2022માં આમિર, અક્ષય, રણબીર અને રણવીર ફ્લોપ રહ્યા તો હિટ કોણ રહ્યું?

બોલીવૂડ

ઇમેજ સ્રોત, UNIVERSAL PR /ZEE STUDIOS/ GETTY IMAGES

    • લેેખક, મધુ પાલ
    • પદ, બીબીસી માટે, મુંબઈથી
બીબીસી ગુજરાતી
  • આમિર 'લાલસિંહ ચઢ્ઢા' એ માત્ર 60 કરોડની કમાણી કરી હતી, જે આમિર ખાનના ફિલ્મી કરિયરની અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી હતી
  • અક્ષયકુમારની સતત ચાર મોટી ફિલ્મો ફ્લૉપ થઈ હતી, 'બચ્ચન પાંડે', 'પૃથ્વીરાજ', 'રક્ષાબંધન' અને 'રામસેતુ'
  • 'હીરોપંતી-2' દર્શકોનો વધુ પ્રેમ મેળવી શકી નથી અને આ વર્ષે ટાઈગર પણ ફ્લૉપ કલાકારોની યાદીમાં સામેલ હતા
  • શાહીદ કપૂર તેમની ફિલ્મ 'જર્સી' લઈને પડદા પર આવ્યા તો તે પણ ફ્લૉપ રહી
  • અભિનેતા જૉન અબ્રાહમની ફિલ્મ 'એટૅક પાર્ટ 1' અને 'એક વિલન દોબારા' ફ્લૉપ રહી
  • વરુણ ધવનની ફિલ્મ 'ભેડિયા' પણ કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી, જોકે તેમની ફિલ્મ 'જુગ જુગ જિયો'એ તેને ફ્લૉપ અભિનેતા તરીકેની ઓળખ આપતા બચાવી લીધા
  • રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' તો મોટી ફ્લૉપ રહી હતી, 'બ્રહ્માસ્ત્ર'એ તેને થોડી રાહત આપી હતી
  • આ વર્ષ માત્ર અભિનેતા કાર્તિક આર્યન અને તબ્બુ માટેનું રહ્યું હતું, જેમની ફિલ્મ 'ભૂલ ભુલૈયા-2' માત્ર બૉક્સ ઑફિસ હિટ હતી
  • આ વર્ષે જો કોઈ સફળ થયું છે તો તે છે સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર
  • જુનિયર એનટીઆર, રામ ચરણ, અલ્લુ અર્જુન, યશ અને ઋષભ શેટ્ટીની 'RRR', 'કેજીએફ-2', 'પુષ્પા' અને 'કાંતારા' જેવી ફિલ્મો સફળ રહી
બીબીસી ગુજરાતી

બોલીવૂડ માટે વર્ષ 2022 ઘણા સુપરસ્ટાર્સ માટે સારું રહ્યું નથી. ફિલ્મની રિલીઝ પહેલાં જ વિવાદો અને ચર્ચાઓમાં રહીને હેડલાઇન્સ બનાવનારી ઘણી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ઊંધે માથે પટકાઈ હતી.

આ બોલીવૂડ સ્ટાર્સમાં ઘણા મોટા નામ છે, પરંતુ તેઓ સ્ક્રીન પર કોઈ કમાલ નથી કરી શક્યા, બલ્કે તેમની ફિલ્મો ફ્લૉપ રહી છે.

ચાર વર્ષની લાંબી રાહ પછી કેટલાક મોટા કલાકારોની ફિલ્મો આવી પણ લોકોના દિલ પર રાજ કરવામાં નિષ્ફળ ગઈ.

આ વર્ષ એ બધા સુપરસ્ટાર્સ માટે પણ ખૂબ જ સંઘર્ષભર્યું હતું જેમની ફિલ્મો એક સમયે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવતી હતી.

ચાલો જાણીએ કે એવા કયા સ્ટાર્સ છે જેમના નસીબને બૉક્સ ઑફિસે સાથ નથી આપ્યો.

ગ્રે લાઇન

આમિર ખાનની 'લાલસિંહ ચઢ્ઢા'

બોલીવૂડ

ઇમેજ સ્રોત, VIOCOM STUDIO

બોલીવૂડના પરફેક્શનિસ્ટ ગણાતા અભિનેતા આમિર ખાનની ફિલ્મ 'લાલસિંહ ચઢ્ઢા' ચાર વર્ષની લાંબી રાહ બાદ રિલીઝ થઈ હતી.

