દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં 'આપ' અને કૉંગ્રેસ સામસામે કેમ આવી ગયાં?

ઇન્ડિયા ગઠબંધન, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલની ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીમાં એકબીજાના ઉમેદવારોનો પ્રચાર કરનારી આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ ટકરાવ વધી ગયો છે.

બંને પક્ષો વચ્ચે મતભેદના કારણે ઇન્ડિયા ગઠબંધનની એકતા પણ જોખમમાં છે, કારણ કે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તે ગઠબંધનના પક્ષોને કૉંગ્રેસને કાઢી નાખવાનું કહેશે.

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે કૉંગ્રેસ પોતાના નેતા અજય માકન વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો તે ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓને કહેશે કે તે કૉંગ્રેસને તેમાંથી અલગ કરી નાખે.

સવાલ એવો પેદા થાય છે કે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ વિવાદથી વિપક્ષની એકતા વેરવિખેર નહીં થઈ જાય?

બંને પક્ષોના આ વલણના કારણે ઇન્ડિયા ગઠબંધનના મતદારો છેતરાયાની લાગણી નહીં અનુભવે? બીબીસીએ કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરીને આ સવાલોના જવાબ શોધવા પ્રયાસ કર્યો છે.

આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસ વિરુદ્ધ મોરચો શા માટે ખોલ્યો?

ઇન્ડિયા, કૉંગ્રેસ, આપ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા અજય માકને અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યા અને પછી આમ આદમી પાર્ટીએ કહ્યું કે તે કૉંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી હઠાવવાની માગ કરશે

દિલ્હીમાં કૉંગ્રેસના મુખ્ય નેતાઓ પૈકી એક અજય માકને એક પત્રકારપરિષદમાં કેજરીવાલને 'ફર્જીવાલ' (બનાવટી) ગણાવ્યા હતા.

તેમણે આમ આદમી પાર્ટી અને ભાજપ પર આરોપો મૂકીને 12 મુદ્દાનો શ્વેતપત્ર જારી કર્યો હતો. તેમણે કહ્યું કે કેજરીવાલ એ સ્કીમો દ્વારા લોકોને છેતરે છે અને ગેરમાર્ગે દોરે છે જે યોજનાઓનું કોઈ અસ્તિત્વ જ નથી.

ત્યાર પછી દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશી અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહે કૉંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી.

બંનેએ એક પત્રકારપરિષદ કરી અને કૉંગ્રેસ પર આરોપ મૂક્યો કે આગામી ફેબ્રુઆરીમાં યોજનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે તે ભાજપને મદદ કરી રહી છે.

આમ, કૉંગ્રેસ, વિવાદ, ઇન્ડિયા ગઠબંધન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/AAP

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સમાં દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશી અને આપના નેતા સંજયસિંહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંજયસિંહે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, "દિલ્હીમાં કૉંગ્રેસ ભાજપના ટેકામાં છે. તે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવા માટે દરેક કામ કરે છે. અજય માકન ભાજપની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. તેમણે અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રવિરોધી કહીને તમામ હદો વટાવી દીધી છે. શું તેમણે ક્યારેય ભાજપના કોઈ નેતાને રાષ્ટ્રવિરોધી કહ્યા છે?"

સંજયસિંહે જણાવ્યું, "અમે હરિયાણામાં કૉંગ્રેસ સાથે ગઠબંધનનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે શક્ય ન બન્યું. અમે અલગઅલગ ચૂંટણી લડ્યાં. પરંતુ આખી ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના કોઈ નેતા વિરુદ્ધ એક શબ્દ પણ ન બોલ્યો. પરંતુ હવે કૉંગ્રેસના ઉમેદવારોની યાદી જોતા લાગે છે કે તે ભાજપના હેડક્વાર્ટરમાં બનાવવામાં આવી છે. કૉંગ્રેસને મારી અપીલ છે કે તેઓ 24 કલાકની અંદર અજય માકન સામે કાર્યવાહી કરે, નહીંતર અમે 'ઇન્ડિયા' ગઠબંધનનાં દળોને કૉંગ્રેસને તેમાંથી બહાર કઢાવવા કહીશું."

આ જ પ્રેસ-કૉન્ફરન્સમાં આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટીને માહિતી મળી છે કે ભાજપ સંદીપ દીક્ષિત સહિતના તમામ કૉંગ્રેસી ઉમેદવારો માટે ફંડિંગ કરી રહ્યો છે.

