50 વર્ષનું આયુષ્ય ધરાવતા અમદાવાદના ફ્લાયઓવરને 5 વર્ષમાં જ કેમ 'તોડી પાડવાની' નોબત આવી?

ફ્લાયઓવર

ઇમેજ સ્રોત, lakshmi patel

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ રોડને જોડતો છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાયઓવર છેલ્લા 6 મહિનાથી ચર્ચામાં છે અને ચર્ચાનાં બે કારણ છે.

આ ફ્લાયઓવર 6 મહિનાથી બંધ છે અને રાજ્ય તેમજ દેશની ચાર ખાનગી અને સરકારી સંસ્થાઓએ આ પુલને નબળી ગુણવત્તાનાં કારણોને લઈને તેને તોડી પાડવાની ભલામણ કરી છે.

ત્યારે સવાલ એ છે કે 50 વર્ષ માટે બનાવવામાં આવેલા આ ફ્લાયઓવરને પાંચ વર્ષમાં તોડવાની વાત કેમ કરeઈ રહી છે.

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

છેલ્લાં બે વર્ષમાં આ હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજમાં 6 મોટાં ગાબડાં પડી ચૂક્યાં છે, સાથે છેલ્લા છ મહિનાથી ફ્લાયઓવર બંધ છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના કૉર્પોરેટરોએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને કૉન્ટ્રાક્ટર અજય એન્જિનિયર ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ. પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ કન્સલટન્ટ એસજીએસ ઇન્ડિયા પ્રા.લિ. અને અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગના અધિકારીઓ સામે આઇપીસીની કલમ 420 અને અન્ય કલમો હેઠળ કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

જોકે મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનાએ રાજ્યમાં તમામ બ્રિજની પરિસ્થિતિ અંગે ચર્ચા જગાવી હતી.

ગુજરાત હાઈકોર્ટે પણ આ અંગે સંજ્ઞાન લેતા રાજ્ય સરકારને ટકોર કરી હતી. હાલમાં જ રાજ્યની સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ હેઠળ આવતા તમામ પુલ માટે નવી નીતિ રજૂ કરાઈ છે.

જોકે હાલમાં ગુજરાત સરકારે રાજ્યભરના તમામ પુલોનું વર્ષમાં બે વખત ઇન્સ્પેક્શન ફરજિયાત કરતી નવી નીતિ રજૂ કરી છે.

બીબીસી ગુજરાતી

રાજ્યમાં પુલોની સ્થિતિ પર ચિંતા અને રાજ્ય સરકારની નવી નીતિ

મોરબી પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટનામાં 130થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

ગત વર્ષે મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ રાજ્યમાં તમામ પુલની પરિસ્થિતિ અંગે ચર્ચા ચાલી હતી.

આ દુર્ઘટનાની તપાસમાં પુલના સમારકામ અને રિપેરિંગ બાદ તેને ફરી શરૂ કરતી વખતે ‘ગંભીર બેદરકારી’ આચરી હોવાની વાત સામે આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી અને હજુ આ મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.

રાજ્ય સરકારની આ નવી નીતિ રાજ્યની મહાનગરપાલિકા અને પાલિકાની હદમાં આવતા તમામ પુલો પર લાગુ થશે. આ નીતિ હેઠળ આ નિયમો નક્કી કરવામાં આવ્યા છે-

  • પુલોનું ઇન્સ્પેક્શન દર વર્ષે મે અને ઑક્ટોબરમાં કરવામાં આવશે
  • કોઈ પણ પુલ-નાળાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય કે તરત જ તેની રજિસ્ટરમાં નોંધણી કરવાની રહેશે અને નિયમ મુજબ તેનું નિરીક્ષણ કરવાનું રહેશે
  • મ્યુનિસિપલ એન્જિનિયરો ઇન્સ્પેક્શન હાથ ધરવા માટે જવાબદાર રહેશે. ઇન્સ્પેક્શનમાં રક્ષણાત્મક કાર્ય, પાણીમાં કામ, ફાઉન્ડેશન અને સમારકામ, પુલ પરનું સબસ્ટ્રક્ચર, બૅરિંગ, સુપરસ્ટ્રક્ચર, લાકડાના પુલનું માળખું, એક્સપાન્શન જોઇન્ટ અને ફૂટપાથ સહિતની કામગીરીનો સમાવેશ કરવાનો રહેશે. મ્યુનિસિપલ એન્જિનિયરો તેમજ ઈજનેરી વિભાગ ઇન્સ્પેક્શન અને રિપેરિંગના રિવ્યૂ માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે
  • નાના-મોટા પુલ સાથે નાળાં વગેરેને પણ ઇન્સ્પેક્શનમાં આવરી લેવામાં આવ્યાં છે.

મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાના જવાબમાં હાઈકોર્ટે સુઓ મોટો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે પુલોની હાલત પર રાજ્ય સરકાર તરફથી એફિડેવિટ પર સુનાવણી કરી હતી.

બીબીસી

40 કરોડનો છત્રપતિ શિવાજી મહારાજ પુલ

ફ્લાયઓવર

ઇમેજ સ્રોત, lakshmi patel

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજની ટેકનિકલ બાજુઓને જોઈએ તો આ પુલમાં 45 મીટર પીએસસી બૉક્સના 2 સ્પાન, 33 મીટર સ્પાનના 6 પીએસસી બૉક્સ, 10.42 મીટરના આરસીસી સોલિડ સ્લૅબના સ્પાન અને આરસીસી રિટેનિંગ વૉલનો સમાવેશ થાય છે.

ગુજરાત સરકારના પરિપત્ર મુજબ, વર્ષ 2015માં આ ફ્લાયઓવર બ્રિજની ડિઝાઇન ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના ડિઝાઇન સર્કલ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

4 લેન ધરાવતા આ પુલના ડેકની પહોળાઈ 16.5 મીટર છે.

10 એપ્રિલ 2015ના રોજ આ પુલનું બાંધકામ શરૂ થયું અને રૂ. 39.87 કરોડમાં પુલ બંધાયો.

વર્ષ 2017માં આ ફ્લાયઓવરને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ફ્લાયઓવરની ડિફેક્ટ લાયબિલિટી એક વર્ષની અને આયુષ્ય 50 વર્ષ નક્કી કરાયું હતું

માર્ચ 2021માં આ પુલના ખોખરા બાજુના 45 મીટરના સ્પાનના પીએસસી બૉક્સમાં નાનકડું ગાબડું પડ્યું.

મહાનગરપાલિકાના અધિકારીઓએ તે વખતે પુલનું તાકીદે હાઇ-ગ્રેડ માઇક્રો કૉંન્ક્રિટ દ્વારા સમારકામ કરાવ્યું હતું.

સાથે આ પુલની મજબૂતાઈ અને કૉંન્ક્રિટની ગુણવત્તાની તપાસ માટે 45 મીટરના સ્પાનના પીએસસી બૉક્સનું એનડીટી પરીક્ષણ કરાવવાનો નિર્ણય લેવાયો.

મે 2021માં સીઆઈએમઈસી નામની ખાનગી લૅબોરેટરી દ્વારા રિબાઉન્ડ હેમર ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એનડીટી ટેસ્ટના શરૂઆતના પરીક્ષણને રિબાઉન્ડ હેમર ટેસ્ટ કહેવાય છે.

રિબાઉન્ડ હેમર ટેસ્ટના પરિણામમાં સામે આવ્યું કે પુલના ટૉપ સ્લૅબનો કૉંન્ક્રિટ ગ્રેડ M-45નો હોવો જોઈએ તેના બદલે M-25થી M-30ની આસપાસનો હતો.

ફ્લાયઓવર

ઇમેજ સ્રોત, lakshmi patel

ફેબ્રુઆરી 2022, જૂન 2022 તેમજ ઑગસ્ટ 2022માં ફરી 45 મીટરના બંને સ્પાનના ટોપ સ્લૅબમાં કૉન્ક્રિટ ક્રશ થયું.

જૂન અને ઑગસ્ટ 2022 દરમિયાન પડેલાં ગાબડાં મોટાં હતાં, જેનાં પગલે પુલને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો.

પુલ બંધ થતાં ટ્રાફિકની ભારે સમસ્યાઓ સર્જાવા લાગી. સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ ફ્લાયઓવર ખુલ્લો મૂકવા માટે ઉગ્ર રજૂઆતો કરી.

લોકમાગણીનું ભારે દબાણ અનુભવી રહેલી મહાનગરપાલિકાએ ગાબડાં રિપેરિંગ કરવાનું નક્કી કર્યું.

માર્ગ અને મકાન વિભાગે સમારકામની મંજૂરી આપવા સાથે એનડીટી ટેસ્ટ કરાવવાની ભલામણ કરી.

સપ્ટેમ્બર 2022માં 45 મીટરના સ્પાનને મજબૂત બનાવવા માટે સમારકામ હાથ ધરાયું, પરંતુ એનડીટી પરીક્ષણોનાં પરિણામો આવતાં સમારકામ અટકાવી દેવાયું.

મહાનગરપાલિકાએ બે અલગ-અલગ લૅબોરેટરી કેસીટી અને સીઆઈએમઈસી પાસે એનડીટી પરીક્ષણ કરાવ્યાં.

અલ્ટ્રાસોનિક પલ્સ વેલૉસિટી (યુપીવી) અને કૉંન્ક્રિટ કૉર ટેસ્ટમાં બંને લૅબોરેટરી દ્વારા પ્રાપ્ત થયેલાં પરિણામો પ્રમાણે, હાટકેશ્વર ફ્લાયઓવરનો 45 મીટરના સ્પાનના પીએસસી બૉક્સના ટૉપ સ્લૅબ, વેબ અને બોટમ સ્લૅબ બધા જ ભાગોમાં કૉંન્ક્રિટની સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી (M-10થી M-15ની રેન્જમાં) આવી હતી.

ત્યારબાદ સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીએ પુલના મટીરિયલની ચકાસણી કરી અને પુલની નબળી ગુણવત્તા પર મહોર મારી હતી.

આખરે મહાનગરપાલિકાએ આઈઆઈટી રૂરકીને તમામ રિપોર્ટ મોકલીને તેમનો અંતિમ અભિપ્રાય માગ્યો છે.

બીબીસી ગુજરાતી

રિપોર્ટનાં તારણો

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીનો રિપોર્ટ તા. 19 ડિસેમ્બર 2022ના રોજ આવ્યો હતો.

આ સંસ્થાના સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર એ.કે. દેસાઈએ રિપોર્ટમાં અમદાવાદ મ્યુનિ. કૉર્પોરેશન દ્વારા પૂછવામાં આવેલા ત્રણ વિકલ્પ અંગે જણાવ્યું છે કે, "ટેકનિકલ ઇન્સપેક્શન અને ભૂતકાળના અનુભવના આધારે આ ફ્લાયઓવરનું સમારકામ કરવું એ નવો પુલ બનાવવા જેટલું કે તેથી પણ વધુ ખર્ચાળ રહેશે."

"પુલના સ્પાન અને પીએસસી બૉક્સની ખરાબ સ્થિતિને જોતાં તેનું આયુષ્ય નક્કી કરી શકાય તેમ નથી."

"તો, હાલમાં સાવધાની સાથે જૂના પીએસસી બૉક્સનું ડીમોલિશન કરી દેવું જોઇએ. આનું સમારકામ કરવું શક્ય નથી."

જ્યારે થાણેની ઈ-ક્યૂબ ક્રોકિંગ કન્સલટન્ટ લૅબોરેટરીએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, "હાટકેશ્વર ફ્લાયઓવરના બાંધકામમાં વાપરવામાં આવેલું કૉંન્ક્રિટ એમ-45 ગ્રેડથી હલકી કક્ષાનું છે સાથે સિમેન્ટ પેસ્ટ પણ નબળી છે. સિમેન્ટમાં વધુ પાણી ભેળવવાના કારણે તેમાં છીદ્રો જોવાં મળી રહ્યાં છે."

કેસીટી અને સીઆઈએમઈસી બંને લૅબોરેટરીના એનડીટી રિપોર્ટ અનુસાર, હાટકેશ્વર ફ્લાયઓવરનો 45 મીટરના સ્પાનના પીએસસી બૉક્સના ટૉપ સ્લૅબ, વેબ અને બૉટમ સ્લૅબ બધા જ ભાગોમાં કૉંન્ક્રિટની સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી (M-10થી M-15ની રેન્જમાં) જોવા મળી છે.

બીબીસી ગુજરાતી

જાણી જોઈને કાર્યવાહીમાં વિલંબ?

પોલીસને રજૂઆત

ઇમેજ સ્રોત, lakshmi patel

ગાંધીનગર વિધાનસભામાં ગૂંજેલા આ મુદ્દાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા આ પુલને તોડી પાડે એ પહેલાં આઈઆઈટી રૂરકીના અંતિમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

આ પુલ છ મહિનાથી વાહનોની અવર-જવર માટે બંધ હોવાથી પુલની નીચે ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે અને લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ બીબીસી સાથે વાત કરતા કહે છે, "હાટકેશ્વર ફ્લાયઓવરની હલકી ગુણવત્તા ઉપર ચાર સરકારી અને ખાનગી લૅબોરેટરીએ મહોર મારી દીધી છે તેમ છતાં કૉન્ટ્રાક્ટર અજય એન્જિ. ઇન્ફ્રા. પ્રાઇવેટ લિમિટેડ બ્લૅક લિસ્ટ કરવામાં આવી નથી. કે નથી પીએમસી એજન્સીને બ્લૅક લિસ્ટ કરાઈ."

"કોઈ અધિકારી સામે પગલાં લેવાયાં નથી. આમ, કૌભાંડીઓને સરકાર છાવરી રહી છે. જો પગલાં નહીં લેવાય તો અમે હાઈકોર્ટમાં જઈશું."

