઞાતિઓ સાથે સંકળાયેલા લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન અપાય તો આવનારી ચૂંટણીઓમાં ફાયદો થાય એમ છે. એટલું જ નહીં આદિવાસી વિસ્તારમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના લેઉઆ પટેલ સાથે ઓબીસીનું કૉમ્બિનેશન કરવાથી ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે. નવા મંત્રીમંડળમાં પણ એટલા માટે જ જ્ઞાતિ સંતુલન પર ભાર મૂકવામાં આવ્યો છે.''

તેઓ વધુમાં જણાવે છે કે, ''હાલ સત્તા દક્ષિણ ગુજરાતના નેતાઓ પાસે છે. મંત્રીમંડળમાં ફેરફારથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વિકેન્દ્રિત કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, તેનાથી ચૂંટણીમાં ફાયદો થઈ શકે છે.''

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, ''અગાઉના મંત્રીમંડળમાં કેટલાક મંત્રીઓના પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચારના આરોપ હતા. તો કેટલાક મંત્રીઓ સામે બીજા ગંભીર આક્ષેપ પણ થયા છે. ત્યારે એમને પડતા મૂકી નવા ચહેરા પસંદ કરવાથી આવનારી ચૂંટણીમાં ફાયદો થઈ શકે એમ છે.''

ગુજરાતમાં ભાજપના મંત્રીમંડળમાં થયેલા ફેરફારો

હવે જ્યારે ગુજરાતમાં ફરી એક વાર મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે વાત કરીએ ભૂતકાળમાં રાજ્યમાં મંત્રીમંડળમાં કરાયેલાં આ વિસ્તરણો અંગે.

2001માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ બાદ કેશુભાઈ પટેલને રાજીનામું આપવું પડ્યું હતું.

2005માં તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને આવી જ આ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. 2004ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થયો હતો, જે બાદ કેશુભાઈ પટેલે બળવો કર્યો હતો.

સત્તામાં આવ્યાનાં અઢી વર્ષ બાદ નરેન્દ્ર મોદીએ પહેલી વાર મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. ત્યારે શપથ લેવા માટે નામ જાહેર થયા છતાં ગોરધન ઝડફિયાએ મંત્રી બનવાનો ઇનકાર કર્યો હતો.

2009 લોકસભાની ચૂંટણી પહેલાં 2008માં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. ઑગસ્ટ 2010માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ચાર મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ફેબ્રુઆરી 2011માં પણ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને છ મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આવી જ રીતે નવેમ્બર 2013માં છ મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2016માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ખરાબ દેખાવ બાદ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે રાજીનામુ આપી દીધું હતું.

2021માં મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિત આખા મંત્રીમંડળે રાજીનામું આપી દીધું હતું.

ગુજરાતમાં 1995માં કેશુભાઈ પટેલની આગેવાનીમાં ભાજપ સત્તા પર આવ્યા પછી શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે થોડો સમય વિક્ષેપ પડ્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિ શાસનનો દોર પણ આવી ગયો.

પરંતુ માર્ચ 1998માં કેશુભાઈ પટેલ ફરીથી મુખ્ય મંત્રી ત્યારથી ભાજપે નિરંતર સત્તા જાળવી રાખી છે. 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યાર બાદ આનંદીબહેન અને વિજય રૂપાણી મુખ્ય મંત્રી બન્યાં, પરંતુ બંનેનો કાર્યકાળ પૂરો થાય તે અગાઉ અધવચ્ચેથી રાજીનામાં આપી દીધાં હતાં.

સપ્ટેમ્બર 2021થી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી છે, જેમની આગેવાનીમાં ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણી પણ જીતી ચૂક્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન