You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તમારા સંતાનને સ્કૂલમાં બીજાં બાળકોની દાદાગીરીથી કેવી રીતે બચાવશો?
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્ષ 2022માં દિલ્હી પાસેના ફરીદાબાદમાં એક વિદ્યાર્થીની આત્મહત્યાના મામલાએ તમામને ચોંકાવી દીધા હતા.
આ બાળકનાં માતા આરતી મલ્હોત્રાએ ત્યારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના બાળકોનું જેન્ડરના મામલે બુલિંગ કરવામાં આવતું હતું. એટલે કે બાળકને લિંગભેદનો સામનો કરવો પડ્યો હતો અને તેને અન્યો દ્વારા માનસિક ત્રાસ તથા દમદાટી આપી ડરાવવામાં આવતું હતું.
આપણી આસપાસ સ્કૂલ અથવા કૉલેજોમાં બુલિંગ (દાદાગીરી)ના મામલા પ્રકાશમાં આવતા જ રહે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારના માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય (શિક્ષણ મંત્રાલય)એ પણ સીબીએસઈ (સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન)ને બુલિંગ રોકવા માટે કડક કાર્યવાહી કરવા અને બુલિંગના દોષિત વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવા સુધીનું સૂચન કર્યું હતું.
આ મામલાના નિષ્ણાતોનું માનવું છે કે દાદાગીરી (બુલિંગ) બાળકોના મગજ અને મન પર ગંભીર અસર કરે છે અને યુવા વય સુધી તેની છાપ તેમના પર રહેતી હોય છે.
વિશ્વની નામાંકિત હસ્તીઓએ પણ તેમના જીવનમાં તેનો સામનો કરવો પડ્યો છે અને તેઓ સેલિબ્રિટી બન્યા બાદ પણ એ કડવી યાદોને ભૂલાવી નથી શક્યા.
બુલિંગ વિશે અમેરિકી ગાયિકા લેડી ગાગા, કૅનેડાના ગાયક શૉન મેન્ડેસ, અમેરિકી અભિનેતા બ્લૅક લિવલી, અમેરિકી અભિનેત્રી કરેન એલન, બ્રિટિશ રાજકુમારી કૅટ મિડલટન, અમેરિકી ફિલ્મ નિર્દેશક માઇક નિકોલસ અને અમેરિકી રૅપર એમિનેમ પણ આ વિશે વાત કરી ચૂક્યા છે.
આ તમામ સેલિબ્રિટીઝે પોતાની સાથે સ્કૂલના દિવસોમાં થયેલી દાદાગીરી (બુલિંગ)ની વાત જાહેર મંચો પર કહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ તેમણે એ વાત પણ કહી કે સ્કૂલના દિવસોમાં થયેલી દાદાગીરી બાદ તેમના જીવન પર કેવી અસર થઈ.
બુલિંગ માનસિક અને શારીરિક અસરો પર ઘણાં સંશોધન થયાં છે.
કિંગ્સ કૉલેજ લંડનમાં ડેવલપમેન્ટ સાઇકૉલૉજીના પ્રોફેસર લુઈસ આર્સેનાલ્ટનું કહેવું છે કે, "લોકોનું કહેવું હતું કે બુલિંગ એક સામાન્ય વ્યવહાર છે અને સારું પણ છે કેમ કે તે તમારા ચરિત્ર નિર્માણમાં મદદ કરે છે પરંતુ સંશોધનકર્તાઓને એ સમજવામાં લાંબો સમય લાગ્યો કે બુલિંગ એક એવું વર્તન છે જે નુકસાનકારક થઈ શકે છે."
સાથે જ તેઓ કહે છે, "પહેલાં તો આપણે માનતાં જ નહોતા કે બુલિંગ કોઈ બીમારી છે. આપણને એ વાત સમજવામાં ઘણો લાંબો સમય લાગ્યો કે આવી દાદાગીરીના કારણે લોકો બીમાર થઈ રહ્યા છે અને બુલિંગની આદત પણ એક રીતે માનસિક સમસ્યા જ છે."
સંશોધન શું કહે છે?
તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે બુલિંગ લોકોને માનસિક અને શારીરિક રીતે બીમાર કરી શકે છે.
બાળપણમાં બુલિંગનો શિકાર થયેલા કેટલાય લોકો પોતાની પ્રૌઢાવસ્થામાં પણ આ કારણે સ્વસ્થ અનુભવ નથી કરતા. તેમને ઇલાજ માટે તબીબ પાસે જવું પડે છે.
પ્રોફેસર લૂઈસ આર્સેનાલ્ટે પોતાના સંશોધનમાં જોયું કે તેનાથી બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.
તેઓ જણાવે છે કે 7-12 વર્ષની ઉંમરમાં બુલિંગનો શિકાર બનેલાં બાળકોમાં આ અસર તેમની વયનાં 45 વર્ષો સુધી યથાવત રહી શકે છે.
હાવર્ડ રિવ્યૂ ઑફ સાઇકિયાટ્રીમાં પ્રકાશિત તેમના શોધ નિબંધમાં કેટલાંક ઉદાહરણો સાથે બુલિંગના જોખમોની વ્યાખ્યા કરવામાં આવી છે.
તેમણે લખ્યું કે બાળપણમાં થયેલા બુલિંગનો પ્રભાવ દાયકાઓ સુધી રહે છે. આનાથી લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. એટલે કે નાનપણમાં બાળક સાથે થયલી દાદાગીરીની અસર મોટા થયા બાદ પણ જોવા મળે છે.
તેનાથી પૅનિક ડિસઑર્ડર પણ થઈ શકે છે. કેટલાક લોકો પછીના દિવસોમાં પણ મિત્ર નથી બનાવી શકતા અને તેમણે બીજા પર ભરોસો કરવામાં મુશ્કેલી થાય છે.
તેની અસર તેમની શૈક્ષણિક સિદ્ધીઓ પર પણ પડે છે અને તેના કારણે તેમણે પછીના જીવનમાં પરેશાનીનો પણ સામનો કરવો પડે છે.
આરતી મલ્હોત્રાએ પણ પોતાના બાળક આર્વે વિશે જણાવ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતો અને તેનો ઇલાજ પણ ચાલી રહ્યો હતો.
પરંતુ સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેણે આત્મહત્યા કરવાનું પગલું ભરવું પડ્યું.
પરંતુ જો કોઈ યુવતીને બાળપણમાં દાદાગીરીનો સામનો કરવો પડે છે તો, આ સંશોધન અનુસાર તેને યુવવસ્થામાં ગભરાટ અથવા એના સંબંધિત બીમારી થવાની શંકા 27 ગણી વધુ હોય છે જ્યારે પુરુષોમાં આ સરેરાશ 18 ગણી હોય છે.
મનોવૈજ્ઞાનિકની સલાહ
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રીમાં ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. સંજય મુંડા કહે છે કે સ્કૂલમાં થતી દાદાગીરીને ઘણા લોકો અવગણે છે, જે તદ્દન અયોગ્ય છે.
ડૉ. સંજય મુંડા બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "સ્કૂલમાં દાદાગીરીનો શિકાર બનેલાં બાળકો આખીય જિંદગી એ વાતો નથી ભૂલી શકતાં. તેઓ હંમેશાં શંકામાં જ જીવે છે."
તેઓ આ વિશે વાલીઓને સલાહ આપતા કહે છે, "જો બાળક આવી કોઈ સમસ્યા સાથે તેમની પાસે આવે છે, તો તેમણે આ વિશે સ્પષ્ટ ખૂલીને વાત કરવી જોઈએ. જો તેઓ બાળકોના વ્યવહારમાં બદલાવ જુએ તો તેને ફગાવી ન દેવાય."
ડૉ. સંજય જણાવે છે કે જો માતા-પિતા આ વિશે સચેત રહે છે, તો સમય જતાં બુલિંગની અસરોને ઘટાડવામાં સરળતા રહેશે.
ડૉ. મુંડા માને છે કે બુલિંગને લઈને ભારતમાં હજુ પણ એટલી જાગરૂકતા નથી.
તેઓ એક મામલો જણાવતા કહે છે કે હાલમાં જ તેમની પાસે એક 11 વર્ષના બાળકનો કેસ આવ્યો હતો.
તે બાળકને તેના મિત્રો પરેશાન કરતા હતા આથી તે સ્કૂલ નહોતો જવા માગતો પરંતુ તેનું કાઉન્સેલિંગ કર્યાં બાદ હવે તે પહેલાંની જેમ જ સ્કૂલ જાય છે.
એવામાં વાલીઓએ ગભરવાની જગ્યાએ મનોવૈજ્ઞાનિકોની સલાહ લેવી જોઈએ.
દાદાગીરીને રોકવા બાબતનો કાયદો
ભારતમાં બુલિંગની રોકથામ માટે અલગથી કોઈ કાયદો નથી. વરિષ્ઠ વકીલ દીપક ભારતી કહે છે કે બુલિંગ માટે કોઈ વિશેષ કાયદો નથી પરંતુ આઈપીસીની કેટલીક જોગવાઈઓ દ્વારા એની સાથે ડીલ કરી શકાય છે.
તેઓ કહે છે, "જો બુલિંગના કારણે કોઈએ આત્મહત્યા કરી લીધી તો, તેની સાથે બદમાશી કરાનારા સામે હત્યા માટે ઉશ્કેરવાનો મામલો (આઈપીસીની જોગવાઈ 306) દાખલ કરાવી શકાય છે. તેમાં દોષ પુરવાર થવા પર ઉમરકેદ સુધીની સજાની પણ જોગવાઈ છે."
"વાત જો મારપીટ, ગાળાગાળી અથવા શારીરિક હાનિ પહોંચાડવાની હોય તો, એ માટે પણ ભારતી દંડ સંહિતામાં જોગવાઈ કરવામાં આવેલી છે. આથી એ સમજવું કે બુલિંગ કરીને કોઈ બચી જશે, તો એ ખોટું છે. તેને કાનૂન મુજબ સજા થશે જ."
વાલીઓ કઈ રીતે મદદ કરી શકે?
દક્ષિણ કૅરોલિના (અમેરિકાના ક્લેમસન વિશ્વવિદ્યાલય)માં ડેવલપમેન્ટ સાઇકોલૉજીના પ્રોફેસર સુશાન લિંબર કહેે છે કે બાળકોનાં માતાપિતાએ આવા મામલા સામે આવાવની રાહ ન જોવી જોઈએ.
તેમના અનુસાર વાલીઓ ખુદ પહેલ કરીને પોતાનાં બાળકો સાથે વાત કરે અને જાણવાની કોશિશ કરે કે તેમના મિત્રો તરફથી તેમને પરેશાન કરવામાં આવે છે કે કેમ?
તેઓ કહે છે, "વયસ્કોએ બાળકોની ચિંતાઓને ગંભીરતાથી લેવી જોઈએ. ભલે તે પ્રથમદૃષ્ટિમાં નાની લાગી. સારી રીતે તેમને સાંભળો અને સાંભળતા સમયે પોતાની ભાવનાઓ પર નિયંત્રણ રાખો."
"શક્ય હોય તો, આ મામલે સ્કૂલ સાથે પણ વાતચીત શરૂ કરવી જોઈએ. જેથી બાળક સુરક્ષિત અનુભવી શકે."