'બાળકના નાકમાં બે વર્ષથી રમકડાંની ત્રણ બૅટરી ફસાઈ હતી', કેવી રીતે કાઢી?

બાળકોને જ્યારે રમવા માટે બેટરી સંચાલિત રમકડાં આપો ત્યારે તેમનું ખૂબ ધ્યાન રાખવાની જરૂરિયાત હોવાનું તારણ કાઢતી ઘટના સામે આવી છે. સાત વર્ષનાં બાળક રાજેશના નાકમાં બે વર્ષથી રમકડાંમાં વપરાતી 3 બૅટરીના સેલ ફસાયેલા હતા.

રાજેશના મિત્રોએ તેની સાથે રમવાનું બંધ કરી દીધું હતું. તેના મિત્રોએ તેને પોતાના ગ્રૂપમાંથી બહાર કાઢી મૂક્યો હતો. આનું કારણ પણ તેના નાકમાં ફસાયેલી બૅટરીને કારણે તેના નાકમાંથી સતત આવતી દુર્ગંધ હતી.

આ પ્રકારની ઘટનાઓની બાળકના મગજ પર ઊંડી અસર થતી હોય છે.

પરંતુ જ્યારે તેના નાકમાં ફસાયેલી બૅટરીઓને કાઢી નાખવામાં આવી તો તે તેના મિત્રો સાથે તે રમી શકતો હતો. કલ્લાકુરીના સરકારી ડૉક્ટરોએ રાજેશનું ઑપરેશન કરીને તેના નાકમાંથી ત્રણ બૅટરી કાઢી.

તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લાના કાચીમૈલુર ગામના દંપતિ વિશ્વનાથન અને સૂર્યાનો દીકરો રાજેશ બીજા ધોરણમાં અભ્યાસ કરે છે.

રાજેશનાં માતા સૂર્યા કહે છે, ‘અમે મજૂરી કરીએ છીએ. મારો દીકરો બે વર્ષથી આ સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. છેવટે તેની સમસ્યાનો અંત આવ્યો.’

બે વર્ષથી શ્વાસ લેવામાં તકલીફ

સૂર્યા કહે છે, "મારો દીકરો હંમેશાં તેની ઉંમરનાં બાળકોની સાથે રમતો હતો. છેલ્લાં બે વર્ષથી તે નાકમાંથી લોહી નીકળવાની ફરિયાદ કરતો હતો. એના માટે અમે તેને સ્થાનિક ડૉક્ટર પાસે લઈ ગયા. જેમણે નાકમાં નાખવાનાં ટીપાં અને દવાઓ આપી."

"પરંતુ કંઈ પણ કર્યા બાદ પણ તેનું દુ:ખ ઓછું ના થયું. ખાસ કરીને ચોમાસામાં તેની તકલીફ વધી રહી હતી અને તેને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડી રહી હતી."

"સંસાધનોની અછતના કારણે હૉસ્પિટલ તેને વારંવાર લઈ જવો એ સંભવ નહોતું. અમે પણ એમ વિચારીને તેની સમસ્યાને નજરઅંદાજ કરી દીધી કે દુખાવો થોડાક દિવસમાં ઠીક થઈ જશે."

પરંતુ હવે રાજેશના મિત્રોએ તેની સાથે રમવાનું બંધ કરી દીધું. બાદમાં શાળામાં તેની સાથે બેસતા મિત્રોએ બેસવાનું બંધ કરી દીધું.

સૂર્યાએ કહે છે, "રાજેશ દરરોજ રડતાં રડતાં અમારી પાસે આવતો હતો અને અમને આ વિશે કહેતો હતો. એકદિવસ તેના સ્કૂલ ટીચરે મને તેની શાળામાં મળવા માટે બોલાવી."

સૂર્યા કહે છે, "શિક્ષકોએ અમને કહ્યું કે રાજેશના નાકમાંથી ગંધ આવે છે અને બીજા વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેના નાકમાંથી હંમેશાં પરૂ બહાર આવે છે."

"એટલા માટે શિક્ષકે અમને તેની પર ધ્યાન આપવાની સલાહ આપી. તેમણે એમ પણ કહ્યું કે આની તેના ભવિષ્ય પર અસર થશે."

"આ પછી, અમે તરત અમારા ગામ પાસેની એક હૉસ્પિટલમાં ગયા. પરંતુ ત્યાં પણ તેમણે મને નાકમાં નાખવાનાં ટીપાં અને ગોળીઓ આપી."

"અમારી સ્થિતિ જોઈને કલ્લાકુરીના અમારા એક સંબંધીએ અમને ત્યાંની સરકારી હૉસ્પિટલમાં જવાની સલાહ આપી."

