You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જી20 માટે જેમની પ્રશંસા થઈ રહી છે એ અમિતાભ કાંત કોણ છે?
નવી દિલ્હીમાં તાજેતરમાં સંપન્ન થયેલ જી20ને વૈશ્વિક રાજકારણ અને કૂટનીતિમાં ભારતની સફળતા સ્વરૂપે જોવાઈ રહ્યું છે.
સંમેલન અગાઉ અંતિમ ઘડી સુધી એવું કહેવાઈ રહ્યું હતું કે યુક્રેન જેવા જટિલ મુદ્દાને કારણે તમામ દેશો સામૂહિક નિવેદનને લઈને સંમત થાય એ મુશ્કેલ છે.
પરંતુ સંમેલનના પ્રથમ દિવસે જ ભારતીય વડા પ્રધાને નવી દિલ્હી ઘોષણપત્ર જાહેર કર્યું જેમાં યુક્રેન યુદ્ધના મુદ્દાને સામેલ કરાયો અને તમામ સભ્યો દેશોએ તેને લઈને સંમતી વ્યક્ત કરી.
ભારતીય કૂટનીતિની આ સફળતાના હીરો અમિતાભ કાંતને ગણાવાઈ રહ્યા છે.
અમિતાભ કાંતે સંમેલન બાદ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એકસ પર લખ્યું કે, “આખા જી20 સંમેલનનું સૌથી જટિલ કામ હતું ભૂ-રાજકીય (યુક્રેન-રશિયા) ભાગ પર સામૂહિક સંમતિની સ્થિતિ સુધી પહોંચવું. સતત 20 કલાક ચાલેલી વાતચીત, 300 દ્વિપક્ષીય બેઠક અને 15 ખરડા બાદ આ શક્ય બન્યું. આ કામમાં બે શાનદાર અધિકારીઓએ મારી મદદ કરી છે નાગરાજ નાયડુ કાકાનૂર અને ઈનમ ગંભીર.”
યુક્રેન યુદ્ધ એક જટિલ મુદ્દો છે. એ વિષય સંદર્ભે વિશ્વ વિભાજિત છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત પશ્ચિમના દેશ પ્રત્યક્ષપણે યુક્રેનનું સમર્થન કરી રહ્યા છે જ્યારે રશિયા, ચીન અને તેના અમુક સમર્થક દેશ બીજી તરફ છે. ભારતે અત્યાર સુધી આ મુદ્દાને લઈને પોતાનું વલણ તટસ્થ રાખ્યું છે.
ગત વર્ષે બાલીમાં જી20ના ઘોષણાપત્રમાં યુક્રેન યુદ્ધને લઈને રશિયાની ટીકા કરાઈ હતી. રશિયા અને ચીન આનાથી નારાજ થઈ ગયા હતા.
આવી સ્થિતિમાં ભારત સામે આ મુદ્દાને લઈને સંમતિ સુધી પહોંચવું અને આ આર્થિક ફોરમના એજન્ડા પર યુક્રેન યુદ્ધને હાવી ન થવા દેવું એ પડકાર હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જી20માં ભારતના શેરપા અમિતાભ કાંત અને તેમની ટીમે આ જટિલ મુદ્દાનું કંઈક એવું નિરાકરણ કાઢ્યું કે જી20ના દેશ તેનાથી ખુશ છે. સંમેલનના ઘોષણાપત્રમાં યુદ્ધ પ્રભાવિત યુક્રેનના માનવીય સંકટનો ઉલ્લેખ કરાયો છે પરંતુ તેમાં રશિયાનું નામ નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘોષણાપત્રનું શ્રેય અમિતાભ કાંતની ટીમને આપતાં કહ્યું, “અમારી ટીમની મહેનતને કારણે નવી દિલ્હી જી-20 લીડર્સ સમિટમાં સંમતિ બની શકી છે.”
મોદીએ કહ્યું, “હું આપણા શેરપા અને મંત્રીઓને અભિનંદન પાઠવું છું, જેમણે અતિશય મહેનત કરી અને આ કામને શક્ય બનાવ્યું.”
તેમજ રવિવારે એક પત્રકારપરિષદમાં અમિતાભ કાંતે કહ્યું, “જ્યારે અમે અધ્યક્ષતાની શરૂઆત કરી હતી ત્યારે વડા પ્રધાન મોદીએ કહેલું કે ભારતની અધ્યક્ષતા સમાવેશી, નિર્ણાયક અને કાર્ય આધારિત હોવી જોઈએ. નવી દિલ્હી ઘોષણાપત્રમાં 81 ફકરા છે, તમામ ફકરા પર તમામ દેશો 100 ટકા સંમત છે.”
માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં બલકે કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરેય શેરપા અમિતાભ કાંતની પ્રશંસા કરી છે.
શશિ થરૂરે એક પોસ્ટમાં કહ્યું, “અમિતાભ કાંત, શાબાશ. એવું લાગે છે કે જ્યારે તમે આઇએએસ પસંદ કર્યું ત્યારે આઇએફએસે એક શાનદાર રાજદ્વારી ગુમાવી દીધા. રશિયા અને ચીન સાથે ચીન સાથે વાર્તા ગઈ કાલે રાત્રે જ પૂરી થઈ.”
થરૂરે કહ્યું, “સર્વસંમતિ સાથે દિલ્હી ઘોષણાપત્ર જાહેર થયું. આ જી20માં ભારત માટે ગૌરવની પળ છે.”
કોણ છે અમિતાભ કાંત?
ઉત્તર પ્રદેશના વારાણસીમાં જન્મેલા અમિતાભ કાંત વર્ષ 1980ની બૅચના ભારતીય વહીવટી સેવા (આઇએએસ) અધિકારી છે.
તેઓ કેરળના કોઝીકોડના જિલ્લાધિકારી રહ્યા છે. આ સિવાય તેઓ કેરળ સરકારના પર્યટન વિભાગના સચિવ પણ રહી ચૂક્યા છે.
અમિતાભ કાંત ભારત સરકારના પર્યટન વિભાગના સંયુક્ત સચિવ પણ રહી ચૂક્યા છે.
ભારતમાં તેઓ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) ગ્રામીણ પર્યટનના નૅશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે.
જૂન 2022 સુધી તેઓ નીતિ આયોગના ચૅરમૅન હતા. છ વર્ષ નીતિ આયોગના ચૅરમૅન રહ્યા બાદ તેમને જી20માં ભારતના શેરપા નિયુક્ત કરાયા હતા.
અમિતાભ કાંતે ભારત સરકારના કાર્યક્રમો સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, ઇન્ક્રેડિબલ ઇન્ડિયામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
અમિતાભ કાંતે ‘બ્રાન્ડિંગ ઇન્ડિયા – એન ઇનક્રિડિબલ સ્ટોરી’ અને ‘મેડ ઇન ઇન્ડિયા’ સહિતનાં પુસ્તકો પણ લખ્યાં છે. આ પુસ્તકોને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા.
ભારતને જી20 અધ્યક્ષતા મળ્યા બાદ અમિતાભ કાંતને ભારત તરફથી શેરપા નિયુક્ત કરાયા હતા. અમિતાભા કાંત પહેલાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ જી20માં ભારતના શેરપા હતા.
જી20માં શેરપાની જવાબદારી મહત્ત્વપૂર્ણ હોય છે. તેમનું કામ જી20 સભ્યો દેશો વચ્ચે સમન્વય સ્થાપિત કરવાનું અને વાતચીત કરવાનું હોય છે.
શેરપા જ સભ્યો દેશો સાથે બેઠક કરે છે, જી20ના કામની જાણકારી શૅર કરે છે અને આર્થિક અને રાજકીય મુદ્દે સભ્ય દેશો વચ્ચે સામાન્ય સંમતિ બનાવવાનું કામ કરે છે.
અમિતાભ કાંતની ટીમ
જી20ના સફળ આયોજન અને નવી દિલ્હી ઘોષણાપત્રનું શ્રેય અમિતાભ કાંત અને તેમની ટીમને અપાઈ રહ્યું છે.
ભારતીય મીડિયામાં આ ચાર અધિકારીઓની ખાસ ચર્ચા થઈ રહી છે.
નાગરાજ નાયડુ કુમાર
1998 બૅચના આઇએફએસ અધિકારી નાગરાજ નાયડુ કાકાનૂર ભારતના જી20 સચિવાલયમાં સંયુક્ત સચિવ છે.
ચાર વખત ચીનમાં તહેનાત રહી ચૂકેલા કાકનૂર કડકડાટ ચીની ભાષા બોલે છે. આ સિવાય તેમણે ભારત માટે સંયુક્ત રાષ્ટ્રમાં પણ કામ કર્યું છે.
