લાઇટ, કૅમેરા, ઍક્શન : ભારતીય સ્ટાર્ટઅપ ગામડાં પર કેમ પસંદગી ઉતારી રહ્યાં છે?

    • લેેખક, નિખિલ ઈનામદાર
    • પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા, મુંબઈ

ભારતના પાટનગરને અડીને આવેલા હરિયાણાનાં નાના ગામો આજકાલ ચર્ચામાં છે. દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં સ્થિત આ ગ્રામીણ વિસ્તારો માટે આ લાઇમલાઇટ અનપેક્ષિત છે.

હરિયાણાના ઔદ્યોગિક શહેર રોહતકની વસાહતોમાં ખેડૂતોનાં ઘર અને આસપાસની જમીનોની માગ અચાનક વધી ગઈ છે. ઘર અને જમીન અચાનક ફિલ્મના સેટમાં પરિવર્તિત થઈ ગયાં છે.

જ્યાં એક સમયે ગાયોના ઘોંઘાટનો અવાજ આવતો હતો ત્યાં હવે તમને ફિલ્મ નિર્દેશકને લાઇટ, કૅમેરા અને ઍક્શન બોલતા સાંભળાય છે. આ હવે સામાન્ય બની ગયું છે.

એક નવા સ્ટાર્ટઅપ સ્ટેજ (એસટીએજીઈ)એ આ વિસ્તારમાં ઊભરી રહેલા ફિલ્મ ઉદ્યોગને જન્મ આપ્યો છે.

સ્ટેજ કંપનીના સ્થાપક વિનય સિંઘલે કહે છે કે, "સત્તા અને ન્યાય પર આધારિત ડ્રામા ફિલ્મ બટ્ટા આ વિસ્તારમાં બનેલી અડધો ડઝન ફિલ્મોમાં સૌથી નવી છે."

“અમે આવ્યા એ પહેલાં ભારતમાં આશરે એક ડઝને જેટલી હરિયાણવી ફિલ્મો બની હતી. સાલ 2019 પછી અમે 200 કરતાં વધુ ફિલ્મો બનાવી છે.

સ્ટેજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોની પસંદ-નાપસંદ, ગ્રામીણ સંસ્કૃતિ, જીવનશૈલી અને તેમની બોલવાની શૈલી વગેરેને ધ્યાનમાં રાખીને કન્ટેન્ટ બનાવે છે.

ભારતમાં અલગઅલગ ભાષાઓ

ભારતમાં 19 હજાર 500 પ્રકારની બોલી છે. સ્ટેજે 18 ભાષા અને બોલી પસંદ કરી છે. આ એવી ભાષાઓ છે જે પ્રચલિત છે અને ફિલ્મઉદ્યોગ માટે યોગ્ય છે.

હાલમાં આ કંપની હરિયાણવી અને રાજસ્થાની ભાષામાં કન્ટેન્ટ બનાવે છે. કંપનીના અંદાજે 30 લાખ સબ્સ્ક્રાઇબર્સ છે જેઓ પૈસા ચૂકવીને કન્ટેન્ટ જુએ છે.

આ જ કારણ છે કે હવે કંપનીએ મૈથિલી અને કોંકણી જેવા ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ-તટીય વિસ્તારોમાં બોલાતી ભાષાઓમાં કન્ટેન્ટ તૈયાર કરવાની યોજના બનાવી છે.

એક વર્ષ પહેલાં ટેલિવિઝન પર પ્રસારિત થયેલા બિઝનેસ રિયાલિટી શો 'શાર્ક ટેન્ક'ના ભારતીય સંસ્કરણમાં કંપનીના સ્થાપક વિનય સિંઘલ અને સહ-સ્થાપકે ભાગ લીધો હતો.

તે વખતે તેમણે જણાવ્યું હતું કે, આ ક્ષેત્રમાં આગળ વધવા માટે જે જરૂરી ભંડોળ જોઈએ છે તે માટે એક અમેરિકન કંપની સાથે અમારી વાતચીત અંતિમ તબક્કામાં છે."

ભારતનાં ગામડાં પર મોટો દાવ

ઘણા ભારતીય સ્ટાર્ટઅપ્સમાંથી ગ્રામીણ બજારમાં મોટો દાવ લગાવી રહ્યાં છે, જેમાં સ્ટેજ પણ સામેલ છે. ઍગ્રોસ્ટાર અને દીહાટ જેવાં સ્ટાર્ટઅપ્સ પણ આ રેસમાં સામેલ છે.

ભારતની વસતી 140 કરોડ છે. આજે પણ વસતીનો મોટો ભાગ છ લાખ 50 હજાર ગામડાંમાં રહે છે. પરંતુ અત્યાર સુધી તેઓ ભાગ્યે જ કોઈ સ્ટાર્ટઅપ માટે એક બજાર બની શક્યાં છે.

ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશ હવે દુનિયાને નવો રસ્તો બતાવી રહ્યો છે. ભારતમાં ડઝનેક યુનિકોનર અથવા એક અબજ ડૉલરથી વધુની કિંમતની ટેક્નૉલૉજી કંપનીઓનો જન્મ થયો છે.

પરંતુ આ બધું ટોચના દસ ટકા શહેરી ભારતીયો માટે કરવામાં આવ્યો છે.

આનંદ ડેનિયલ, જેઓ ઍક્સેલ વેન્ચર્સના પાર્ટનર છે, તેઓ આ વાત સાથે સહમત છે. આનંદ ફ્લિપકાર્ટ, સ્વિગી અને અર્બન કંપનીમાં પણ રોકાણ કરી ચૂક્યા છે.

જોકે, ઑનલાઇન બજાર મીશો અથવા કેટલીક ઍગ્રી-ટેક સ્ટાર્ટઅપ તેમાં અપવાદ છે. પરંતુ જો એક રીતે જોઈએ તો સ્ટાર્ટઅપ્સની દુનિયાએ ગામડાંની મોટા ભાગે અવગણના જ કરી છે.

પરંતુ, હવે જમાનો બદલાઈ રહ્યો છે. ઘણા સ્થાપકોને તેમના વિચારો માટે પૈસા મળી રહ્યા છે અને તેઓ આ ફંડથી ગ્રામીણ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે.

સિંઘલ કહે છે, પાંચ વર્ષ પહેલાં મને એક પણ પાઈ મળી નહોતી. મેં જાતે જ શરૂઆત કરી હતી. પરંતુ હવે કોઈ પણ રોકાણકાર મને ના પાડી શકશે નહીં.

ઍક્સેલ હવે ગ્રામીણ બજારમાં રસ ધરાવતા ઉદ્યોગસાહસિકોને રોકાણ માટેની તક પૂરી પાડે છે. તાજેતરમાં કંપનીએ જાહેરાત કરી છે કે તે ગ્રામીણ સ્ટાર્ટઅપ્સમાં એક મિલિયન ડૉલર સુધીનું રોકાણ કરશે.

યુનિકૉર્ન ઇન્ડિયા વેન્ચર્સ અને અન્ય વીસી ફંડનું કહેવું છે કે તેમના રોકાણનો 50 ટકા ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં સ્થિત સ્ટાર્ટઅપ્સમાં કરવામાં આવ્યો છે.

જુલાઈ 2024માં, જાપાની ઓટો કંપની સુઝૂકીએ ભારતના ગ્રામીણ બજાર માટે સ્ટાર્ટઅપ બનાવવા માટે 40 મિલિયન ડૉલરના ફંડની જાહેરાત કરી હતી.

આ પરિવર્તન પાછળનાં કારણો શું છે?

ડેનિયલ કહે છે કે માર્કેટમાં એવી ઘણી તકો છે જ્યાં હજુ સુધી કોઈ પહોંચ્યું નથી. રોકાણકારો અને સ્થાપકો પણ હવે સમજી ગયા છે કે ગ્રામીણનો અર્થ ગરીબ નથી.

ઍક્સેલ્સના ડેટા અનુસાર, ભારતની બે તૃતીયાંશ વસતી ગ્રામીણ અથવા દૂરના વિસ્તારોમાં રહે છે. અને આ વસ્તી દર વર્ષે પાંચ ટ્રિલિયન ડૉલરનો ખર્ચ કરે છે.

અને વાસ્તવિકતા એ છે કે આ વસતીના ટોચના 20 ટકા લોકો શહેરમાં રહેતા લોકોની સરખામણીમાં વધુ પૈસા ખર્ચે છે.

ડેનિયલ કહે છે, "જો આવનારા દાયકામાં ભારતની જીડીપી ચાર ટ્રિલિયન ડૉલર થઈ જાય તો તેના ઓછામાં ઓછી 5 ટકા ડિજિટલી પ્રભાવિત હશે અને તેનો એક ભાગ ગ્રામીણ ભારતમાંથી આવશે."

તેનું પાછળનું કારણ ગ્રામીણ પરિવારોમાં ઝડપથી વધી રહેલા સ્માર્ટફોનનો વપરાશ છે. શહેરો ઉપરાંત આશરે 45 કરોડ ભારતીયો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જે અમેરિકાની વસતી કરતાં પણ વધારે છે.

યુપીઆઈ દ્વારા એક-બટનથી ચુકવણી કરવી એ મોટાં શહેરોની બહાર કામ કરવા માગતી કંપનીઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે.

ડેનિયલ કહે છે, "પાંચ-સાત વર્ષ પહેલાં આ લક્ષ્ય જૂથ સુધી પહોંચવું સરળ નહોતું. પછી ભલે તે ડિઝિટલ પ્રકારે હોય કે પેમેન્ટની વાત હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારે. પરંતુ હવે ઘણો સારો સમય છે. ખાસ કરીને એ સ્ટાર્ટઅપ્સ માટે જેઓ આ બજાર તરફ આવવા માગે છે."

નાનાં શહેરોની બહાર આવતાં ઉદ્યોગસાહસિકો

પ્રાઇમસ વેન્ચર્સના અહેવાલ અનુસાર એક દાયકા પહેલા મોટા ભાગના નવા પ્રયોગો મુંબઈ અને બૅંગલુરુ જેવાં શહેરોમાં થતા હતા. પરંતુ હવે નાનાં શહેરોમાંથી સંખ્યાબંધ નવા ઉદ્યોગ સાહસિકો ઊભરી રહ્યા છે.

તેની પાછળનાં મુખ્ય કારણોમાં સંચાલનનો ઓછો ખર્ચ, સ્થાનિક પ્રતિભાઓની સરળ ઉપલબ્ધતા અને નોન-મેટ્રો શહેરોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો છે.

સંસ્થાપકો જમીન સાથે જોડાયેલા હોવાના કારણે તેઓ નૉન-મેટ્રો બજારોની ક્ષમતાને વધુ સારી રીતે બહાર લાવી શકે છે.

પરંતુ, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ કરવો જેટલું સરળ દેખાય છે વાસ્તવમાં એટલું સરળ નથી, કારણ કે નાના શહેરનો ગ્રાહક ભાવ પ્રત્યે સભાન અને ભૌગોલિક રીતે વિખરાયેલો છે. અને આવા ગ્રાહકોની સંખ્યા પણ શહેરોની સરખામણીમાં ઓછી છે.

ફ્રન્ટિયર માર્કેટના ચીફ રેવન્યુ ઑફિસર ગૌતમ મલિક કહે છે, "ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પછાત છે અને એટલા માટે વિસ્તાર કરવો સરળ નથી. કામ કરવા માટે વધુ ખર્ચ કરવો પડે છે."

ફ્રન્ટિયર માર્કેટ્સ એ ગ્રામીણ ઈ-કૉમર્સ સ્ટાર્ટઅપ છે જે પાંચ હજારથી ઓછી વસતી ધરાવતાં ગામડાંમાં છેડે સુધી ડિલિવરી કરે છે.

મલિક કહે છે કે, જે લોકો ગ્રામ્ય સંદર્ભને શહેરી ઘાટમાં બેસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ ચોક્કસ નિષ્ફળ જશે.

તેમની કંપનીને બહુ જલદી સમજાઈ ગયું કે શા માટે પરંપરાગત ઈ-કૉમર્સ કંપનીઓ છેડે સુધી પહોંચી શકી નથી.

વાસ્તવમાં, ગ્રામીણ ગ્રાહકો પૈસાની બાબતમાં કોઈ ત્રીજી વ્યક્તિ પર વિશ્વાસ કરતા નથી. પરંતુ જો સ્થાનિક વ્યક્તિ સામેલ હોય તો તે અલગ વાત છે.

તે વિશ્વાસ સ્થાપિત કરવા માટે ગૌતમ મલિક અને તેમની ટીમે ગ્રામ્ય સ્તરે મહિલા સાહસિકોને જોડ્યા છે. આ મહિલાઓને વેચાણ અને વિતરણ એજન્ટોનું કામ સોંપવામાં આવ્યું છે.

તેઓ કહે છે કે, ગ્રામીણ ભારતમાં ઘૂસીને 200 બિલિયન ડૉલર બજારના તકનો લાભ લેવા માટે લાંબા સમય સુધી કામ કરવું પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.