You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલનું હિઝબુલ્લાહ-હમાસ સાથેનું યુદ્ધ કોણ રોકી શકે તેમ છે?
ઇઝરાયલ પર હમાસના હુમલા અને પછી ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીના એક વર્ષ પછી કહાણી હવે લેબનોન અને હિઝબુલ્લાહ પર હુમલા કરવા સુધી પહોંચી ગઈ છે.
હમાસે ગત સાતમી ઑક્ટોબરે કરેલા હુમલામાં 1,200થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને એ પછી ઇઝરાયલે ગાઝામાં જંગ છેડી હતી, જેમાં અત્યાર સુધીમાં પેલેસ્ટાઇનનાં 42,000થી વધારે લોકો મૃત્યુ પામ્યાં છે.
પેલેસ્ટાઇનના સમર્થનમાં લેબનોનથી હિઝબુલ્લાહ અને યમનનું બળવાખોર હૂતી સંગઠન પણ ઇઝરાયલ પર હુમલા કરતું રહ્યું છે. ઇઝરાયલના વળતા હુમલામાં હમાસ તથા હિઝબુલ્લાહના અનેક મોટા નેતાઓનાં મોત થયાં છે.
હમાસના ટોચના નેતા ઇસ્માઈલ હનિયા તહેરાનમાં એક હુમલામાં માર્યા ગયા હતા, જ્યારે એ પછી સંગઠનના વડા બનેલા યાહ્યા સિનવારનું ગાઝા પટ્ટીમાં મોત થયું હતું.
ઇઝરાયલ ગાઝા પૂરતું જ મર્યાદિત રહ્યું નથી. તેણે લેબનોનની રાજધાની બૈરુતમાં પણ હિઝબુલ્લાહના ગઢ પર બૉમ્બવર્ષા કરી હતી અને તેના પ્રમુખ હસન નસરલ્લાહ પણ હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.
બીજી તરફ હમાસ, હિઝબુલ્લાહ અને હૂતીનું સમર્થન કરતા ઈરાનને પણ ઇઝરાયલે છોડ્યું નથી. તેના પર પણ મિસાઈલ હુમલા કર્યા છે.
ગત એક વર્ષ દરમિયાન ઇઝરાયલ-ગાઝા સંઘર્ષમાં કાયમી યુદ્ધવિરામના કોઈ સંકેત મળ્યા નથી ત્યારે સવાલ એ છે કે મધ્ય-પૂર્વમાં દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષને અટકાવવા માટે નવેસરથી શાંતિ-પ્રયાસો શક્ય છે?
આજે આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે ઇઝરાયલની હમાસ-હિઝબુલ્લાહ સાથેની જંગને કોણ રોકી શકે તેમ છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાંતિનો માર્ગ
યુરોપિયન કાઉન્સિલ ઑન ફોરેન રિલેશન્શના વરિષ્ઠ સંશોધક હ્યુ લોવેટના કહેવા મુજબ, મધ્યપૂર્વનો આધુનિક ઇતિહાસ વાસ્તવમાં શાંતિના નિષ્ફળ પ્રયાસોનો ઇતિહાસ બની ગયો છે.
તેમણે કહ્યું હતું, “શાંતિ સ્થાપનાનો સૌથી વિખ્યાત પ્રયાસ ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે 1993માં ઑસ્લો શાંતિ સમજૂતી સાથે શરૂ થયો હતો. એ પછીના દાયકાઓમાં ઇઝરાયલ તથા પેલેસ્ટાઇન વચ્ચે મંત્રણા ચાલતી રહી છે, પરંતુ એ મંત્રણા આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપવામાં, ઇઝરાયલના કબજાનો અંત લાવવામાં અને બે અલગ રાષ્ટ્રનું નિર્માણ કરીને સમસ્યાનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહી છે.”
તે ઐતિહાસિક સમજૂતી પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિંટન, ઇઝરાયલના વડાપ્રધાન યિત્ઝાક રબીન અને પેલેસ્ટાઇનના તત્કાલીન નેતા તથા પીએલઓના પ્રમુખ યાસર અરાફતે હસ્તાક્ષર કર્યા હતા.
એ કરાર હેઠળ ગાઝા પટ્ટી અને વેસ્ટ બૅન્ક વિસ્તારમાં વહીવટના હેતુસર પાંચ વર્ષ માટે પેલેસ્ટાઇન પ્રશાસનની રચના કરવામાં આવી હતી અને તેના શાસન દરમિયાન સ્થાયી શાંતિ કરાર કરવાનો હતો.
એ કરારની મંત્રણા નિષ્ફળ રહી અને ઇઝરાયલ અને હમાસ તેમજ ઇઝરાયલ અને લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ જૂથ વચ્ચે લડાઈ ચાલુ રહી.
એ પછીનો શાંતિ પ્રયાસ 2020માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અબ્રાહમ એકોર્ડ હેઠળ થયો હતો, જેનો હેતુ ઇઝરાયલના બહેરીન, સંયુક્ત આરબ અમિરાત અને અન્ય આરબ દેશો સાથેના સંબંધને સામાન્ય બનાવવાનો હતો.
આ પ્રયાસથી મધ્ય-પૂર્વમાં તંગદિલી ઘટશે એવી આશા હતી, પરંતુ ઇઝરાયલ તથા પેલેસ્ટાઇન વચ્ચેની શાંતિ મંત્રણા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને 2023ની સાતમી ઑક્ટોબરે ફરીથી લડાઈ શરૂ થઈ હતી.
હ્યુ લોવેટના કહેવા મુજબ, છેલ્લા છ મહિનામાં અમેરિકાના નેતૃત્વમાં કતાર સાથે મળીને ગાઝા સંઘર્ષ રોકવા અને હમાસે બંદી બનાવેલા ઇઝરાયલી બંધકોની મુક્તિ માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ તે કમનસીબે સફળ થયા નથી.
એ પ્રયાસો અંતર્ગત જ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિન્કને મધ્ય-પૂર્વની અનેક વખત મુલાકાત લીધી હતી, જેને શટલ ડિપ્લોમસી કહેવામાં આવે છે.
હ્યુ લોવેટના કહેવા મુજબ, અમેરિકાના વિદેશ પ્રધાને જેરુસલેમ તથા અનેક આરબ દેશોની મુલાકાત લીધી હતી, કારણ કે ઇઝરાયલ અને હમાસના નેતાઓ એક ઓરડામાં આવીને વાતચીત કરવા તૈયાર ન હતા.
અલબત, અમેરિકાના ઇઝરાયલ સાથેના ખાસ સંબંધને લીધે અમેરિકાને નિષ્પક્ષ મધ્યસ્થ ગણવાનું મુશ્કેલ છે.
હ્યુ લોવેટે જણાવ્યું હતું કે શાંતિ પ્રયાસોમાં અમેરિકાના પ્રયાસોની ટીકા થવાનું કારણ એ છે કે તે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં ઇઝરાયલનો બચાવ કરે છે, યુદ્ધમાં તેને હથિયારો સપ્લાય કરે છે અને આમ અમેરિકા પ્રસ્તુત લડાઈમાં આડકતરી રીતે સામેલ છે.
અમેરિકા, કતાર અને ઇજિપ્તના પ્રયાસો છતાં કૂટનીતિ નિષ્ફળ સાબિત થઈ છે, એમ જણાવતાં હ્યુ લોવેટે કહ્યું હતું, “આપણે આ સ્થિતિમાં પહોંચ્યા, કારણ કે અમેરિકા, યુરોપિયન દેશો અને આરબ દેશો ઇઝરાયલ તથા હમાસને યુદ્ધવિરામ માટે રાજી કરવામાં અસફળ રહ્યાં છે અને એ જ કૂટનીતિ ફરી અપનાવવામાં આવી રહી છે.”
કોણ, શું ઇચ્છે છે?
મધ્ય-પૂર્વમાં યુદ્ધવિરામ અને કાયમી શાંતિ માટે યુદ્ધરત દેશોને રાજી કરતા પહેલાં એ સમજવું જરૂરી છે કે તેઓ શું ઇચ્છે છે?
ઇઝરાયલનું કહેવું છે કે તે આ પ્રદેશમાંથી હમાસ તથા હિઝબુલ્લાહ બન્નેને ખતમ કરવા ઇચ્છે છે, પરંતુ આ બન્ને જૂથોને ઈરાનની મદદ મળે છે.
સંયુક્ત આરબ અમીરાતમાં ટ્રેન્ડ્સ રિસર્ચ ઍન્ડ ઍડવાઇઝરી નામની એક થિંકટૅન્કમાં અમેરિકા તથા મધ્ય-પૂર્વના સંબંધ વિશેના વિભાગના વડા બિલાલ સાબને અમે ઈરાનની ભૂમિકા બાબતે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું, “ઈરાને આ કથિત ઍક્સિસ ઑફ રૅઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધની ધરી બનાવી છે, જેની મારફત તે આ પ્રદેશમાં ઇઝરાયલને ઘેરવા ઈચ્છે છે.”
તેમણે કહ્યું હતું, “તેમાં યમન, સીરિયા અને લેબનોન પણ સામેલ છે. ઈરાન તેની મારફત ઇઝરાયલને નિર્બળ કરવા ઈચ્છે છે, કારણ કે સીધી લડાઈમાં ઈરાનની પરંપરાગત યુદ્ધ ક્ષમતા ઇઝરાયલ કરતાં ઘણી ઓછી છે.”
બિલાલ સાબે કહ્યું હતું, “હાલ તો ઈરાનની આ નીતિ નિષ્ફળ સાબિત થઈ રહી છે, કારણ કે સૈન્ય દૃષ્ટિએ હમાસ અને હિઝબુલ્લાહ તૂટી ગયાં છે. તેમ છતાં ઈરાન તથા તેના સહયોગીઓ કે ઇઝરાયલ પોતાના વ્યૂહાત્મક લક્ષ્યને હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે.”
આ તો ઇઝરાયલ અને ઈરાનની વાત થઈ, પરંતુ દુનિયાભરમાં આતંકવાદી સંગઠનો જાહેર કરવામાં આવેલાં હમાસ અને હિઝબુલ્લાહ પોતાનાં માટે શું ઇચ્છે છે?
બિલાલ સાબના કહેવા મુજબ, હમાસના ઘોષણાપત્ર અનુસાર તે ઇઝરાયલનું અસ્તિત્વ ખતમ કરવા માગે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે મંત્રણા કે સમજૂતી માટે તૈયાર નહીં થાય.
તેનું સૌથી મોટું લક્ષ્ય પેલેસ્ટાઈન રાષ્ટ્રની સ્થાપનાનું છે. એવી જ રીતે હિઝબુલ્લાહ પણ વ્યવહારુ છે અને સમજૂતી માટે તૈયાર છે, પરંતુ તે ઇઝરાયલને નિર્બળ બનાવવા ઈચ્છે છે.
સ્વતંત્ર પેલેસ્ટાઈન રાષ્ટ્ર માટે જમીનની જરૂર છે ત્યારે ઇઝરાયલને જમીન સોંપવા માટે કેવી રીતે રાજી કરી શકાય?
બિલાલ સાબના કહેવા મુજબ, ઇઝરાયલી નેતૃત્વની રાજકીય વિચારધારામાં મોટા પરિવર્તનની જરૂર છે અને વર્તમાન સરકાર પાસેથી તેની બહુ ઓછી આશા છે.
ઇઝરાયલ દાયકાઓથી લડતું રહ્યું છે, પરંતુ એ તેના દુશ્મનોને વ્યૂહાત્મક રીતે નષ્ટ કરી શક્યું નથી. તેના દુશ્મનો સતત ફરી સંગઠીત થતા રહ્યા છે. ઇઝરાયલે શાંતિ પ્રયાસોમાં રોકાણ કરવું જોઈએ.
બિલાલ સાબનું કહેવું છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી પરિષદમાં પસાર કરવામાં આવેલા 1701 પ્રસ્તાવ હેઠળ ઇઝરાયલ અને લેબનોન વચ્ચેનું અગાઉનું યુદ્ધ 2006માં સમાપ્ત થયું હતું. એ પ્રસ્તાવ હેઠળ નક્કી થયું હતું કે હિઝબુલ્લાહ દક્ષિણ લેબનોનમાં જ રહેશે અને ઇઝરાયલ પણ સીમા લાંઘશે નહીં.
કહેવાય છે કે મોત પહેલાં હિઝબુલ્લાહના નેતા નસરલ્લાહ એ પ્રસ્તાવ હેઠળ ફરી સમજૂતી બાબતે વિચારી રહ્યા હતા.
બિલાલ સાબે કહ્યું હતું, “લેબનોન સરકારે તાજેતરમાં જ દાવો કર્યો હતો કે મોત પહેલાં હસન નસરલ્લાહ 1701 પ્રસ્તાવની કેટલીક શરતો હેઠળ યુદ્ધવિરામ બાબતે વિચારી રહ્યા હતા. હિઝબુલ્લાહનું વર્તમાન નેતૃત્વ શું નિર્ણય કરશે તે હું જાણતો નથી, પરંતુ લેબનોનનો આ દાવો સાચો હોય તો હિઝબુલ્લાહ સમજૂતી બાબતે વિચારી શકે છે.”
અર્થતંત્રની ખરાબ હાલત
મધ્ય-પૂર્વમાં શાંતિ સ્થાપવાના આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસો પણ સફળ થયા નથી.
તેનું એક કારણ એ પણ છે કે દુનિયા સતત બદલાતી રહી છે અને આ સંઘર્ષમાં નિષ્પક્ષ ભૂમિકા ભજવી શકે તેવા બહુ ઓછા દેશ બચ્યા છે.
એ દેશો ક્યા છે તે જાણવા માટે અમે ક્રિસ્ટોફર ફિલિપ્સ સાથે વાત કરી હતી. તેઓ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર છે.
તેમણે કહ્યું હતું, “શીતયુદ્ધની સમાપ્તિ પછીના સમયગાળામાં અમેરિકા એકમાત્ર મહાશક્તિ તરીકે ઊભર્યું હતું અને તેણે વિશ્વ વ્યવસ્થા પર પોતાનો પ્રભાવ પાથરવાનું શરૂ કર્યું હતું. અમેરિકાએ તેનો ઉપયોગ મધ્ય-પૂર્વમાં સંબંધને પ્રભાવિત કરવા માટે પણ કર્યો હતો.”
તેમણે ઉમેર્યું હતું, “એચ. ડબલ્યુ. બુશ તથા બિલ ક્લિંટન દુનિયામાં મૂડીવાદી લોકતંત્રને પ્રોત્સાહિત કરવા ઇચ્છતા હતા અને મધ્ય-પૂર્વનો સંઘર્ષ તેમાં અડચણ બનતો હતો. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને તે વિચારધારામાં વધારે ભરોસો નથી, પરંતુ તેઓ તેને વ્યૂહાત્મક રીતે મહત્ત્વનો મુદ્દો માને છે. તેમનું ધ્યાન રશિયા-યુક્રેન યુદ્ધ અને ચીનના પ્રભાવ પર નિયંત્રણ રાખવા ઉપર વધારે છે.”
ક્રિસ્ટોફર ફિલિપ્સે જણાવ્યું હતું કે દુનિયાનું ધ્યાન બીજા સંઘર્ષોમાં ખેંચાયું અને 2008ના આર્થિક સંકટ પછી મધ્યપૂર્વ પર અમેરિકાનો પ્રભાવ ઘટ્યો છે ત્યારે આમાં હવે સંયુક્ત રાષ્ટ્રસંઘની શું ભૂમિકા છે?
ક્રિસ્ટોફર ફિલિપ્સ માને છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ ખુદ પ્રભાવશાળી શક્તિ નથી, પરંતુ તે સંયુક્ત રાષ્ટ્રસંઘ સલામતી પરિષદના પાંચ સ્થાયી સભ્યોની નીતિ તથા નિર્ણયો પર નિર્ભર છે.
અમેરિકાને ઇઝરાયલ સાથે ઘનિષ્ઠ સંબંધ છે, જ્યારે રશિયા અને ચીન ઈરાનની નજીક છે.
તેથી સંયુક્ત રાષ્ટ્રસંઘ મધ્યપૂર્વમાં એક સ્વતંત્ર શક્તિ તરીકે કામ કરી શકતો નથી. તે સલામતી પરિષદમાં સહમતી થઈ હોય તેવી જ નીતિઓનો અમલ કરે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘનો પ્રભાવ મર્યાદિત છે અને સલામતી પરિષદના સ્થાયી સભ્યોના પોતાનાં હિતો મધ્યપૂર્વના સંઘર્ષ સાથે જોડાયેલાં છે, પરંતુ તેમાં યુરોપિયન સંઘની ભૂમિકા શું હોઈ શકે?
ક્રિસ્ટોફર ફિલિપ્સ માને છે કે મધ્ય-પૂર્વના અનેક દેશો સાથે યુરોપિયન યુનિયનને વ્યાપારી સંબંધ છે, પરંતુ ત્યાંની સમસ્યાના સમાધાન માટે યુરોપિયન યુનિયન એક થઈને કોઈ નક્કર પગલાં લઈ શક્યું નથી, કારણ કે તેના સભ્ય દેશોમાં આ મુદ્દે વ્યાપક મતભેદ છે.