આ ફિલ્મ માટે આમિર ખાને 6 વર્ષ સુધી મહેનત કરી હતી. તેમના ચાહકો હંમેશા આમિરની ફિલ્મોની રાહ જોતા હોય છે અને તેમની ફિલ્મો ચાલે પણ છે.

ફિલ્મ 'દંગલ'ની સફળતા બાદ આમિર 'લાલસિંહ ચઢ્ઢા' લાવ્યા જે અંગ્રેજી ફિલ્મ 'ફૉરેસ્ટ ગમ્પ'ની રિમેક હતી.

આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ આ બધી અપેક્ષાઓ તૂટી ગઈ અને તેને ફ્લૉપ જાહેર કરવામાં આવી.

આ ફિલ્મે માત્ર 60 કરોડની કમાણી કરી હતી, જે આમિર ખાનના ફિલ્મી કરિયરની અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી હતી.

ગ્રે લાઇન

ફ્લૉપ કલાકારોમાં અક્ષય ટોપ પર

અક્ષય

ઇમેજ સ્રોત, YRF FILMS

બોલીવૂડ એક્શન હીરો અક્ષયકુમારનું નામ આ વર્ષના ફ્લૉપ કલાકારોમાં ટોચ પર છે. આ વર્ષે તેમની સતત ચાર મોટી ફિલ્મો ફ્લૉપ થઈ હતી, 'બચ્ચન પાંડે', 'પૃથ્વીરાજ', 'રક્ષાબંધન' અને 'રામસેતુ'.

આ ફિલ્મોને બૉક્સ ઑફિસ પર કોઈ ખાસ ભાવ મળ્યો નથી. કહેવાઈ રહ્યું છે કે અભિનેતા અક્ષયકુમારની આવી હાલત પહેલાં ક્યારેય થઈ નથી.

એવું પહેલીવાર બન્યું કે એક જ વર્ષમાં આટલી બધી ફ્લૉપ ફિલ્મો આપવામાં અક્ષયનું નામ ટોચ પર આવ્યું છે.

બીબીસી ગુજરાતી

હૃતિકનો જાદુ પણ ચાલ્યો નહીં

રિતિક

ઇમેજ સ્રોત, TWITTER/@IHRITHIK

તમિલ ફિલ્મ 'વિક્રમ વેધા' દક્ષિણ ભારતમાં સારી ચાલી, પરંતુ ફિલ્મની હિન્દી રીમેક બૉક્સ ઑફિસ પર નિષ્ફળ સાબિત થઈ.

ફિલ્મમાં સૈફ અલી ખાન અને હૃતિક રોશનની જોડી પણ દર્શકોને થિયેટર સુધી ખેંચી શકી ન હતી.

અભિનેતા હૃતિક રોશન માટે પણ આ વર્ષ સારું રહ્યું નથી. આ વર્ષે તેઓ તેમની ફિલ્મો કરતાં તેમના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં હતા.

બીબીસી ગુજરાતી

રણવીરસિંહની 'સર્કસ' પરની આશા પણ ન ફળી

અભિનેતા રણવીરસિંહ માટે પણ આ વર્ષ કંઈ ખાસ રહ્યું નથી. દર વર્ષે તેમની ફિલ્મો સુપરહિટ થતી હતી ત્યારે આ વર્ષે તેમને માત્ર નિરાશા જ હાથ લાગી છે.

તેમની ફિલ્મ '83’ વિશે થોડીઘણી ચર્ચા થઈ, પરંતુ તે પણ લોકોને થિયેટરમાં લાવવામાં નિષ્ફળ રહી હતી.

આ સાથે જ તેમની બીજી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' પણ પડદા પર દમ ન લગાવી શકી. આ વર્ષના અંતમાં તેમની ફિલ્મ 'સર્કસ' રિલીઝ થઈ હતી, જેને પણ બહુ સારો પ્રતિસાદ મળ્યો નહોતો.

બીબીસી ગુજરાતી

કંગનાની 'ધાકડ' ધડામ

કંગના

ઇમેજ સ્રોત, Getty Images

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેલાં કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' પણ ઘણી હેડલાઇન્સમાં રહી હતી.

જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં આવી ત્યારે તે બૉક્સ ઑફિસ પર ઘડામ થઈ ગઈ. આ ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગઈ અને રિપોર્ટ્સ અનુસાર તેણે માત્ર 2 કરોડની જ કમાણી કરી.

કંગનાએ આશા નહોતી રાખી કે ફિલ્મ આ રીતે નિષ્ફળ જશે.

બીબીસી ગુજરાતી

ટાઈગર પણ ઝાંખો પડી ગયો

બોલીવૂડના એક્ટર ટાઈગર શ્રોફ તેના લુક્સ, એક્શન અને ડાન્સ માટે જાણીતા છે. દર્શકોએ તેમના એક્શન અને ડાન્સની ઘણીવાર પ્રશંસા કરી છે.

ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની ડેબ્યૂ ફિલ્મ 'હીરોપંતી' દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.

તો 'હીરોપંતી-2' વર્ષ 2022માં રિલીઝ થઈ હતી, પરંતુ તે દર્શકોનો વધુ પ્રેમ મેળવી શકી નથી. આ વર્ષે ટાઈગર પણ ફ્લૉપ કલાકારોની યાદીમાં સામેલ હતા.

બીબીસી ગુજરાતી

શાહિદ, જૉન અને સિદ્ધાર્થની બૂરી વલે

શાહિદ

ઇમેજ સ્રોત, ALLU ENTERTAINMENT

ફિલ્મ 'કબીરસિંહ'ની લોકપ્રિયતા પછી જ્યારે શાહિદ કપૂર તેમની ફિલ્મ 'જર્સી' લઈને પડદા પર આવ્યા તો તે પણ ફ્લૉપ રહી.

તો અભિનેતા જૉન અબ્રાહમની ફિલ્મ 'એટૅક પાર્ટ 1' અને 'એક વિલન દોબારા' જેમાં તેમની સાથે અભિનેતા અર્જુન કપૂર જોવા મળ્યા હતા, આ ફિલ્મ પણ ફ્લૉપ રહી હતી.

અભિનેતા વરુણ ધવનની ફિલ્મ 'ભેડિયા' પણ કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી, જોકે તેમની ફિલ્મ 'જુગ જુગ જિયો'એ તેને ફ્લૉપ અભિનેતા તરીકેની ઓળખ આપતા બચાવી લીધા.

અભિનેતા રાજકુમાર રાવ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ તેમના અભિનયથી દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગયા.

રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' તો મોટી ફ્લૉપ રહી હતી, જ્યારે 'બ્રહ્માસ્ત્ર'એ તેને થોડી રાહત આપી હતી.

આ વર્ષ માત્ર અભિનેતા કાર્તિક આર્યન અને તબ્બુ માટેનું રહ્યું હતું, જેમની ફિલ્મ 'ભૂલ ભુલૈયા-2' માત્ર બૉક્સ ઑફિસ હિટ રહેવા ઉપરાંત તેમના અભિનયની પણ ભારે પ્રશંસા કરવામાં આવી હતી.

અભિનેતા અજય દેવગન આ વર્ષે 'રનવે 34', 'થેંક ગોડ' અને 'દ્રશ્યમ 2' નામની ત્રણ ફિલ્મો લઈને આવ્યા હતા જેમાંથી માત્ર 'દ્રશ્યમ 2' સફળ રહી હતી.

બીબીસી ગુજરાતી

સાઉથ ફિલ્મોના સ્ટાર્સ ચમક્યા

સાઉથ

ઇમેજ સ્રોત, SPICE PR

2022 બોલીવૂડના મોટા ભાગના કલાકારો માટે આ વર્ષ તેમની કમાણી બાબતે ખરાબ રહ્યું.

આ વર્ષે જો કોઈ સફળ થયું છે તો તે છે સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર.

જુનિયર એનટીઆર, રામ ચરણ, અલ્લુ અર્જુન, યશ અને ઋષભ શેટ્ટીની 'RRR', 'કેજીએફ-2', 'પુષ્પા' અને 'કાંતારા' જેવી પાન ઈન્ડિયા ફિલ્મો સફળ રહેવાની સાથે તેમણે બૉક્સ ઑફિસ પર કરોડોની કમાણી પણ કરી.

રેડ લાઇન
રેડ લાઇન