વાસુદેવ ગાયતોંડે: પૈસા અને પ્રસિદ્ધિથી દૂર રહેનારા એવા કલાકાર જેમનાં પેઇન્ટિંગ્સ કરોડો રૂપિયામાં વેચાઈ રહ્યાં છે

વાસુદેવ ગાયતોંડે, ચિત્રકાર, કલા, ચિત્રો, કલાકાર, આર્ટ, પેઇન્ટિંગ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CHINHA

ઇમેજ કૅપ્શન, વાસુદેવ ગાયતોંડેની ગણના દક્ષિણ એશિયાના મહાન અમૂર્ત ચિત્રકારોમાં કરવામાં આવે છે
    • લેેખક, જાહ્નવી મૂળે
    • પદ, બીબીસી સંવાદદાતા

કેટલાક કલાકારો પોતાના જીવનકાળ દરમિયાન જ કિંવદંતી બની જાય છે. તેમના મૃત્યુ બાદ પણ તેમની કળા લોકો માટે પ્રેરક બનતી રહે છે.

વાસુદેવ ગાયતોંડે એવી જ અસામાન્ય પ્રતિભા ધરાવતા ચિત્રકાર હતા. તેમને ભારતના સર્વશ્રેષ્ઠ ચિત્રકારોમાં સામેલ કરવામાં આવે છે.

તેમનાં ચિત્રોમાં પ્રકાશ અને છાયાની રમત જોવા મળે છે. તેમની રચનાઓ, તેમાં રંગોનો ઉપયોગ અને એટલે સુધી કે કૅન્વાસ પર રંગ પાથરવા અને હટાવવાની રીત—આ બધું આજે પણ લોકો માટે અચરજનો વિષય છે.

અમૂર્ત શૈલીનાં તેમનાં પેઇન્ટિંગ્સ જોનારાઓને મંત્રમુગ્ધ કરી દે છે.

ગાયતોંડેની જન્મશતાબ્દી બીજી નવેમ્બર 2024એ છે. તેમના મૃત્યુને પણ લગભગ અડધી સદી થઈ ગઈ છે, પરંતુ લોકોમાં તેમના માટેનો રસ વધતો જોવા મળ્યો છે.

ગાયતોંડેએ પોતાના જીવનમાં ક્યારેય ખૂબ પૈસા કે પ્રસિદ્ધિની ઇચ્છા નહોતી રાખી, પરંંતુ, આજના સમયે જ્યારે પણ તેમનું પેઇન્ટિંગ લિલામી માટે મુકાય છે ત્યારે વેચાણનો નવો વિક્રમ નોંધાવે છે.

2022માં ગાયતોંડેનું એક ચિત્ર 42 કરોડ રૂપિયા [લગભગ પાંચ લાખ યુએસ ડૉલર]માં વેચાયું હતું.

આ, તે સમયે કોઈ પણ ભારતીય કલાકારની કળાકૃતિ માટે સૌથી ઊંચી બોલી હતી.

અને, ઑઇલ પેઇન્ટિંગ વેચાણ માટે આવ્યું હોય તેવું પ્રથમ વાર જ બન્યું હતું. તેનો વાદળી રંગ દર્શકોને સમુદ્ર કે આકાશની વિશાળતાની યાદ અપાવે છે.

ગાયતોંડેનાં પેઇન્ટિંગ્સ આટલાં ખાસ કેમ છે?

વાસુદેવ ગાયતોંડે, ચિત્રકાર, કલા, ચિત્રો, કલાકાર, આર્ટ, પેઇન્ટિંગ્સ, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAFFRONART

ઇમેજ કૅપ્શન, ગાયતોંડેએ 1961માં બનાવેલું એક અમૂર્ત પેઇન્ટિંગ. આ પેઇન્ટિંગ લગભગ 40 કરોડ રૂપિયામાં વેચાયું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીજા જ વર્ષે, એટલે કે, 2023માં ગાયતોંડેનું વધુ એક ચિત્ર 47.3 કરોડ રૂપિયામાં વેચાયું હતું.

