સુરતની સાડી પર આસામના પ્રતિબંધથી ઉદ્યોગ અને રોજગારીને કેટલો ફટકો?

સુરત ટેક્સટાઇલ

સુરતમાં બનતી સાડી પર આસામ સરકારે પ્રતિબંધ મૂકતાં ટૅક્સટાઇલ ઉદ્યોગમાં નુકસાનનો ભય વ્યાપી ગયો છે. એક રાજ્ય દ્વારા અન્ય રાજ્યની પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂક્યો હોય તેવી આ કદાચ પ્રથમ ઘટના છે.

આસામે 1 માર્ચથી સુરતમાં બનતી મેખલા સાદર નામની સાડી પર આસામમાં વેચાણ પ્રતિબંધ મૂક્યો છે.

આસામ સરકારના નિર્ણયથી સુરતના વેપારીઓને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

આસામ સરકારે હાલમાં જ સુરતમાં બનતી મેખલા સાડીની આયાત પર પ્રતિબંધ લાદી દીધો છે. આ નિર્ણયના કારણે સુરતના કાપડના વેપારીઓની ચિંતા વધી છે.

સુરતમાં 170 કાપડ બજારોમાં આશરે 65,000 કાપડની દુકાનો છે જે એક લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા શર્માએ ગયા મહિને હૅન્ડલૂમ અને ટેક્સ્ટાઇલ વિભાગને નિર્દેશ આપ્યા હતા કે પાવરલૂમમાં ઉત્પાદિત 'ગમોસા', 'મેખલા' અને અન્ય ઉત્પાદનો સામે કાર્યવાહી કરે, કેમ કે તેનાથી હૅન્ડલૂમ ઇન્ડસ્ટ્રીને મોટો ખતરો છે.

બીબીસી

શું છે સુરતની સાડીનો વિવાદ?

સુરત ટેક્સટાઇલ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આસામ સરકાર દ્વારા 1 માર્ચથી 14 એપ્રિલ સુધી ગુજરાતમાં પાવરલૂમ્સમાંથી બનતી મેખલા સાડી, ગામોસા, અરોનાઈ અને અન્ય પરંપરાગત રીતે હાથથી વણાયેલા કાપડના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. સુરતના કાપડના વેપારીઓનો દાવો છે કે પ્રતિબંધને પગલે આશરે 100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

સુરતના કાપડ વેપારીઓના એક એનજીઓ સાકેત ગ્રૂપ દ્વારા આસામ સરકારના પગલા વિરુદ્ધ ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલને રજૂઆત કરાઈ હતી. તેમણે આ મામલે હસ્તક્ષેપ કરવાની ખાતરી આપી છે.

પાટીલે કહ્યું હતું કે, “તેમણે આસામ સરકારને સ્ટૉક ખાલી કરવા માટે થોડો સમય આપવા વિનંતી કરી છે.”

વેપારીઓએ કહ્યું કે એક વાર મેખલા સાડીનો હાલનો સ્ટૉક પૂરો થશે, પછી તેઓ તેને ફરીથી બનાવશે નહીં.

4 માર્ચના રોજ ફેડરેશન ઑફ સુરત ટૅક્સટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશન (FOSTTA)ના સંઘે કેન્દ્રીય કાપડ અને રેલમંત્રી દર્શના જરદોશને મળ્યા હતા, જેથી સુરતમાંથી મેખલા સાદરોના તૈયાર સ્ટૉકને ખાલી કરવા માટે આગળનો રસ્તો શોધી શકાય.

FOSTTAના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, "તેમનો પ્રતિભાવ હકારાત્મક હતો. તેમણે અમને ખાતરી આપી હતી કે, તેઓ આસામ સરકાર સાથે વાત કરશે અને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે."

અગ્રવાલે જણાવ્યું હતું કે, "સુરતમાંથી બનેલી મેખલા સાડીની વધુ માગ છે, કારણ કે તે સસ્તી છે. 14મી એપ્રિલથી શરૂ થતા બિહુ ઉત્સવ પહેલાં વસ્ત્રોની ભારે માગ છે."

બીબીસી ગુજરાતી
  • સુરતમાં આશરે 350 જેટલી ટૅક્સટાઇલ ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો છે
  • ભારતમાં કાપડના કુલ ઉત્પાદનમાં એકલા સુરતનો હિસ્સો 40 ટકા છે
  • આસામના પરંપરાગત વણકરો સિલ્ક અને ખાદીનો ઉપયોગ કરે છે
  • સુરતમાં પૉલિસ્ટર, કૉટન, નાયલોન અને કોટા યાર્નનો ઉપયોગથી મેખલા સાડી બને છે
  • આસામ સરકારે સુરતની સાડી પર કેમ મૂક્યો પ્રતિબંધ?
બીબીસી ગુજરાતી

સુરતના વેપારીઓ શું કહે છે?

આશિષ ગુજરાતી

મેખલા સાડી આસામના પરંપરાગત પોશાકમાં સ્થાન ધરાવે છે. આસામ સિવાય સુરતમાં આ સાડીનું મોટા પાયે ઉત્પાદન થાય છે.

સુરતમાં લગભગ 5 હજારથી વધુ વેપારીઓ આ સાડીની નિકાસ કરે છે.

