ગુજરાતમાં વાઇરલ તાવ H3N2 : આ વાઇરસ કેટલો ખતરનાક?

ગુજરાતમાં વાઇરલ તાવ H3N2ના કેસોના કારણે ચિંતિત થવાની જરૂર?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં વાઇરલ તાવ H3N2ના કેસોના કારણે ચિંતિત થવાની જરૂર?
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જોવા મળી રહેલા વાઇરલ તાવનું કારક ઇન્ફ્લુએન્ઝા વાઇરસનો વૅરિયન્ટ H3N2 દરેક પસાર થતાં દિવસની સાથે વધુ ચિંતા જન્માવી રહ્યો છે.

શુક્રવારે આ H3N2 વાઇરલ તાવના કારણે બે વ્યક્તિનાં મૃત્યુ થવાના સમાચાર છે.

એક અહેવાલ અનુસાર H3N2ના કારણે કર્ણાટકમાં એકનું મૃત્યુ થયું છે.

નોંધનીય છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં H3N2ના ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઘણા કેસ જોવા મળ્યા હતા.

આ વાઇરસથી ગ્રસ્ત દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફો, કળતર, ઊલટી અને ડાયરિયા જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.

શરૂઆતના અમુક દિવસોમાં યોગ્ય સારવાર બાદ H3N2ના કારણે આવતા વાઇરલ તાવમાં રાહત મળી રહી હોવા છતાં અમુક કિસ્સામાં ખૂબ લાંબા ગાળા સુધી શરદી, ખાંસી અને ગળામાં તકલીફ રહી રહી હોવાની ફરિયાદ હતી.

હવે જ્યારે H3N2ને કારણે સર્જાયેલી વાઇરલ તાવ અને શરદી, ખાંસીની તકલીફો લાંબી માંદગીથી આગળ વધીને મૃત્યુનું કારણ બની રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે આ વાઇરસ કેટલો ખતરનાક છે અને આ વાઇરસના ચેપમાં કોણે ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે તે અંગે બીબીસી ગુજરાતીએ નિષ્ણાત ડૉક્ટરો સાથે વાત કરી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ગ્રે લાઇન

H3N2ના દર્દીનાં મૃત્યુ, શું ગભરાવાની જરૂર છે?

ગુજરાતમાં H3N2 વાઇરલ તાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ફેલાઈ રહેલા H3N2 વાઇરલ તાવથી ગભરાવાની જરૂર છે ખરી?

H3N2ના કેસોમાં પાછલા અમુક સમયથી વધારો જોવા મળી રહ્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમુક દિવસ પહેલાં દિલ્હી, એઇમ્સના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ પણ H3N2 વાઇરસથી બચવા માટે તકેદારી રાખવાની સલાહ આપતાં કહ્યું હતું કે આ વાઇરસ ‘કોરોનાની જેમ ફેલાઈ રહ્યો છે.’

ગુજરાતની વાત કરીએ તો પાછલા અમુક મહિનાથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે આ H3N2 વાઇરસના કેસો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા હોવાનું ડૉક્ટરોનું અનુમાન છે.

હવે જ્યારે ભારતમાં આ વાઇરસના કેસોમાં મૃત્યુ થયાં હોવાની વાત સામે આવી રહી છે ત્યારે શું H3N2 વાઇરસની માંદગીથી ગભરાવાની જરૂર છે ખરી?

આ પ્રશ્નનો જવાબ આપતાં અમદાવાદના ફૅમિલી ફિઝિશિયન ડૉ. વિજય મૌર્ય જણાવે છે કે, “H3N2નો ચેપ હાલ ગુજરાતમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે છતાં હાલની ઘડીએ ગભરાવાની કોઈ આવશ્યકતા નથી.”

તેઓ ગુજરાતમાં ઘણાની માંદગીનું કારણ આ વાઇરસ વિશે વધુ સમજાવતાં કહે છે કે, “આ કોઈ નવો વાઇરસ નથી. ઇન્ફ્લુએન્ઝા વાઇરસનો વૅરિયન્ટ H3N2 માત્ર એટલા માટે ચિંતા જન્માવે એવું છે કારણ કે તેની ચેપ લગાડવાની ક્ષમતા વધુ છે, આ કારણે એક દર્દીમાંથી બીજી વ્યક્તિમાં આ વાઇરસ પ્રસરવાનું પ્રમાણ વધુ છે.”

ડૉ. મૌર્ય H3N2ના કારણે થઈ રહેલી માંદગી વિશે સમજાવતાં કહે છે કે, “અમારી પાસે આવેલા દર્દીઓમાં જે એક ચિંતાજનક બાબત દેખાઈ રહી છે, એ એ છે કે આ વાઇરસના અમુક ટકા દર્દીઓમાં દુર્ભાગ્યે ખાંસી અને ગળામાં રહેતી તકલીફ અમુક કિસ્સામાં લાંબા ગાળા સુધી ચાલી રહી છે. અહીં એ વાત નોંધનીય છે કે આ વાઇરસ જીવલેણ નથી. તેમ છતાં સાવચેતી જરૂરી છે.”

તેઓ જણાવે છે કે, “આ વાઇરસના દર્દીઓની સ્થિતિ વધુ ગંભીર નથી બની જતી. જેમ કે, દર્દીને પાછળથી વાઇરલ ન્યુમોનિયા થવાની કે ઑક્સિજન સેચ્યુરેશન ઘટી જવાની સ્થિતિ નથી સર્જાતી.”

ગ્રે લાઇન

H3N2નો વાઇરલ તાવ : કોણે ખાસ કાળજી રાખવી?

ગુજરાતમાં વાઇરલ તાવ H3N2

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાઇરલ તાવ H3N2થી વૃદ્ધોએ ખાસ સાવચેત રહેવાની જરૂર હોવાનું કહેવાઈ રહ્યું છે

અમદાવાદ ફૅમિલી ફિઝિશિયન્સ ઍસોસિયેન (એએફપીએ)ના પ્રમુખ ડૉ. કમલેશ નાઇક ગુજરાતમાં ફેલાઈ રહેલા H3N2 વાઇરલ ઇન્ફેક્શનથી સાવચેત રહેવાની સલાહ આપે છે.

તેઓ કહે છે કે, “આ વાઇરસથી ખાસ કરીને નાનાં બાળકો, વૃદ્ધો, ઓછી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો અને પહેલાંથી અન્ય રોગથી પીડિત હોય એવા લોકોએ ખાસ સાચવવાની જરૂર છે.”

“જો વધુ સ્પષ્ટપણે વાત કરીએ તો જેમને લિવર, ફેફસાંને લગતી બીમારી હોય, ડાયાબિટીસ હોય, પાચનતંત્રને લગતી સમસ્યાથી પીડાતી વ્યક્તિ હોય, નશાકારક દ્રવ્યો લેવાની ટેવવાળી વ્યક્તિ હોય તેમને વાઇરલ રોગોમાં સાજા થતા વાર લાગતી હોય છે. આવી તમામ વ્યક્તિઓએ આ વાઇરસથી સાવચેત રહેવાની જરૂર છે.”

પાછલા બે માસથી ગુજરાતમાં ચાલી રહેલા આ વાઇરસના કેસ હજુ સુધી જોવા મળી રહ્યા છે ત્યારે વાઇરસને લઈને સર્જાયેલી હાલની પરિસ્થિતિ અંગે નિષ્ણાતો શું કહે છે?

આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. કમલેશ નાઇક કહે છે કે, “અગાઉની સરખામણીએ હૉસ્પિટલોમાં ઓપીડીમાં દર્દીઓ આવવાનું પ્રમાણ દસ ટકા જેટલું ઘટ્યું છે. હજુ સુધી સામે આવી રહેલા કેસો પૈકી અમુક જ કેસો સામાન્ય સારવારથી ઠીક ન થાય તેવા મળી આવ્યા છે. મોટા ભાગના કિસ્સામાં લોકો ઘરે જ દવા લઈને ઠીક થઈ રહ્યા છે. અમુક કિસ્સામાં માંદગીનાં લક્ષણો લાંબા ગાળા સુધી પરેશાન કરી રહ્યા હોવા છતાં રાહત મળી જઈ રહી છે.”