ખોખરાના પૂર્વ કૉર્પોરેટર જ્યોર્જ ડાયસ છેલ્લા કેટલાય સમયથી આ પુલને લઈને આંદોલન કરી રહ્યા છે.

તેમણે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે ખોખરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપેલી છે.

છેલ્લા છ મહિનાથી બ્રિજ બંધ છે

ઇમેજ સ્રોત, lakshmi patel

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "કોઈ પુલને પાંચ વર્ષમાં તોડવો પડે એવું આ પૂર્વે ક્યારેય બન્યું નથી. પુલના નિર્માણમાં નરી આંખે જોઈ શકાય તેવો ભ્રષ્ટાચાર થયો છે છતાં કોઈની સામે પગલાં લેવાયાં નથી. પોલીસ કેસ નોંધાવવો જોઈએ, તે પણ નથી થયું."

ગોમતીપુરના કૉર્પોરેટર ઇકબાલ શેખ મહાનગરપાલિકા પર આક્ષેપ કરતા કહે છે, "હાટકેશ્વર ફ્લાયઓવરની ગુણવત્તા મામલે જાણીજોઈને સમય પસાર કરાઈ રહ્યો છે. આઇઆઇટી રૂરકીએ પણ પ્રાથમિક રિપોર્ટ આપી દીધો છે પણ તેને જાણીજોઈને છુપાવાઈ રહ્યો છે. આ માત્ર છાવરવાની નીતિ છે. સમય જતો રહેશે એટલે પ્રજા ભૂલી જશે તેવી રણનીતિનો ભાગ છે."

જોકે આ અંગે અમદાવાદના મેયર કિરીટ પરમારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "હાટકેશ્વર પુલના અલગ-અલગ રિપોર્ટ મગાવવામાં આવ્યા છે. કેટલાક રિપોર્ટ આવવાના બાકી છે. રિપોર્ટ આવી જાય પછી વહીવટી વિભાગ અને ચૂંટાયેલી પાંખ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે.”

વિપક્ષના સવાલ અંગે મેયર કહે છે, “જેટલા રિપોર્ટ જોઈએ છે, એ તમામ રિપોર્ટ આવ્યા પછી વહીવટીતંત્ર સાથે ચર્ચા કરીને જે કંઈ પગલાં લેવા પડશે તે માટે અમે કટિબદ્ધ છીએ. નિર્ણય લેવામાં ક્યાંય પણ પાછી પાની કરીશું નહીં. પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવશે."

બીબીસી ગુજરાતી

મહાનગરપાલિકાની કાર્યવાહી

અમદાવાદ મહાનગરપાલિકાના માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે તારીખ તા. 6 એપ્રિલ 2021, 10 ઑક્ટોબર 2022, 4 નવેમ્બર 2022, 30 નવેમ્બર 2022, 21 ડિસેમ્બર 2022 અને છેલ્લે તા. 10 જાન્યુઆરી 2023ના રોજ કૉન્ટ્રાક્ટર અજય એન્જિ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. અને પીએમસી એસજીએસ ઇન્ડિયા પ્રા.લિ.ને શો-કોઝ નોટિસ આપી છે.

નોટિસમાં સ્પાનના ડેક સ્લૅબને કૉંન્ક્રિટ ક્રશિંગથી ભારે નુકસાન અંગે કૉન્ટ્રાક્ટર અને કન્સલટન્ટ પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે.

જોકે કૉન્ટ્રાક્ટર અને પીએમસી એજન્સી સંતોષકારક ખુલાસો આપી શક્યા નથી.

નોટિસ અનુસાર, "ઓબ્લીગેટરી સ્પાનના સુપર સ્ટ્રકચરમાં M-45 કૉંન્ક્રિટની ક્વૉલિટી જાળવવામાં બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાય છે, જેના કારણે બંને ઓબ્લીગેટરી સ્પાનના સુપર સ્ટ્રકચરમાં કૉંન્ક્રિટ ક્રશિંગને કારણે સ્ટ્રકચરને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આપ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતા માન્ય રખાય તેમ નથી."

"હયાત બૉક્સના કૉંન્ક્રિટની સ્ટ્રેન્થ ઓછી આવવા અંગે કોઈ ચોક્કસ કારણ જણાવેલું નથી. આટલા ટૂંકા સમયમાં બ્રિજ પર ક્રોંન્કિટની સ્ટ્રેન્થના પ્રશ્નો ઉપસ્થિત થયેલા છે જે દર્શાવે છે કે, બ્રિજમાં ગુણવત્તા ચકાસણીમાં ખામી રહી ગયેલી છે."

"આપને શા માટે જવાબદાર ન ગણવા અને આપના વિરુદ્ધમાં નિયમ મુજબ કાર્યવાહી કેમ ન કરવી તે અંગે સ્પષ્ટતા માગી હતી."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી