જી20માં ભારતના પ્રભાવ વિશે વિદેશી મીડિયાએ શું કહ્યું, ચીની મીડિયાએ કેમ કહ્યું 'મોદીને થશે ફાયદો'?

દિલ્હીમાં પૂર્ણ થયેલા જી20 સંમેલનમાં જાહેર કરાયેલા નવી દિલ્હી ઘોષણાપત્રને ભારતની કૂટનીતિની જીત અને વધતા વૈશ્વિક પ્રભાવની દૃષ્ટીએ જોવાઈ રહ્યું છે.

ભારત યુક્રેન યુદ્ધના અત્યંત જટિલ મુદ્દા પર આવું સંયુક્ત નિવેદન જાહેર કરવામાં સફળ રહ્યું, જેનું યુક્રેનને બાદ કરતા દરેક પક્ષે સ્વાગત કર્યું.

નવી દિલ્હી ઘોષણાપત્રના સાત ફકરા યુક્રેન યુદ્ધ પર છે. અને તેમાં રશિયાના નામનો ઉલ્લેખ નથી કરાયો.

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના બધા જ નેતાઓ સાથે સહજતાથી હળમળતા જોવા મળ્યા.

છેલ્લે તેમના રશિયાના વિદેશ મંત્રી લાવરોફ સાથે હળવાં અંદાજનાં દૃશ્યો પણ જોવાં મળ્યાં.

વૈશ્વિક મીડિયાએ પણ પોતાના અહેવાલોમાં ભારતની વધતી અસર અને જી20 સંમેલનની સફળતાનો ઉલ્લેખ કર્યો છે.

અમેરિકી ન્યૂઝ સંસ્થા એનબીસીએ પોતાના અહેવાલમાં લખ્યું "જી20માં ભારતની વધતી વૈશ્વિક અસર દેખાઈ તો સાથે જ પ્રેસની આઝાદીની ચિંતા પણ"

આ અઠવાડિયે નવી દિલ્હીમાં વિશ્વભરના નેતાઓ અને રાષ્ટ્રના અધ્યક્ષો બે દિવસના જી20 સંમેલનમાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન નવી દિલ્હી જાણે થંભી ગઈ હતી.

'ભારતનો વધતો આર્થિક અને ભૂ-રાજનૈતિક પ્રભાવ'

એનબીસીએ પોતાના રિપોર્ટમાં લખ્યું "વિશ્વના ધનિક અને વિકાસશીલ દેશોની આ બેઠકે ભારતની વધતી આર્થિક અને ભૂ-રાજકીય અસર તો બતાવી જ સાથે જ દેશની હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર, ખાસ કરીને પ્રેસની આઝાદી પર સરકારના વલણની વધતી ટીકાને પણ બતાવી."

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકાનું સહયોગી દેશ છે. તો બીજી બાજુ ભારતે પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી છે.

એનબીસીએ પોતાના અહેવાલમાં લખ્યું, "ભારત ડાબેરી ચીનની વધતી મહત્ત્વાકાંક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ વળતી દલીલો પણ કરે છે."

એનબીસીએ પોતાના અહેવાલમાં પત્રકારોને નેતાઓથી દૂર રાખવાનો ઉલ્લેખ કરતા લખ્યું, "નવી દિલ્હીમાં લાગેલા પોસ્ટર્સ પર ભારતે પોતાને (મધર ઑફ ડેમૉક્રસી) લોકશાહીનાં માતા જાહેર કર્યું છે. પણ સેંકડો પત્રકારોને સંમેલનમાં આવેલા નેતાઓથી દૂર જ રાખવામાં આવ્યા."

એનબીસીએ લખ્યું, " સામાન્ય પ્રોટોકૉલથી વિરુદ્ધ શુક્રવારે રાત્રે ભારતીય વડા પ્રઘાન નરેન્દ્ર મોદીની સાથે રાષ્ટ્રપતિ જો બાઇડનની મુલાકાતને કવર કરવાની પરવાનગી કોઈ જ પત્રકારને ન અપાઈ."

તો સીએનએનએ પોતાના અહેવાલમાં રશિયાના નવી દિલ્હી ઘોષણાપત્રને 'સફળ' કહેવાની અને યુક્રેનની તેના પર નારાજગીનો ઉલ્લેખ કર્યો છે.

સીએનએનએ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોફના નિવેદનને જાહેર કર્યું છે.

સંમેલનનું ઘોષણાપત્ર જાહેર થયાના આગલા દિવસે એટલે કે રવિવારે લાવરોફે કહ્યું હતું, "આ સંમેલન માત્ર ભારત માટે જ નહીં પણ અમારા બધા જ માટે સફળ રહ્યું"

યુક્રેન યુદ્ધ એક જટિલ મુદ્દો છે. અને તેને લઈને પશ્ચિમી દેશો, રશિયા અને ચીન વચ્ચે મતભેદ છે.

નવી દિલ્હી ઘોષણાપત્રમાં એક વાક્યમાં લખાયું છે કે "સ્થિતિને લઈને અલગઅલગ દૃષ્ટિકોણ અને આકલન હતા..." જે સભ્ય દેશો વચ્ચે મતભેદોને દર્શાવે છે.

સીએનએનએ પોતાના અહેવાલમાં લખ્યું "અંતિમ કરારનું નિવેદન શિખરસંમેલનના યજમાન ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે પાસું પલટાવવા સમાન હતું. છતાં અમેરિકા અને તેના પશ્ચિમી સહયોગીઓ દ્વારા અપનાવેલા નરમ વલણને દર્શાવે છે."

નિવેદન જાહેર કરાવવું ભારતની મોટી સફળતા

તો, વૉશિંટન પોસ્ટે પોતાના અહેવાલમાં કહ્યું કે જી20નું ઘોષણાપત્ર યુક્રેનને લઈને મતભેદ અને ગ્લોબલ સાઉથ (ભારત જેવા વિકાસશીલ દેશો)ની વધતી અસરને દર્શાવે છે.

જી20 સંમેલનમાં આફ્રિકન યૂનિયનને પણ સભ્ય દેશ તરીકે સામેલ કરી લેવાયો છે.

વૉશિંગટન પોસ્ટે લખ્યું છે "યજમાન ભારત અલગ-અલગ સમૂહોના અંતિમ નિવેદન પર હસ્તાક્ષર કરાવવામાં સફળ રહ્યું, પણ યુક્રેનમાં રશિયાના યુદ્ધના વિવાદાસ્પદ મુદ્દા પર ભાષાને નરમ કરીને આવું કરાયું છે."

વૉશિંગટન પોસ્ટે પોતાના અહેવાલમાં લખ્યું છે કે જી20 સંમેલનના નજીક આવવાના છેલ્લા મહિનાઓ સુધી ભારત યુક્રેન યુદ્ધને લઈને ઘોષણાપત્રના શબ્દો પર સહમતિ નહોતું બનાવી શક્યું. કારણ કે ચીન અને રશિયા બાલીમાં ઉપયોગમાં લેવાયેલી ભાષાના વિરોધમાં હતા.

સંમેલનમાં સમાપનના એક દિવસ પહેલાં જાહેર કરાયેલા ઘોષણાપત્રમાં 'યુક્રેન યુદ્ધની માનવીય પીડા અને નકારાત્મક અસર'ને દર્શાવાઈ. જોકે તેમાં રશિયાનું નામ સુદ્ધાં નથી.

અનેક વિશ્લેષકો એ આશંકા જાહેર કરી રહ્યા હતા કે જી20 સંમેલનનું સંયુક્ત નિવેદન જાહેર કરાવવું મુશ્કેલીભર્યું હશે. જોકે, સંમેલનના પહેલા જ દિવસે નવી દિલ્હી ઘોષણાપત્ર જાહેર થઈ ગયું.

જર્મનીના ચાંસેલર ઑલાફ શૉલ્ત્સએ આ ઘોષણાપત્રને ભારતીય કૂટનીતિની સિદ્ધિ ગણાવી છે.

ઓલાફે કહ્યું, "રશિયાએ પોતાનો પ્રતિકાર છોડી દીધો છે. અને તેણે યુક્રેનની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતા સાથે જોડાયેલા કરાર પર સહી કરી દીધી."

વૉશિંગટન પોસ્ટે પણ પોતાના અહેવાલમાં એ વાતનો ઉલ્લેખ કર્યો કે પશ્ચિમી દેશ રશિયાના આ ઘોષણાપત્ર પર હસ્તાક્ષરને પણ એક સિદ્ધિ તરીકે જોવે છે.

મોદી અને ભાજપને થશે ફાયદો - ગ્લોબલ ટાઇમ્સ

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પણ પોતાના અહેવાલમાં લખ્યું કે જી20 સંમેલને વધતા ભેદભાવ વચ્ચે પાયાની એકજુટતા પ્રદર્શિત કરી છે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે "દિલ્હીમાં પૂર્ણ થયેલા જી20 શિખરસંમેલનમાં અંતતઃ સંયુક્ત નિવેદન સ્વીકાર કરી લેવાયું. જેમાં પાયાની એકજુટતા અને યુક્રેન યુદ્ધને લઈને તટસ્થ વલણ છે."

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું "ચીની વિશ્લેષકોનું કહેવું છે કે જી20 વૈશ્વિક શાસન માટે અત્યારે પણ એક મહત્ત્વપૂર્ણ બહુપક્ષીય તંત્ર છે, ભલે સમૂહની મુખ્ય શક્તિઓ વચ્ચે જટિલ સંઘર્ષોના કારણે શિથિલતાના ખતરાનો વધુ સામનો કરી રહ્યું હોય."

ગ્લોબલ ટાઇમ્સે સંમેલનમાં ભાગ લેવા આવેલા ચીનના વડા પ્રધાન લી ચિયાંગના નિવેદનને પણ પ્રકાશિત કર્યું.

સંમેલન દરમિયાન લી ચિયાંગે કહ્યું હતુ કે "G20ના સભ્યોએ અનુકરણીય ભૂમિકા નિભાવવી જોઈએ. વિશિષ્ટ મુદ્દાઓથી શરૂઆત કરવી જોઈએ. અને વર્તમાનમાં સારું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. લીએ કહ્યું કે સૌથી જરૂરી મુદ્દો વિકાસ છે. અને G20ના સભ્યોને વિકાસ અને વિશાળ નીતિ સમન્વયના કેન્દ્રમાં રાખવી જોઈએ."

ગ્લોબલ ટાઇમ્સે ફુડાન યૂનિવર્સિટીમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસર લી મિનવાંગના આધારે લખ્યું છે "જી20 શિખરસંમેલનની સફળતા ભારતમાં મોદી અને તેમની ભારતીય જનતા પાર્ટીના શાસનને મજબૂત કરશે."

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ભારતને આ સંમેલનથી ઘણું બધું પ્રાપ્ત થયું છે. કારણ કે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાને 'ઘણું આકર્ષક' બનાવી દીધું છે. ભારત એક એવો દેશ છે, જેની પાછળ રશિયા અને પશ્ચિમી દેશ બન્ને છે.

ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે "ભારત એ વાતનું પણ પ્રતિનિધિત્ત્વ કરે છે કે વિકાસશીલ દેશ યુક્રેન સંકટ પર પશ્ચિમ અને રશિયાની વચ્ચે પક્ષ નથી લેવા માગતા અને અમેરિકાએ ચીન વિરુદ્ધ ચારેય તરફથી નિયંત્રણ કરવાનું શરૂ કરી દીધું છે તો તે કોઈ પણ પક્ષ લેવા માટે મજબૂર નથી થવા માગતા."

ગ્લોબલ ટાઇમ્સે વિશ્વેષકો તરફથી એ પણ કહ્યું છે કે અત્યારે ભારતની રાષ્ટ્રીય શક્તિ અને અર્થવ્યવસ્થા એટલી મોટી નથી કે તે ગ્લોબલ સાઉથનું નેતૃત્ત્વ કરવાનું પોતાનું સપનું સાકાર કરી શકે.

'મોદીને શ્રેય મળવો ન્યાયસંગત હશે'

તો, પાકિસ્તાની અખબાર ડૉનમાં પ્રકાશિત એક વિશ્લેષમાં કહેવાયું છે કે જો દિલ્હીમાં જાહેર કરાયેલા સંયુક્ત ઘોષણાપત્રથી યુરોપમાં શાંતિ આવે તો તેનો કેટલોક શ્રેય મોદીને જશે. જે યોગ્ય પણ હશે.

ડૉને લખ્યું,"આ મહિને મોદીના આહ્વાન પર ભારતીય સંસદનું વિશેષ સત્ર પણ શરૂ થશે. અને તેમાં તે કોઈ મોટું કામ પણ કરી શકે છે. વિશ્વની તાલીઓના ગડગડાટ વચ્ચે તેમણે યુક્રેન માટે શાંતિનો સંદેશ આપી દીધો છે. પણ તેમણે મણિપુર અને કાશ્મીર સહિત ભારતના મોટા ભાગમાં લોકોની પીડાના સમાધાન માટે કોઈ જ ઉતાવળનો કોઈ સંકેત નથી આપ્યો."

રશિયાની સમાચાર ઍજન્સી તાસએ જર્મન અખબાર ડીત ઝાયતના સમાચારોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જી20નું સંયુક્ત નિવેદન સંકેત આપે છે કે પશ્ચિમી દેશ રશિયાને અલગ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

જર્મન અખબાર ડીત ઝાયતે પોતાના લેખમાં કહ્યું છે કે રશિયાની ટીકા કરનારા ફકરાનું ના હોવું એ દર્શાવે છે કે રશિયાને અલગ કરવાના પ્રયત્નો નિષ્ફળ થઈ ગયા છે.

આ લેખમાં કહેવાયું છે કે "શું જી20 શિખરસંમેલન આશાથી વિરુદ્ધ સફળ રહ્યું? ચાંસેલર ઓલાફે ઓછામાં ઓછાં પરિણામોને આ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. પણ વાસ્તવિકતા ઘણી ગંભીર છે."

ડીત ઝાયતના ટિપ્પણીકારે પોતાના લેખમાં કહ્યું છે કે એક વર્ષ પહેલાં ઘોષણાપત્રના શબ્દો રશિયાના મોઢા પર તમાચા માફક હતા. હવે જર્મન ચાંસેલરે 'એ સ્વીકાર કરી લીધો છે જેને છૂપાવી શકાય એમ નથી' કે ઘોષણાપત્રમાં કોઈ ટીકા નથી. 'થપ્પડનો ક્યાંય પણ કોઈ જ ઉલ્લેખ નથી.'