હવે રાજેશના માતાની શંકા વધી ગઈ હતી. એટલા માટે તેઓ બાળકને કલ્લાકુરિચીની સરકારી હૉસ્પિટલમાં ડૉ. ગણેશ રાજાની પાસે લઈ ગયા.

સૂર્યા કહે છે, "ડૉ. ગણેશ રાજાએ રાજેશના જીવનની ઘટનાઓ વિશે વિસ્તારથી જાણકારી મેળવી."

બે વર્ષ પહેલાં નાકમાં ઈજા પહોંચી હતી

બે વર્ષ પહેલાં, રાજેશે તેના માતાપિતાને કહ્યું હતું કે રમતી વખતે તેણે પોતાના નાકમાં લાકડી નાખી છે અને તેમણે તેને નજરઅંદાજ કર્યું કારણ કે દવાથી તેને સારું લાગતું હતું.

આ પછી તેમણે વિવિધ ડૉક્ટરોનો સંપર્ક કર્યો અને કહ્યું કે બાળકના નાકમાં દુખાવો થાય છે. તેના માતાપિતાએ કહ્યું કે હવે તેને શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી છે અને તે માત્ર એક નાકથી શ્વાસ લઈ રહ્યો છે.

રાજેશની આગળની તપાસ માટે ડૉક્ટરે તેમને રાજેશને કલ્લાકુરી સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવા માટે કહ્યું.

"અમે ડૉક્ટરોની વાત માની અને બાળકને હૉસ્પિટલમાં ભરતી કરાવ્યું."

"સીટી સ્કૅનથી ખબર પડી કે બાળકના નાકમાં એક રહસ્યમય વસ્તુ ઘુસેલી છે."

કલ્લાકુરી સરકારી મેડિકલ કૉલેજમાં સહાયક પ્રોફેસર ડૉ. વાસવીએ રાજેશના કેસ વિશે બીબીસીને કહ્યું, "જ્યારે તેમણે અને તેમની ટીમે રાજેશના નાકની તપાસ કરી, તો ઍન્ડોસ્કૉપીમાં ખ્યાલ આવ્યો કે તેના નાકની અંદર કાળી વસ્તુ ફસાયેલી છે."

"પરંતુ તે નાનો હોવાના કારણે, ઍન્ડોસ્કૉપનો સંપૂર્ણ ઉપયોગ ન કરી શકાયો. અમે તરત જ સીટી સ્કૅનથી તપાસ કરી. ત્યારે અમને વિશ્વાસ આવ્યો કે ચોક્કસ આમાં કોઈ રહસ્યમય પદાર્થ છે."

કલ્લાકુરી સરકારી હૉસ્પિટલનાં પ્રિન્સિપાલ ઉષાએ કહ્યું, "જેવી અમને ખબર પડી કે નાકમાં કંઈક ફસાયેલું છે તો અમે તરત જ ઍનેસ્થેટિસ્ટ, કાન, નાક, ગળાના (ઈએનટી) નિષ્ણાત ડૉક્ટરને સાથે રાખીને સર્જરી કરવાનો નિર્ણય કર્યો."

તેમણે વધુમાં કહ્યું, "અમે પહેલાં બાળકનો ઇલાજ કરવાનો નિર્ણય કર્યો અને એની પર ધ્યાન આપ્યું કે નાકમાંથી ગંધ કેવી રીતે આવે છે જેથી તેનો સંપૂર્ણ ઇલાજ કરી શકાય."

બાળકના નાકમાં ત્રણ બૅટરી ફસાઈ હતી

આ પછી બાળકના નાકમાં ફસાયેલી વસ્તુ કાઢવા માટે સર્જરી કરવાનો નિર્ણય કર્યો.

સહાયક પ્રોફેસર ડૉ. વાસવી કહે છે, "જ્યારે અમે સર્જરી કરી તો એક રહસ્યમય કાળો પદાર્થ નીકળ્યો. તે રમકડાંમાં વપરાતી એક નાની બૅટરી હતી."

"સર્જરી સુધી, પહોંચ્યા ત્યાં સુધી અમને એમ લાગતું હતું કે નાકમાં કંઈક રહસ્યમય વસ્તુ હતી."

ડૉ. ઉષાએ કહ્યું, "પરંતુ જ્યારે આ બૅટરીને બહાર કાઢી તો ખ્યાલ આવ્યો કે રમકડાંમાં ત્રણ બહુ નાની બૅટરીનો ઉપયોગ થયો છે."

"માતા-પિતાને ખ્યાલ જ નહોતો કે બાળકના નાકમાં રમકડાંની નાની બૅટરીઓ ફસાઈ ગઈ છે. કારણ કે બાળકે એમ જ કહ્યું હતું કે રમતી વખતે તેના નાકમાં લાકડી વાગી ગઈ હતી."