આ વર્ટિકલ પેઇન્ટિંગમાં કૅન્વાસ પર પીળા રંગ પથરાયેલા છે અને આકૃતિઓ પેસ્ટલ રંગોમાં છે. તે સમજ બહારની ભાષામાં લખેલું ગીત હોય તેવું અનુભવાય છે.

ગાયતોંડેનાં ચિત્રો આટલાં બધાં ખાસ કેમ છે? તેનો જવાબ તેમની કળા અને તેમના વ્યક્તિત્વમાં શોધી શકાય તેમ છે.

ગાયતોંડેએ કંઈ ખૂબ વધારે ચિત્રો નથી ચીતર્યાં. લગભગ 50 વર્ષની પોતાની કૅરિયરમાં તેમણે લગભગ 400 ચિત્રો આળેખ્યાં હશે. દેખીતું છે કે તે ઘણાં દુર્લભ છે, તેથી આજે તેમની કિંમત આકાશને આંબે છે.

બીજું, ઘણા લોકોને ગાયતોંડેનું વ્યક્તિત્વ કંઈક અંશે રહસ્યમય લાગે છે.

તેઓ પોતાના જીવનમાં ઘણાં વર્ષો સુધી વૈરાગી રહ્યા અને જાપાનના ઝેન બૌદ્ધ દર્શનથી પ્રભાવિત હતા.

તેમનાં ચિત્રો એ જ દર્શનના શાંત અને ધ્યાનમગ્ન વલણને પણ પ્રદર્શિત કરે છે.

ગાયતોંડેએ 1991માં ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ માટે પ્રીતીશ નંદીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.

એ ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાનાં ચિત્રો વિશે વાત કરતાં કહેલું, "દરેક વસ્તુ મૌનથી શરૂ થાય છે, શૂન્યથી. કૅન્વાસની શાંતિ, પેઇન્ટિંગની શાંતિ. ચિત્રકાર આ બધી શાંતિને આત્મસાત્ કરે છે અને ત્યાર બાદ બ્રશથી ચીતરવાનું શરૂ કરે છે. સમગ્ર શરીર રંગ, બ્રશ અને કૅન્વાસ સાથે તાલમેળ કરીને શાંતિમાં સર્જન કરે છે."

આખી દુનિયાના કળાકાર તકનીકી રીતે પશ્ચિમી દુનિયાનું અનુસરણ કરતા હતા ત્યારે ગાયતોંડેને એશિયાઈ દર્શનમાં વિશ્વાસ હતો.

હકીકતમાં, ગાયતોંડે ચિત્રકારોની એવી પેઢીના અગ્રણી રહ્યા જેમણે ભારતમાં આધુનિક કળા અને અમૂર્તવાદનો પાયો નાખ્યો.

વીસમી સદીના મધ્યમાં તેઓ એવા ચિત્રકારોમાં સામેલ હતા જેમણે ભારતીય કળાને સિદ્ધિના નવા શિખરે પહોંચાડી અને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી.

શરૂઆત મુંબઈથી થઈ હતી

વાસુદેવ ગાયતોંડે, ચિત્રકાર, કલા, ચિત્રો, કલાકાર, આર્ટ, પેઇન્ટિંગ્સ, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાયતોંડેની એક કળાકૃતિ, તે જાપાનના ઝેન દર્શનથી ઘણી પ્રભાવિત હતી

વાસુદેવ સંતુ ગાયતોંડેનો જન્મ 2 નવેમ્બર 1924એ નાગપુરમાં થયો હતો. તેમના પિતા સંતુ ગાયતોંડે એ સમયે નાગપુરમાં કામ કરતા હતા.

ગાયતોંડે પરિવાર ખરેખર તો ગોવા-નિવાસી હતો, પરંતુ, બાદમાં મુંબઈ આવીને વસી ગયો. તેઓ મુંબઈના ગિરગાંવમાં એક ચાલમાં અઢી ઓરડાના નાનકડા ઘરમાં રહેતા હતા.

