શાળાએ જતી કિશોરીઓને બાળક પેદા કરવા માટે નાણાં આપવાની યોજના શું છે, રશિયામાં તેની પર વિવાદ કેમ થયો?

    • લેેખક, યારસોલાવા કિરયુખિન
    • પદ, બીબીસી રશિયન

રશિયામાં સ્કૂલગર્લ્સ સહિતની સગર્ભા વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય આપવાની નવી યોજનાને લીધે વિવાદ સર્જાયો છે.

ટીકાકારો કહે છે કે આ યોજના કિશોરાવસ્થામાં ગર્ભાવસ્થાને પ્રોત્સાહન આપવાનું જોખમ ધરાવે છે અને તેનો હેતુ દેશમાં ઘટતા જન્મદરને વધારવાનો છે.

બીબીસી રશિયનના આંકડા મુજબ, ગત જાન્યુઆરીથી 27 પ્રદેશોએ કેટલાક ખાસ કાર્યક્રમો શરૂ કર્યા છે, જેમાં ફૂલટાઇમ શિક્ષણ લેતી ગર્ભવતી વિદ્યાર્થીનીઓ એક વખત આ યોજના હેઠળ નાણાં મેળવી શકે છે.

મોટાભાગના પ્રદેશોમાં 25 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. દરેક પ્રદેશમાં અલગ-અલગ ચૂકવણી થાય છે, પરંતુ ઘણા વિસ્તારોમાં એક લાખ રૂબલ (1210 ડૉલર) ચૂકવવામાં આવે છે.

"જન્મદર વધારવા માટેના પ્રાદેશિક કાર્યક્રમો" ના ભાગરૂપે સગર્ભા વિદ્યાર્થીનીઓને ચૂકવણીની જોગવાઈનો સમાવેશ ફેબ્રુઆરીમાં શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક આદેશમાં થાય છે.

'વીરતા નહીં, દુર્ઘટના'

ઓર્યોલ, બ્રાયન્સ્ક અને કેમેરોવો નામના ત્રણ પ્રદેશોએ સૌથી વધુ વિવાદાસ્પદ રીતે શાળાઓમાં અભ્યાસ કરતી સગર્ભા છોકરીઓને પણ આ યોજનામાં આવરી લીધી છે.

તેનો અર્થ એ થાય કે આ યોજના 18 વર્ષ કે તેથી નાની વયની છોકરીઓને પણ લાગુ પડે છે. કોઈ લઘુતમ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. રશિયામાં જાતીય સંમતિની વય 16 વર્ષ છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સરકાર પ્રત્યે વફાદાર રશિયન ડુમા અથવા સંસદનાં સભ્ય કેસેનિયા ગોર્યાચેવા આવી નીતિની ટીકા કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું, "કોઈ છોકરી બાળકને જન્મ આપે છે તે વીરતા નહીં, પરંતુ એક દુર્ઘટના છે. વસ્તી વિષયક આંકડાઓ સુધારવા માટે બાળકોના ભોળપણનો ઉપયોગ ન કરવો જોઈએ."

કુટુંબ અધિકારોના માટેના ડુમાના જાણીતા હિમાયતી નીના ઓસ્ટાનીનાએ કહ્યું હતું કે આવી ચૂકવણીને "બાળકને વહેલા જન્મ આપવાનો પ્રચાર" ગણી શકાય અને તે "પરંપરાગત મૂલ્યો"ની વિરુદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર 18 વર્ષથી ઓછી મહિલાઓને બાળજન્મ માટે પ્રોત્સાહિત કરવા પ્રયાસરત નથી.

ઓર્યોલના ગવર્નર આન્દ્રે ક્લીચકોવે જણાવ્યું હતું કે સરકારના આ પગલાંને "મુશ્કેલ જીવન જીવી રહેલા લોકોને આધાર આપવાનું સંઘીય સ્તરે મંજૂર કરાયેલું પગલું માનવું જોઈએ. એ નાટકીય હેડલાઇન્સ માટેની શંકાસ્પદ સમાચાર સામગ્રી નથી."

'રાષ્ટ્ર માટે વિનાશક'

રશિયામાં ગયા વર્ષે, છેલ્લાં 25 વર્ષોમાં સૌથી ઓછાં બાળકોનો જન્મ થયો હતો. માત્ર 12 લાખ બાળકો જન્મ્યાં હતાં.

ક્રૅમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જુલાઈમાં આ જન્મદરને "ભયાનક રીતે ઓછો" અને "રાષ્ટ્રના ભવિષ્ય માટે વિનાશક" ગણાવ્યો હતો.

રશિયાની સ્ટેટેસ્ટિક્સ એજન્સી રોસસ્ટેટની આગાહી અનુસાર, 2046 સુધીમાં દેશની વસ્તી ઘટીને 139 મિલિયન થઈ શકે છે. 2023ની શરૂઆતમાં દેશની વસ્તી 146 મિલિયન હતી.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમના ભાષણોમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વસ્તી વૃદ્ધિના મુદ્દે સતત વાત કરતા રહ્યા છે.

ડિસેમ્બરમાં એક ભાષણમાં તેમણે કહ્યું હતું કે "વસ્તી વિષયક પરિસ્થિતિમાં સુધારો કરવો, જન્મદર અને મોટા પરિવારને ટેકો આપવો એ અમારું પ્રાથમિક રાષ્ટ્રીય લક્ષ્ય છે."

મહિલાઓ વહેલામાં વહેલી તકે બાળકને જન્મ આપીને પરિવાર શરૂ કરે તેવા આગ્રહમાં પણ તાજેતરના મહિનાઓમાં વધારો થયો છે.

રશિયન ઍકેડમી ઑફ સાયન્સના પ્રોફેસર ઇગોર કોગને ફેબ્રુઆરીમાં એક રાષ્ટ્રીય પરિષદમાં વકતવ્ય આપતાં જણાવ્યું હતું કે રશિયન છોકરીઓને પહેલો જાતીય અનુભવ સામાન્ય રીતે 16 વર્ષની વયે થતો હોય છે. તે અનુભવ "ગર્ભાવસ્થા અને સફળ બાળજન્મમાં પરિવર્તિત થવો જોઈએ."

જોકે, બાદમાં તેમણે ચોખવટ કરી હતી કે આ માટેની "સામાન્ય વય" 19થી 22 વર્ષ વચ્ચેની હોવી જોઈએ, એવો તેમના કહેવાનો અર્થ હતો.

માતૃત્વ મૂડી

અત્યાર સુધીમાં બહુ ઓછી મહિલાઓને આ નવી યોજના હેઠળ નાણાંકીય સહાય મળી છે.

બીબીસીએ જાન્યુઆરીથી પેમેન્ટ મળ્યું હોય તેવી 66 ગર્ભવતી વિદ્યાર્થીનીઓના રેકોર્ડ એકત્રિત કર્યા છે. આ છોકરીઓને વિવિધ પ્રદેશોમાં 20,000 રૂબલથી માંડીને 1,50,000 રૂબલ (242 ડૉલરથી 1815 ડૉલર) સુધીની ચૂકવણી કરવામાં આવી છે.

શ્રમ પ્રધાન એન્ટોન કોટ્યાકોવે એપ્રિલમાં જણાવ્યું હતું કે ચૂકવણીની આ યોજના વહેલા બાળજન્મને પ્રોત્સાહિત e

તેમણે કહ્યું હતું, "સરકારી સહાય જરૂરતમંદ તમામ માતાઓ માટે હોવી જોઈએ. વ્યક્તિની વય ભલે ગમે તે હોય, પરંતુ તેમને જીવનની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે એકલા ન છોડવા જોઈએ."

નવી યોજના હાલના "માતૃત્વ મૂડી" સહિતના કાર્યક્રમોમાં ઉમેરો છે. માતૃત્વ મૂડી કાર્યક્રમ હેઠળ 2007માં ચૂકવણી શરૂ કરવામાં આવી હતી. એ ચૂકવણી બીજા બાળક માટે કરવામાં આવતી હતી, પરંતુ બાદમાં તેમાં પ્રથમ જન્મેલાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

પરિવારોને તેમના પહેલા બાળક માટે 6,90,000 રૂબલ (8,349 ડૉલર) અને બીજા બાળક માટે 2,22,000 રૂબલ (2,686 ડૉલર) આપવામાં આવે છે. સ્કૂલગર્લ્સ માટેની નવી ચૂકવણી આ યોજના ઉપરાંતની છે.

વ્યાપક વલણ

ઘટતો જન્મદર અને મોડેથી બાળકને જન્મ આપવાની મહિલાઓની ઇચ્છાનો ટ્રેન્ડ ખાસ કરીને શ્રીમંત દેશોમાં વ્યાપક છે.

જોકે, 1990ના દાયકામાં સોવિયેત સંઘ પછીની આર્થિક તથા રાજકીય ઊથલપાથલ દરમિયાન રશિયામાં બાળજન્મની સંખ્યામાં નાટ્યાત્મક ઘટાડો થયો હતો. 1990માં તે 20 લાખથી ઘટીને 1999માં તે 12 લાખ થઈ ગયો હતો.

વર્ષ 2000 પછી આ સંખ્યામાં ફરી વધારો થયો હતો, પરંતુ 2016થી તેમાં ઘટાડો શરૂ થયો હતો. તેનું આંશિક કારણ એ હતું કે 1990ના દાયકામાં જન્મેલી પેઢી નાની હતી અને પ્રતિ સ્ત્રી જન્મતા બાળકોની સંખ્યા પણ ઘટી હતી.

ઓઈસીડીના 2022ના આંકડા અનુસાર, રશિયાનો પ્રજનન દર પ્રતિ સ્ત્રી 1.4 બાળકોનો છે. ઇટાલીમાં તે પ્રમાણ 1.2થી વધારે છે, પરંતુ ફ્રાન્સમાં તે 1.8થી ઓછું છે. વિશ્વના દેશો તેમનું વસ્તી સંતુલન જાળવી શકે એટલા માટે એ દર, ઇમિગ્રેશનને ધ્યાનમાં લીધા વિના, 2.1ની આસપાસ હોવો જોઈએ.

જોકે, તાજેતરમાં રશિયામાં કેટલાક નિરીક્ષકો યુક્રેન યુદ્ધ તરફ ઇશારો કરે છે. તેમાં આર્થિક અનિશ્ચિતતા તેમજ લશ્કરી સેવામાં જોડાવાનું ટાળવા ઇચ્છતા દેશ છોડી ગયેલા કે યુદ્ધમાં તહેનાત રશિયન પુરુષોની સંખ્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

'વધારા પછી ઘટાડો'

નિષ્ણાતો કહે છે કે વસ્તી વિષયક વલણોને બદલવાના સરકારી પ્રયાસો લાંબા ગાળે ભાગ્યે જ સફળ થાય છે.

રશિયાના સ્વતંત્ર વસ્તી વિષયક નિષ્ણાત એલેક્સી રક્ષાએ કહ્યું હતું, "તાજેતરના દાયકાઓમાં બાળકોના જન્મદરને ઉત્તેજિત કરવાના પ્રયાસો રશિયામાં કે વિદેશમાં ક્યાંય સફળ થયા નથી."

જોકે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે બીજા બાળક માટે માતૃત્વ મૂડી યોજનાની શરૂઆતથી રશિયામાં પ્રજનન દરમાં પ્રારંભે વધારો થયો હતો.

ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના ફૅમિલી ડેમોગ્રાફીના ઍમિરેટ્સ પ્રોફેસર જૉન એર્મિશના કહેવા મુજબ, નાણાકીય પ્રોત્સાહનની અસર સામાન્ય રીતે કામચલાઉ હોય છે. "ટૂંકા ગાળા માટે વધારો થાય છે, પછી ઘટાડો."

20 વર્ષથી ઓછી વયની સ્ત્રીઓમાં જન્મદર વધારવાના પ્રયાસો બાબતે તેઓ વધુ સાશંક છે.

તેમણે કહ્યું હતું, "યુનાઇટેડ કિંગ્ડમ અને અમેરિકામાં ધ્યેય કિશોરાવસ્થાની ગર્ભાવસ્થામાં ઘટાડાનું છે, કારણ કે તેનાથી ઘણીવાર સામાજિક સમસ્યાઓ સર્જાય છે અને કેટલીક સરકારોને આશા હોય છે તેમ મોટા પરિવારોને નહીં, પણ માતાના સ્વાસ્થ્યને નુકસાન થાય છે."

બંને નિષ્ણાતોના કહેવા મુજબ, વ્યાપક નાણાકીય સલામતી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

પ્રોફેસર એર્મિશે કહ્યું હતું, "સ્થિરતાની ખાતરી નહીં હોય તો કોઈ પણ સ્ત્રી ગમે તેટલા પૈસા માટે બાળકને જન્મ આપશે નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.