ઍડ્વર્ડ દ્વિતીય : સમલૈંગિક પ્રેમ પ્રકરણને કારણે 14મી સદીમાં બ્રિટિશ રાજપરિવારમાં ભયંકર સંકટ પેદા થયું હતું?

ઇમેજ સ્રોત, Lawrence K. Ho/Los Angeles Times via Getty Images
- લેેખક, નિક લેવાઇન
થોડા સમય પહેલાં સ્ટ્રેટફૉર્ડ-અપોન એવોનમાં વિશ્વ-પ્રસિદ્ધ રૉયલ શેક્સપિયર કંપની (RSC) ક્રિસ્ટોફર માર્લોના ઍડવર્ડ સેકન્ડ નામના નાટકને ફરી ભજવ્યું.
જોકે 16મી સદીનું આ પ્રભાવશાળી નાટક મુશ્કેલીમાં મુકાયેલા સમલૈંગિક સમ્રાટ અંગેનું છે, જે 430 વર્ષથી વધુ જૂનું છે, છતાં આ નાટક આજે પણ અસહજ રીતે પ્રસ્તુત છે.
માર્લોએ એક એવા રાજાનું ચિત્રણ કર્યું હતું જેની સત્તા અને શાસન કરવાની ક્ષમતા 'બીજા પુરુષ સાથેના સંબંધો'નાં લીધે ઘાતક રીતે નબળી પડી જાય છે.
આધુનિક યુકેના રાજાઓ ફક્ત ઔપચારિક સત્તા ધરાવે છે, પરંતુ બ્રિટિશ શાહી પરિવારમાં 'સમલૈંગિકતા અંગેની સ્પષ્ટતા દુર્લભ' રહી છે.
રાજા ચાર્લ્સ ત્રીજાના બીજા પિતરાઈ ભાઈ લૉર્ડ ઇવર માઉન્ટબેટનને "પહેલા શાહી સમલૈગિંક" તરીકે જોવામાં આવે છે.
નાટક અને નાટ્યાત્મકતા

ઇમેજ સ્રોત, Doug Griffin/Toronto Star via Getty Images
માર્લોનું નાટક ઍડવર્ડ બીજાના સંઘર્ષોને નાટકીય રીતે રજૂ કરે છે, તેઓ ઇંગ્લૅન્ડના રાજા હતા જેમણે 1307 થી 1327 સુધી શાસન કર્યું હતું. ઍડવર્ડ બીજા એ તેમના પિતા ઍડવર્ડ પહેલાના અનુગામી બન્યાના એક વર્ષ પછી જ એંગ્લો-ફ્રેન્ચ સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસમાં ફ્રાન્સના રાજાની પુત્રી ઇસાબેલા સાથે લગ્ન કર્યાં હતાં.
રાણી ઇસાબેલાએ ઍડવર્ડ બીજાનાં ચાર બાળકોને જન્મ આપ્યો હતો અને તે વિશેષ અધિકાર ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ તરીકે ઉભરી હતી. તેમને ક્યારેક-ક્યારેક "ફ્રાન્સની વરુ" પણ કહેવામાં આવે છે.
જોકે, માર્લોનું નાટક ખરેખર તો રાજાના તેમના પ્રિય પુરુષ પિયર્સ ગેવેસ્ટન સાથેના 'વિવાદાસ્પદ સંબંધ' પર આધારિત છે. આના લીધે કેવી રીતે બંધારણીય કટોકટી ઊભી થઈ અને તેમાંથી રાજા ક્યારેય બહાર નીકળી શક્યા નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નાટ્યકાર ક્યારેય સીધેસીધું કહેતા નથી કે આ બે માણસો પ્રેમી છે, પરંતુ તેનો ઉપસંહાર સૂક્ષ્મ નથી. એક દૃશ્યમાં જ્યારે તે તેના પ્રિય સાથે ફરી જોડાય છે, ત્યારે ઍડવર્ડ તેને વિનંતી કરે છે કે "મારા હાથને ચુંબન ન કરો (પણ) મને ગળે લગાવો, ગેવેસ્ટન, જેમ હું તને કરું છું".
અન્ય એક દૃશ્યમાં ઇસાબેલા એ હકીકતનો શોક વ્યક્ત કરે છે કે "રાજાને મારી દરકાર નથી, પરંતુ (તેના બદલે) ગેવેસ્ટનના પર પ્રેમ છલકાવે છે".
માર્લોના લખાણનો આ સંકેત અમૂક વાચક જ ચૂકી શકે કે આ બે માણસો ફક્ત મિત્રો નથી, પરંતુ તેનાથી કંઈ વિશેષ છે.
શું ઍડવર્ડ દ્વિતીય સમલૈંગિક હતા?

ઇમેજ સ્રોત, Helen Murray
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માર્લોનું નાટક જ્યારેથી લખાયું છે ત્યારથી વાસ્તવિક જીવનમાં ઍડવર્ડની "ગૅ કિંગ" તરીકેની વિવાદાસ્પદ, પરંતુ સંપૂર્ણપણે ભ્રામક પ્રતિષ્ઠાને વધુ સ્પષ્ટ બનાવવામાં મદદ કરી છે.
સરળ શબ્દોમાં કહીએ તો આપણે ક્યારેય ખાતરીપૂર્વક જાણી શકતા નથી કે ઍડવર્ડ બીજાને તેના કોઈપણ પ્રિય પુરુષ સાથે રૉમેન્ટિક અથવા જાતીય સંબંધ હતો કે નહીં.
પરંતુ જ્યારે આ નાટક પહેલીવાર 1592માં રજૂ કરવામાં આવ્યું, ત્યારે તેણે 'રાજાની સમલૈંગિકતા' પર ઇતિહાસકારોને આ વિષય પર ખુલ્લેઆમ ચર્ચા કરવાનો માર્ગ મોકળો કરી આપ્યો.
ધ રૅપ્યુટેશન ઑફ ઍડવર્ડ સેકન્ડ, 1305-1697 ના લેખક, ઇતિહાસકાર કિટ હેયમ બીબીસીને જણાવે છે, "ઍડવર્ડ પર કોઈ પ્રકારના જાતીય ઉલ્લંઘનનો આરોપ લગાવતું સૌથી પહેલું લખાણ ગેવેસ્ટનની હત્યાના (1312માં) સમયની આસપાસ લખાયું હતું."
"ઍડવર્ડ શાસનની શરૂઆતમાં 'જાતજાતની જાતીયતા આદતો પ્રચલિત' હતી."
તે સમયની ભાષામાં કૅથલિક ચર્ચનાં રીતરિવાજો અનુસાર "લેચેરી" શબ્દનો ઉપયોગ કોઈપણ પ્રકારના "પાપ" પ્રકારની જાતીયતાનું વર્ણન કરવામાં થતો હતો. આ ચર્ચ જે તે સમયે ઇંગ્લૅન્ડમાં ધાર્મિક સત્તા ધરાવતું હતું.
હેયમ કહે છે, "આ લખાણ સૂચવે છે કે ગેવેસ્ટનના મૃત્યુ પછી હવે આવું વર્તન બંધ થઈ જશે, પરંતુ તે એમ નથી કહેતા કે આ પ્રકારનું જાતીય ઉલ્લંઘન ખરેખર તો ગેવેસ્ટન અને રાજા વચ્ચે જ હતું."
ઍડવર્ડ બીજાના મૃત્યુ પછીની સદીઓમાં લેખકો માટે એવું સૂચવવાનું ઓછું જોખમી બન્યું હતું કે ઍડવર્ડ બીજા જાતીય ઉલ્લંઘન કરતા હતા, પરંતુ 15મી સદીમાં પ્રિન્ટિંગ પ્રેસની શોધ પછી આ સંકેત વધુને વધુ સ્પષ્ટ થતો ગયો.
હેયમ કહે છે, "લેખકો તેમનાં લખાણોને વધુ વ્યાવસાયિક રીતે આકર્ષક બનાવવા માટે સનસનાટીભર્યા બનાવતાં હતાં, તેથી તેઓએ કહેવાનું શરૂ કર્યું કે ઍડવર્ડ બીજા ચોક્કસપણે 'યૌન અપરાધી' હતા અને આની પાછળ તેમનાં પ્રિય પુરુષનો દોષ રહેલો હતો."
તે ઉમેરે છે, "પરંતુ માર્લો આ બિંદુઓને જોડી એવું કહેનારી પ્રથમ વ્યક્તિ હતી કે ઍડવર્ડ બીજા ખરેખર તેમની સાથે સૂતા હતા."
નવા નાટકમાં ઍડવર્ડ બીજાનું પાત્ર ભજવનાર અભિનેતા અને RSC ના સહ-કલાત્મક દિગ્દર્શક ડેનિયલ ઇવાન્સ માને છે કે માર્લોનું નાટક 2025 માં પણ "ક્રાંતિકારી" લાગે છે. તેને પુનર્જીવિત કરવામાં તેમની રુચિ દિગ્દર્શક ડેનિયલ રેગેટે વધારી હતી.
તેમણે એક "ઉશ્કેરણીજનક", કાલ્પનિક પ્રશ્ન ઉઠાવ્યો હતો જે નાટકની કાયમી પ્રસ્તુતતા પર ભાર મૂકે છે: "જો આપણા વર્તમાન રાજા ચાર્લ્સ ત્રીજા અચાનક કહે કે: 'મને ખબર છે કે મારાં લગ્ન થોડા સમય માટે થયાં છે, પરંતુ હું ખરેખર તો મારી પાસેની કોલિન નામની કોઈ વ્યક્તિને જ ઇચ્છું છું, કૅમિલાને નહીં?' "
આવું કહેવાથી આજના સમયમાં ગૃહયુદ્ધ શરૂ નહીં થાય જેમાં માર્લોના નાટકમાં ગેવેસ્ટન સાથે ઍડવર્ડના સંબંધોને કારણે થયું હતું. પરંતુ ઇવાન્સ પ્રશ્ન કરે છે કે આ બાબત આજના "કથિત ઉદાર સમાજ" માં કેટલી હદે સ્વીકાર્ય હશે?
ઇવાન્સ ઉમેરે છે, "ઊંડા મૂળ ધરાવતો હોમોફોબિયા હજુ પણ અસ્તિત્વમાં છે અને બ્રિટિશ શાહી પરિવારની વંશ અને વારસદારોની અવધારણા સંપૂર્ણ વિજાતીય કુટુંબ રચના પર જ આધાર રાખે છે."
ઇવાન્સ અને રેગેટ પણ 20મી સદીના અંતમાં નાટકના પુનરુત્થાનથી જ રસ ધરાવતા હતા, જે LGBTQ+ અધિકારોની ચળવળ સાથે અસ્પષ્ટ રીતે જોડાયેલું હતું.
શેક્સપિયરના ગ્લોબના વડા સંશોધક અને સ્ટ્રેટ ઍક્ટિંગ: ધ મેની ક્વીયર લાઇવ્સ ઑફ વિલિયમ શેક્સપિયરના લેખક ડૉ. વિલ ટોશ કહે છે કે માર્લોના નાટક જે યુગમાં તે લખાયું હતું તેની બહાર "પ્રદર્શનનો લાંબો ઇતિહાસ નથી".
તેઓ નોંધે છે કે 18મી અને 19મી સદીમાં તે મૂળભૂત રીતે "કૉલ્ડ સ્ટોરેજમાં" મુકાઇ ગયેલું કારણ કે પુરુષ રાજાનો પુરુષ પ્રેમી હોવાનો વિચાર રૂઢિચુસ્ત જ્યૉર્જિયન અને વિક્ટૉરિયન પ્રેક્ષકો માટે અભિષાપ બનત.
નાટકની રેકૉર્ડ બ્રેક ભજવણીઓ

ઇમેજ સ્રોત, Joe Cocks Studio Collection/ Shakespeare Birthplace Trust
1969માં ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં પુરુષ સમલૈંગિકતાને અપરાધમુક્ત જાહેર કર્યાનાં બે વર્ષ બાદ અને સ્કૉટલૅન્ડમાં આમ થાય તેનાં 11 વર્ષ પહેલાં ઇયાન મેકકેલેને યુકેનો પ્રવાસ કરતી પ્રોસ્પેક્ટ થિયેટર કંપનીના નિર્માણમાં ઍડવર્ડ બીજાનું પાત્ર ભજવ્યું હતું.
તેમાં ગેવેસ્ટનની ભૂમિકા જેમ્સ લોરેન્સન દ્વારા ભજવવામાં આવી હતી, જેઓ ગયા વર્ષે (વર્ષ 2024) મૃત્યુ પામ્યા હતા. જ્યારે પ્રોડક્શન ઍડિનબર્ગમાં આવ્યું ત્યારે તેમના સ્ટેજ પરના ચુંબનથી થોડો વિવાદ થયો હતો.
મૅક્કેલેન તેમની વેબસાઇટ પર લખે છે, "કાઉન્સિલર જૉન કિડે પુરુષ પ્રેમના આ પ્રદર્શન પર આપત્તિ વ્યક્ત કરી હતી, ખાસ કરીને એટલા માટે કે આ ભજવણી ચર્ચ ઑફ સ્કૉટલૅન્ડના ઍસેમ્બલી હૉલમાં આવેલા સ્ટેજ પર થઇ હતી.".
જોકે બે સ્થાનિક પોલીસકર્મીઓને આ ભજવણી જોવા માટે મોકલવામાં આવ્યા હતા. મૅક્કેલેન નોંધે છે કે તેમને તેમની સામગ્રીમાં "કોઈ સમસ્યા" જોવા મળી ન હતી અને આ ટૂંકા ગાળાના વિવાદે "નાટકના અન્ય પ્રયોગોને હાઉસફૂલની ગૅરંટી આપી દીધી હતી."
જ્યારે આ નાટક એક વર્ષ પછી બીબીસી પર પ્રસારિત થયું, ત્યારે તેણે બ્રિટિશ ટેલિવિઝન પર દર્શાવવામાં આવેલા પ્રથમ સમલૈંગિક ચુંબનનો ઇતિહાસ રચ્યો.
વર્ષ 2017 ના એક ઇન્ટરવ્યૂમાં મૅક્કેલેને કહ્યું હતું કે આ નાટકનો "ઘણા બધા અમેરિકનો" પર ઊંડો પ્રભાવ પડ્યો હતો જેમણે તેને યુએસ નેટવર્ક પીબીએસ પર જોયું હતું.
મૅક્કેલેને કહ્યું હતું, "તેઓએ તેમના જીવનમાં પહેલીવાર બે પુરુષોને ચુંબન કરતાં જોયાં અને તેઓ તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં, પરંતુ તેનાથી તેમને દિલાસો જરૂર મળ્યો."

ઇમેજ સ્રોત, ANNE-CHRISTINE POUJOULAT/AFP via Getty Images
કલાકાર અને ગૅ રાઇટ્સ ઍક્ટિવિસ્ટ ડેરેક જાર્મન દ્વારા દિગ્દર્શિત 1991 ના ફિલ્મ રૂપાંતરણથી ક્વિયર કૅનનમાં આ નાટકનું સ્થાન વધુ મજબૂત બન્યું.
આધુનિક અને મધ્યયુગીન પ્રૉપ્સ, કોસ્ચ્યુમ અને બૅકડ્રોપ્સના ઇરાદાપૂર્વકનાં મિશ્રણ સાથે જાર્મનની ફિલ્મ માર્લોના નાટકમાં રહેલી સમલૈંગિકતાને તરફ દોરી જાય છે અને સમકાલીન LGBTQ+ રાઇટ્સ ચળવળના સંદર્ભમાં વાર્તાને ફરીથી પરિભાષિત કરે છે.
ગેવેસ્ટનને (ઍન્ડ્રુ ટિઅરન દ્વારા ભજવાયેલ) તેના અપરાધો માટે ત્રાસ આપવામાં આવે છે, જાર્મન ગૅ-રાઇટ્સ જૂથના કાર્યકરો સાથે પોલીસની અથડામણ કરતા બતાવાય છે.
જાર્મનની ફિલ્મના એક વર્ષ પહેલાં માર્લોનું નાટક RSC દ્વારા મુખ્ય ભુમિકામાં સિમોન રસેલ બીલ સાથે ભજવવામાં આવ્યું હતું. એન્જેલા કે આહલગ્રેન તેમના 2011 ના નિબંધ "પરફૉર્મિંગ ક્વીયર ઍડવર્ડ સેકન્ડ ઇન ધ 1990" માં દલીલ કરે છે કે જાર્મનની ફિલ્મ અને નાટકનું આ RSC પુનરુત્થાન "1990 ના દાયકામાં ફેલાતા ક્વીયરનેસના ખ્યાલોને પ્રતિબિંબિત કરે છે કારણ કે તેમાં હિંસા, સમલૈંગિક ઇચ્છાઓ અને સમકાલીન સમલૈંગિક રાજકીય મુદ્દાઓના સંદર્ભો રજૂ કરવામાં આવ્યા છે".
તે સમયે HIV/AIDS રોગચાળો વૈશ્વિક સ્તરે ગૅ પુરુષ વસ્તીને બરબાદ કરી રહ્યો હતો અને યુકેમાં ક્વીયર કાર્યકરો કલમ 28 નો વિરોધ કરી રહ્યા હતા. જે કાયદાનો એક ભાગ હતો જે શાળાઓ અને સ્થાનિક કાઉન્સિલો દ્વારા "સમલૈંગિકતાના પ્રોત્સાહન" પર પ્રતિબંધ મૂકતો હતો.
મીડિયામાં સમલૈંગિકતા વિરોધીભાવનાના વધતા પ્રવાહને પગલે 1988 માં માર્ગારેટ થેચરની કન્ઝર્વેટિવ સરકારે આ કાયદો ઘડ્યો હતો.
તથ્ય વિરુદ્ધ કલ્પનાઓ

ઇમેજ સ્રોત, Lieberenz/ullstein bild via Getty Images
આમ છતાં માર્લોના નાટકને ક્યારેય ઐતિહાસિક તથ્યનાં કાર્ય તરીકે જોવું જોઈએ નહીં. તોશ કહે છે કે નાટ્યકારની "મુખ્ય નાટકીય નવીનતા" એ છે કે ગેવેસ્ટન સાથેના રાજાના સંબંધને "સમયરેખાને સંકુચિત" કરીને તેમના જીવનનું "કેન્દ્રીય નાટક" બનાવવું.
વાસ્તવમાં 1312માં ગેવેસ્ટનની હત્યા થયા પછી ઍડવર્ડ બીજાએ અન્ય અત્યંત પ્રભાવશાળી 'પ્રિય પુરુષો સાથે સંબંધો કેળવ્યા' હતા. જે તેમનાં 19 વર્ષના શાસનનાં માત્ર પાંચ વર્ષ જ હતાં. પરંતુ માર્લો ગેવેસ્ટન સાથેના રાજાના બંધનને અત્યાર સુધીના સૌથી ભાવનાત્મક અને મહત્ત્વપૂર્ણ દર્શાવે છે.