પાંડેસરા વિવર્સ કો-ઑપરેટિવ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, "મેખલા સાડી આસામમાં હેન્ડલૂમ પર બને છે, પરંતુ સુરતમાં વર્ષોથી આ સાડી બને છે. સુરતમાં આ સાડી સાદાલૂમ અને રેપિયરલૂમ પર પણ બને છે. આ પ્રતિબંધ ઇન્ટર સ્ટેટ બિઝનેસના સ્પિરિટના વિરુદ્ધ છે, આ પ્રતિબંધ આસામ સરકારે તાત્કાલિક હટાવવો જોઈએ."

આશિષ ગુજરાતીએ વધુમાં કહ્યું હતું કે અમારી પાસે 500-600 કરોડનો સ્ટૉક છે, આમાં દર મહિને 150-200 કરોડનો વેપાર થાય છે. આમાં 10થી 12 હજાર વિવિંગ મશીન હશે અને 5થી 6 હજાર જેટલા વેપારીઓ આમાં અસરગ્રસ્ત હશે.

વેપારી દર્શિત વઘાસિયા

વેપારી દર્શિત વઘાસિયાએ કહ્યું હતું કે, "હાલ અમારી મેઈન સિઝન હોય છે. આખા વર્ષની જે પણ કમાણી થાય છે, એ આ બે મહિનામાં જ થતી હોય છે, ત્યારે આસામ સરકારે તાત્કાલિક પ્રતિબંધ લાદી દીધો છે. તેથી બધા માલનો સ્ટૉક અમારી પાસે એમનેમ પડી રહ્યો છે."

"આસામ જતો માલ પણ રોકવામાં આવ્યો છે, તેથી ગોડાઉન ભરાયેલાં પડ્યાં છે. આખા ભારતમાં અમારે આ માલ વેચવો હોય તો આસામ સિવાય બીજી કોઈ જગ્યા જ નથી."

બીબીસી ગુજરાતી

આસામની સરકારે શું કહ્યું?

મેખલા સદર

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આસામ સરકારના પ્રવક્તા પિજુષ હજારિકાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા સ્થાનિક ઉત્પાદકોને સુરક્ષિત રાખવાની છે.

"અમારી પ્રાથમિકતા એ છે કે અમારે અમારા સ્થાનિક ઉત્પાદકો અને હેન્ડલૂમ પર કામ કરતી મહિલાઓનાં હિતોનું રક્ષણ કરવાની જરૂર છે. ગુજરાત સરકાર કંઈ કહે કે કરે તો જોઈશું. આ પાવરલૂમ ઑપરેટરો માત્ર મેખલા સાડી જ નહીં, પરંતુ આપણા પરંપરાગત ગામોસાનું પણ ઉત્પાદન કરે છે, જેનાથી ગુણવત્તા અને ગુણો સાથે સમાધાન કરાય છે, જે અમે નથી કરી શકતા."

આસામના હેન્ડલૂમ વણકરો દ્વારા પરંપરાગત રીતે બનાવેલી મેખલા સાડી રૂપિયા 3,000થી 4,000માં વેચાય છે. જોકે, સુરતના કાપડના વેપારીઓ દ્વારા પાવરલૂમ પર બનાવેલી મેખલા સાડી સસ્તી છે અને લગભગ રૂપિયા 500થી 600માં વેચાય છે.

બીબીસી ગુજરાતી

સુરતનો કાપડ ઉદ્યોગ કેટલો મોટો છે?

સુરત ટેક્સટાઇલ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હીરા અને કાપડના પ્રોસેસિંગ માટે દુનિયાભરમાં જાણીતું સુરત ભારતનાં મહત્ત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોમાં ગણાય છે, જે લાખો લોકોને રોજગારી આપે છે.

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઍસોસિયેશનના અનુસાર, સુરતમાં આશરે 350 જેટલી ટેક્સટાઇલ ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો છે.

કાપડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે એક રોજગારલક્ષી ઉદ્યોગ છે, જે કૃષિ પછી બીજા સ્થાને છે.

પાવરલૂમ સૅક્ટર લગભગ 6 લાખ લોકોને રોજગાર આપે છે. એ જ રીતે પ્રોસેસિંગ ઉદ્યોગ લગભગ પાંચ લાખ લોકોને રોજગાર આપે છે.

આ ઉપરાંત લાખો લોકો વેપાર, પરિવહન, કટિંગ, પૅકિંગ અને આનુષંગિક ઉદ્યોગો જેવા કે રંગ ઉત્પાદન, રંગ-રસાયણો, ટેક્સટાઇલ ઇજનેરી વગેરેમાં સંકળાયેલા છે.

સુરત અને આસપાસના વિસ્તારોમાં આવેલા લગભગ 350 જેટલા ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમો પંડેસરા, સચીન, કડોદરા અને પલાસણામાં પથરાયેલા છે. સુરતનો કાપડ ઉદ્યોગ લાખો પરપ્રાંતીય મજૂરોને રોજગારી આપે છે.

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઍસોસિયેશનના પ્રમુખ જિતેન્દ્ર વખારિયા અનુસાર, સુરતમાં દરરોજ ચાર કરોડ મીટરથી વધુ કાપડનું ઉત્પાદન થાય છે, જે ડાઈંગ, બ્લીચિંગ, પ્રિન્ટિંગ અને ફિનશિંગની વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. મોટા ભાગનાં એકમો જોબ વર્ક આધારિત ગ્રે ફેબ્રિકનું ઉત્પાદન કરે છે.

ભારતમાં કાપડના કુલ ઉત્પાદનમાં એકલા સુરતનો હિસ્સો 40 ટકા છે. સુરતમાંથી રૂપિયા 500 કરોડથી વધુના કાપડની નિકાસ થાય છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી