You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતને અખાતના દેશો અને યુરોપ સાથે જોડતો રેલ-પોર્ટ કરાર કેમ 'ઐતિહાસિક' છે?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ દિલ્હીમાં અમેરિકા, સાઉદી અરેબિયા અને યુરોપિયન દેશોના નેતાઓની સાથે મળીને ઇન્ડિયા-મિડલ ઈસ્ટ – યુરોપ ઇકોનૉમિક કૉરિડોર લૉન્ચ કર્યું છે.
ભારતથી લઈને અમેરિકા અને યુરોપથી લઇને મધ્ય પૂર્વના નેતાઓએ આ ડીલને એક ઐતિહાસિક કરાર ગણાવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને તેને મધ્ય પૂર્વમાં સમૃદ્ધિ લાવનારો કરાર ગણાવ્યો છે.
તેમણે કહ્યું કે આ એક મોટી ડીલ છે જે બે મહાદ્વીપોનાં બંદરોને જોડશે અને મધ્ય પૂર્વમાં વધુ સમૃદ્ધિ, સ્થિરતા અને એકીકરણ લાવનારો કરાર છે.
ત્યારે યુરોપિયન પંચનાં અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેને કહ્યું કે આ અત્યાર સુધીનો સૌથી સીધો રસ્તો હશે જે વેપારને ગતિ આપશે.
પરંતુ ઇન્ડિયા મિડલ ઈસ્ટ-યુરોપ ઇકોનૉમિક કૉરિડોર શું છે?
વડા પ્રધાને જે ડીલ લૉન્ચ કરી એ શું છે?
વડા પ્રધાન મોદીએ અમેરિકા, ખાડી દેશો અને યુરોપિયન દેશોના નેતાઓની સાથે એક વિશાળ અને મહત્ત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજના લૉન્ચ કરી છે.
આ પરિયોજનાનો હેતુ ભારત, મધ્ય પૂર્વ અને યુરોપને રેલવે તથા પૉર્ટ નેટવર્ક મારફતે જોડવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પરિયોજના હેઠળ મધ્ય પૂર્વમાં સ્થિત દેશોને એક રેલ નેટવર્ક સાથે જોડવામાં આવશે જ્યાર બાદ તેમને ભારતથી એક શિપિંગ રૂટના માધ્યમથી જોડવામાં આવશે. ત્યાર બાદ આ નેટવર્કને યુરોપથી જોડવામાં આવશે.
અમેરિકન ડેપ્યુટી એનએસએ જૉન ફાઇનરે મીડિયા સાથે વાત કરતા આ પરિયોજનાના મહત્ત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો.
તેમણે કહ્યું, “આ માત્ર એક રેલ પરિયોજના નથી. આ શિપિંગ અને રેલ પરિયોજના છે. લોકોએ સમજવું જોઈએ કે આ કેટલી ખર્ચાળ, મહત્ત્વાકાંક્ષી અને અભૂતપૂર્વ પરિયોજના હશે.”
તેમણે એવું પણ કહ્યું કે,“આ કરારથી નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોને લાભ થશે. આ મધ્ય પૂર્વના વૈશ્વિક વેપારમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં મદદ કરશે.”
આ ડીલથી શું બદલાશે?
ભારત, મધ્ય પૂર્વ અને યુરોપિયન દેશો વચ્ચે આ કરાર મૂળભૂત રીતે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ છે.
તેની હેઠળ બંદરોથી લઈને રેલ નેટવર્કનું નિર્માણ થવાનું છે. ભારતથી લઈને યુરોપમાં રેલ નેટવર્ક ઘણું સઘન બનાવવામાં આવશે.
પરંતુ જો મધ્ય પૂર્વમાં નજર નાખીએ તો ત્યાં રેલ નેટવર્ક એટલું સઘન નથી જેના કારણે માલસામાનની આવનજાવન સડક અથવા સમુદ્ર માર્ગથી જ થઈ શકે છે.
રેલ નેટવર્ક બિછાવવાની સ્થિતિમાં મધ્ય પૂર્વના એક ખૂણેથી બીજા ખૂણે સુધી માલ મોકલવામાં મદદ મળશે.
આની સાથે આ પરિયોજના વૈશ્વિક વેપાર માટે એક નવો શિપિંગ રૂટ ઉપલબ્ધ કરાવી શકે છે કારણ કે હાલ ભારત અથવા તેની આસપાસના દેશોથી નીકળતો સામાન સુએજ નહેરથી થઈને ભૂમધ્ય સાગર પહોંચે છે. ત્યારબાદ આ યુરોપિય દેશો સુધી પહોંચે છે.
આની સાથે જ અમેરિકન મહાદ્વીપમાં સ્થિત દેશો સુધી જનારો માલ ભૂમધ્ય સાગરથી થઈને એટલાન્ટિક મહાસાગરમાં પ્રવેશ કરે છે, ત્યારબાદ તે અમેરિકા, કૅનેડા અને લૅટિન અમેરિકન દેશો સુધી પહોંચે છે.
યુરેશિયા ગ્રૂપના દક્ષિણ એશિયા વિશેષજ્ઞ પ્રમીત પાલ ચૌધરી કહે છે, “હાલ, મુંબઈથી જે કન્ટેઇનર યુરોપ મોકલવામાં આવે છે, તે સુએજ નહેરથી યુરોપ પહોંચે છે. ભવિષ્યમાં તે
દુબઈ થઈ ઇઝરાયલમાં સ્થિત હાઇફા બંદર સુધી ટ્રેનથી જઈ શકાય છે. આનાથી સમય અને પૈસાની બચત થશે.”
હાલ આંતરરાષ્ટ્રીય વેપારનો દસ ટકા ભાગ સુએજ નહેર પર નભે છે. અહીં નાનકડી સમસ્યા આવે તો પણ આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક મોટો પડકાર ઊભો થઈ શકે છે.
વર્ષ 2021માં સુએજ નહેરમાં પહોંચેલું એક માલવાહક જહાજ એવર ગિવેન સુએજ નહેરમાં આડું ઊભું રહી ગયું હતું.
આ ઘટનાના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર માટે એક એવું સંકટ ઊભું થઈ ગયું કે જેનાથી આ વિસ્તારમાં થઈને જતો માલ એક અઠવાડિયા સુધી અટકેલો રહ્યો.
સમાચાર સંસ્થા એએફપી મુજબ આ ડીલ હેઠળ સમુદ્રમાં એક કેબલ પણ નાખવામાં આવશે જે આ વિસ્તારોને જોડશે દૂરસંચાર તથા ડેટા ટ્રાન્સફરમાં ગતિ લાવશે.
આ સમજૂતી હેઠળ ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન તથા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય વેપારના નિષ્ણાત ડૉ પ્રબીર માને છે કે આ સમજૂતીને હકારાત્મક માની શકાય કારણ કે એક નવો ટ્રેડ રૂટ ઊભો કરશે.
ડૉ. ડે કહે છે, “આ કરાર દુનિયાને એક નવો ટ્રેડ રૂટ આપશે. આનાથી આપણી સુએજ નહેરવાળા રૂટની નિર્ભરતા ઘટશે. એવામાં જો ક્યારેક આ રૂટ પર કોઈ સમસ્યા આવે તો તેનાથી આંતરરાષ્ટ્રીય વેપાર પર સંકટ નહીં આવે. કારણ કે એક વિકલ્પ ઊભો રહેશે. તેની સાથે સાઉદી અરેબિયા અને મધ્ય પર્વની પાસે રેલવે લાઇન નથી જેમાં આપણે તેમની મદદ કરી શકીએ. આ રૂટ વિકસિત થવાથી અમારા માટે મધ્ય પૂર્વથી તેલ લાવવું પણ સરળ બની શકે છે.”
આંતરરાષ્ટ્રીય સંબંધના જાણકાર અને જેએનયુમાં પ્રોફેસર ડૉ. સ્વર્ણસિંહ આ ઘટનાને મધ્ય પૂર્વ માટે પણ હકારાત્મક ગણે છે.
તેઓ કહે છે કે,"મધ્ય પૂર્વમાં રેલ નેટવર્ક ઊભું થવાથી આ દેશોની પરિસ્થિતિ પણ સુધરશે. એક તરફ સ્થાનિક લોકો માટે રોજગારના નવા અવસર પેદા થશે. ત્યારે બીજી તરફ આનાથી મધ્ય પૂર્વના દેશો એક બીજાની નજીક આવશે. કારણ કે રેલ નેટવર્ક દેશોને વ્યાપારિક રૂપથી નજીક લાવે છે."
"બે દેશો વચ્ચે જો હવાઈ માર્ગથી આવાગમન થાય તો કંઈ થાય તો તેને એકાએક રોકી શકાય. પરંતુ રેલ માર્ગ સાથે આવું કરવું સરળ નથી. કારણ કે તેનાથી આર્થિક નુકસાન થાય છે.
