નરેન્દ્ર મોદીનો એ આક્ષેપ જેનાથી મનમોહનસિંહે અકળાઈને કહ્યું, "મોદીએ આના માટે માફી માગે"

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના નિધન બાદ તેમના બે કાર્યકાળ, રાજકીય વારસા અને એક અર્થશાસ્ત્રી તરીકેની દૃષ્ટિ વિશે વાત થાય તે સ્વભાવિક છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું છે કે "તેમણે વર્ષો સુધી આપણી આર્થિક નીતિઓ પર એક મજબૂત છાપ છોડી.સંસદમાં તેમની કામગીરી સમજદારીપૂર્ણ હતી.આપણા વડા પ્રધાન તરીકે તેમણે લોકોના જીવનને બહેતર બનાવવા માટે વ્યાપક પ્રયાસો કર્યા."
વડા પ્રધાન મોદીએ આ શ્રદ્ધાંજલિ સંદેશમાં મનમોહનસિંહની અર્થશાસ્ત્રી અને રાજકારણી તરીકે પ્રશંસા કરી છે.
જોકે, સામેની બાજુએ એ પણ યાદ રાખવું જરૂરી છે કે મનમોહનસિંહ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દે મનમોહનસિંહની ટીકા કરી હતી. પછી તે આર્થિક નીતિ હોય, યુપીએનાં કથિત કૌભાંડો હોય કે પછી ઉગ્રવાદનો સામનો કરવામાં કથિત નિષ્ફળની વાત હોય.
એક ચૂંટણીપ્રચાર દરમિયાન મોદીએ ઓછાબોલા વડા પ્રધાન ઉપર 'મૌન મોહનસિંહ' અને 'મૌનીબાબા' કહીને તેમની ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
મનમોહનસિંહે પણ તાજેતરમાં નરેન્દ્ર મોદીના ચૂંટણીપ્રચારની આકરી ઝાટકણી કાઢી હતી અને તેમના પર નફરતભર્યાં ભાષણોનો ઉપયોગ કરવાનો તથા વડા પ્રધાનપદની ગરિમાને ઘટાડવાનો આરોપ મૂક્યો હતો.
ડિસેમ્બર 2017માં કૉંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા મણિશંકર ઐયરને ત્યાં એક ડિનર પાર્ટી યોજવામાં આવી હતી, જેમાં પાકિસ્તાનના વિદેશમંત્રી ખુરશીદ મહમૂદ કસૂરી હાજર હતા.
આ ડિનરમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારીએ પણ હાજરી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારે આરોપ મૂક્યો હતો કે આ ડિનર પાર્ટીમાં કૉંગ્રેસી નેતાઓએ પાકિસ્તાની મહેમાનોની સાથે ગુજરાતની ચૂંટણીની ચર્ચા કરી હતી. આ આરોપથી પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અકળાયા હતા અને વડા પ્રધાન મોદીએ આ મામલે દેશની માફી માંગવી જોઈએ એવી તેમણે માગણી કરી હતી.
તેમણે એવું પણ કહ્યું હતું કે રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે વડા પ્રધાન જૂઠ અને જોઈને ઉપજાવી કાઢેલી વાતો ફેલાવે છે.
ત્યાર પછી ખુરશીદ મહમૂદ કસૂરીએ પીટીઆઇને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, "ભારતના રાજકારણની વાતમાં તેમને બિનજરૂરી રીતે ઢસડવામાં આવ્યા છે. મણિશંકર ઐયરને ત્યાં થયેલી ડિનર પાર્ટીમાં ગુજરાત મુદ્દે કોઈ ચર્ચા થઈ ન હતી."
આમ, બંને નેતાઓએ એકબીજા પર ઘણી વખત શાબ્દિક પ્રહાર કર્યા, પરંતુ જાહેર કાર્યક્રમમાં બંને નેતાઓનો એકમેક પ્રત્યેનો આદરભાવ પણ ઘણી વાર જોવા મળ્યો છે. કેટલાક પ્રસંગોએ તો બંને એક બીજાને 'ઉષ્માભેર' મળતા પણ જોવા મળ્યા છે.
તો અહીં વાત એ થાય છે કે આખરે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આખરે કેવા સંબંધ હતા.
આ અંગે જાણવા માટે બીબીસી ગુજરાતીએ ગુજરાતના કેટલાક વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
નેતાઓ વચ્ચે રાજકીય આક્ષેપબાજી એ એક 'સામાન્ય વાત'

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્લેષકોનું માનવું છે કે રાજકારણમાં એકબીજા પર આકરા શાબ્દિક પ્રહારો થતા જ હોય છે અને તેમાં કોઈ નવાઈ નથી.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અજય ઉમટે જણાવ્યું કે, "નરેન્દ્ર મોદી દ્વારા મનમોહનસિંહ પર જે શાબ્દિક હુમલા થતા તે વ્યક્તિગત કરતા રાજકીય વધારે હતા. કારણ કે મનમોહનસિંહની સફળતાઓ બધા સામે છે, જેમાં ન્યુક્લિયર ડીલથી લઈને 2008-09ની વૈશ્વિક મંદીમાંથી ભારતને બચાવવાનો પણ સમાવેશ થાય છે."
તેમણે કહ્યું કે, "રાજકારણમાં આક્ષેપબાજી ચાલતી હોય છે અને તેમાં ઊભરો આવીને શમી જતો હોય છે. હિંદુ, મુસ્લિમ, પાકિસ્તાન વગેરે મુદ્દા પણ તેનો જ ભાગ છે."
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયા પ્રમાણે નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ માટે અંગતપણે આદરભાવ ધરાવતા હતા.
તેઓ કહે છે કે, "રાજકારણમાં પબ્લિક સ્પેસની લડાઈ હોય છે તેથી એકબીજા સામે આક્ષેપબાજી થતી હોય છે. મારા માનવા પ્રમાણે મનમોહનસિંહ માટે મોદી અંગત રીતે આદરભાવ ધરાવતા હતા, મોદી સામાન્ય રીતે કોઈ નેતાની પ્રશંસા નથી કરતા, પરંતુ તેમણે જે શ્રદ્ધાંજલિ આપી તે રાજકીય નહીં પણ અંગત હતી."
તેઓ કહે છે, "મોદી અને મનમોહન જ્યારે મળતા ત્યારે બૉડી લૅંગ્વેજમાં પણ લાગણી અને આદરભાવ જોવા મળતાં હતાં. પરંતુ રાજકારણમાં નિવેદનો અપાતાં હોય છે. મોદી સામાન્ય રીતે કૉંગ્રેસના કોઈ નેતાની આટલી પ્રશંસા નથી કરતા."
મનમોહનસિંહને ગુજરાત મૉડલને જાણવામાં રસ હતો?

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષક અજય ઉમટે મનમોહનસિંહને ગુજરાત મૉડલ અંગે જાણવામાં રસ હતો કે કેમ એ સવાલ અંગે વાત કરતાં જણાવ્યું કે, "મનમોહનસિંહ મોદીની વાતો સાંભળતા અને તેમને ગુજરાત મૉડલ વિશે જાણવામાં રસ હતો. આફ્રિકા અને અમેરિકાના પ્રવાસ વખતે તેમણે વડા પ્રધાનના વિમાનમાં પત્રકારોને અનૌપચારિક રીતે કહ્યું હતું કે મોદીનું મૉડલ શું છે તેમાં તેમને રસ છે. મારા માનવા પ્રમાણે બંને વચ્ચે આદરનો સંબંધ હતો ભલે પછી વૈચારિક મતભેદો રહ્યા હોય."
બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર બળદેવ આગજાએ કહ્યું કે, "મનમોહનસિંહની પ્રતિષ્ઠા અલગ પ્રકારની હતી અને તેમની સરખામણી કોઈની સાથે કરી શકાય તેમ નથી. મોદી દ્વારા મનમોહનસિંહ પર જે આરોપો મૂકવામાં આવતા હતા તે ક્યારેય સાબિત થઈ શક્યા નથી."
મોદી-શાહ વિરુદ્ધ પગલાંથી મોદીને જ ફાયદો થયો?

પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે, "મનમોહનસિંહ પીએમ હતા ત્યારે મોદી સામે સ્પેશિયલ ઇન્વિસ્ટિગેસન ટીમની (એસઆઇટી) તપાસ થઈ, અમિત શાહ સામે સોહરાબુદ્દીન કેસમાં પગલાં લેવાયાં. મોદી અને શાહ કોઈ રીતે ફસાઈ જાય અને રાજકીય કારકિર્દી ખતમ થાય તેવી કોશિશો કરાઈ હોવાનું કહેવાય છે. પરંતુ તેમાં સફળતા ન મળી. કારણ કે એસઆઇટી અને કાનૂની દાવપેચથી મોદીની લોકપ્રિયતામાં વધારો થયો."
અજય ઉમટ માને છે કે, "વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીને મનમોહનસિંહ માટે ઘણો આદર હતો. મનમોહનસિંહ પીએમ હતા ત્યારે મુખ્ય મંત્રીઓની જુદી જુદી સમિતિઓમાં તેમણે મોદીને ચૅરમૅન બનવા માટે આગ્રહ કરેલો. તેથી તેમની વચ્ચે પ્રામાણિક મતભેદો અને સન્માન બંને હતાં."
'પોતાના કામનું શ્રેય લેતા ન આવડ્યું'

ઇમેજ સ્રોત, Getty Images
અમિત ધોળકિયા મનમોહનસિંહના કાર્યકાળ વિશે વાત કરતાં કહે છે કે, "વડા પ્રધાન તરીકે મનમોહનસિંહનો વારસો મિશ્ર હતો. તેમની બે ટર્મમાં સારાં અને નરસાં પાસાં બંને જોવા મળ્યાં. તેઓ પહેલાં એવા વડા પ્રધાન હતા, જે બિનરાજકીય અને સંપૂર્ણપણે ટેકનૉક્રેટ હતા."
"અગાઉ સનદી અધિકારીઓને સરકારમાં સ્થાન મળતું, પરંતુ તેઓ આટલી ઊંચી પોસ્ટ સુધી પહોંચી શકતા ન હતા. મોદી સરકાર પણ ટેકનૉક્રેટ્સને પસંદ કરી રહી છે અને વિદેશમંત્રી એસ.જયશંકર અથવા રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ તેનાં ઉદાહરણ છે."
તેઓ કહે છે કે, "મનમોહનસિંહ એવી વ્યક્તિ હતા, જેમણે દસ વર્ષના શાસનમાં સામાજિક કલ્યાણને અધિકારનો દરજ્જો આપ્યો. તેમના કાર્યકાળમાં શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર, ભોજન સુરક્ષાનો કાયદો અને મનરેગા જેવા કાયદા ઘડાયા જે સામાજિક કલ્યાણની યોજનાના ભાગરૂપ હતા."
મનમોહનસિંહની કાર્યશૈલી અંગે પ્રકાશ પાડતાં તેઓ કહે છે કે, "તેમના વ્યક્તિત્વની વાત કરીએ તો તેઓ ચીલાચાલુ રાજકારણી ન હતા, તેથી તેમને પોતાના કામનો પ્રચાર કરવાનું કે શ્રેય લેતા ન આવડ્યું. તેઓ હંમેશાં ગાંધી પરિવારના બૅકગ્રાઉન્ડમાં રહ્યા. તેમનો લોકપ્રિય બેઝ ન હતો તે વાતની તેમને પણ ખબર હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