બીબીસ ગુજરાતી

વાઇરલ તાવ H3N2થી બચવા શું કાળજી રાખવી?

વાઇરલ તાવ H3N2

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, H3N2ના દર્દી કઈ બાબતોનું ધ્યાન રાખવું?

ઇન્ફ્લુએન્ઝા વાઇરસના વૅરિયન્ટ H3N2 અંગેની માર્ગદર્શિકા અંગે વાત કરતાં ડૉ. મૌર્ય કહે છે કે, “H3N2નો કોઈ ચોક્કસ રિપોર્ટ કરાવવાની જરૂર હોતી નથી. દર્દીમાં જોવા મળી રહેલાં લક્ષણો પરથી જ આ વાઇરસનું નિદાન અને સારવાર ચાલુ થઈ જાય છે. જો કોઈ દર્દીને વાઇરસનાં લક્ષણો જોવા મળે અને શક્ય હોય તો તેણે 48થી 72 કલાક સુધી કામે, સ્કૂલે, કૉલેજે અને જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.”

“જ્યારે કોઈ વ્યક્તિ ઘરે રહે તો પણ તેને આઇસોલેશનની કોઈ જરૂર નથી. પરંતુ શક્ય હોય તો દર્દીએ પોતાના ઓરડામાં નાનાં બાળક કે અન્ય કોઈ વ્યક્તિ સાથે સૂવું ન જોઈએ.”

ડૉ. મૌર્ય આગળ જણાવે છે કે, “જ્યારે દર્દીને તાવ હોય ત્યારે તેણે બિલકુલ બહાર જવાનું ટાળવું જોઈએ કારણ કે એ સમયે વાઇરસ પીક ઉપર હોય છે. પરંતુ જ્યારે તાવ ઊતરે અને અન્ય લક્ષણો દેખાવાનું ચાલુ રહે તો વ્યક્તિ માસ્ક પહેરીને બહાર જઈ શકે છે.”

આ સિવાય ડૉ. મૌર્ય કાળજીના ઉપાયો સૂચવતાં કહે છે :

H3N2થી અને અન્ય માંદગીઓથી બચવા માટે આપણી ખાનપાનની આદતો સુધારાય એ જરૂરી છે

ખાસ કરીને બાળકો અને યુવાનોએ ઘરનું ભોજન લેવું અને કડકપણે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ટાળવું

ઉપરાંત ઘરે બનેલું જ ગરમ ભોજન લેવું જોઈએ

ખાટાં ફળો લેવામાં આવે તો ઍલર્જીથી રાહત મળી શકે છે

ઉપરાંત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ H3N2થી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી.

શું કરવું?

  • માસ્ક પહેરો
  • ભીડવાળાં સ્થળોએ જવાનું ટાળો
  • શરદી-ખાંસી સમયે મોઢું-નાક ઢાંકો
  • આંખ અને નાકને અડવાનું ટાળો
  • ભરપૂર માત્રામાં પ્રવાહી લો
  • કળતર અને તાવ માટે પૅરાસિટામોલ લો

શું ન કરવું?

  • કોઈ પણ પ્રકારનો શારીરિક સંપર્ક ટાળવો
  • જાહેર સ્થળોએ ન થૂંકશો
  • ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા ન લો, ઍન્ટિબાયૉટિક ન લેશો
  • ભોજન કરતી વખતે અન્યોની નજીક ન બેસશો
  • હૃદયરોગ, કૅન્સર અને અકાળે મૃત્યુનું જોખમ ઓછું કરવા કેટલું અને કેવી રીતે ચાલવું જોઈએ?
રેડ લાઇન
રેડ લાઇન