કલ્લાકુરીની સરકારી મેડિકલ કૉલેજના પ્રિન્સિપલ ઉષાએ કહ્યું કે બૅટરી કાઢવા માટેની સર્જરી બાદ રાજેશને જરૂરી મેડિકલ ટ્રીટમૅન્ટ આપીને હૉસ્પિટલમાંથી રજા અપાઈ.

રાજેશ કહે છે, "એક વખત રમતી વખતે મેં રમકડાંની બૅટરી કાઢી લીધી હતી અને મેં તે કેવી રીતે નાકમાં નાખી એ મને યાદ નથી પરંતુ તેને કાઢવા માટે લાકડી નાકમાં નાખી તે યાદ છે."

બાળકો પર નજર રાખવાની જરૂરિયાત છે

સહાયક પ્રોફેસર તરીકે કામ કરતા ડૉ. વાસવી કહે છે, "જો માતા-પિતા સાવધાન રહેતો આવી ઘટનાઓથી બચી શકાય છે."

રાજેશનું ઑપરેશન કરનારી ટીમમાં સામેલ બાળરોગ નિષ્ણાત સેન્થિલ રાજા કહે છે, "છ મહિનાથી ત્રણ વર્ષ સુધીનાં બાળકો નાની વસ્તુઓને ગળી જાય તેવું ઘણી વખત બનતું હોય છે."

"ખાસ કરીને શર્ટનાં બટન, સોય, રમકડાંની નાની બૅટરીઓ, હાર અથવા પથ્થર બાળકો સરળતાથી પકડે છે."

બાળકોને પોતાના મોં, કાન અને નાકમાં વસ્તુઓ નાખવાની આદત હોય છે. એટલા માટે સેન્થિલ રાજા કહે છે, "માતાપિતાએ પોતાનાં બાળકો પર સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ."

હાલના સમયમાં બાળકો પાંચ વર્ષનાં થાય ત્યાં સુધી તેમની પર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે બાળકોને રમકડાંની સાથે રમવાની જગ્યાએ તેમને તોડવામાં રસ વધારે હોય છે.

એટલા માટે તેમની સલાહ છે કે આ ઉંમરના બાળકોને ઇલેક્ટ્રોનિક રમકડાં ન આપીએ એ શ્રેષ્ઠ છે.

"બાળકો જો પોતાના કાન અથવા નાકમાં કોઈ નાની વસ્તુ નાખે છે તો દુખાવાના કારણે રડવા લાગે છે. તેવા સમયે દુખાવાને નજરઅંદાજ ન કરવો જોઈએ. તેની તપાસ કરાવવી જોઈએ."

"જો નાકમાં કંઈ નાખી દેવામાં આવે તો તાવ આવી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પરંતુ જો કોઈ વસ્તુ મોંમાં નાખે છે તો તે શ્વસન નળીમાં જઈ શકે છે. આનાથી ન્યુમોનિયા, વારંવાર ઉધરસ, તાવ અને શરદી થઈ શકે છે."

બાળરોગોના નિષ્ણાત સેન્થિલ રાજા કહે છે, "બાળકોમાં એવાં લક્ષણ જોવા મળે તો તરત જ તેમને બાળરોગોના નિષ્ણાત ડૉક્ટરની પાસે સારવાર માટે લઈ જવા જોઈએ."

માતાપિતાએ બાળકોને થતા દુખાવા બાબતે સાવધાનીપૂર્વક ધ્યાન આપવું જોઈએ

ડૉ. સેન્થિલ રાજા કહે છે, "જો બાળકો સારી રીતે રમતાં રમતાં અચાનક રડવાં લાગે તો તાવ અથવા અન્ય કોઈ સમસ્યા હોય છે. તે માતાપિતાએ તેમના દુખાવા પર સાવધાનીપૂર્વક ધ્યાન આપવું જોઈએ. કારણ કે રમતી વખતે સમય બિનજરૂરી વસ્તુઓ ગળી જવાના કારણે આવી સમસ્યાઓ થઈ શકે છે."

એટલા માટે તે કહે છે કે બાળકો લાકડાનાં રમકડાંથી રમે તે સૌથી સારું છે.

આ બધાની વચ્ચે સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ રાજેશ તેના માતાપિતા સમક્ષ હૉસ્પિટલથી જલદી ઘરે લઈ જવાની જીદ કરી રહ્યો હતો.

રાજેશ જે બે વર્ષથી બીજા બાળકોની સાથે રમી શક્યો ન હતો, તે હવે બીજા બાળકોની સાથે દિલથી રમવા માગતો હતો. તેનો ઉત્સાહ તેના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતો હતો.