ગુજરાતમાં ઉર્દૂ, મરાઠી, સિંધી જેવી ભાષાના વિદ્યાર્થીઓને પેપર લખવામાં કેવી મુશ્કેલી પડે છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

બોર્ડની પરીક્ષામાં આ વર્ષે પણ ઉર્દૂ, સિંધી જેવા લઘુમતી માધ્યમના વિદ્યાર્થીઓને હિંદી, ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં પ્રશ્નપત્રો મળશે.

જ્યારથી સરકારે રાજ્યની લઘુમતી ભાષાઓમાં પેપર છાપવાના બંધ કર્યા છે, ત્યારથી આ ભાષાઓની શાળાઓની સંખ્યા ઘટી છે અને સાથેસાથે તેમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ.

નેશનલ ઍજ્યુકેશન પૉલિસીમાં નોંધવામાં આવ્યું છે કે જ્યાં શક્ય હોય ત્યાં ઘરમાં બોલાતી ભાષા પાંચમા ધોરણ સુધી અને જરૂર પડે ત્યાં આઠમા ધોરણ સુધી શીખવાડવી જોઈએ.

આ પૉલિસીમાં એમ પણ નોંધવામાં આવ્યું છે કે ભારતીય ભાષાના શિક્ષણનું ઉચ્ચ શિક્ષણ સાથે સમન્વય હોવું જોઈએ. જેથી પોતાની જ ભારતીય ભાષામાં ભણેલા વિદ્યાર્થીઓને તમામ વિષયોની સમજણ મળી શકે.

સરકારે આ માટે 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સલેશન ઍન્ડ ઇન્ટરપ્રિટેટિંગ' સ્થાપવાની પણ જાહેરાત કરી છે.

જોકે, આ પૉલિસી અને તેની જાહેરાતોથી બિલકુલ વિપરિત પરિસ્થિતિ ગુજરાતના લઘુમતી સમાજોની છે. જેમાં મરાઠી, ઉર્દૂ, સિંધી સહિત તમિળ તેમજ તેલુગુનો સમાવેશ થાય છે.

ઘણા શિક્ષણવિદોનું માનવું છે કે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ન ભણીને આ માધ્યમોમાં ભણતા વિદ્યાર્થીઓ મોટા ભાગે મજૂરવર્ગનાં બાળકો છે.

ગ્રે લાઇન

મોટા ભાગે ગરીબ અને કામદારોનાં બાળકો

ગુજરાત
ઇમેજ કૅપ્શન, ઉર્દૂ માધ્યમના વિદ્યાર્થીઓએ આ રીતે પુસ્તકોમાં ગુજરાતીમાં પણ લખવું પડે છે

અમદાવાદમાં થોડાં વર્ષો પહેલાં સુધીની મહારાષ્ટ્ર શિક્ષણ મંડળની સૈજપુર બોધાની શાળા હાલ બંધ થઈ ચૂકી છે.

લાલ દરવાજાની એમએસએન શાળામાં બે વર્ષ પહેલાં તેમની શાળામાં 350 વિદ્યાર્થીઓ હતા, જેની સંખ્યા ઘટીને હાલ 110 સુધી પહોંચી ગઈ છે અને શાળાના પ્રિન્સિપાલ ધનરાજ પાટીલનું કહેવું છે કે આ સંખ્યા હજુ પણ ઘટી રહી છે.

તેઓ કહે છે, "અમારી શાળામાં ભણતાં તમામ બાળકો મહારાષ્ટ્રથી અમદાવાદ આવીને વસેલા કામદારોનાં બાળકો છે. તેઓ અન્ય ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકતા નથી."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા પાછળનું કારણ શું?

જવાબમાં તેમણે કહ્યું કે સૌપ્રથમ બોર્ડની પરીક્ષામાં મરાઠી ભાષામાં પેપર ન મળવાથી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકતા નથી અને તેને કારણે વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે.

ગુજરાતમાં છેલ્લે 2011માં બોર્ડનું પેપર લઘુમતી ભાષાઓમાં પણ છપાયું હતું. ત્યારથી ગુજરાત શિક્ષણ બૉર્ડ દ્વારા સતત ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ભાષામાં જ પેપર છપાય છે. જેના કારણે આ ભાષાના વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુરતની અમન ઉર્દૂ શાળામાં અભ્યાસ કરતાં શાહીદ અન્સારી હાલ 12મા ધોરણમાં સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરે છે.

હાલમાં આવી રહેલી બોર્ડની પરીક્ષાની તૈયારી કરતી વખતે તેઓ એક પુસ્તક ઉર્દૂ ભાષામાં અને એ જ પુસ્તક ગુજરાતી ભાષામાં સાથે રાખીને બેસે છે.

તૈયારીમાં પડતી અગવડને લઈને તેઓ જણાવે છે, "આવી રીતે તૈયારી કરવામાં વધારે તકલીફ પડે છે. એમાં પણ ખાસ કરીને ફિલોસોફી અને સાયકોલૉજી જેવા વિષયો તો સૌથી વધારે અઘરા લાગે છે."

તેઓ આગળ કહે છે, "લખવા માટે ઉર્દૂ ટર્મિનોલૉજી અને પ્રશ્નો સમજવા માટે ગુજરાતીની ટર્મિનોલૉજી યાદ રાખવી પડે છે."

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલી એફ. ડી. ગર્લ્સ હાઇસ્કૂલમાં પણ ઉર્દૂ માધ્યમના વિદ્યાર્થીઓને બે ભાષામાં ભણાવવામાં આવે છે.

શાળાના પ્રિન્સિપાલ અનિસા શેખ કહે છે, "ભણાવવામાં સૌથી વધુ તકલીફ ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં પડે છે, કારણ કે ઉર્દૂ અને ગુજરાતીની ટર્મિનોલૉજી તદ્દન અલગ હોય છે. વિદ્યાર્થીઓએ પુસ્તકમાં ઉર્દૂ શબ્દની સાથે ગુજરાતી શબ્દ લખીને રાખવો પડે છે. ઘણી વખત શબ્દોની યોગ્ય સમજ ન પડવાથી વિદ્યાર્થીઓને જવાબ આવડતો હોવા છતાં તેઓ લખી શકતા નથી."

ગ્રે લાઇન

સિંધી માધ્યમના એક પણ વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી

ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં માધ્યમ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા

આવી જ હાલત સિંધી માધ્યમ શાળાઓની પણ છે. અમદાવાદમાં સિંધી માધ્યમની લગભગ તમામ શાળાઓ બંધ થઈ ચૂકી છે.

અમદાવાદમાં આવેલી એમ. જી. સિંધી શાળા હવે એમ. જી. અંગ્રેજી શાળા થઈ ગઈ છે.

આ શાળાનાં પ્રિન્સિપાલ વિનિતા ચોઇતરામાણીના જણાવ્યા પ્રમાણે, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જવાથી શાળાઓ બંધ કરી દેવી પડી છે. પ્રાથમિક વિભાગમાં સિંધી એક વિષય તરીકે ભણાવવામાં આવે છે પણ તે ભાષામાં હવે કોઈ શિક્ષણ મેળવતું નથી.

વર્ષ 2022માં ધોરણ 10માં સિંધી માધ્યમમાંથી એક પણ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા માટે નોંધણી કરાવી ન હતી. જ્યારે ઉર્દૂ, મરાઠી જેવાં માધ્યમોના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ધોરણ 12માં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. સાયન્સ, કૉમર્સ અને આર્ટ્સ ત્રણેય પ્રવાહોમાં ઉર્દૂ, મરાઠી, સિંધી, તમિળ કે તેલુગુ જેવાં માધ્યમોના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ નજીવી જોવા મળી હતી.

ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં માધ્યમ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા
ગુજરાતી

શું ફરક પડી રહ્યો છે?

ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં માધ્યમ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા

અનિસા શેખ પ્રમાણે, ઉર્દૂ માધ્યમમાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓ બિહાર, યુપી, કર્ણાટક જેવાં રાજ્યોમાંથી અહીં આવીને મજૂરી કરતા લોકોનાં બાળકો હોય છે.

તેઓ કહે છે, "અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવીને કામ કરતા લોકોને ખાનગી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમોની શાળાઓ પોષાતી નથી. તેથી તેઓ પોતાનાં બાળકોને આ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરાવે છે."

સુરતની ઉર્દૂ નેશનલ સ્કૂલના સંચાલક ઇબ્રાહીમ શેખ જણાવે છે, "એક જ વિષયનો બે-બે ભાષામાં અને ક્યારેક ત્રણ ભાષામાં અભ્યાસ કરવાના કારણે વિદ્યાર્થીઓને તેમાં ભણવાનો રસ ઘટી ગયો છે. જેથી ઉર્દૂ માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસેદિવસે ઘટી રહી છે."

આ મામલે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ શું કરી રહ્યો છે તે જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો.

રાજ્યકક્ષાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમંત્રી પંકજ પાનસુરિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમને આ વિશે કોઈ ખ્યાલ નથી. આ સાથે તેમણે આ મુદ્દે તપાસ કરવાની બાંહેધરી આપી છે.

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સેક્રેટરી વિનોદ રાવ પાસેથી સરકારનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો તો તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો.

યોગ્ય ઉત્તર ન મળવાથી બીબીસીએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ. જે. શાહનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

રેડ લાઇન
રેડ લાઇન