You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામાં, ભાજપને અચાનક મંત્રીઓ કેમ બદલવા પડ્યા, શું છે કારણ?
ગુજરાતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ રાજીનામાં આપ્યાં છે.
બીબીસી સંવાદદાતા લક્ષ્મી પટેલ સાથે વાત કરતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ વાતની પુષ્ટિ કરી છે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણીને હજુ બે વર્ષની વાર છે ત્યાં જ ગુજરાતના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દેતાં ખળભળાટ મચી ગયો છે.
આવતીકાલે મહાત્મા મંદિર ખાતે યોજાનાર શપથવિધિમાં નવા મંત્રીઓ શપથ લેશે.
16 મંત્રીઓમાં આઠ કૅબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ સામેલ છે.
કૅબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબહેન બાબરિયાએ રાજીનામું આપ્યું છે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, પરશોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનશેરિયા, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિએ રાજીનામું આપ્યું છે.
આખા મંત્રીમંડળનું રાજીનામું કેમ લઈ લેવાયું?
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે જણાવ્યું હતું કે, "ભાજપની સ્થિતિ હાલ 1985ની કૉંગ્રેસ જેવી થઈ ગઈ છે. 1985માં માધવસિંહ સોલંકીને 149 બેઠકો મળી હતી, અને સામે વિરોધ પક્ષ રહ્યો નહોતો. પણ, 2022માં ભાજપે એ રેકૉર્ડ પણ તોડ્યો. 156 બેઠકો પર જીત્યો. એ પછી જે લોકો કૉંગ્રેસ અને ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારો તરીકે જીત્યા અને ફરી ભાજપમાં આવતાં, સંખ્યાબળ વધીને 162 થઈ ગયું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આ સંજોગોમાં દરેક ધારાસભ્યની અપેક્ષાને પહોંચી વળવું મુશ્કેલ છે, એટલે જ 2024ની લોકસભા ચૂંટણીમાં પહેલી વાર ભાજપમાં વિરોધનો સૂર જોવા મળ્યો અને વડોદરા અને સાબરકાંઠામાં કુલ બે ઉમેદવારોને બદલવા પડ્યા હતા. ત્યારથી ભાજપમાં અસંતોષ દેખાઈ રહ્યો છે."
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીનું માનવું છે કે મંત્રીમંડળમાં બદલાવ કરીને ભાજપ ઍન્ટિ-ઇન્કમબન્સીને ખાળવા ઇચ્છે છે.
તેઓ કહે છે, "ભાજપને જ્યારે-જ્યારે ઍન્ટી-ઇન્કમ્બન્સી દેખાય ત્યારે તે દોષનો ટોપલો બીજા પર ઢોળે છે. એટલે પ્રધાનમંડળનું વિસ્તરણ કરી અત્યાર સુધી સરકારની થયેલી ભૂલો જૂના પ્રધાનો પર નાખવાનો આ પ્રયાસ છે."
ભાજપમાં અસંતોષ અને સૌરાષ્ટ્રમાં સત્તાનું સંતુલન
ભાજપમાં અસંતોષની વાતને સમર્થન આપતાં સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "સૌરાષ્ટ્રમાં લોકોને ભાજપ તેમની ઉપેક્ષા કરતો હોય એવી લાગણી તો ઊભી થઈ હતી, કારણ કે દક્ષિણ ગુજરાતને પ્રધાનમંડળમાં મહત્ત્વનું સ્થાન અપાયું હતું. બીજું કે સૌરાષ્ટ્રના લેઉવા પટેલોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, તેને ખાળવી મહત્ત્વની છે."
"બીજું એ પણ નોંધવું રહ્યું કે પટેલ સામે ઓબીસી વોટબૅન્ક અંકે કરવા માટે જગદીશ પંચાલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે, પણ મુખ્ય મંત્રીપદ અને પ્રમુખપદ અમદાવાદ પાસે ગયું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં સત્તાનું સંતુલન કરવું પડે એમ છે. એટલે નાણાં, ઉદ્યોગ અને મહેસૂલ જેવાં મહત્ત્વનાં ખાતાંમાં સૌરાષ્ટ્રનો અવાજ રાખવામાં આવશે એવું પ્રતીત થઈ રહ્યું છે."
