બ્રિજભૂષણ શરણસિંહની સામે આરોપ ઘડાતા મહિલા પહેલવાનોએ કહ્યું- જીત તરફ એક ડગલું

મહિલા પહેલવાનો

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહની સામે દિલ્હીની કોર્ટે આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે.

બ્રિજભૂષણ શરણસિંહ સામે યૌન ઉત્પીડનના કેસમાં આરોપ ઘડાતા આંદોલન કરનાર મહિલા પહેલવાનોએ નિવેદન જાહેર કર્યું છે.

મહિલા પહેલવાનોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણસિંહની સામે આરોપ ઘડાવા એ જીત તરફનું એક પગલું છે.

છ મહિલા મહિલા તરફથી દાખલ કરેલા યૌન ઉત્પીડનના કેસમાં દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે આઈપીસીની કલમ 354 (મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર) અને 354એ (યૌન ઉત્પીડન) અને કલમ 506 (ગુનાહિત ધમકી) હેઠળ આરોપ ઘડાયા છે.

કોર્ટે બ્રિજભૂષણ શરણસિંહ સહિત કુસ્તી સંઘના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમર સામે પણ આરોપ ઘડ્યા છે.

કોર્ટે કહ્યું કે તેને બ્રિજભૂષણ શરણસિંહ સામે આઈપીસીની કલમ 354 (મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર) અને 354એ (યૌન ઉત્પીડન) અને કલમ 506 (ગુનાહિત ધમકી)ના પૂરતા પુરાવ મળ્યા છે.

તોમર સામે આઈપીસીની કલમ 506 હેઠળ આરોપ ઘડાયા છે.

પહેલવાનોએ શું કહ્યું?

પહેલવાનોએ બ્રિજભૂષણ પર મહિલા પહેલવાનોના યૌનશોષણનો આરોપ મૂકીને દિલ્હીમાં અનેક મહિલા સુધી ધરણાં કર્યાં હતાં

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગત વર્ષે સાક્ષી મલિક, વીનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સમેત અનેક પહેલવાનોએ બ્રિજભૂષણ પર મહિલા પહેલવાનોના યૌનશોષણનો આરોપ મૂકીને દિલ્હીમાં અનેક મહિલા સુધી ધરણાં કર્યાં હતાં.

પીડિતોનો આરોપ છે કે મહિલા પહેલવાનો સાથે યૌનપીડનની ઘટનાઓ 2016થી 2019 દરમિયાન રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાની ઑફિસ, બ્રિજભૂષણ શરણસિંહના આવાસ અને વિદેશમાં થઈ.

આરોપ ઘડાતી વખતે કોર્ટની કાર્યવાહી દરમિયાન બ્રિજભૂષણ તરફથી કહેવાયું કે તેમની સામે આરોપ ખોટા છે અને કોઈના ઈશારે ચાલી રહ્યું છે.

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર, કોર્ટે આગામી સુનાવણીની તારીખ 21 મે નક્કી કરી છે. કહેવાઈ રહ્યું છે કે આ દિવસે બ્રિજભૂષણ શરણસિંહ અને તોમર બંને કોર્ટમાં હાજર થશે.

ઑલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને વીનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ આ નિવેદન શૅર કર્યું છે. તેમાં કહેવાયું કે "બ્રિજભૂષણ શરણસિંહ સામે યૌન ઉત્પીડનના કેસમાં આરોપ ઘડાતા મહિલા પહેલવાન ખુશ છે."

"આ મહિલા પહેલવાનો સામે યૌન અપરાધોના મુખ્ય અપરાધી વિરુદ્ધ ચાલતા અમારા 18 મહિનાના આંદોલનમાં એક મોટો પડાવ છે. આ આંદોલન જાન્યુઆરી 2023માં શરૂ થયું અને હજુ પણ ચાલુ છે."

"અમને ન્યાયપાલિકા પર પૂરો ભરોસો અને અમે નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયની આશા રાખીએ છીએ.