આતિશીએ કહ્યું, "અમને સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે કૉંગ્રેસના ઉમેદવારોનો ચૂંટણીપ્રચારનો ખર્ચ ભાજપ તરફથી આવે છે. તેમાં સૌથી મુખ્ય ઉમેદવારોમાં સંદીપ દીક્ષિત અને જંગપુરાથી ચૂંટણી લડી રહેલા ફરહાદ સૂરી છે."

તેમણે કહ્યું કે, "કૉંગ્રેસ જો ભાજપને જીતાડવા ઇચ્છતી ન હોય, તો તે 24 કલાકની અંદર અજય માકન સામે કાર્યવાહી કરે. કૉંગ્રેસના નેતાઓ દિલ્હીની જનતાને જણાવે કે સંદીપ દીક્ષિત અને ફરહાદ સૂરી પાસે ચૂંટણી લડવાના રૂપિયા ક્યાંથી આવે છે?"

આતિશીએ જણાવ્યું, "કૉંગ્રેસ પાર્ટી આ નેતાઓ સામે ઍક્શન નહીં લે તો પછી આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના બાકીના સભ્યદળો સાથે વાત કરશે કે કૉંગ્રેસ પાર્ટીની સાથે હવે ગઠબંધનમાં રહી શકાય તેમ નથી."

કેજરીવાલ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી, ઇન્ડિયા ગઠબંધન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસે કેજરીવાલ સામે સંદીપ દિક્ષીતને ઉતાર્યા છે

કૉંગ્રેસે નવી દિલ્હી વિધાનસભા પર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સંદીપ દીક્ષિતને ઉતાર્યા છે.

બીજી તરફ કૉંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના સમક્ષ મુખ્ય મંત્રી આતિશી, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ કરી છે.

આ ફરિયાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર આરોપ મૂક્યો છે કે તેઓ ખોટી રીતે મહિલાઓને લગતો ડેટા એકઠો કરે છે.

સંદીપ દીક્ષિતે કહ્યું કે, "આતિશીજી અને અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે અમે દિલ્હીમાં એક મુખ્ય મંત્રી મહિલા સન્માન યોજના ચલાવીએ છીએ. એવું નથી કહ્યું કે યોજના ચલાવવાના છીએ."

તેમણે કહ્યું, "તમે કહ્યું કે 1000 રૂપિયાની સ્કીમ ચાલે છે અને અમે ફોર્મ ભરાવીને 2100 રૂપિયા આપીશું. દિલ્હી સરકારના એક વિભાગે કહ્યું કે આવી કોઈ યોજના છે જ નહીં. તેના માટે જે ડૉક્યુમેન્ટ ભરાવવામાં આવે છે તે છેતરપિંડીનો મામલો બને છે."

સંદીપ દીક્ષિત મુજબ, "આ છેતરપિંડીનો ગુનાહિત મામલો બને છે. આ સરકાર તરફથી છેતરપિંડીનો કેસ છે. આમ આદમી પાર્ટી તમામ મહિલાઓ પાસેથી તેમના ફોન નંબર, સરનામું વગેરે એકત્ર કરે છે.

આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ટક્કરની કેવી અસર પડશે?

ઇન્ડિયા, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, આપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયા ગઠબંધનની એક બેઠકમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી સાથે અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ટકરાવ પછી જે લોકો ભાજપ વિરોધી મોરચામાં હતા, તેઓ નિરાશ થયા છે.

પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે કૉંગ્રેસને તેનાથી ફરક નથી પડતો.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શરદ ગુપ્તાએ બીબીસી હિંદીને જણાવ્યું કે, "કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સપા તથા બસપા, બિહારમાં આરજેડી અને તામિલનાડુમાં દ્રુમકને સમર્થન આપીને સહાયક ભૂમિકા ભજવી ચૂકી છે. પરંતુ આ રાજ્યોમાં તેને ફાયદો નથી થયો. એવું લાગે છે કે કૉંગ્રેસ પોતાની ભૂલોમાંથી શીખવાની કોશિશ કરી રહી છે. તેને લાગે છે કે દિલ્હીમાં તે આમ આદમી પાર્ટીને ટેકો આપશે તો ભાજપ સામે લડવાનું બધું શ્રેય તે લઈ જશે."

