અબજોપતિ આગા ખાનનું નિધન : ઇસ્માઇલી મુસ્લિમોના ધર્મગુરુ કોણ હતા જે મહમદ પયગંબરના સીધા વારસદાર ગણાતા

આગાખાન, દાન, ચૅરિટી, ધર્માદો, કેળવણી, સ્વાસ્થ્ય, સેવા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અબજોપતિ દાનવીર અને આધ્યાત્મિક ગુરુ આગા ખાનનું 88 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેમના નિધનની માહિતી તેમની ધર્માદા સંસ્થા આગા ખાન ડૅવલપમેન્ટ નેટવર્કે આપી હતી.

રાજકુમાર કરીમ આગા ખાન ઇસ્માઇલી મુસ્લિમના 49મા વારસદાર હતા અને તેઓ મહમદ પયગંબરના સીધા વારસદાર હતા.

તેમની ચેરિટી સંસ્થાએ સોશિયલ મીડિયા પર આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ પોર્ટુગલના લિસ્બન શહેરમાં તેમના પરિવાર સાથે રહેતા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

તેમનો જન્મ સ્વિત્ઝરલૅન્ડમાં થયો હતો, તેમની પાસે બ્રિટનની નાગરિકતા હતી અને ફ્રાંસના ચટૈઉમાં રહેતા હતા.

દાનવીર આગા ખાનના નિધન અંગે બ્રિટનના રાજાને જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આગા ખાન બ્રિટનના રાજા ચાર્લ્સ તેમ જ તેમનાં માતા રાણી એલિઝાબેથ દ્વિતીયના ઘનિષ્ઠ મિત્ર હતા.

બ્રિટનના રાજાએ તેમના મિત્રના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમણે આગા ખાનના પરિવારનો સંપર્ક કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તેમની સંસ્થાનો વ્યાપ અનેક દેશો સુધી ફેલાયેલો

આગાખાન, દાન, ચૅરિટી, ધર્માદો, કેળવણી, સ્વાસ્થ્ય, સેવા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આગા ખાનની સંસ્થા વિકાસશીલ દેશોમાં ઘણી હૉસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરે છે અને સાંસ્કૃતિક યોજનાઓ પણ ચલાવે છે.

તેમનું જીવન ઘણું સમૃદ્ધ હતું. તેમની પાસે બહામાસમાં પોતાનો એક ટાપુ છે તેમ જ તેઓ એક યૉટ અને ખાનગી જેટ વિમાન પણ ધરાવતા હતા.

આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કે જણાવ્યું હતું કે,"નામદાર આગા ખાનના પરિવાર અને સમગ્ર વિશ્વના ઇસ્માઇલી સમાજ સાથે અમારી સંવેદનાઓ છે."

સાથે તેમણે ઉમેર્યું હતું કે,"તેમની ઇચ્છા મુજબ જન્મ અને ધર્મનો ભેદ રાખ્યા વગર વિશ્વભરના લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે અમે વિવિધ ભાગીદારો સાથે કામ કરતા રહીશું."

મુસ્લિમ પંથ ઇસ્માઇલીઓની પાકિસ્તાનમાં પાંચ લાખ સહિત વિશ્વભરમાં 15 લાખ જેટલી વસ્તી છે. ભારત, અફઘાનિસ્તાન અને આફ્રિકામાં પણ તેમની ઘણી વસ્તી છે.

જ્યારે તેમનો પ્રિય ઘોડો ખોવાઈ ગયો

શેરગર સાથે આગા ખાન (ટૉપ હૅટમાં)

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, શેરગર સાથે આગા ખાન (ટૉપ હૅટમાં)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રિન્સ કરીમ આગા ખાને 1957માં 20 વર્ષની ઉંમરે તેમના દાદા પાસેથી ઇસ્માઇલી મુસ્લિમોના ઇમામ તરીકેનો વારસો મેળવ્યો હતો.

ફૉર્બ્સ મૅગેઝિન મુજબ 2008માં રાજકુમાર પાસે એક બિલિયન ડૉલરની સંપત્તિ હતી. ઘોડા સંવર્ધન કેન્દ્ર સહિત વિવિધ વેપારમાં રહેલા રોકાણને કારણે તેમની વારસાગત સંપત્તિ વધારે હતી.

આયર્લૅન્ડ, ફ્રાંસ અને યુકેમાં તેઓ ઘોડા-સંવર્ધન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા હતા. તેઓ અનેક રેસહોર્સના માલિક પણ હતા. તેમણે દુનિયાના સૌથી પ્રખ્યાત અને મોંઘા ઘોડા શેરગરનું પણ સંવર્ધન કર્યું હતું.

1981માં ઈપ્સોમમાં યોજાયેલી ડર્બીમાં શેરગર 10 લેન્થથી આગા ખાન એમરેલ્ડ ગ્રીન રેસિંગ સ્કિલમાં વિજેતા થયો હતો, પરંતુ બે વર્ષ બાદ આયર્લૅન્ડમાં તેનું અપહરણ થયું હતું અને ત્યારબાદ ક્યારેય મળ્યો નથી.