ક્રિસ્ટોફર ફિલિપ્સના કહેવા મુજબ, કૂટનીતિની જૂની પદ્ધતિઓ તૂટી ગઈ છે, એવું કહેવું પણ સાચું નથી. એટલું જરૂર છે કે હવે કૂટનીતિમાં નવી શક્તિઓ સામેલ થઈ ગઈ છે. તેનાથી નવા પડકારો સર્જાયા છે.
ક્રિસ્ટોફર ફિલિપ્સે જણાવ્યું હતું કે મધ્યપૂર્વમાં અગાઉ અમેરિકા જે ભૂમિકા ભજવતું હતું, તે ભૂમિકા હવે કોણ ભજવે તે એક મોટો સવાલ પણ છે અને પડકાર પણ છે.
આ ક્ષેત્રમાં રશિયા તથા ચીનનો પ્રભાવ તો છે, પરંતુ તેમને આવી ભૂમિકા ભજવવામાં ખાસ રસ નથી.
આપણે એક બહુધ્રુવીય દુનિયામાં રહીએ છીએ, જ્યાં માત્ર અમેરિકાના નેતૃત્વ હેઠળના પશ્ચિમી દેશોનો જ દબદબો નથી. હવે નવી શક્તિઓ પણ મેદાનમાં છે, જે ઘણી વખત પશ્ચિમી કૂટનીતિજ્ઞોની વાત સાંભળતી નથી.
તેથી પશ્ચિમી કૂટનીતિજ્ઞોએ આ નવી વાસ્તવિકતાને સ્વીકારવી પડશે.
નવી વિશ્વ વ્યવસ્થા
એક રીતે જોઈએ તો મધ્ય-પૂર્વની સમસ્યાનું સમાધાન શોધવાના માર્ગમાં દુનિયા ફરી એ જ માર્ગે આવી ગઈ છે, જ્યાંથી તેણે શરૂઆત કરી હતી. શાંતિ માટે સૌથી પહેલાં સંઘર્ષમાં સામેલ તમામ પક્ષોને મંત્રણાના મંચ પર લાવવા જરૂરી હોય છે.
આ કામ કોણ કરી શકે એ જાણવા માટે અમે ડૉ. બુર્ચુ ઑઝેલિક સાથે વાત કરી હતી. તેઓ લંડનસ્થિત ધ રૉયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટ નામની થિંકટૅન્કમાં મધ્ય-પૂર્વના સુરક્ષા મામલાઓના વરિષ્ઠ સંશોધક છે.
તેમણે કહ્યું હતું, “મધ્ય-પૂર્વની સમસ્યાના કૂટનીતિક સમાધાન માટે અખાતી દેશો સક્રિયતાથી કામ કરી રહ્યા છે. કતાર પોતાની વગ વધારવા માટે વધારે ખુલીને કામ કરી રહ્યું છે, જ્યારે કે ઓમાન પણ આ દિશામાં સક્રિયતાથી કામ કરી રહ્યું છે.”
ઑઝેલિકે કહ્યું હતું, “શાંતિ પ્રયાસોમાં મધ્યસ્થતા માટે તુર્કી પણ પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રયાસોમાં મોરોક્કો પણ સામેલ છે, પરંતુ આ પૈકીનો એકેય દેશ ક્ષેત્રીય મહાશક્તિ નથી.”
આ બધા દેશોનું પ્રદેશ તથા વિશ્વની કૂટનીતિમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે, પરંતુ એક અન્ય દેશ છે, જે પ્રભાવશાળી ભૂમિકા ભજવી શકે તેમ છે.
ડૉ. બુર્ચુ ઑઝેલિકના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં કોઈ પણ શાંતિ કરાર અને ગાઝામાં સ્થાપિત થનારા વહીવટીતંત્રના ઢાંચા સંબંધી સમજૂતીમાં સાઉદી અરેબિયાનું ખાસ મહત્ત્વ હશે.
ડૉ. ઑઝેલિક માને છે કે સાઉદી અરેબિયા પોતાનો પ્રભાવનો ઉપયોગ ઈરાન સાથેના સંબંધમાં બહુ સાવધાનીપૂર્વક કરી રહ્યું છે.
બીજી તરફ સાઉદી અરેબિયાને અમેરિકા સાથે ઐતિહાસિક રીતે ગાઢ સંબંધ છે. ઇઝરાયલ અને આરબ દેશો વચ્ચેના સંબંધ સામાન્ય બનાવવા માટે 2020માં કરવામાં આવેલા અબ્રાહમ એકોર્ડમાં પણ સાઉદી અરેબિયાએ મોટી ભૂમિકા ભજવી હતી.
આ વાતનો હવાલો આપીને ડૉ. ઑઝેલિકે જણાવ્યું હતું કે મધ્ય-પૂર્વના વિવાદમાં સામેલ પક્ષોને સાઉદી અરેબિયા મંત્રણાના મંચ પર લાવી શકે છે.
ઑઝેલિકના કહેવા મુજબ, ઇઝરાયલ સાથેના સંબંધ નોર્મલ બનાવવાનો આગ્રહ સાઉદી અરેબિયા કાયમ કરતું રહ્યું છે. અમેરિકા અને પશ્ચિમી દેશો પણ આવું જ ઇચ્છે છે.
જોકે, પેલેસ્ટાઇન રાષ્ટ્રની રચનાને એક શરત બનાવીને તેણે ખુદને પેલેસ્ટેનિયનોના મોટા હિમાયતી તરીકે પણ પ્રસ્તુત કર્યું છે. તેનાથી સાઉદી અરેબિયાને ઘરેલુ રાજનીતિ અને વૈશ્વિક કૂટનીતિમાં પણ ફાયદો થશે.
સવાલ એ છે કે પ્રાદેશિક શક્તિઓના પોતાના હિત આ સમસ્યાનું નિરાકરણ શોધવામાં નડતરરૂપ નહીં બને?
આ સવાલના જવાબમાં ઑઝેલિકે કહ્યું હતું, “વાસ્તવમાં આ દેશો પોતપોતાનાં હિતોને કારણે જ પ્રદેશની સમસ્યાનું નિરાકરણ શોધવા માટે પ્રેરિત થશે.”
તેમણે કહ્યું હતું, “જે નિરાકરણ થશે તેની સાથે જ તેમણે જીવવાનું છે તે સ્પષ્ટ છે, કારણ કે મામલો તેમના પાડોશનો છે. પશ્ચિમ દેશો આ ક્ષેત્રથી દૂર છે. તેથી તેમની વાત અલગ છે.”
ઑઝેલિકે ઉમેર્યું હતું, “ક્ષેત્રિય શક્તિઓ માટે આ સમાધાનનું સ્વરૂપ બહુ મહત્ત્વનું છે, પરંતુ જે સમાધાન થશે તે ગાઝાના કેન્દ્રમાં રાખીને જ થઈ શકશે. આ તો એક ટેસ્ટ કેસ હશે, જેના વડે માત્ર પેલેસ્ટાઇનવાસીઓ માટે જ નહીં, પરંતુ ઇઝરાયલ તથા સમગ્ર ક્ષેત્રમાં કાયમી શાંતિ તથા સુરક્ષાની સ્થાપના કરી શકાશે.”
હવે મુખ્ય સવાલ ભણી પાછા ફરીએઃ શું મધ્યપૂર્વમાં કોઈ શાંતિ સ્થાપિત કરી શકશે?
ગાઝા, લેબનોન અને ઇઝરાયલના લોકો હુમલાઓના પડછાયામાં દિવસો પસાર કરી રહ્યા છે. લડાઈમાં મરતા લોકોની સંખ્યા રોજ વધી રહી છે.
મધ્ય-પૂર્વમાં પરિસ્થિતિ આટલી વિકટ અગાઉ ક્યારેય ન હતી. સમજૂતી મંત્રણામાં અમેરિકા નિશ્ચિત રીતે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે, પરંતુ તે આ ક્ષેત્રમાં અગાઉ જેવી કૂટનીતિક શક્તિ રહ્યું નથી.
આ સમસ્યાના નિરાકરણમાં બીજા દેશો મોટી ભૂમિકા ભજવી શકે છે. તેમાં કતાર, ઓમાન અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે.
દુનિયાની વ્યવસ્થા બદલાઈ ચૂકી છે. હવે મધ્યપૂર્વના દેશો સમાધાન માટે પશ્ચિમ તરફ જોવાને બદલે પોતે પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન