અદાણી ગ્રૂપ શ્રીલંકાના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાંથી કેમ પાછળ હટી ગયું?

ઇમેજ સ્રોત, Getty
અદાણી ગ્રૂપની કંપની અદાણી ગ્રીન ઍનર્જીએ શ્રીલંકામાં તેના એક અબજ ડૉલરના પવન ઊર્જા ( વીન્ડ એનર્જી) પ્રોજેક્ટ્સમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
ગુરુવારે એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, "ઘણી જરૂરી મંજૂરીઓ મેળવી લીધી હોવા છતાં અન્ય કેટલીક પર્યાવરણીય મંજૂરીઓ મેળવવામાં વિલંબને કારણે કંપની આ પ્રોજેક્ટ્સમાંથી પાછી હટી રહી છે. શ્રીલંકાની સુપ્રીમ કોર્ટમાં પડતર કેસ હોવાને કારણે પણ તેને આમ કરવાની ફરજ પડી રહી છે."
નિવેદન અનુસાર, "અમે શ્રીલંકાના સાર્વભૌમત્વ અને તેના નિર્ણયોનું સન્માન કરીએ છીએ અને તેથી અમે આ પ્રોજેક્ટમાંથી સન્માનપૂર્વક ખસી રહ્યા છીએ."
આ પ્રોજેક્ટ શ્રીલંકાના મન્નાર અને પુનેરીનમાં 484 મેગાવૉટનો પવન ઊર્જા પ્રોજેક્ટ સ્થાપવા અને 220 કેવી અને 400 કિલોવૉટ ટ્રાન્સમિશન નેટવર્કના વિસ્તરણ પર કેન્દ્રિત હતો.
ગયા વર્ષે અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ અદાણીનો પવન ઊર્જા પ્રોજેક્ટ તપાસના દાયરામાં આવ્યો હતો.
ચૂંટણી પ્રચાર દરમિયાન દિસાનાયકે આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો પ્રોજેક્ટને રદ કરશે.
અદાણી ગ્રૂપની કંપની ગ્રીન એનર્જી શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
અદાણી ગ્રીન એનર્જીએ 12 ફેબ્રુઆરી, 2025 ના રોજ શ્રીલંકાના બોર્ડ ઑફ ઇન્વેસ્ટમેન્ટના ચેરમેન અર્જુન હેરાથને એક પત્ર લખ્યો હતો.
તેમાં લખવામાં આવ્યું હતું કે, "અમારા અધિકારીઓએ હાલમાં જ કોલંબોમાં સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (CEB) અને મંત્રાલયના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. એવું જાણવા મળ્યું છે કે પ્રોજેક્ટ દરખાસ્ત પર ફરીથી વાટાઘાટો કરવા માટે કેબિનેટ દ્વારા એક સમિતિ બનાવવમાં આવી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"આ વાતની જાણ અમારી કંપનીના બોર્ડને કરવામાં આવી હતી અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે કંપની શ્રીલંકાના સાર્વભૌમત્વ અને ચૂંટણીના અધિકારનું સન્માન કરે છે અને આદરપૂર્વક પ્રોજેક્ટમાંથી બહાર નીકળી જશે."
અદાણી ગ્રીન એનર્જીનું કહેવું છે કે મન્નાર અને પુનેરીનમાં 484 મેગાવૉટના રિન્યુએબલ એનર્જી વિન્ડ ફાર્મ સ્થાપવા માટે છેલ્લાં બે વર્ષથી વાતચીત ચાલી રહી હતી.
આ સાથે શ્રીલંકાના દક્ષિણ ભાગમાં 220 કિલોવૉટ અને 400 કિલોવૉટ ટ્રાન્સમિશન લાઇનના વિસ્તરણ વિશે પણ વાત કરવામાં આવી.
કંપનીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિયુક્ત સમિતિ સાથે 14 રાઉન્ડની વાટાઘાટો પછી 20 વર્ષ માટે વીજળી ખરીદવા માટેના ટેરિફ પર કરાર થયો હતો.
કંપનીએ જણાવ્યું હતું કે તેણે આ પ્રોજેક્ટની તૈયારીમાં અત્યાર સુધીમાં 50 લાખ ડૉલર ખર્ચ કર્યા છે.
આ પ્રોજેક્ટ અંગે 2022 માં તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સમયમાં એક કરાર થયો હતો.
શ્રીલંકામાં આ મુદ્દાને ગોટાબાયા સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપોના પુરાવા તરીકે જોવામાં આવ્યો હતો અને તેને લઈને લોકોમાં વ્યાપક ગુસ્સો જોવા મળ્યો હતો.
ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં 12 જુલાઈ 2022ના રોજ બગાવત થઈ ગઈ હતી અને જનતાએ રાષ્ટ્રપતિ નિવાસસ્થાન સહિત ઘણી સરકારી ઇમારતો પર કબજો કરી લીધો હતો. આખરે ગોટાબાયાને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું.
પ્રોજેક્ટ પર વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
પવન ઊર્જા પ્રોજેક્ટ માટે કરાર પર બંને પક્ષો વચ્ચે 12 માર્ચ, 2022 ના રોજ હસ્તાક્ષર થયા હતા પરંતુ તેની શરતો જાહેર કરવામાં આવી ન હતી.
10 જૂન 2022 ના રોજ સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (CEB) ના તત્કાલીન અધ્યક્ષ એમ.એમ.સી. ફર્ડિનાંડોએ ગોટાબાયા રાજપક્ષે દબાણ હેઠળ આવવા અંગે સંસદીય સમિતિ સમક્ષ નિવેદન આપ્યું હતું. આને લઈને અદાણી ગ્રીન એનર્જીના આ પ્રોજેક્ટ પર વિવાદ વધુ તીવ્ર બન્યો.
નિવેદન અનુસાર, "મન્નાર જિલ્લામાં પવન ઊર્જા પ્લાન્ટ માટેનું ટેન્ડર ભારતના અદાણી ગ્રૂપને આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટ અદાણી ગ્રૂપને આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું."
જોકે બાદમાં તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું અને કહ્યું હતું કે તેમણે આ વાત ભાવનાત્મક સ્થિતિમાં આવી ગયા હોવાથી કહી હતી.
આ કરાર એવા સમયે થયો હતો જ્યારે ભારત સરકારે કટોકટીગ્રસ્ત શ્રીલંકાને નાણાકીય સહાય આપવાનું શરૂ કર્યું હતું. પારદર્શિતાના અભાવ હોવાથી શ્રીલંકામાં આ કરારની વ્યાપક ટીકા થઈ હતી.
શ્રીલંકાના વર્તમાન રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે આ કરારની આકરી ટીકા કરી હતી. રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાતા પહેલાં તેમણે આ પ્રોજેક્ટને 'શ્રીલંકાના ઊર્જા ક્ષેત્રના સાર્વભૌમત્વ સામે ખતરો' ગણાવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કરારમાં વીજળીના વેચાણનો દર પ્રતિ કિલોવૉટ 0.0826 ડૉલર નક્કી કરવામાં આવ્યો હતો. જે સ્થાનિક કંપનીઓની બોલી કરતા વધારે હતો.
ઘણા ઊર્જા નિષ્ણાતોએ કહ્યું કે તે 0.005 ડૉલર હોવું જોઈએ.
આ ઉપરાંત સ્થાનિક મીડિયા અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મન્નારના રહેવાસીઓ અને પર્યાવરણ કાર્યકરોએ એક મુખ્ય બર્ડ કૉરિડોરને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી હતી અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
જોકે તે સમયે અદાણી ગ્રીન એનર્જીના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે કંપનીનો હેતુ "પડોશી દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો કરવાનો" છે.
અદાણીની વધતી મુશ્કેલીઓ

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણીની મુશ્કેલીઓ હાલનાં વર્ષોમાં વધી ગઈ છે.
ગયા વર્ષે જ્યારે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર ઊથલાવી દેવામાં આવી ત્યારે અદાણી પાવરના પાવર સપ્લાય પ્રોજેક્ટને પણ અસર થઈ.
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વીજળી અંગેના કરારની સમીક્ષા કરવાની વાત કરી હતી.
અદાણી પાવર ભારતમાં તેના 1,600 મેગાવૉટ પાવર પ્લાન્ટ દ્વારા બાંગ્લાદેશને વીજળી પૂરી પાડે છે, જે બાંગ્લાદેશના કુલ વીજળી વપરાશના 10 ટકા જેટલી છે.
નવેમ્બર 2024 માં ચુકવણીમાં વિલંબને કારણે અદાણી પાવરે વીજ પુરવઠો અડધો કરી દીધો હતો.
નવેમ્બર 2024 માં જ અદાણી ગ્રૂપને બીજો મોટો આંચકો લાગ્યો જ્યારે કેન્યામાં ઍરપોર્ટના વિકાસ અને પાવર ટ્રાન્સમિશન સંબંધિત બે કરાર રદ કરવામાં આવ્યા.
આ કરાર હેઠળ અદાણી ગ્રૂપને 30 વર્ષ માટે દેશ અને પ્રદેશના સૌથી મોટા ઍરપોર્ટ જોમો કેન્યાટા ઇન્ટરનેશનલ ઍરપોર્ટ (JKIA) ના સંચાલનનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
આ કરાર પર ભ્રષ્ટાચારના આરોપો લગાવાયા અને JKIA ઍરપોર્ટના કર્મચારીઓએ સોદો રદ કરવાની માંગણી સાથે હડતાળ પાડી હતી.
અમેરિકામાં અદાણી વિરુદ્ધ આરોપો ઘડાયા બાદ કેન્યા સરકારે આ પગલું ભર્યું હતું.
જોકે અદાણી ગ્રૂપે ત્યારબાદ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે કોઇ પણ કૉન્ટ્રાક્ટર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી કારણ કે "કરાર પર ચર્ચા આગળ વધી નથી".
પાછળના દિવસોમાં ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત આઠ અન્ય લોકો સામે અમેરિકામાં છેતરપિંડીના આરોપો ઘડવામાં આવ્યા હતા.
ગૌતમ અદાણી ગ્રૂપ પર અમેરિકામાં તેની એક કંપની માટે કૉન્ટ્રાક્ટ મેળવવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવાનો આરોપ હતો.
જાન્યુઆરી 2023 માં અમેરિકન શૉર્ટ સેલર કંપની હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રૂપ પર નાણાકીય છેતરપિંડી અને સ્ટૉક મેનિપ્યુલેશનનો આરોપ લગાવતો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેના પછી ગ્રૂપ સાથે સંકળાયેલી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