આ ડીલની જાહેરાત બાદ ભારતના વેપારમાં મોટો વધારો આવવાની સંભાવના પણ રહેશે.
પરંતુ પ્રબીર ડે આ આકલનને થોડું ઉતાવળિયું માને છે.
તેઓ કહે છે, "હજુ એ કહેવું મુશ્કેલ છે કે આ રૂટ અસ્તિત્વમાં આવવાથી ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં કેટલો ઉછાળો આવશે. કારણ કે વેપાર વધારવું માત્ર દૂરી ઘટાડવા પર નિર્ભર નથી. આના માટે બીજા કારણો પણ જવાબદાર હોય છે."
ચીનનો પડકાર
અમેરિકન ડૅપ્યુટી એનએસએ જૉન ફાઇનરે આ સમજૂતી પર વાત કરતા કહ્યું કે દુનિયાભરમાં આ ડીલ પ્રત્યે હકારાત્મક ભાવ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, "અમને લાગે છે કે આ પરિયોજનામાં સામેલ દેશોની સાથે-સાથે સમગ્ર વિશ્વમાં આને લઈને હકારાત્મક વલણ જોવા મળ્યું છે."
આ કરાર મહત્ત્વપૂર્ણ સમયે થયો છે એવું માનવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન વૈશ્વિક સ્તર પર મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ચીનની બેલ્ટ ઍન્ડ રોડ યોજનાનો જવાબ શોધી રહ્યા છે.
જી20ની અંદર તેઓ અમેરિકાને વિકાસશીલ દેશો માટે વૈકલ્પિક સહયોગી અને રોકાણકારના રૂપમાં રજૂ કરી રહ્યા છે.
ચીને પોતાની આ પરિયોજના મારફતે યુરોપથી લઈને આફ્રિકા અને એશિયાથી લઈને લેટિન અમેરિકા સુધી પોતાનો પ્રભાવ, રોકાણ અને વેપારને વધાર્યા છે.
અમેરિકન થિંક ટૅન્ક ધ વિલ્સન સેન્ટરના દક્ષિણ એશિયા ઇન્સ્ટિટ્યુટના નિદેશક માઇકલ કુગલમૅન આ કરારને ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના બીઆરઆઈની મજબૂત પ્રતિક્રિયાના રૂપમાં માને છે.
કુગલમૅને ટ્વિટર પર લખ્યું કે, “જો આ ડિલ થઈ જાય તો આ ડિલ ગેમ ચેન્જર સાબિત થશે કારણ કે આ ભારતને મધ્ય પૂર્વથી જોડશે અને ચીનની બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવને પડકાર આપશે.”
ચીની નિષ્ણાતોની આશંકા
આ ડીલની જાહેરાતથી જોડાયેલા સમાચાર આવ્યા બાદ ચીનના અખબાર ગ્લોબલ ટાઇમ્સના પ્રકાશિત લેખમાં અમેરિકાના પ્રયત્નોને અપૂરતા ગણાવાયા છે.
ચીને પોતાની બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિએટિવ પરિયોજના વર્ષ 2008માં શરૂ કરવામાં આવી હતી અને તેની હેઠળ કેટલાક દેશોમાં કામ ચાલુ છે.
ત્યારે યુરોપના દેશો અને અમેરિકાના નેતૃત્વવાળી આ યોજનાની શરૂઆત 2023માં થઈ રહી છે. એવામાં શું આ બીઆરઆઈની સરખામણીમાં એક મજબૂત વિકલ્પ પૂરો પાડી શકે છે?
ડૉ સ્વર્ણસિંહ કહે છે, “એવી આશંકાઓ છે કે બીઆરઆઈની સરખામણીમાં આ યોજના હજુ ક્યાંક નથી પહોંચી. પરંતુ મને લાગે છે કે લાંબા ગાળે આ યોજના દુનિયા માટે હકારાત્મક સાબિત થશે. કારણ કે આનો હેતુ કોઈ એક સરકાર અથવા પાર્ટીના પ્રભાવને દુનિયાભરમાં ફેલાવવાનો નથી. બીઆરઆઈનો હેતુ અલગ છે."
"આનો પ્રભાવ નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થાને અનુરૂપ ચાલતું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું છે જેના પર ભવિષ્યનો વેપાર મદાર રાખશે. કારણ કે જ્યાં પણ બીઆરઆઈને છે તે દેશોમાં કેટલાક સમય બાદ ચીનને લઈને નકારાત્મક વલણ વિકસિત થતું જોવા મળે છે. કારણ કે તેનો હેતુ એ દેશોનો વિકાસ થાય એવો નથી.”