તેમના પ્રિય ઘોડાને ગુમાવ્યો હોવા છતાં 2011માં તેમણે બીબીસીને જણાવ્યું હતું કે શેરગરની સૌથી મોટી જીતનાં 30 વર્ષ બાદ પણ તેઓ આઈરીશ બ્રીડિંગના કામકાજને બંધ કરવાનું વિચારી નથી રહ્યા.

શેરગરની જીત વિશે તેમણે જણાવ્યું હતું કે આ એવી યાદગીરી છે જે ક્યારેય મટી શકે નહીં.

"તેની એ ફિલ્મ મેં હજારો વખત જોઈ છે. આટલું યાદગાર પ્રદર્શન કેવી રીતે આવ્યું તે હજું પણ સમજવાનો પ્રયત્ન કરું છું. જેટલી વખત એ ફિલ્મ જોઉ છું ત્યારે મને લાગે છે હું કંઈક શીખી રહ્યો છું."

"જો તમને રેસિંગ ગમતું હોય, તો ઈપ્સોમ ડર્બી સૌથી મોટી ડર્બીમાંની એક છે. તે હંમેશા પ્રતિષ્ઠિત રહી છે અને આ આટલી પ્રતિષ્ઠિત ડર્બી જીતવી એક અનોખો લ્હાવો છે. જે પ્રકારે તે આ ડર્બી જીત્યો હતો તે ઘણું મહત્ત્વનું હતું."

"મેં એટલી તો રેસ જીવનમાં જોઈ છે જેના પરથી ધારી શકું કે જૉકીને કેવી લાગણી થતી હશે, એ સમયે ઘોડો કેવી દોડ લગાવી રહ્યો હશે અને સાચું કહું જ્યારે તે ટેટ્ટનેહામ કૉર્નર પાસે પહોંચ્યો ત્યારે હું વિશ્વાસ નહોતો કરી શકતો."

"અત્યાર સુધીના ઇતિહાસમાં તેનો આ વિજય ઘણો પ્રભાવશાળી રહ્યો છે. બે વસ્તુ મને ઘણી આકર્ષી ગઈ- એક તો કેટલી સહેલાઈથી એ ઘોડો આગળ વધી રહ્યો હતો અને બીજું કે અંતિમ સમયમાં પણ તેણે દોડવાનું ચાલું રાખ્યું હતું. એ ખરેખર ખૂબ ઉત્કૃષ્ટ હતું."

આગા ખાને આ દોડ સિવાય અન્ય ચાર દોડ પણ જીતી હતી. આ જીત તેમણે 1986માં શહસ્ત્રાણી સાથે, 1988માં ખયાસી સાથે, 2000માં સિંદેર સાથે અને 2016માં હાર્ઝેન્ડ સાથે મેળવી હતી.

અન્ય નોંધનીય સફળતા 2008ની છે જેમાં ઝારકાવાએ પ્રિક્સ ડી લે'આર્ક ડી ટ્રાયમ્ફ જીતી હતી.

આગાખાનનાં કાર્યોનો વ્યાપ

આગાખાન, દાન, ચૅરિટી, ધર્માદો, કેળવણી, સ્વાસ્થ્ય, સેવા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2015માં દિલ્હીમાં હુમાયુના મકબરા પરિસરમાં મ્યુઝિયમના શિલાન્યાસ વખતે પ્રિન્સ આગા ખાન કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી મહેશ શર્મા સાથે

રાજકુમાર આગા ખાન ફાઉન્ડેશન ચેરિટીના પણ સંસ્થાપક હતા અને તેમણે યુનિવર્સિટી ઑફ કરાચીને પોતાનું નામ આપ્યું હતું તેમ જ હાવર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીમાં આગા ખાન પ્રોગ્રામ ફૉર ઇસ્લામિક આર્કિટેક્ચરને પણ પોતાનું નામ આપ્યું હતું.

દિલ્હીના હુમાયુના મકબરાના સંવર્ધન માટે આગા ખાન ટ્રસ્ટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આર્કિટેક્ચર માટે વાર્ષિક આગા ખાન ઍવૉર્ડ પણ એનાયત કરવામાં આવે છે.

તેમણે નેશનલ મીડિયા ગ્રૂપની પણ સ્થાપના કરી હતી જે પૂર્વ અને મધ્ય આફ્રિકામાં સૌથી મોટું સ્વતંત્ર મીડિયા સંસ્થા બન્યું.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને દીર્ઘદૃષ્ટા, માયાળુ, ઉદારવાદી તેમ જ અભૂતપૂર્વ નેતા ગણાવ્યા હતા.

તેમણે ઉમેર્યું, "ગરીબી હઠાવવા માટે, સ્વાસ્થ્ય અને લિંગ સમાનતા માટેના તેમના પ્રયત્નોને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને મદદ મળી અને તેઓ સેંકડો જીવન પર ઊંડી છાપ છોડતા ગયા."

ચળવળકાર અને નોબલ વિજેતા મલાલા યુસુફઝાઈએ જણાવ્યું હતું કે," તેમણે શિક્ષણ, સ્વાસ્થ્ય અને વિકાસ માટે કરેલાં કામોને કારણે તેઓ હંમેશાં જીવતા રહેશે."

યુએનના સેક્રેટરી જનરલ ઍન્ટોનિઓ ગટેરસે એમને આ વિશ્વમાં શાંતિ, સહિષ્ણુતા અને કરુણાના પ્રતીક કહ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.