શરદ ગુપ્તા કહે છે, "દિલ્હીમાં આમ આદમી પાર્ટીની શરૂઆત ઘણી સારી હતી. પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં પાર્ટી અને તેના નેતાઓ સતત ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરે છે. તેના ઘણાય નેતાઓ જેલમાં જઈ આવ્યા છે. તેથી કૉંગ્રેસને લાગે છે કે દિલ્હીમાં ભાજપ વિરોધી સ્પેસ મેળવવા માટે આ યોગ્ય સમય છે. દિલ્હીમાં લગભગ ધ્વસ્ત થઈ ગયેલી કૉંગ્રેસને ઊભી કરવાની પણ આ સારી તક છે. આ કારણથી જ તે આપ સાથે લડવાની મુદ્રામાં છે."

શું કૉંગ્રેસને વિપક્ષોની એકતાની પરવા નથી?

ઇન્ડિયા, કૉંગ્રેસ, આપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @kharge

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયા ગઠબંધનની બેઠકની ફાઇલ તસવીર

કૉંગ્રેસે આખરે આમ આદમી પાર્ટી વિરુદ્ધ આ વલણ શા માટે અપનાવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે એક ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ એકબીજા પર હુમલા શા માટે કરે છે?

આ સવાલના જવાબમાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક અદિતિ ફડનીસ કહે છે, "દિલ્હીમાં લાંબા સમયથી કૉંગ્રેસનું શાસન રહ્યું છે. તેથી આમ આદમી પાર્ટીને લાગે છે કે તે ગમે ત્યારે પલટવાર કરી શકે છે. તેથી તે પણ કૉંગ્રેસ સામે આક્રમક છે. દિલ્હીમાં બંને પક્ષ એક સ્પેસ માટે લડી રહ્યા છે. તેથી બંને આમનેસામને છે."

શું તેનાથી ઇન્ડિયા ગઠબંધનની એકતાને આંચકો નહીં લાગે? શું તેના કારણે ભાજપ સામે સામૂહિક રીતે લડવાની વિપક્ષોની રણનીતિ નબળી નહીં પડે?

આ વિશે અદિતિ ફડનીસ કહે છે, "ઇન્ડિયા ગઠબંધનનું પહેલેથી એવું વલણ રહ્યું છે કે રાષ્ટ્રીય સ્તરનું જોડાણ એ રાજ્યના સ્તરે પણ જોડાણ બની જાય તે જરૂરી નથી. ઘણાં રાજ્યોમાં આવું થયું છે."

શું તેનાથી વિપક્ષના મતદારો નારાજ નહીં થાય?

અદિતિ ફડણીસ કહે છે, "હવે પહેલાં જેવો માહોલ નથી. મતદારો ઘણા પરિપક્વ થઈ ગયા છે. તેમને ખબર છે કે રાષ્ટ્રીય સ્તરે કઈ રીતે મત આપવાના છે અને વિધાનસભામાં કેવું વોટિંગ કરવાનું છે. તેથી મતદારો પર આ વિવાદની ખાસ અસર નહીં પડે."

આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસના ટકરાવ વિશે ભાજપે શું કહ્યું?

ઇન્ડિયા, આપ, કૉંગ્રેસ,ભાજપ, દિલ્હી વિધાનસભા ચૂંટણી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાજપે હાલમાં જ કેજરીવાલ સામે વિરોધપ્રદર્શનો કર્યાં હતાં

આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે આરોપબાજી ચાલે છે તેના વિશે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, "સમાચારોમાં ચમકવા માટે આમ આદમી પાર્ટી ઘણી વખત વિચિત્ર નિવેદનો કરે છે. તેના જ ભાગરૂપે આ નિવેદન રસપ્રદ અને રહસ્યસ્ફોટ કરનાર નિવેદન છે. તેથી અજાણતા જ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે દિલ્હીની ચૂંટણીમાં તેમણે અત્યારથી હાર સ્વીકારી લીધી છે."

"તેનાથી બીજી એક વાત પણ સાબિત થાય છે કે દિલ્હીની જનતાને બરાબર યાદ હશે કે છ મહિના અગાઉ (કૉંગ્રેસ અને આપ) ઇન્ડિયા ગઠબંધન તરીકે એકસાથે ચૂંટણી લડતા હતા. હવે દેખાય છે કે કથિત મોહબ્બતની દુકાનમાં જેટલાં પાત્રો હતાં, તેઓ પોતાના હૃદયમાં એકબીજા વિરુદ્ધ કેટલી નફરતી અને ઝેર ધરાવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.