તેમનાં બહેન કિશોરી દાસે ‘ગાયતોંડે’ નામના પુસ્તકમાં લખ્યું છે કે, વાસુદેવને બાળપણથી જ પેઇન્ટિંગ અને રંગોનો શોખ હતો.

સ્વાભાવિક રીતે રંગોના શોખીન છોકરાએ ચિત્રકાર બનવાનો નિર્ણય કર્યો અને પોતાના શાળેય શિક્ષણ બાદ મુંબઈની જેજે સ્કૂલ ઑફ આર્ટ્સમાં એડ્‌મિશન લેવાનો નિશ્ચય કર્યો.

મુંબઈમાં તે સમયે જેજે સ્કૂલ ઑફ આર્ટ્સ કળાનું ઘર હતું. પરંતુ, તે સમયે પેઇન્ટિંગને સારી કૅરિયર માનવામાં નહોતી આવતી; તેથી, તેમના પિતાએ તેમના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

કિશોરી દાસે લખ્યું છે, "પરંતુ, વાસુદેવ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને ત્યાર બાદ તેમણે ક્યારેય પોતાનાં માતાપિતા પાસેથી એક પણ પૈસો ન લીધો."

ગાયતોંડેએ 1948માં જેજેમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને થોડા સમય સુધી ત્યાં કામ પણ કર્યું. આ એ સમય હતો જ્યારે ભારતને આઝાદી મળી જ હતી.

ભારતીય કળામાં એક નવો યુગ

વાસુદેવ ગાયતોંડે, ચિત્રકાર, કલા, ચિત્રો, કલાકાર, આર્ટ, પેઇન્ટિંગ્સ, ભારત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રશંસકો એવું કહેતા રહ્યા છે કે ગાયતોંડેનું કૅન્વાસ જોનારાને શાંતિની અનુભૂતિ કરાવે છે

ત્યાર બાદ વાસુદેવ ગાયતોંડે ‘પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રૂપ’માં જોડાઈ ગયા. આ ગ્રૂપમાં ગાયતોંડેની સાથે જ એમએફ હુસૈન, એસએચ રઝા, એફએન સૂઝા અને ઑસ્કર જીતનારાં ભાનુ અથૈયા જેવા કળાકાર પણ સામેલ હતા.

પ્રગતિશીલ કલાકારોના આ જૂથે ભારતમાં આધુનિક કળાનો પાયો નાખ્યો.

આધુનિકતાવાદ એ 20મી સદી આસપાસનું સાહિત્ય, સંગીત અને કળામાંનું એક આંદોલન છે, જેમાં લેખકો અને કળાકારોએ જૂની સ્થાપિત અવધારણાઓ/ માન્યતાઓને પડકારીને નવા વિચારોને પ્રોત્સાહિત કર્યા.

આપણે જ્યારે ભારતીય ચિત્રકળાની વાત કરીએ છીએ ત્યારે અજંતાનાં ભિત્તિ ચિત્ર, પહાડી અને મુગલ લઘુ ચિત્ર, બંગાળના કલાકાર કે રાજા રવિ વર્માનાં ચિત્રો આંખો સામે ઊભરી આવે છે.

આ બધાં યથાર્થવાદી શૈલીનાં ચિત્રો હતાં; અર્થાત્, ચિત્રકારો જે જેવું દેખાતું હતું તેવું જ ધારણ/ગ્રહણ કરવા અને કળારૂપે ચિત્રિત કરવા પર ભાર મૂકતા હતા.

સતીશ નાઈકે કહ્યું કે, "ગાયતોંડેએ પણ શરૂઆતમાં આ રીતે જ કામ કર્યું, પરંતુ, ટૂંક સમયમાં જ તેમણે અલગ માર્ગ પસંદ કરી લીધો."

નાઈક ચિત્રકાર, લેખક અને ‘ગાયતોંડે’ પુસ્તકના પ્રકાશક છે.

નાઈકના મતે ગાયતોંડે પહેલા એવા ભારતીય ચિત્રકાર હતા જેમણે અમૂર્ત પેઇન્ટિંગનો માર્ગ પસંદ કર્યો.

નાઈકે કહ્યું, "આ દૃષ્ટિએ ગાયતોંડેને વિદ્રોહી કહી શકાય. તેમણે એમ કહ્યું કે જો મને કોઈ ચિત્ર બનાવવું હોય તો હું મારી રીતે બનાવીશ. કોઈ બીજાએ દેખાડેલાં અને બનાવેલાં ચિત્રો જેવું નહીં બનાવું."

મુંબઈમાં નવા વિચાર ધરાવતા આવા કળાકારોનું બીજું એક કેન્દ્ર હતું – ભૂલાભાઈ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ.

હુસૈન, સિતારવાદક રવિશંકર, થિએટર નિર્દેશક ઇબ્રાહિમ અલ્કાઝી જેવા કળાકાર ત્યાં કામ કરતા હતા.

આ સંસ્થામાં સ્ટુડિયોની સંરચના એવી હતી કે કોઈ પણ ગમે તે સમયે કોઈના પણ સ્ટુડિયોમાં આવીજઈ શકતા હતા, જેના માધ્યમથી વિચારોનું આદાનપ્રદાન કરી શકાતું હતું. ગાયતોંડે ઘણી વાર અહીં આવતા હતા.

તેઓ કલાકો સુધી ત્યાં લૉનમાં એક બૅંચ પર બેસી રહેતા અને ધ્યાન કરતા. તેઓ ઘણી વાર સમુદ્રની ભરતીઓટના આકાર, ચમકતાં પાણી અને ચોખ્ખા આકાશને જોતા રહેતા. આ બધું બાદમાં તેમનાં કેટલાંક પેઇન્ટિંગ્સમાં પ્રતિબિંબિત થયું.

અધ્યાત્મ અને ઝેન દર્શનથી પ્રભાવિત

વાસુદેવ ગાયતોંડે, ચિત્રકાર, કલા, ચિત્રો, કલાકાર, આર્ટ, પેઇન્ટિંગ્સ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, જેએનએએફમાં મુકાયેલું ગાયતોંડેનું ચિત્ર

ગાયતોંડે અધ્યાત્મ તરફ ઢળેલા હતા. તેઓ નિસર્ગદત્તમહારાજ, જે કૃષ્ણમૂર્તિ, રમણ મહર્ષિના વિચારોથી પ્રભાવિત હતા. તેમણે ઘણું ઘણું વાંચ્યું અને વાંચન દરમિયાન જ 1959માં તેમને જાપાનના ઝેન દર્શનનો પરિચય થયો.

ત્યાર બાદ ગાયતોંડેએ ખરા અર્થમાં એક અલગ સફરની શરૂઆત કરી. તેમણે અમૂર્ત કળાની દિશા પકડી.

1963માં ગાયતોંડેએ મ્યૂઝિયમ ઑફ મૉડર્ન આર્ટ, ન્યૂ યૉર્ક દ્વારા પૂછવામાં આવેલા જવાબમાં ઝેન દર્શન વિશે લખ્યું.

તેમણે કહ્યું, "ઝેને મને પ્રકૃતિને સમજવામાં મદદ કરી. મારાં ચિત્રો પ્રકૃતિનાં પ્રતિબિંબ સિવાય બીજું કંઈ નથી. હું જે કહેવા માગું છું તે ઓછા શબ્દોમાં કહેવા માગું છું. હું સ્પષ્ટ અને સરળ બનવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું."

ગાયતોંડેનાં ચિત્રોની ખાસિયત અને તેમની પ્રતિભાને સૌથી પહેલાં ઓળખનારામાં અમેરિકાના અમૂર્ત ચિત્રકાર મૉરિસ ગ્રેવ્સ હતા.

ગ્રેવ્સે 1963માં ભારતનો પ્રવાસ કર્યો હતો અને વડા પ્રધાન પંડિત નહેરુને મળ્યા હતા. દિલ્હીમાં પુપુલ જયકરે તેમને મુંબઈ જઈને વાસુદેવ ગાયતોંડેનાં ચિત્રો જોવાની વિનંતી કરી હતી.