ઘનશ્યામ શાહ કહે છે, "વિસાવદર ભલે ભાજપની કટિબદ્ધ બેઠક ન હોય, પણ ત્યાંથી આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ચૂંટાયા પછી, આપ જેવો સક્રિય પક્ષ પોતાની નવી રણનીતિ ગોઠવી રહ્યો છે. વિસાવદરની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ 40 બેઠકો પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. જેનું પહેલું ઉદાહરણ બોટાદમાં થયેલું વિરોધપ્રદર્શન છે, જેની અસર માત્ર બોટાદ પૂરતી સીમિત નથી, પણ નજીકની ગઢડાથી ગારિયાધારની બેઠક પર પણ તેની અસર જોવા મળી શકે છે. આપને કારણે પણ ભાજપ સામે પડકાર છે."
તેઓ કહે છે કે, "ફેબ્રુઆરી 2026માં ગુજરાતમાં આવી રહેલી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પંચાયતોની ચૂંટણી પર તેની અસર પડી શકે એમ છે. એટલું જ નહીં, આ વર્ષે વરસાદમાં સરકારની કામગીરીને કારણે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઍન્ટી-ઇન્કમ્બન્સી ઊભી થઈ છે. તેને ખાળવા માટે અને નવું પ્રધાનમંડળ રચાય તો, વર્તમાન પ્રધાનો સામે ધારાસભ્યો અને કાર્યકરોમાં રોષ ઠંડો કરી શકાય અને નવું જોમ આવે."
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશી કહે છે, "ભૂતકાળમાં પણ ભાજપે આ કર્યું છે. કેશુભાઈ પટેલની સરકાર સામે કુદરતી આપદાઓ સમયે સર્જાયેલી ઍન્ટી-ઇન્કમ્બન્સીને કારણે તેમને બદલી નાખ્યા હતા. તો, પટેલ અને ઓબીસી આંદોલન ખાળવામાં નિષ્ફળ ગયેલા આનંદીબહેન પટેલના સમયમાં જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં અસંતોષ દેખાયો, ત્યારે તેમને બદલ્યાં. વિજય રૂપાણી સમયે ભલે મ્યુનિસિપલ કૉર્પોરેશન જીત્યા હોય, પણ એ સમયે મતોના વિભાજન કરતાં મહત્ત્વની બાબત એ હતી કે ગાંધીનગર અને સુરતમાં આપનો પગપેસારો હતો. આને ધ્યાનમાં રાખીને આખી સરકાર બદલવાનો પ્રયાસ કર્યો અને એમાં તેમને સફળતા મળી, એટલે પોણાં ત્રણ વર્ષે પ્રધાનમંડળનું વિસ્તરણ કરી રહ્યા છે. આને વિસ્તરણ નહીં પરંતુ પુનર્ગઠન કરવું જોઈએ."
તેઓ કહે છે, "છેલ્લાં કેટલાંક વર્ષથી ભાજપમાં જ્ઞાતિનાં સમીકરણોમાં અસંતુલન જોવા મળ્યું છે. તેમને ગાંધીનગર સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્રનો રસ્તો લેવો પડે છે, પણ સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી ભલે 156 બેઠકો મળી હોય, પણ સૌરાષ્ટ્રની ઉપેક્ષા થઈ હોય એમ બધાને લાગી રહ્યું છે. કારણ કે ભાજપમાં શંકરસિંહે બળવો કર્યો, ત્યાર પછી સતત સૌરાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ અથવા મુખ્ય પ્રધાન સૌરાષ્ટ્રના જ રાખ્યા હતા. પણ, અમદાવાદના મુખ્ય પ્રધાન અને સી.આર. પાટીલના સંયોજનને કારણે સૌરાષ્ટ્રના લોકોમાં નારાજગી જોવા મળી છે.
ગુજરાતમાં ભાજપની શક્તિશાળી બહુમતી
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મળી હતી. ત્યારબાદ કૉંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.
આથી, પક્ષનું સંખ્યાબળ વિધાનસભામાં વધીને 162 થયું હતું.
આવી શક્તિશાળી બહુમત ધરાવતી સરકારના પણ તમામ મંત્રીઓને બદલી દેવાયા છે.
અગાઉ 2021માં ગુજરાત સરકારના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળમાં આ રીતે વિસ્તરણ થયું હતું
તેની અગાઉ પણ 2016માં ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે પણ આ રીતે જ ચૂંટણીના એક વર્ષ પહેલાં મુખ્ય મંત્રીના પદેથી રાજીનામું આપ્યું હતું, જોકે ત્યાર બાદ તેમની નિમણૂક રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 2026ની શરૂઆતમાં યોજાવાની છે તથા વિધાનસભા ચૂંટણી 2027ના અંતમાં છે.
ઇનપુટ્સ : ભાર્ગવ પરીખ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન