ભારત : થોડા રૂપિયા માટે કચરા-પોતાં જેવાં ઘરકામ કરતા લોકોની પજવણી કેમ રોકી શકાતી નથી?

ભારતમાં ઘરકામ કરતા લોકો અવારનવાર શોષણ અને ગેરવર્તનનો સામનો કરવો પડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં ઘરકામ કરતા લોકો અવારનવાર શોષણ અને ગેરવર્તનનો સામનો કરવો પડે છે
    • લેેખક, શેરલિન મોલાન
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

દિલ્હીમાં 28 વર્ષથી ડૉડોમેસ્ટિક હેલ્પર તરીકે કામ કરતી સ્મિતા (નામ બદલ્યું છે) હજુયે એ દિવસ યાદ કરીને આઘાતમાં સરી પડે છે, જ્યારે તેની એક નોકરીદાતાએ જાહેરમાં તેને માર માર્યો હતો.

તે મહિલાએ સ્મિતા (હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થાના કોટિક્રમમાં જેમની સાથે સૌથી વધુ ભેદભાવ રાખવામાં આવે છે, તે જ્ઞાતિની દલિત સ્ત્રી) ઉપર તેની દીકરીની કાનની બુટ્ટી ચોરવાનો આરોપ લગાવ્યો હતો અને પછી તેને પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

સ્મિતા કહે છે, "ઘણી વિનવણી કર્યા પછી મેં જાહેરમાં તેની સાથે વાત કરી, તો તેણે મારી સાથે ગાળા-ગાળી કરી અને મને માર માર્યો. મેં તેને ગાળો બોલતી અને મારઝૂડ કરતી અટકાવવા માટે તેનો હાથ પકડ્યો, પણ ત્યારે જ ગાર્ડ્ઝ આવ્યા અને મને હાઉસિંગ સોસાયટીની બહાર ધકેલી દીધી અને ગેટ બંધ કરી દીધો".

આખરે એક સંવેદનશીલ પરિવારે આ મામલામાં દરમિયાનગીરી કરતાં સ્મિતાને એક મહિના સુધી કચરા-પોતું અને વાસણ ધોવા બદલ ફક્ત 1,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા. એ પછી સ્મિતાને હાઉસિંગ સોસાયટીમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવાઈ. આ તરફ સ્મિતાએ આ મામલે પોલીસનું શરણ લેવાનું માંડી વાળ્યું, કારણ કે, તેને ખાતરી હતી કે, પોલીસ કોઈ પગલાં ભરશે નહીં.

સ્મિતાનો કિસ્સો ભારતના ઘરેલૂ કામદારોએ વર્ણવેલા દુર્વ્યવહાર, પજવણી અને જાતીય સતામણીના સેંકડો બનાવોમાંથી એક છે. પીડિતોમાં મહદ્અંશે મહિલાઓ હોય છે અને તે પૈકીના ઘણા કામદારો દેશના અન્ય ભાગોમાંથી આવતાં નિમ્ન જ્ઞાતિના સ્થળાંતરિતો હોય છે.

ગયા મહિને સુપ્રીમ કોર્ટે ઘરેલૂ કામદારોના શોષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પજવણી સામે તેમને રક્ષણ પૂરું પાડવા માટે કાયદો ઘડવાની વિચારણા કરવા સરકારને જણાવ્યું હતું.

જોકે, આવું કોઈ કાનૂની માળખું ઊભું કરવા માટેની આ પ્રથમ કોશિશ નથી. વર્ષોથી વિવિધ જૂથો અને મંત્રાલયો દ્વારા કરવામાં આવી રહેલી હિમાયત છતાં હજી સુધી ભારતમાં આવો કોઈ કાયદો પસાર થયો નથી, એ વાસ્તવિકતા છે.

ઘરેલૂ કામદારોની નોંધણી કરવાના અને તેમની કાર્ય સ્થિતિમાં સુધારો લાવવાના આશય સાથે 2008 અને 2016માં પ્રસ્તાવિત ભિન્ન વિધેયકોનો હજી સુધી અમલ થયો નથી.

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

ઘરમાલિકના દયાભાવ પર નિર્ભર ઘરકામ કરનારા લોકો

બીબીસી ગુજરાતી, ઘરકામ, મહિલાઓનો હક, ઘરકામ કરતા લોકોના હક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2018માં પાટનગર દિલ્હી ખાતે હજારો ઘરકામ કરનાર લોકોએ તેમના અધિકારોના રક્ષણ માટે કેન્દ્રીય કાયદો લવાય એવી માગ સાથે પ્રદર્શન કર્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સેલ્ફ ઍમ્પ્લોઇડ વિમેન્સ ઍસોસિએશન (સેવા)નાં સોનિયા જ્યોર્જ ડ્રાફ્ટ પૉલિસી ઘડનારી ટાસ્ક ફોર્સમાં સામેલ હતાં. તેઓ આ મુસદ્દાને ઘરેલૂ કામદારો માટેની અત્યાર સુધીની સૌથી સમાવેશક નીતિઓ પૈકીની એક ગણાવે છે, પણ સાથે કહે છે કે, અનુગામી સરકારો તેનો અમલ કરવામાં નિષ્ફળ રહી છે.

પરિણામે, ભારતમાં ઘરેલૂ કામદારોના વિશાળ સમૂહને વેતન કે રજા તો જવા દો, ગૌરવની મૂળભૂત રેખા માટે સુદ્ધાં તેમને કામ પર રાખનાર વ્યક્તિની સદ્ભાવના પર નિર્ભર રહેવું પડતું હોય છે. સત્તાવાર આંકડા અનુસાર, ભારતમાં 4.75 મિલિયન ઘરેલૂ કામદારો છે, જેમાં મહિલાઓની સંખ્યા ત્રીસ લાખ છે. પરંતુ, ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (આઈએલઓ)ના અંદાજ પ્રમાણે, વાસ્તવિક આંકડા 20 અને 80 મિલિયનની વચ્ચેના હોવાની શક્યતા છે.

સેન્ટર ફૉર વિમેન્સ ડેવલપમેન્ટ સ્ટડીઝનાં પ્રોફેસર નીતા એનના જણાવ્યા પ્રમાણે, "ઘરેલૂ કામદાર સાથે આપણો આશ્રયદાતા પ્રકારનો સબંધ છે, નહીં કે, શ્રમ રોજગાર પ્રકારનો સબંધ."

"તેના કારણે યથાતથ સ્થિતિ પ્રવર્તે છે અને ઘરેલૂ કાર્યના નિયમન તથા તેને કાનૂની સ્વરૂપ આપવા આડેની આ સૌથી મોટી અડચણ છે."

ખાનગી ઘરોને કોઈ કાર્યસ્થળ કે સંસ્થા ગણવામાં આવતાં નથી. આથી, ઘરેલૂ કાર્યો લઘુતમ વેતન, કાર્ય સ્થળે સલામતીનો અધિકાર, યુનિયનનો અધિકાર તથા સામાજિક સુરક્ષા યોજનાઓની પહોંચ જેવાં સામાજિક સંરક્ષણોના દાયરામાંથી બાકાત રહી જાય છે.

આંધ્ર પ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરળ, મેઘાલય, રાજસ્થાન તથા તામિલનાડુ સહિતનાં ઓછામાં ઓછાં 14 ભારતીય રાજ્યોએ ઘરેલૂ કામદારો માટે લઘુતમ વેતન ફરજીયાત બનાવ્યું છે અને દેશના જાતીય સતામણી વિરોધી અને બાળ મજૂરી કાયદા સહિતના કેટલાક કાયદાઓમાં ઘરેલૂ કામદારોને આવરી લેવામાં આવ્યા છે.

પરંતુ ઘરેલૂ કામદારોમાં આ જોગવાઈઓનો લાભ મેળવવા અંગે ઘણી ઓછી જાગૃતિ પ્રવર્તી રહી છે. વળી, આ કાર્યનું સ્વરૂપ પણ વિવિધ પડકારો ઊભા કરે છે, એવો અભિપ્રાય જ્યૉર્જે વ્યક્ત કર્યો હતો.

શ્રમિકો છૂટાછવાયા છે અને તેમની નોંધણી કે તેમની ઓળખ કરવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી, કારણ કે, સામાન્યતઃ તેઓ તેમના નોકરીદાતા સાથે કોઈ પણ પ્રકારનો કરાર કરતા નથી.

જ્યૉર્જ આગળ જણાવે છે, "આપણે ઘરેલૂ કામદારોની નોંધણી માટેની વ્યવસ્થા ઊભી કરવી પડશે, તેમના તરફ ધ્યાન આપવું એ આ વ્યવસાયનું નિયમન કરવાની દિશામાં એક મોટું કદમ છે."

આ બાબત નોકરીદાતાઓ માટે પણ લાગુ પડે છે. જ્યૉર્જ કહે છે, "તેઓ સિસ્ટમથી સંપૂર્ણપણે અદૃશ્ય છે અને આથી જ તેઓ ઉત્તરદાયિત્વ અને જવાબદારીમાંથી છટકી જતા હોય છે."

'ઘરકામ માટે કોઈ કૌશલ્યની દરકાર ન હોવાની માન્યતા'

બીબીસી ગુજરાતી, ઘરકામ, મહિલાઓનો હક, ઘરકામ કરતા લોકોના હક

ઇમેજ સ્રોત, Getty Images

જ્ઞાતિ વ્યવસ્થાને કારણે પણ જટિલતા સર્જાય છે - અમુક જ્ઞાતિના કામદારો ઘરોનાં શૌચાલયો સાફ કરવા માટે સંમત થઈ જતા હોય છે, જ્યારે અન્ય જ્ઞાતિના શ્રમિકો આવું કામ કરવા તૈયાર થતા નથી.

ઘરેલૂ કાર્યની સંપૂર્ણ સંકલ્પનાને પુનઃ સ્પષ્ટીકૃત કરવાની હિમાયત કરતાં જ્યૉર્જ જણાવે છે, "ઘરેલૂ કાર્યોને બિનકૌશલ્યયુક્ત કામ માનવામાં આવે છે, પણ વાસ્તવમાં આવું નથી. કૌશલ્ય મેળવ્યા વિના કોઈ બીમાર વ્યક્તિની સંભાળ લઈ શકાય નહીં. એ જ રીતે, કૌશલ્ય વિના રસોઈ પણ બનાવી શકાય નહીં."

પોતાના સ્વયંના કાયદા પસાર કરવામાં કે સ્વયંની નીતિઓનો અમલ કરવામાં નિષ્ફળ જવા ઉપરાંત ભારતે હજી સુધી ILOના કન્વેન્શન 189ને બહાલી આપી નથી. આ કન્વેન્શન ઘરેલૂ કામદારોને અન્ય કામદારોની સમકક્ષ હક્કો અને સલામતી મળી રહે, એ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથેની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સમજૂતી છે. 2011માં કન્વેન્શનની તરફેણમાં મતદાન કરવા છતાં ભારત હજી સુધી તેની તમામ જોગવાઈઓનું અનુપાલન કરી શક્યું નથી.

જ્યૉર્જ જણાવે છે કે, આઈએલઓ સંધિનું પાલન કરવું એ ભારતની "નૈતિક જવાબદારી" છે. તેમણે જણાવ્યું હતું કે, કાનૂન ઘડવાથી ખાનગી ભરતી સંસ્થાઓનું નિયમન કરવામાં સહાય મળશે અને કામ કરવા માટે વિદેશ જનારા ઘરેલૂ કામદારોનું શોષણ પણ અટકશે.

ગયા વર્ષે, સ્વિસ કોર્ટે સમૃદ્ધ હિંદુજા પરિવારને તેમના ઘરેલૂ નોકરોનું શોષણ કરવાનો દોષિત ઠેરવ્યો, એ સમાચાર અખબારોનાં પ્રથમ પાને ચમક્યા હતા. પરિવાર પર આરોપ હતો કે, તેઓ જરૂરિયાતમંદ ભારતીયોને સ્વિટ્ઝર્લેન્ડમાં તસ્કરી કરીને લાવતા હતા અને તેમને યોગ્ય વેતન ચૂકવ્યા વિના જ તેમના વિશાળ આવાસમાં લાંબા સમય સુધી કામ કરવાની ફરજ પાડતા હતા. પરિવારના વકીલોએ તેઓ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ અપીલ કરશે, એમ જણાવ્યું હતું.

જ્યૉર્જ સૂચવે છે કે, દુર્વ્યવહારોના ઘોડાપુર છતાં દાયકાઓથી પ્રવર્તી રહેલી ઉદાસીનતાનું સૌથી સરળ સ્પષ્ટીકરણ કદાચ એ જ છે કે, આ પ્રકારના નિયમનથી ભારતના નિર્ણયકર્તાઓ માટે હિતોનો સંઘર્ષ ઊભો થાય છે.

તેઓ જણાવે છે, "ટેબલ પર બેસીને કામ કરનારા અને બિલ કે કાયદા પર હસ્તાક્ષર કરવાનો અધિકાર ધરાવનારા લોકો પણ આખરે તો ઘરેલૂ કામદારોના નોકરીદાતા છે અને યથાતથ સ્થિતિથી તેમને પણ ફાયદો જ થવાનો છે. આથી, વ્યવસ્થામાં નક્કર સ્તર પર કોઈપણ ફેરફાર લાવવા માટે સૌથી પહેલાં આપણે આપણી માનસિકતામાં ફેરફાર કરવાની જરૂર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.