રશિયા અને અમેરિકાના નજીક આવવાથી ભારતને કેટલો લાભ થશે?

રશિયા, અમેરિકા, ભારત, વિદેશનીતિ, પુતિન, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સૈયદ મોઝિઝ ઇમામ
    • પદ, બીબીસી સંવાદદાતા

યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પહેલી વાર અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં રશિયાના પક્ષમાં મતદાન કર્યું છે. આ પ્રસ્તાવ યુક્રેનમાં યુદ્ધની સમાપ્તિ માટે લાવવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે યુક્રેની ક્ષેત્રમાંથી રશિયાને તાત્કાલિક હટાવવાના સમર્થનવાળા એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવના પક્ષમાં 93 અને વિરોધમાં 18 મત પડ્યા. 65 દેશોએ મતદાનમાં ભાગ ન લીધો.

પ્રસ્તાવનું સમર્થન કરનારામાં જર્મની, બ્રિટન અને ફ્રાન્સ જેવા મુખ્ય યુરોપીય દેશનો સમાવેશ થાય છે.

જ્યારે, રશિયા સહિત અમેરિકા, ઇઝરાયલ અને હંગરીએ આ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું. આ પ્રસ્તાવ યુક્રેન–રશિયા યુદ્ધનાં ત્રણ વર્ષ પૂરાં થયાં ત્યારે લાવવામાં આવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરાયેલા આ પ્રસ્તાવ પર થયેલા મતદાનમાં ભારત અને ચીને ભાગ ન લીધો.

ભારતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલનું કહેવું છે કે, "ભારતની નીતિ સુસંગત રીતે એકસમાન છે. ભારત ઇચ્છે છે કે યુક્રેન યુદ્ધનો નિવેડો વાતચીત દ્વારા જ લાવવામાં આવે."

ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી અમેરિકા અને રશિયાના સંબંધ કઈ રીતે બદલાયા?

રશિયા, અમેરિકા, ભારત, વિદેશનીતિ, પુતિન, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ફરી વાર રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી તેઓ રશિયાના સમર્થનમાં અને યુક્રેનના વિરોધમાં નિવેદનો કરી રહ્યા છે

ક્યારેક યૂક્રેન યુદ્ધ બાબતે રશિયાની વિરુદ્ધ ખૂબ જ આકરું વલણ અપનાવનારું અમેરિકા સતત રશિયાની નજીક જતું દેખાઈ રહ્યું છે.

જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ફરી વાર રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી તેઓ રશિયાના સમર્થનમાં અને યુક્રેનના વિરોધમાં નિવેદનો કરી રહ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ક્યારેક રશિયા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ થયેલા પ્રસ્તાવ પર વોટિંગમાં ગેરહાજર રહેવાના કારણે અમેરિકાએ ભારતની નિંદા કરી હતી અને હવે તે પોતે જ રશિયાના સમર્થનમાં મતદાન કરી રહ્યું છે.

અમેરિકાના આ નવા વ્યૂહાત્મક પગલાથી દક્ષિણ એશિયા, ખાસ કરીને ભારત પર પણ અસર પડી શકે છે.

યુક્રેન યુદ્ધના વિષયમાં અમેરિકા અને રશિયા વચ્ચે સાઉદી અરબના પાટનગર રિયાધ ખાતે પ્રથમ તબક્કાની વાતચીત થઈ ચૂકી છે.

'ધ કીવ ઇન્ડિપેન્ડન્ટ' અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 25 ફેબ્રુઆરીથી બીજા તબક્કાની વાતચીતની જાહેરાત કરી છે. આ વાતચીત પણ રિયાધમાં થવાની છે.

જોકે, પહેલા ચરણની વાતચીતમાં યુક્રેન અને યુરોપ તરફથી કોઈ પ્રતિનિધિ સામેલ નહોતા થયા.

ત્યારે યુક્રેનના યુરોપીય સહયોગીઓ અને ખુદ યુક્રેને આ વાતચીતની ટીકા કરી હતી અને કહેલું કે યુક્રેન યુદ્ધની બાબતમાં થઈ રહેલી કોઈ પણ વાતચીત યુક્રેન અને યુરોપની ભાગીદારી વિના ન થઈ શકે.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના રાજદૂત ડોરોથી શેએ સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવો અંગે સોમવારે કહ્યું કે, "ઘણા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા, પરંતુ, તેઓ યુદ્ધને સમાપ્ત નથી કરાવી શક્યા."

શેએ કહ્યું કે, આ યુદ્ધ ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. રશિયા અને યુક્રેન, બંને દેશના લોકો તેનાથી પીડિત છે.

અમેરિકા રશિયાના સમર્થનમાં આવવાથી નવા સંબંધ બની રહ્યા છે. ચીન પહેલાંથી જ રશિયાની સાથે હતું, તોપણ તેણે રશિયાના પક્ષમાં મતદાન કરવાથી અંતર જાળવ્યું છે. એ સ્થિતિમાં અમેરિકાનું રશિયાના પક્ષમાં વોટિંગ કરવું આંતરરાષ્ટ્રીય શક્તિ સંતુલન પર અસર પાડી શકે છે.