કાકાનૂર પાસે અમેરિકાના ફ્લેચર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિપ્લોમસીથી કાયદો અને કૂટનીતિમાં માસ્ટર ડિગ્રી છે.
જી20માં તેઓ ભારત તરફથી ઍન્ટિ-કરપ્શન, સંસ્કૃતિ, વિકાસ, ડિજિટલ ઇકૉનૉમી, શિક્ષણ અને પર્યટન પર કાર્યકારી સમૂહનો ભાગ રહી ચૂક્યા છે.
ઈનમ ગંભીર
ભારતીય વહીવટી સેવાનાં વર્ષ 2005નાં અધિકારી ઈનમ ગંભીર કડકડાટ સ્પેનિશ ભાષા બોલે છે. તેઓ ભારતના જી20 સચિવાલયમાં સંયુક્ત સચિવ છે.
ઈનમ ગંભીર ભારત તરફથી ઘણા દેશોમાં કામ કરી ચૂક્યાં છે. તેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે જોડાયેલા મુદ્દાના વિશેષજ્ઞ છે.
તેમની પાસે ઇન્ટરનૅશનલ સિક્યૉરિટી અને ગણિતમાં માસ્ટર્સ ડિગ્રી છે. ઈનમ ગંભીર અંગ્રેજી, હિંદી અને સ્પેનિશ ભાષામાં કવિતા પણ લખે છે.
આશીષકુમાર સિંહા
જી20 સચિવાલયમાં સંયુક્ત સચિવ આશિષકુમાર સિંહા 2005ના આઇએફએસ અધિકારી છે. તેઓ નૈરોબીમાં ભારતીય દૂતાવાસમાં રહી ચૂક્યા છે.
સિંહા સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પણ તહેનાત રહ્યા છે અને પાકિસ્તાનના મુદ્દાને લગતા નિષ્ણાત છે. સિંહા સ્પેનિશ ભાષા પણ બોલે છે. સિંહા ભારતની શેરપા ટીમના મહત્ત્વપૂર્ણ સભ્ય છે.
અભય ઠાકુર
1992 બૅચના આઇએએસ અધિકારી અભય ઠાકુર જી20 સચિવાલયમાં સહાયક સચિવ છે. ઇજનેરમાંથી રાજદ્વારી બનેલા અભય ઠાકુર અમિતાભ કાંતની ટીમમાં દરેક વાતચીતનો ભાગ રહ્યા.
ઠાકુર મૉસ્કો, લંડન, હોચી મિન સિટીમાં ભારતીય દૂતાવાસોમાં તહેનાત રહી ચૂક્યા છે. તેઓ નાઇજીરિયા અને મોરિસિયસમાં ભારતના હાઈકમિશનર પણ રહ્યા છે.
શેરપા શબ્દ ક્યાંથી આવ્યો?
વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓના સંગઠન જી20માં તમામ સભ્ય દેશ પોતાની તરફથી એક શેરપા નિયુક્ત કરે છે. જેનું કામ સંગઠનની બેઠકો અને વાતચીતોમાં ભાગ લેવાનું હોય છે.
આ શેરપા જી20ની બેઠકોમાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. શેરપા સંમેલનમાં પોતાના દેશના નેતાઓની મદદ કરે છે અને જી20માં પોતાના દેશના એજન્ડાને આગળ લઈ જાય છે.
શેરપાનું કામ પોતાના દેશના નીતિલક્ષી નિર્ણયોથી અન્ય દેશોને માહિતગાર કરાવવાનુંય હોય છે.
આ તો વાત થઈ જી20 શેરપાની. પરંતુ આ શબ્દના ઉદ્ભવ અંગે વાત કરીએ તો એ નેપાળ અને તિબેટના પહાડોમાં રહેતા એક સમુદાયના નામ પરથી આવેલો છે.
શેરપા સમુદાયના લોકોને મુશ્કેલ સ્થિતિમાં સાહસ દાખવવાના કામને લઈને ઓળખવામાં આવે છે.
હિમાલયના દુર્ગમ વિસ્તારોમાં રહેતો આ સમુદાય તેમની બહાદુરી માટે પણ ઓળખાય છે.
શેરપા પર્વતારોહણના પોતાના કૌશલ્ય અને માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરનાર લોકોની મદદ કરવા માટે પણ ઓળખાય છે.
શેરપા પર્વતારોહીઓને શિખર પર પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.