તો ઑલિમ્પિક મેડલ વિજેતા પહેલવાન બજરંગ પુનિયાએ કહ્યું કે બ્રિજભૂષણ સામે આરોપ ઘડાઈ ગયા છે. માનનીય કોર્ટનો આભાર.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે "મહિલા પહેલવાનોના સંઘર્ષની મોટી જીત છે. દેશની દીકરીઓને આટલા કઠિન સમયમાંથી પસાર થવું પડ્યું, આ નિર્ણય અમારા માટે રાહત છે. જે લોકોએ મહિલા પહેલવાનોને ટ્રોલ કરી હતી એ લોકોને શરમ આવવી જોઈએ."

બ્રિજભૂષણ શરણસિંહ કોણ છે?

બ્રિજભૂષણ શરણસિંહ

ઇમેજ સ્રોત, ANI

બ્રિજભૂષણ શરણસિંહ ઉત્તરપ્રદેશના પૂર્વાંચલના કદાવર નેતા ગણાય છે. તેઓ ગોંડા, બલરામપુર અને કૈસરગંજથી સાંસદ રહી ચૂક્યા છે. તેઓ છ વાર લોકસભા ચૂંટણી જીત્યા છે, પણ આ વખતે ભાજપે તેમની જગ્યાએ તેમના પુત્રને કૈસરગંજથી ટિકિટ આપી છે.

વિદ્યાર્થીકાળથી જ રાજકીય રીતે અત્યંત સક્રિય રહેલા બ્રિજભૂષણ શરણસિંહની યુવાવસ્થા અયોધ્યાના અખાડાઓમાં પસાર થઈ છે. પહેલવાન તરીકે તેઓ ખુદને ‘શક્તિશાળી’ કહે છે.

તેઓ કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ત્યાંથી તેમનું સક્રિય રાજકીય જીવન શરૂ થયું હતું.

તેઓ 1988માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 1991માં રેકૉર્ડ સરસાઈથી જીતીને પહેલી વાર સાંસદ બન્યા હતા. એ પછી 1999, 2004, 2009, 2014 અને 2019માં પણ લોકસભા માટે ચૂંટાઈ આવ્યા હતા.

ભાજપ સાથે મતભેદને કારણે તેમણે પક્ષ છોડી દીધો હતો અને 2009ની લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પક્ષની ટિકિટ પર કૈસરગંજથી ચૂંટાઈ આવ્યા હતા.

એ પછી 2014ની લોકસભા ચૂંટણી પહેલાં ફરી ભાજપમાં જોડાયા હતા. એ પછીનાં વર્ષોમાં ગોંડા ઉપરાંત બલરામપુર, અયોધ્યા તથા તેની આસપાસના જિલ્લાઓમાં બ્રિજભૂષણસિંહનો પ્રભાવ સતત વધતો રહ્યો છે અને 1999 પછી એક પણ ચૂંટણી હાર્યા નથી.

બ્રિજભૂષણ શરણસિંહના પુત્ર પ્રતીક ભૂષણ પણ રાજકારણી છે અને ગોંડાથી ભાજપના ધારાસભ્ય છે.

બ્રિજભૂષણ શરણસિંહ 2011થી જ કુસ્તી મહાસંઘના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2019માં તેઓ મહાસંઘના અધ્યક્ષ તરીકે ત્રીજી વાર ચૂંટાયા હતા.

તે પછીનાં વર્ષોમાં બ્રિજભૂષણ શરણસિંહનું પ્રભુત્વ ગોંડાની સાથે-સાથે બલરામપુર, અયોધ્યા અને આસપાસના જિલ્લામાં વધતું ગયું.

તેમના પર ભૂતકાળમાં હત્યા, આગચંપી અને તોડફોડના પણ આરોપ છે. તાજેતરમાં જ ઝારખંડમાં અંડર-19 નેશનલ રેસલિંગ ચૅમ્પિયનશિપ દરમિયાન તેમણે સ્ટેજ પર જ એક રેસલરને થપ્પડ મારી હતી.

બીબીસી