યુક્રેનનાં નાયબ વિદેશમંત્રી મારિયાના બેટ્સાએ કહ્યું કે, "તેમનો દેશ પોતાની સુરક્ષાના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે."

તેમણે કહ્યું કે, "રશિયાનો હુમલો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું પણ ઉલ્લંઘન છે."

રશિયાને ચીનથી છૂટા પાડવાની રણનીતિ?

રશિયા, અમેરિકા, ભારત, વિદેશનીતિ, પુતિન, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુક્રેનનાં નાયબ વિદેશમંત્રી મારિયાના બેટ્સાએ કહ્યું કે, "તેમનો દેશ પોતાની સુરક્ષાના અધિકારનો ઉપયોગ કરી રહ્યો છે

અમેરિકા અને રશિયાના સંબંધોમાં સુધારો થવા અંગે વિદેશી બાબતોના જાણકાર રોવિંદર સચદેવે કહ્યું કે, "હાલના સમયે અમેરિકાની નીતિ એ છે કે રશિયાને ચીનથી છૂટું પાડવામાં આવે. રશિયાની ચીન પરની નિર્ભરતા ઘટી જવાથી અમેરિકાને ચીનને એકલું પાડી દેવામાં સરળતા રહેશે."

વિશેષજ્ઞો અનુસાર, ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત થઈ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીમાં કરેલી અમેરિકાની પ્રવાસમુલાકાત પછી બંને દેશ વચ્ચે વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત થવાની શક્યતા છે.

બંને દેશ 2030 સુધીમાં વેપારને 500 અબજ ડૉલર સુધી વધારવા સહમત થયા છે. જોકે, 2024 સુધી બંને દેશ વચ્ચે 129 ડૉલરનો વેપાર હતો.

પીઆઇબી પર જાહેર કરાયેલા ભારત અને અમેરિકાના એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે, "બંને નેતાઓએ નક્કી કર્યું છે કે અમેરિકા આંતરસંચાલકીય અને સુરક્ષા ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવા માટે ભારત સાથે સૈન્ય સાધનસરંજામનું વેચાણ અને સહઉત્પાદન વધારશે. તેમણે ભારતની સુરક્ષા જરૂરિયાતોને ઝડપભેર પૂરી કરવા માટે ભારતમાં જેવલિન એન્ટિ-ટૅન્ક ગાઇડેડ મિસાઇલ્સ અને સ્ટ્રાઇકર ઇન્ફ્રન્ટ્રી કૉમ્બેટ વાહનો માટે ચાલુ વર્ષે નવી ખરીદી અને સહ-ઉત્પાદન વ્યવસ્થાને આગળ વધારવાની યોજનાની જાહેરાત કરી છે."

ભારત અને રશિયાના સંબંધો

બીજી તરફ, રશિયાના ભારત સાથેના વ્યૂહાત્મક અને વ્યાપારિક સંબંધો ઘણા જૂના છે. મૉસ્કોમાંના ભારતીય દૂતાવાસ અનુસાર, 2023-24માં રશિયા અને ભારત વચ્ચે લગભગ 65 અબજ ડૉલરનો વેપાર છે, જેને બંને દેશ 2030 સુધીમાં 100 બિલિયન ડૉલર સુધી વધારવા ઇચ્છે છે.

પીઆઇબી પર જાહેર કરાયેલા બંને દેશના 9 જુલાઈ 2024ના સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે, "બંને પક્ષ મેક-ઇન-ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ રશિયન મૂળનાં હથિયારો અને સુરક્ષા ઉપકરણોની જાળવણી માટે સ્પેરપાર્ટ્સ, ઘટકો, સમુચ્ચયો અને અન્ય ઉત્પાદનોના ભારતમાં સંયુક્ત નિર્માણને પ્રોત્સાહિત કરવા માટે સહમત થયા છે."

નિવેદનમાં કહેવાયું કે, "ભારતીય સશસ્ત્ર દળોની જરૂરિયાતો પૂરી કરવા માટે સંયુક્ત સાહસોની સ્થાપના કરવાની સાથોસાથ બંને પક્ષની પારસ્પરિક મંજૂરીથી મિત્રવત્ ત્રીજા દેશોને નિકાસ કરવામાં આવશે."

અમેરિકા-રશિયાની દોસ્તીથી ભારતને લાભ થશે?

રશિયા, અમેરિકા, ભારત, વિદેશનીતિ, પુતિન, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા અને રશિયાના સંબંધો સુધરવાના કારણે ભારતને લાભ થવાની આશા છે. પૂર્વ રાજદ્વારી અશોક સજ્જનહારનું કહેવું છે કે, "યુક્રેન યુદ્ધ શરૂ થયા પછીથી પશ્ચિમી દેશો ભારત પર સતત દબાણ કરી રહ્યા હતા કે તે રશિયાની નિંદા કરે. હવે પશ્ચિમી દેશોનું આ દબાણ ઘટી જશે."

જોકે, સજ્જનહારે કહ્યું કે, "રશિયા પાસેથી જેટલા ઓછા ભાવે તેલ મળે છે તે કદાચ રશિયા પરથી પ્રતિબંધ હટી ગયા પછી ન મળે. કેમ કે, પછી રશિયા પણ બજાર ભાવે તેલ વેચી શકે છે. તેનો બાર્ગેન પાવર મજબૂત થશે."

તેમણે કહ્યું કે, "રશિયા સાથેના ભારતના વ્યૂહાત્મક સંબંધો પહેલાંથી જ મજબૂત છે. ભારતે યુક્રેન યુદ્ધ પછી જાહેરમાં રશિયાની નિંદા નથી કરી, જેના માટે ભારત પર ઘણું દબાણ હતું. જોકે, ભારતે એવું જરૂર કહ્યું કે, યુદ્ધ યૂએન ચાર્ટરનું ઉલ્લંઘન છે."

ભારતની નીતિ રહી છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં કોઈનો પક્ષ ન લેવો. આ નીતિ વિશે વિદેશ બાબતોના જાણકાર રોવિંદર સચદેવનું કહેવું છે કે, વડા પ્રધાન મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળમાં આ મુદ્દાને મહત્ત્વ આપ્યું છે.

તેમણે કહ્યું કે, "મોદીએ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી. તદ્ ઉપરાંત, મૉસ્કો જઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ તેઓ મળ્યા. બ્રિક્સમાં પણ પુતિન સાથે મુલાકાત કરી છે. મોદીને ખબર છે કે બંને દેશ શું ઇચ્છે છે."

તેમણે કહ્યું, "જેમ કે, ટ્રમ્પ ઇચ્છે છે કે એક શાંતિસેના ત્યાં (રશિયા-યૂક્રેન) તહેનાત કરવામાં આવે. જો ભારત આ શાંતિસેનામાં જોડાય, તો ભારત માટે એ એક મોટી રાજદ્વારી સફળતા હશે કે યૂરોપીય દેશોના તણાવમાં ભારતની શાંતિસેના ત્યાં તહેનાત થાય. બીજી તરફ રશિયા–અમેરિકાની મૈત્રીથી રશિયાનો ચીન તરફનો ઝુકાવ ઘટી જશે જે ભારત માટે લાભદાયક સાબિત થશે."

અમેરિકાના બદલે રશિયા વધારે વિશ્વસનીય?

રશિયા, અમેરિકા, ભારત, વિદેશનીતિ, પુતિન, ટ્રમ્પ, મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વ રાજદ્વારી અશોક સજ્જનહારે કહ્યું કે, "જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદના સંયુક્ત અધિવેશનને સંબોધ્યું હતું ત્યારે તેમણે કહેલું કે, આપણે ઐતિહાસિક ખચકાટને પાછળ છોડી દીધો છે."

સજ્જનહારે કહ્યું, "દરેક દેશ પોતાનાં હિત વિશે પહેલાં વિચારે છે. ભારત અમેરિકાની વ્યૂહાત્મક નીતિ પર બાજનજર રાખશે. ઇતિહાસના આધારે વ્યૂહાત્મક નીતિનું ભવિષ્ય નક્કી નથી થતું."

જોકે, સાઉદી અરબમાં ભારતના રાજદૂત રહેલા તલમીઝ અહમદે કહ્યું કે, "ભારત કોઈ પણ સ્થિતિમાં રશિયાને છોડી નહોતું શકતું. ભૂતકાળમાં ભારતે અમેરિકાનો ઘણો અનુભવ કર્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનને યુદ્ધગ્રસ્ત વિસ્તાર બનાવીને છોડી દીધું. ઇરાકમાં શું કર્યું એ સૌને ખબર છે. સિરિયામાં કુર્દો સાથે શું કર્યું તે આખી દુનિયાએ જોયું. ભારતે પોતે પણ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં અમેરિકાનું વલણ જોયું છે. આ બધું જોતાં, પશ્ચિમના દેશ કઈ રીતે અપેક્ષા રાખી શકે કે ભારત રશિયાને છોડીને અમેરિકા પર વિશ્વાસ કરવા માંડે? ભારતે ઈરાનની બાબતમાં ટ્રમ્પની વાત એટલા માટે માની લીધી હતી, કેમ કે, મોટા પાયે હિતોને અસર નહોતી થતી. તેલ ખરીદવાની જ વાત હતી અને તેલ વેચનારા દેશોની અછત નથી."

ભારત અને રશિયાના સંબંધ ઐતિહાસિક રહ્યા છે. ભારતમાં જ્યારે બ્રિટિશ હકૂમત હતી ત્યારથી સોવિયત યૂનિયને 1900માં પ્રથમ વાણિજ્યિક દૂતાવાસ ખોલ્યું હતું. પરંતુ, શીતયુદ્ધ દરમિયાન બંને દેશ વચ્ચેના સંબંધ ગાઢ બન્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.