તેથી તેઓ મુંબઈ આવ્યા અને ગાયતોંડેને મળ્યા.

ગ્રેવ્સ, ગાયતોંડેની ચિત્રકારીથી એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે તરત જ ન્યૂ યૉર્કમાં વિલાર્ડ ગૅલરીના ડૅન અને મિરિયમ જૉનસનને પત્ર લખ્યો.

તેમણે લખ્યું, ‌"32 વર્ષીય ગાયતોંડે, મેં અત્યાર સુધીમાં જોયેલા સૌથી સારા ચિત્રકારોમાંના એક છે. તેમના વિશે કોઈ વધારે કશું જાણતા નથી, પરંતુ, તેઓ ઉમદા અને શાનદાર કામ કરે છે."

"એટલે સુધી કે તેમનામાં વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર માર્ક રોથકો જેવી પ્રતિભા દેખાય છે. ટૂંક સમયમાં જ તેઓ દુનિયાના પ્રસિદ્ધ ચિત્રકારોમાં સામેલ થઈ શકે છે."

ગ્રેવ્સે લખ્યું, "તેઓ એક અમૂર્ત ચિત્રકાર છે અને તેમનાં ચિત્રમાં અવર્ણનીય સુંદરતા તથા સ્પષ્ટતા છે. તેમનાં ચિત્રો મન અને પ્રકાશની સૌથી સુંદર તસવીરો છે."

એકાંતપ્રિય વ્યક્તિત્વ

વાસુદેવ ગાયતોંડે, ચિત્રકાર, કલા, ચિત્રો, કલાકાર, આર્ટ, પેઇન્ટિંગ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CHINHA

ઇમેજ કૅપ્શન, ગાયતોંડે પર લખાયેલા પુસ્તકનું મુખપૃષ્ઠ

ગાયતોંડેએ 1957માં ટોક્યો (જાપાન)માં યુવા કલાકાર પ્રદર્શનીમાં પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. ગ્રેવ્સે લખેલા પત્ર પછી તરત જ તેમને અમેરિકામાં ન્યૂ યૉર્ક જવાની તક મળી હતી.

રૉકફેલર ફેલોશિપ મળ્યા બાદ તેઓ 1964-65 દરમિયાન થોડા સમય માટે ન્યૂ યૉર્કમાં રહ્યા હતા.

તે દરમિયાન ઘણા કલાકારો સાથે તેમની મુલાકાત થઈ. પશ્ચિમની કળાની તકનીકોને એશિયાઈ વિચારો સાથે ભેળવવાથી તેમની ચિત્રકળા વધારે સમૃદ્ધ થઈ ગઈ.

તેમણે બ્રશના બદલે રોલરનો ઉપયોગ કર્યો, જેનાથી કલર આખા કૅન્વાસ પર ફેલાઈ ગયો. ક્યારેક ક્યારેક રંગોને એકની ઉપર એક આવરિત કરી દેવાતા હતા અને કેટલાક ભાગોને છરીથી હટાવી દેવાતા હતા.

કૅન્વાસને જીવંત બનાવવા માટે તેઓ એવી ઘણી બધી તરકીબોનો ઉપયોગ કરતા રહ્યા.

અમેરિકન કલા ઇતિહાસકાર બ્રેથ સિટ્રોન કહે છે, "ગાયતોંડેનાં પેઇન્ટિંગની તુલના ઘણી વાર પશ્ચિમી ચિત્રકારો સાથે કરવામાં આવે છે. પરંતુ, ગાયતોંડે ન્યૂ યૉર્ક ગયા તે પહેલાં તેમનાં ચિત્રો આકાર ધારણ કરી રહ્યાં હતાં."

1971માં ભારત સરકારે ગાયતોંડેને પદ્મશ્રીથી સન્માનિત કર્યા. આ એ જ સમય હતો, એટલે કે, 1970ની આસપાસનો, જ્યારે તેઓ દિલ્હીમાં વસ્યા હતા.

ગાયતોંડે પહેલાંથી જ એક વૈરાગી જેવા હતા અને દિલ્હી આવ્યા બાદ તેઓ વધારે એકાંતવાસી થઈ ગયા. આસપાસના થોડાક લોકોને બાદ કરતાં તેઓ અન્યો માટે દરવાજો પણ નહોતા ખોલતા.

વાસુદેવ ગાયતોંડે, ચિત્રકાર, કલા, ચિત્રો, કલાકાર, આર્ટ, પેઇન્ટિંગ્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગાયતોંડે આજીવન એકાંતપ્રિય રહ્યા. બીજી તરફ તેમનાં ચિત્રો કરોડોમાં વેચાતાં રહ્યાં

તેમના શિષ્ય ચિત્રકાર લક્ષ્મણ શ્રેષ્ઠે જણાવ્યું કે, ‘ગાયતોંડે’ પુસ્તકમાં એક કિસ્સો છે.

તેમણે કહ્યું, "એમએફ હુસૈન જ્યારે પણ દિલ્હી આવતા હતા ત્યારે ગાયતોંડેને મળવા જતા હતા. પરંતુ, ગાયતોંડે કોઈનેય મળવા નહોતા માગતા એટલે દરવાજો નહોતા ખોલતા. ત્યારે હુસૈન તેમના દરવાજા પર કશુંક ચીતરતા હતા. આ હુસૈનના કહેવાની રીત હતી કે ‘હું આવેલો અને જતો રહ્યો’. બંને વચ્ચે આવી મૈત્રી હતી."

ગાયતોંડે વરસમાં પાંચથી સાત ચિત્ર બનાવતા હતા, પરંતુ 1984માં એક દુર્ઘટનામાં તેમને ગંભીર ઈજા થઈ, ત્યાર પછી થોડા દિવસ માટે તેઓ પેઇન્ટિંગ કરવા માટે અસમર્થ હતા.

લગભગ આ જ સમયે પંડોલ આર્ટ ગૅલરીના દદીબા પંડોલે ગાયતોંડેને એક દિવસ પૂછ્યું કે આજકાલ તમે પેઇન્ટિંગ કેમ નથી કરતા?

ગાયતોંડેએ તેનો હૃદયસ્પર્શી જવાબ આપ્યો, "હું હજુ પણ પેઇન્ટિંગ કરું છું, પરંતુ, મારા મગજમાં. આજકાલ મારામાં વધારે ઊર્જા નથી બચી અને મારે એને સાચવી રાખવાની છે. આ જ કારણ છે કે હું તેને કૅન્વાસ પર રંગ નાખવામાં ખરચવા નથી માગતો."

2001માં ગાયતોંડેનું અવસાન થયું ત્યારે કલાજગતના લોકો સિવાય લગભગ કોઈનું ધ્યાન નહોતું ગયું, પરંતુ, જેમ જેમ સમય વીત્યો, તેમનાં પેઇન્ટિંગ્સનું મહત્ત્વ વધારે સ્પષ્ટ થઈ ગયું.

ન્યૂ યૉર્કના આધુનિક કલા સંગ્રહાલયનાં ઍસોસિએટ ક્યૂરેટર કારા મેન્ઝ અનુસાર ગાયતોંડેનાં પેઇન્ટિંગ્સ દર્શાવે છે કે, "શાંતિ કેવી દેખાઈ શકે છે. નીરવ શાંતિની ચમક પેઇન્ટિંગમાં કેવી હોઈ શકે છે. જે આ શાંતિમાંથી, શૂન્યમાંથી આવે છે. આ ચમક નક્કર નિશાન દ્વારા કૅન્વાસ પર સ્પષ્ટ રીતે દેખાય છે."

પરંતુ ગાયતોંડે માટે પેઇન્ટિંગ સ્વાનુભૂતિનું અને અભિવ્યક્તિનું એક માધ્યમમાત્ર હતું.

તેઓ ઘણી વાર કહેતા કે, "હું રંગોને વેરીને જોતો રહું છું; આ જ મારી કલાકૃતિ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.