તોશ કહે છે, "નાટકમાં ગેવેસ્ટનના મૃત્યુ પછી ઍડવર્ડ જે કંઈ કરી રહ્યા છે તેને ન્યાયી ઠેરવવા માટે તે તેની સ્મૃતિનો ઉપયોગ કરે છે. અને પછીથી જ્યારે ઍડવર્ડને કેદ કરવામાં આવે છે અને દુર્વ્યવહાર કરવામાંં આવે છે, ત્યારે તે મુક્તિની વિનંતી તરીકે ફરીથી ગેવેસ્ટનનું નામ લે છે."
અલબત્ત માર્લોનું નાટક આપણને બે પુરુષોના સંબંધોના સ્વરૂપ વિશે ગંભીર અનુમાન લગાવવાનું પણ આમંત્રણ આપે છે.
ઇતિહાસકાર કૅથરિન વૉર્નર "ઍડવર્ડ સેકન્ડ: ધ અનકન્વેશનલ કિંગ"ના લેખક છે. તેઓ કહે છે કે આપણે ક્યારેય ખાતરીપૂર્વક જાણી શકતા નથી કે ઍડવર્ડ બીજા ગેવેસ્ટન અને તેના અન્ય પ્રિય પુરુષ લોકો વિશે કેવી લાગણી અનુભવતા હશે, કારણ કે રાજા ડાયરી રાખતા નહોતા કે નહોતા વ્યક્તિગત પત્રો લખતા.
કૅથરિન વૉર્નર કહે છે, "આપણી પાસે ફક્ત આસપાસના લોકોનો શબ્દ છે, જે સ્પષ્ટપણે અર્થઘટન માટે સદંતર ખુલ્લા છે." પરંતુ બધી શક્યતાઓમાં તે એક અજાણી સ્ત્રી સાથે ગેરકાયદેસર બાળકના પિતા હોવાથી ઍડવર્ડ બીજાની જાતીયતા કદાચ "ગૅ કિંગ" તરીકેની તેમની ઓળખ કરતાં વધુ જટિલ હતી.
વોર્નર કહે છે, "મને લાગે છે કે સંપૂર્ણ શારીરિક દૃષ્ટિએ આપણે કદાચ તેમને સમલૈંગિક કરતાં વધુ બાયસેક્સ્યુઅલ કહી શકીએ."
સાથે જ ઉમેરે છે, "પરંતુ ભાવનાત્મક રીતે મને લાગે છે કે તે કદાચ સમલૈંગિક હતા. કારણ કે તે તેના પ્રિય પુરુષ લોકોની ખૂબ જ નજીક હતા."
વધુ એક પ્રિયજન, વધુ એક વિયોગ

ઇમેજ સ્રોત, Moenkebild/ullstein bild via Getty Images
મોટાભાગે આ નિકટતા જ ચોક્કસપણે તેમના પતનનું કારણ બની હતી. હેયમના મતે તેમના શાસનકાળ દરમિયાન ઍડવર્ડની મૂળભૂત ભૂલ એ હતી કે તેમણે તેમના પ્રિયજનોને વધુ પડતી તાકાત આપી.
હેયમ કહે છે, "તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે 14મી સદીમાં ઇંગ્લૅન્ડનો રાજા બનવું એ મૅનેજર જેવું કામ છે."
હેયમ ઉમેરે છે, "ઍડવર્ડે ઘણા શક્તિશાળી ઉમરાવોને ખુશ રાખવાની જરૂર હતી, પરંતુ જ્યારે તેમણે ગેવેસ્ટનને તેમના ઉપરીની સત્તા આપી, ત્યારે તેઓ તેમનાં ગુસ્સાનો ભોગ બન્યો."
1312માં હરીફ બેરોનના જૂથ દ્વારા ગેવેસ્ટનની હત્યા કરવામાં આવી, એ પછી ઍડવર્ડ બીજાએ ડેસ્પૅન્સર ધ યંગર સાથે ફરીથી એ જ ભૂલ કરી. જેને વૉર્નર તેમના પ્રિય પુરુષોમાં "છેલ્લા અને સૌથી શક્તિશાળી" તરીકે વર્ણવે છે.
એ નોંધનીય છે કે ડેસ્પૅન્સર માર્લોના નાટકમાં દેખાય છે, પરંતુ ફક્ત સ્પૅન્સર નામના પ્રમાણમાં નાના પાત્ર તરીકે જ. કે જે ગેવેસ્ટનનાં મૃત્યુ પછી તેનું સ્થાન લે છે.
વાસ્તવિક જીવનના ડેસ્પૅન્સર પાસે ઘણી બધી એજન્સીઓ હતી. 1324માં ફ્રાન્સ સાથે વધતા તણાવ વચ્ચે તેમણે રાણી ઇસાબેલા સામે તેમના ફ્રેન્ચ વારસાને કારણે પોતાનો પ્રભાવ પાડવાનું શરૂ કર્યું.
ઇસાબેલાએ પોતાના પ્રિય રિચાર્ડ મોર્ટિમરના સમર્થનથી લડાઈ લડી, જેના કારણે 1325માં ડેસ્પૅન્સરને ફાંસી આપવામાં આવી અને બીજા વર્ષે ઍડવર્ડ બીજાને બળજબરીથી રાજગાદી છોડાવી દેવામાં આવી.
હેયમ કહે છે, "જો તેમણે (ઍડવર્ડ દ્વિતીયે) તેમના જાહેર અને ખાનગી જીવનને અલગ રાખ્યા હોત, તો આમ ના થાત."
માર્લોના નાટકમાં મોર્ટિમરના કહેવા પર એક લાલ ગરમ પોકર તેની ગુદામાં મારી પતન પામેલા રાજાને મારી નાંખવામાં આવે છે.
કૅથરિન વૉર્નર કહે છે કે ઍડવર્ડ બીજાની આ રીતે હત્યા કરવામાં આવી હતી તે વિચાર "લગભગ ચોક્કસપણે એક દંતકથા" છે – જેને માર્લોએ નહતી રચી, પરંતુ તેને ચોક્કસપણે "લોકપ્રિય" બનાવવામાં મદદ કરી હતી.
લગભગ 430 વર્ષ પછી પણ આ ક્રૂર હોમોફોબિક અભિવ્યક્તિવાળી એક આઘાતજનક છબી છે, પરંતુ નાટકમાં આવતી આ બાબત અસહિષ્ણુતાનાં પરિણામો વિશે ઘણું કહી જાય છે.
જ્યારે ઍડવર્ડ "મારા ગેવેસ્ટન છોડવા" માટે ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદ કરે છે ત્યારે લેન્કેસ્ટરના અર્લ અનાદર કરી ઉપહાસભર જવાબ આપે છે: "ડાયબ્લો, તમને ક્યો જુસ્સો આમ કહેડાવે છે?" "શેતાન" માટે સ્પેનિશ શબ્દનો તેમનો ઉપયોગ ચોક્કસપણે કોઈ અકસ્માત નથી.
ઇવાન્સના મતે, "હું આશા રાખું છું કે જે પ્રેક્ષકો આ નાટક જુએ તેઓ ઊંડાણપૂર્વક વિચાર કરશે કે જ્યારે તમે પ્રેમ પર પ્રતિબંધ મૂકવાનો અને કોઈના કુદરતી જીવનશૈલીને બદલવાનો પ્રયાસ કરો છો ત્યારે શું થાય છે."
અને ઉમેરે છે, "આનાથી હિંસાનું જે અનંત ચક્ર રચાયું તેનાથી આજે પણ આપણે બધા શીખ લઇ શકીએ છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












