You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગેનીબહેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઓબીસી અનામતમાં 'વંચિતો' માટે અલગ અનામતની માગણીનો પત્ર કેમ લખ્યો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના બનાસકાંઠાનાં કૉંગ્રેસ સંસદસભ્ય ગેનીબહેન ઠાકોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખી ગુજરાતમાં ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ એટલે કે અન્ય પછાત વર્ગ)ની 'અનામતથી વંચિત રહેલા લોકો' માટે ખાસ જોગવાઈ કરવાની માંગણી કરીને નવો રાજકીય મુદ્દો સર્જ્યો છે.
તેમણે આ પત્રમાં દાવો કરતાં લખ્યું છે કે ગુજરાતમાં ઓબીસીમાં આવતી કેટલીક 'સધ્ધર જ્ઞાતિઓને' અનામતનો વધુ લાભ મળી રહ્યો છે.
પત્રમાં તેમણે ઓબીસી અનામતના લાભોથી 'વંચિત' રહી જનાર જ્ઞાતિઓને ઓબીસી માટેની 27 ટકામાંથી 20 ટકા અનામત આપવાની માગણી કરી હતી.
ગેનીબહેને પોતાની માગણીના હેતુ વિશે જણાવતાં કહ્યું હતું કે તેમનો આશય વધુ વસતી ધરાવતા સમાજને ઓબીસી અનામતમાં પ્રાધાન્ય અપાવવાનો અને અનામતથી 'વંચિત' રહી ગયેલી જ્ઞાતિઓને તેનો લાભ મળે એ છે.
સમાજશાસ્ત્રીઓ ગેનીબહેને 'યોગ્ય મુદ્દો' ઉપાડ્યાની વાત સાથે કહે છે કે વસતીગણતરી અને સર્વે કરીને 'અનામતથી વંચિત' રહેલા સમાજોને લાભ મળે એ સુનિશ્ચિત કરવું જોઈએ.
જ્યારે સામેની બાજુએ ગુજરાત ભાજપ ગેનીબહેનની આ માગને 'સમાજમાં વર્ગવિગ્રહ' ઊભી કરનારી 'દુ:ખદ' માગણી ગણાવી રહ્યા છે.
શું લખ્યું છે આ પત્રમાં ?
ગેનીબહેન ઠાકોરે પત્રની શરૂઆતમાં જ કહ્યું છે કે નરેન્દ્ર મોદી ખુદ ઓબીસી છે, એટલે ઓબીસીના વંચિત લોકોની વાતને સારી રીતે સમજી શકશે.
એમણે પત્રમાં આગળ દાવો કરતાં લખ્યું છે કે ગુજરાતમાં ઓબીસી હેઠળ 146 જ્ઞાતિઓમાંથી લગભગ દસ જ્ઞાતિઓને જ આ અનામતનો લાભ વધુ પ્રમાણમાં મળ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે દાવો કરતાં લખ્યું છે કે, "રાજ્યમાં ઠાકોર, કોળી, ધોબી,વાદી, મોચી, ભોઈ, ડબગર, ડફેર, ફકીર ભુવારીયા, ખારવા, નટ, વણજારા, રાવળ, સલાટ જેવી સંખ્યાબંધ જ્ઞાતિઓને ઓબીસી અનામતનો વધુ લાભ નથી મળ્યો. જયારે સવર્ણ સાથે ઘરોબો ધરાવતી અને ઓબીસીમાં સમાવિષ્ટ આર્થિક રીતે સમૃદ્ધ જ્ઞાતિઓ અનામતનો 90% સુધી લાભ મેળવે છે."
"ઓબીસી અનામતનો કઈ જ્ઞાતિને કેટલો લાભ મળ્યો છે એનો સર્વે કરાવવો જોઈએ, ત્યારબાદ જે જ્ઞાતિઓને લાભ નથી મળ્યો, એમને ઓબીસી માટેની અનામતમાં 20 % સુધી અલાયદી અનામત અનામતની જોગવાઈને બે ભાગમાં વહેંચી દેવી જોઈએ. છેલ્લાં 20 વર્ષમાં જે જ્ઞાતિઓને ઓબીસી અનામતનો વધુ લાભ મળ્યો છે, એ જ્ઞાતિઓને ઓબીસી અનામતના 27%માંથી 7% લાભ જ આપવો જોઈએ, જ્યારે બાકીના 20% અતિ પછાત ઓબીસી જ્ઞાતિઓ આપવા જોઈએ.
તેઓ પત્રમાં આગળ લખે છે, "આવા વર્ગીકરણથી હજુ સુધી પછાત રહી ગઈ હોય એવી ઓબીસીની અન્ય જ્ઞાતિના લોકોને અનામતનો વધુ લાભ સુનિશ્ચિત કરી શકાશે. દેશનાં મહારાષ્ટ્ર, ઓડિસા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, હરિયાણા, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોની માફક ગુજરાતમાં પણ ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવી જોઈએ."
કેમ ઊઠી રહી છે આ માગ?
ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવાની માગ પાછળનાં સંભવિત કારણો અંગે વાત કરતાં સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે :
"ગુજરાતમાં ઓબીસીમાં 146 જ્ઞાતિઓ સામેલ છે. આમાં એવી પણ કેટલીક જ્ઞાતિઓ છે, જેમાં સાક્ષરતાનો દર હજુ માત્ર 20 ટકા જ છે. જોકે, આવી જ્ઞાતિમાં સમાવિષ્ટ લોકોની સંખ્યા સરખામણીમાં ઓછી છે."
તેઓ ગેનીબહેનની વાતને 'મહદંશે સાચી' ગણાવે છે. જોકે, તેઓ ઓબીસી અનામતને બે વિભાગમાં વિભાજિત કરવાની વાતને 'અતાર્કિક' ગણાવે છે.
ગૌરાંગ જાની કહે છે કે, "ખરેખર તો બિહારની માફક જ્ઞાતિ આધારિત વસતિગણતરી કરીને તેના પ્રમાણ આધારે અનામતની જોગવાઈ કરાય તો ખરેખર વંચિત રહી ગયેલા વર્ગને આ વ્યવસ્થાનો સાચો લાભ મળી શકે એમ છે."
ભાવનગર યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર અને સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિદેશક વિદ્યુત જોશીએ પણ ગેનીબહેનની વાતને 'સાચી' ગણાવતાં કહ્યું, "ઓબીસી એ કોઈ સમરૂપ કૅટેગરી નથી. ઓબીસી અનામતનો અમુક જ્ઞાતિને વધુ અને અમુકને ઓછો લાભ મળતો હોવાની વાત સાચી છે."
તેઓ ગેનીબહેનની વાતમાં સૂર પૂરાવવાની સાથોસાથ 'સાચો સર્વે' કરાવીને અનામત માટેના ધારાધોરણ ઘડવાની વાત કરે છે.
વિદ્યુત જોશી કહે છે કે, "ઓબીસીમાં પછાત અને અતિ પછાત એવું વર્ગીકરણ હોવું જોઈએ, તો જ સાચા અર્થમાં લોકોને તેનો લાભ મળી શકશે. જોકે, કઈ જ્ઞાતિને કેટલી અનામત મળવી જોઈએ એ નક્કી કરવા માટે સાચો સર્વે કરાવીને ધારાધોરણ નક્કી કરવા જોઈએ."
ગેનીબહેન ઠાકોરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાના આ પત્ર લખવા પાછળના હેતુ અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું, "મારો પત્ર લખવાનો મુખ્ય આશય એવી માગણી કરવાનો છે કે જે સમાજની વસતિ વધુ હોવા છતાં તેમના સુધી લાભ પહોંચ્યા નથી, એવી જ્ઞાતિઓને પ્રાધાન્ય અપાય. ઓબીસી અનામતનો લાભ મેળવનાર જ્ઞાતિઓનો સર્વે થવો જોઈએ, જેથી વંચિત લોકોને લાભ મળી શકે."
તેમણે પત્રનો હેતુ કોઈ સમાજ પર નિશાન સાધવાનું નહોતું એવું સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, "મારા પત્રનો ભાવાર્થ જો એવો નીકળતો હોય કે મેં કોઈ જ્ઞાતિને ઓબીસીમાંથી દૂર કરવાની માગ કરી છે તો એવું નથી. મેં એવી કોઈ માગ કરી નથી. જો લખાણની ક્ષતિને કારણે એવો સંદેશો ગયો હોય તો એ બદલ હું ક્ષમાપ્રાર્થી છું."
ઉપરાંત તેઓ પોતાની અન્ય માગણી અંગે વાત કરતાં કહે છે કે, "પત્રમાં બીજી બાબત લખવાની રહી ગઈ છે. એ એ છે કે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા જેમ એસ.સી.અને એસ.ટી. જ્ઞાતિને ગ્રાન્ટ આપવામાં આવે છે, એવી રીતે ઓબીસીની વધુ વસતિ ધરાવતી જ્ઞાતિઓને ગ્રાન્ટ મેળવી જોઈએ, જેથી એ સમાજોનો વિકાસ ઝડપથી થાય."
ભાજપના પ્રવક્તા ડૉ.યજ્ઞેશ દવેએ ગેનીબહેનની માગણી અંગે પ્રતિક્રિયા આપી હતી.
તેમણે કહ્યું હતું કે, "આવો પત્ર લખીને ગેનીબહેન ગુજરાતમાં વર્ગવિગ્રહ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બંધારણીય જોગવાઈ ન હોય એવી માગણી કરી તેઓ જ્ઞાતિઓમાં વિગ્રહ ઊભો કરવા માગે છે. બંધારણ અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકાર કામ કરે છે, ત્યારે ગુજરાતના શાંત પાણીમાં પથરો નાખવાનો ગેનીબહેનનો આ પ્રયાસ દુઃખદ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન