You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લેબનોનમાં ઇઝરાયલી હુમલાને કારણે બેઘર બનેલા લોકોની આપવીતી; 'પહેલા એસએમએસ આવ્યા અને પછી બૉમ્બ ધડાકા'
- લેેખક, ઇથર શેલ્બી
- પદ, બીબીસી સંવાદદાતા
સોમવાર લેબનોન માટે ઘાતક દિવસ સાબિત થયો હતો. ઇઝરાયલે ત્યાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં 50 બાળકો સહિત 550 લોકોનાં મોત થયાં હતાં.
લેબનોનમાં ગૃહયુદ્ધ 1990માં સમાપ્ત થયું હતું. ત્યારથી લઇને અત્યાર સુધીની આ સૌથી ઘાતક ઘટના છે.
સરહદ પારથી આ સંકટનો પહેલો સંકેત ઘણા લોકોને એસએમએસ, ફોન કૉલ્સ અને રેડિયો દ્વારા મળ્યો હતો.
ઇઝરાયલે સોમવારે પરોઢીયે લેબનીઝ લોકોને વિસ્તાર ખાલી કરવા માટે પહેલો સત્તાવાર સંદેશ મોકલ્યો હતો.
લોકોને ફોન પર એસએમએસમાં આ સંદેશ મળ્યો હતો. જેમાં લોકોને ગામ અને વિસ્તાર છોડી દેવાની અપીલ કરવામાં આવી હતી, જેને લઇને એવું માનવામાં આવે છે કે હિઝબુલ્લાહ ત્યાં તેનાં હથિયારોનો સંગ્રહ કરે છે.
બેત લીફ વિસ્તાર ઇઝરાયેલની સરહદથી માત્ર 4 કિલોમીટર દૂર છે. ત્યાં રહેતી નેમતે બીબીસીને જણાવ્યું હતું કે તેના ભાઈને મૅસેજ મળ્યો હતો.
"અમે અમારી ચીજવસ્તુઓ બાંધવા અને વિસ્તાર છોડવા દોડ્યાં હતાં," 49 વર્ષની નેમતે કહ્યું.
નેમત તેમનાં ભાઈ અને બહેન સાથે રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "અમે અગાઉ પણ યુદ્ધ જોઈ ચૂક્યા છીએ, પણ પહેલાં આવું કશું નથી જોયું. અમને આનું ખૂબ દુખ છે.અમે માનસિક રીતે હલી ગયા છીએ."
તે લોકો હાલમાં એક શાળામાં રહે છે, જે વિસ્થાપિત લોકો માટે કામચલાઉ આશ્રયસ્થાન બની ગઈ છે.
19 સપ્ટેમ્બરે ઇઝરાયલી લોકોને 50 લાખ એસએમએસ મળ્યા હતા
આ ઉપરાંત લેબનીઝ ટેલિકૉમ કંપની ઓગેરોના વડા ઇમાદ ક્રીદીહે ન્યૂઝ એજન્સી રૉયટર્સને જણાવ્યું હતું કે, "એવું માનવામાં આવે છે કે ઇઝરાયેલની સેનાએ 80 હજારથી વધુ ફોન કૉલ્સ કરીને લેબનોનના લોકોને વિસ્તાર ખાલી કરવા માટે કહ્યું હતું."
આ ફોન કૉલ વિશે ઇમાદે કહ્યું કે, "આ એક મનોવૈજ્ઞાનિક જંગ જેવું છે. જે ખુવારી સર્જ છે."
લેબનોનના માહિતી મંત્રાલયને એક કૉલ આવ્યો હતો, જેમાં હેડક્વાર્ટરમાં હાજર લોકોને જગ્યા ખાલી કરી દેવાનું કહેવામાં આવ્યું હતું.
માહિતી વિભાગના મંત્રી ઝિયાદ મેકરીએ બીબીસીને જણાવ્યું હતું કે, "તેઓ 'જગ્યા ખાલી કરવાના આદેશ વિશે કંઈ નહીં કહે."
તેમણે જણાવ્યું હતું કે, "યુદ્ધ વખતે ઇઝરાયલ મનોવૈજ્ઞાનિક રીતે પરેશાન કરવાની દરેક તરકીબ અજમાવે છે."
દરમિયાન, સોમવારે જે તકલીફ ઊભી થઈ હતી તે મંગળવારે ફરી તાજી થઈ જ્યારે ઇઝરાયલના જૅટ વિમાનો લેબનોનના પાટનગર બેરૂત પર ઉડતાં જોવાં મળ્યાં.
ઇઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના ગઢ પર ભારે બૉમ્બમારો કરવાની યોજના બનાવી હતી. ઇઝરાયલી સેના દ્વારા મોકલવામાં આવેલા ચેતવણીના મૅસેજ કે ફોન કૉલ્સ એ આકસ્મિક હતા.
ઇઝરાયલે આ વિશે પહેલાં જ કહ્યું હતું કે લેબનોનમાં સાગમટે હુમલાનો આ નવો રાઉન્ડ હતો, જેમાં બેરૂત પણ સામેલ હતું.
ઈરાન સમર્થિત જૂથ (હિઝબુલ્લાહ) તેના શસ્ત્રો અને મિસાઈલોને લેબેનોનના લોકોના મૂળભૂત માળખાઓમાં છુપાવીને રાખે છે એવું ઇઝરાયલ માને છે.
ઇઝરાયેલની સેનાના પ્રવક્તા અવિચય ઈદ્રાઈએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "અમે લોકોને એવા મકાન ખાલી કરવા અપીલ કરી રહ્યા છીએ જ્યાં હિઝબુલ્લાહે હથિયાર છુપાવીને રાખ્યા છે. હિઝબુલ્લાહ તમને કુર્બાન કરી રહ્યું છે."
સાથે જ ઇઝરાયલે કહ્યું કે તેણે ચેતવણી એટલા માટે આપી હતી કેલોકો સુરક્ષિત વિસ્તારોમાં જઈ શકે. કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા કે ક્યાં જવું?
ઝૈનબ ત્રણ બાળકોનાં માતા છે. તેઓ તેની બહેન સાથે નબાતેહ વિસ્તારના એક ગામમાં રહે છે. આ ગામ ઇઝરાયેલી સીમાડાને અડીને છે. બંનેને ફોન પર એ મૅસેજ મળ્યો હતો.
તે માને છે કે હિઝબુલ્લાએ તેમની બહેનના ઘરની નજીક કોઈ હથિયારો છુપાવ્યા ન હતા, છતાં તેમણે તે વિસ્તાર ખાલી કરાવ્યો હતો.
"અમે ઝડપથી અમારી વસ્તુઓની ગાંસડી કરીને મારા ઘરે ગયા, મારી બહેન અયાનું ઘર પણ મારા ઘરની નજીક છે."
તેણે કહ્યું એ યોગ્ય નિર્ણય હતો કેમકે મારી બહેનનું ઘર સરહદની નજીક છે.
19 સપ્ટેમ્બરે ઇઝરાયલી લોકોને 50 લાખ એસએમએસ મળ્યા હતા. ઇઝરાયલી સાયબર અધિકારીઓનું કહેવું છે કે,આ મૅસેજ ઈરાન અને હિઝબુલ્લાહે મોકલ્યા હતા.
ઇઝરાયલ સરકારે તેને લોકોને પરેશાન કરવાનો 'સસ્તો' અને 'તુચ્છ' પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દુશ્મનોએ આ દ્વારા આપણા નાગરિકોના મન સાથે રમવાનો પ્રયાસ કર્યો હતો.
આ સંદેશનો ભાગ હિબ્રુમાં અવ્યવસ્થિત રીતે લખવામાં આવ્યો હતો. તેનો સ્વર ધમકીભર્યો હતો. તેમાં વૅબલિંક હતી, જેને ઇઝરાયલી અધિકારીઓએ શંકાસ્પદ ગણાવી હતી.
ઇઝરાયેલી ન્યૂઝ આઉટલેટ હારેટ્ઝના અહેવાલ મુજબ, એક સંદેશમાં લખ્યું હતું,"તમારા પ્રિયજનોને ગુડબાય કહો, પરંતુ ચિંતા કરશો નહીં, આગામી થોડા કલાકોમાં તમે તેમને નરકમાં ભેટી શકશો."
સંદેશ મોકલનાર વ્યક્તિનું નામ સેહનાસરલા જણાવવામાં આવ્યું હતું. સંદેશ મોકલનારે તેનો ઉપયોગ હિઝબુલ્લાના નેતા સૈયદ હસન નસરાલ્લાહના સંદર્ભ તરીકે કર્યો હોઈ શકે છે.
રેડિયો સંદેશ
ઇઝરાયલી સૈન્યે મંજૂરી વગર લેબનોનની રેડિયો ફ્રીક્વન્સી પણ કબજે કરી લીધી હતી. કેટલાક રેડિયો સ્ટેશનો પર રેકૉર્ડ કરેલા સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં લોકોને એ વિસ્તારો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું જ્યાં હિઝબુલ્લા ઑપરેશન ચલાવે છે.
પરિસ્થિતિ ત્યારે વધારે વિકટ બની જ્યારે ઇઝરાયેલ-લેબનોન સરહદ પર બંને બાજુ 1.5 લાખથી વધુ લોકો એકઠા થયા હતા, જેઓ તેમના ઘર છોડીને ભાગી ગયા હતા.
દક્ષિણ લેબનોનમાં રસ્તા પર ચક્કાજામ થઈ ગયો હતો તો લોકોએ ઉત્તર તરફથી જવાનો પ્રયાસ કર્યો હતો.
લેબનોનમાં હવાઈ હુમલા વિશે ચેતવણીઓ સાંભળ્યા પછી, ઘણાં માતા-પિતા તેમનાં બાળકોને લેવાં માટે શાળાએ દોડી ગયાં હતાં.
જ્યારે શિક્ષણ મંત્રાલયે સુરક્ષા અને લશ્કરી સંજોગોને ધ્યાનમાં રાખીને ઘણી શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરાવી હતી.
જે રીતે હિઝબુલ્લાહએ હાલમાં રૉકેટ હુમલા વધારી દીધા છે તે જ રીતે ઇઝરાયલે સુરક્ષા પણ વધારી છે.
ઇઝરાયેલના આરોગ્ય મંત્રીએ રવિવારે ઉત્તર ઇઝરાયેલની હૉસ્પિટલોને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા આદેશ કર્યો હતો. શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. લોકો તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)