હવામાન વિભાગની નવી આગાહી : ગુજરાતમાં બાકી રહેલા ચોમાસાના બે મહિનામાં ક્યાં કેટલો વરસાદ થશે, ક્યાં પડશે વધારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટી ગયું છે અને આગામી એક અઠવાડિયા સુધી હજી વરસાદનું જોર વધે તેવી શક્યતા દેખાતી નથી.
હાલ દેશભરમાં અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે. ચોમાસાના હવે બે મહિના ઑગસ્ટ અને સપ્ટેમ્બર બાકી રહ્યા છે.
હવામાન વિભાગે બાકી રહેલા અડધા ચોમાસામાં ગુજરાત સહિત દેશભરમાં કેવો વરસાદ થશે તે અંગેનું પૂર્વાનુમાન રજૂ કર્યું છે.
ગુજરાતમાં ચોમાસામાં સૌથી વધારે વરસાદ જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં થાય છે. જોકે, આ વર્ષે જૂન મહિનામાં રાજ્યમાં છેલ્લાં ઘણાં વર્ષોનો સૌથી વધારે વરસાદ થયો છે.
ગુજરાતમાં છેલ્લા બે મહિનામાં એટલે કે અડધા ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે. 31 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 62.63 ટકા વરસાદ થયો છે.
જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થયો છે અને સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થયો છે.
ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ કેટલો થશે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે જે માહિતી આપી છે તે પ્રમાણે ઑગસ્ટ મહિનામાં દેશભરમાં સામાન્ય વરસાદ થશે એટલે કે સારો વરસાદ થવાની શક્યતા છે.
ઑગસ્ટ મહિનામાં દેશભરમાં સરેરાશ 94 ટકાથી લઈને 106 ટકા સુધી વરસાદ થવાની શક્યતા છે, એટલે કે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્યભારત, પશ્વિમ ભારત, દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો, પૂર્વોત્તરના કેટલાક વિસ્તારો તથા ઉત્તર પશ્ચિમના વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થશે, જ્યારે સૌરાષ્ટ્રના જ કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે.
હાલની સ્થિતિ પ્રમાણે ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે અને અડધા મહિના બાદ ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં ઑગસ્ટ મહિનામાં ખૂબ વધારે વરસાદ થવાની શક્યતા ખૂબ ઓછી છે.
ચોમાસાના બાકી રહેલા બે મહિનામાં કેટલો વરસાદ થશે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગ ચોમાસા પહેલાં અને ચોમાસું અડધું પૂરું થાય ત્યારે તેના વિશેનું પૂર્વાનુમાન જારી કરતું હોય છે.
જેમાં હવે ચોમાસાના બે મહિના બાકી રહ્યા છે અને આ બાકી રહેલા અડધા ચોમાસામાં દેશભરમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં એટલે બાકી રહેલા ચોમાસાના બે મહિનામાં દેશમાં 106 ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે.
જેમાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો, પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે.
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગરના વિસ્તારોમાં વરસાદ સામાન્ય રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે કરેલા પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે ચોમાસાના છેલ્લા મહિનામાં વરસાદ વધારે થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.
ગુજરાતમાં અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં અત્યાર સુધી 62.93 ટકા જેટલો વરસાદ થયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના સરેરાશના 66.93 ટકા જેટલો થયો છે.
જ્યારે કચ્છમાં સરેરાશના 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં સરેરાશના 65.38 ટકા, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં સરેરાશના 64.84 ટકા જેટલો વરસાદ થયો છે.
આ વર્ષે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે અને ઘણા વિસ્તારોમાં ખેડૂતો હવે ફરીથી વરસાદની રાહ જોઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં 31 જુલાઈ સુધી સરેરાશના 55.09 ટકા જેટલો વરસાદ થયો છે, જે બાકીના વિસ્તારોની સરખામણીએ ઓછો છે.
રાજ્યમાં 25 તાલુકાઓ એવા છે જેમાં 1000 મિલીમીટર કરતાં વધારે વરસાદ થયો છે. જ્યારે 120 તાલુકાઓમાં 251થી 500 મિલીમીટર જેટલો વરસાદ થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












