સ્વામી ચૈતન્યાનંદની આગ્રાથી ધરપકડ, શૃંગેરી મઠ સંચાલિત સંસ્થામાં 'જાતીય સતામણી'નો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Delhi Police/ANI
- લેેખક, આશય યેડગે
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હી સ્થિત શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન મૅનેજમેન્ટ ઍન્ડ રિસર્ચ (એસઆરઆઈએસઆઈઆઈએમ)નું સામાન્ય રીતે શાંત રહેતું કૅમ્પસ જાતીય સતામણીના કેસને કારણે હાલમાં ચર્ચામાં છે.
પાર્થસારથી તરીકે પણ ઓળખાતા સંસ્થાના તત્કાલીન મૅનેજર સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર લગભગ બે મહિના પહેલાં સંસ્થાની વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એ કારણે આ સંસ્થા જાહેર ચર્ચાનું કેન્દ્ર બની છે.
યૌન ઉત્પીડનના આરોપો બાદ સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની યુપીના આગ્રાથી ધરપકડ કરાઈ છે.
સ્થાનિક પત્રકાર નસીમ અહમદે બીબીસી હિંદીને જણાવ્યું કે દિલ્હી પોલીસની ટીમે ચૈતન્યાનંદને તાજગંજની એક હોટલમાંથી મોડી રાત્રે ધરપકડ કરી હતી.
નોંધનીય છે કે દિલ્હીની આ સંસ્થા આજકાલ યૌન ઉત્પીડના આરોપોને કારણે ચર્ચામાં છે.
લગભગ બે માસ પહેલાં કેટલીક વિદ્યાર્થિનીઓએ સ્વામી ચૈતન્યાનંદ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેમને પાર્થ સારથી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ આરોપો સમયે તેઓ સંસ્થાનના પ્રબંધક હતા.
કર્ણાટક સ્થિત શૃંગેરી શારદા પીઠમ દ્વારા આ સંસ્થા ચલાવવામાં આવે છે. સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી સામેના આક્ષેપો પછી દક્ષિણ ભારતની શૃંગેરી પીઠ, પોલીસ અને રાષ્ટ્રીય મહિલાપંચે પણ આ ઘટનાની નોંધ લીધી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં 32 વિદ્યાર્થીનીઓના નિવેદન નોંધવામાં આવ્યાં છે. એ પૈકીના 17 વિદ્યાર્થીનીઓએ ચૈતન્યાનંદ સરસ્વતી પર જાતીય સતામણી, અશ્વીલ ભાષાના ઉપયોગ, ધાકધમકી અને અનિચ્છનીય શારીરિક સ્પર્શના આરોપ મૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હીના વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે નકલી ડિપ્લોમૅટિક નંબર પ્લેટવાળી એક કાર પણ જપ્ત કરી છે. એ કાર ચૈતન્યાનંદ સરસ્વતીની માલિકીની હોવાનું કહેવાય છે.
કૅમ્પસમાં કડક સલામતી, મીડિયા પર પ્રતિબંધ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મેં એસઆરઆઈએસઆઈઆઈએમના દિલ્હીસ્થિત કૅમ્પસની મુલાકાત લીધે ત્યારે સંખ્યાબંધ ખાનગી સલામતી કર્મચારીઓ જોવા મળ્યા હતા. મીડિયાને સંસ્થામાં પ્રવેશવાની મંજૂરી નથી.
કેટલાક મીડિયા પ્રતિનિધિઓએ દરવાજાની બહાર વીડિયો રેકૉર્ડ કરવાના પ્રયાસ કર્યા ત્યારે તેમને રોકવામાં આવ્યા હતા. પોલીસના હસ્તક્ષેપ પછી સંસ્થાની બહાર ફિલ્માંકન કરવાની છૂટ આપવામાં આવી હતી.
સલામતીની વ્યવસ્થા બાબતે અમે બાજુના મકાનના સિક્યૉરિટી ગાર્ડ સાથે વાત કરી હતી. પોતાનું નામ ન આપવાની શરતે તેમણે કહ્યું હતું, "ચૈતન્યાનંદ કેસ પછી સંસ્થામાં ઘણા સુરક્ષા કર્મચારીઓ બદલવામાં આવ્યા છે. ઘણા ખાનગી બાઉન્સરોની નિમણૂક કરવામાં આવી છે અને સંસ્થામાં પ્રવેશતી દરેક વ્યક્તિની હવે સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે."
મેં લગભગ એક ડઝન બાઉન્સર્સને સંસ્થાના ગેટ પર ઊભેલા અને મીડિયા પ્રતિનિધિઓને કૅમ્પસમાં પ્રવેશતા અટકાવતા જોયા હતા.
અમે કેકૅમ્પસમાંથી બહાર નીકળતા વિદ્યાર્થીઓ સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા. તેઓ વાત કરતા ખચકાતા હતા, પરંતુ સમજાવટ પછી તેઓ તેમની ઓળખ ગુપ્ત રાખવાની શરતે અમારી સાથે વાત કરવા તૈયાર થયા હતા.
એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ કહ્યું હતું, "આ સંસ્થામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પોસ્ટગ્રેજ્યુએટ મેનેજમેન્ટ (પીજીડીએમ)નો અભ્યાસ કરે છે. તેમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેની શિષ્યવૃત્તિ યોજના હેઠળ પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે."
તેમણે અમારી સાથે વિગતવાર વાત કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સ્વીકાર્યું હતું કે કેમ્પસમાં વાતાવરણ હાલ તંગ છે.
ખરેખર શું અને ક્યારે થયું હતું?
એસઆરઆઈએસઆઈઆઈએમએ ગત 24 સપ્ટેમ્બરે એક વિગતવાર અખબારી યાદી બહાર પાડી હતી. તેમાં સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી સામેના ગંભીર આરોપો બાબતે લેવામાં આવેલા સમયબદ્ધ પગલાંની રૂપરેખા આપવામાં આવી હતી.
એ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીના ગેરવર્તનની જાણ થયા બાદ સંસ્થા અને તેની પિતૃ સંસ્થા શ્રી શારદા પીઠમ, શૃંગેરીએ વિદ્યાર્થીઓના રક્ષણ તથા ન્યાય સુનિશ્ચિત કરવા માટે ઝડપી કાર્યવાહી કરી હતી.
નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક ઑડિટમાં છેતરપિંડી, બનાવટ અને વિશ્વાસધાત સહિતની અનેક ગેરરીતિ બહાર આવી હતી. તેના અનુસંધાને 2025ની 19 જુલાઈએ 300થી વધુ પાનાના પુરાવાઓ સાથે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દિલ્હીના વસંતકુંજ નૉર્થ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 320/2025 નોંધવામાં આવી હતી.
અખબારી યાદીમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે તેમને 2025ની પહેલી ઑગસ્ટે બીજી ફરિયાદ પણ મળી હતી.
તેમાં પીઠમને યુનિવર્સિટી આઉટરીચ પ્રોગ્રામના ડિરેક્ટરનો એક ઇમેઇલ મળ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની ફરિયાદો બાબતે તેમને ચેતવણી આપવામાં આવી હતી. તેમાં મનસ્વી નિર્ણયો, બદલો લેવાની વર્તણૂક અને વિદ્યાર્થિનીઓને કવેળાએ મોકલવામાં આવતા અયોગ્ય વૉટ્સઍપ મૅસેજીસનો સમાવેશ થતો હતો.
તેના જવાબમાં પીઠમે એક ગવર્નિંગ કાઉન્સિલની રચના કરી હતી, જેણે વિગત એકત્રિત કરવા માટે વિદ્યાર્થીઓ સાથે એક વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી.
કાનૂની કાર્યવાહી ચાલી રહી છે એ વાતની અને સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી શૃંગેરી પીઠમ અથવા તેના મઠના વંશ સાથે જોડાયેલા નથી, એવી સ્પષ્ટતા 2025ની બીજી ઑગસ્ટના એક ફૉલો-અપ પત્રમાં કરવામાં આવી હતી.
પીઠમના વહીવટકર્તા પી. એ. મુરલીએ ઉત્પીડન અને ગેરવર્તણૂકની વિગત સાથેની એક ફરિયાદ સ્ટેશન હાઉસ ઑફિસરને 2025ની ચોથી ઑગસ્ટે સુપ્રત કરી હતી. તેના અનુસંધાને પાંચમી ઑગસ્ટે બીજી એફઆઈઆર નોંધવામાં આવી હતી અને પોલીસે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓનાં નિવેદનો નોંધવાનું શરૂ કર્યું હતું.
દિલ્હી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 (2) (જાતીય સતામણી), 79 (સ્ત્રીની ગરિમાના અપમાનના ઇરાદાસરના ઇશારા કે કૃત્ય) અને 351 (2) (અપરાધિક ધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો. સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી હાલ ફરાર છે અને તેમના માટે લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે.
સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીને મૅનેજમેન્ટ કમિટીના ડિરેક્ટર તથા સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ 2025ની નવમી ઓગસ્ટના એક જાહેર નિવેદનમાં આપવામાં આવી હતી. તેમાં એવી ખાતરી પણ આપવામાં આવી હતી કે શૈક્ષણિક કાર્યક્રમો અવિરત ચાલુ રહેશે. વિદ્યાર્થી કલ્યાણ અને શિક્ષણ સર્વોચ્ચ અગ્રતા બની રહેશે, એમ તેમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.
બધા વિદ્યાર્થીઓ હવે સલામત અને રક્ષણાત્મક વાતાવરણમાં હોવાની સંસ્થાએ ખાતરી આપી હતી. તેમને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે એસઆરઆઈએસઆઈઆઈએમ તથા પીઠમ બંને તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યાં છે.
કોણ છે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી?
ઓડિશામાં પાર્થસારથી તરીકે જન્મેલા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી સ્વ-ઘોષિત ધર્મગુરુ અને દિલ્હીના વસંત કુંજ વિસ્તારની એસઆરઆઈએસઆઈઆઈએમના ભૂતપૂર્વ ડિરેક્ટર છે. તેઓ કર્ણાટકની એક અગ્રણી હિંદુ મઠ સંસ્થા શ્રી શૃંગેરી શારદા પીઠમ સાથે સંકળાયેલા છે.
તેઓ શિકાગો યુનિવર્સિટી જેવી સંસ્થાઓ અને સાથે પ્રોફેસરશિપ તથા અન્ય રીતે જોડાયેલા હોવા ઉપરાંત આધ્યાત્મિક તથા શૈક્ષણિક યોગ્યતાનો દાવો કરે છે.
નકલી નંબર પ્લેટવાળી કારનું શું?
વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં હાલ લાલ રંગની એક લક્ઝરી વૉલ્વો કાર પાર્ક થયેલી જોવા મળે છે. તેમાં કોઈ નંબર પ્લેટ નથી અને તે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની હોવાનું કહેવાય છે.
સાઉથ-વેસ્ટ દિલ્હીનાં ડીસીપી ઐશ્વર્યા સિંહે બીબીસીને કહ્યું હતું, "અમને ઑગસ્ટમાં ફરિયાદ મળી હતી. અમે કાયદા અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ. સમયસર એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ ચાલુ છે. વિદ્યાર્થિનીઓનાં નિવેદન નોંધવામાં આવી રહ્યાં છે."
તેમણે ઉમેર્યું હતું, "આરોપી ચૈતન્યાનંદ સરસ્વતી વસંત કુંજની સઆરઆઈએસઆઈઆઈએમમાં મૅનેજર હતા. તેઓ હાલ ફરાર છે અને અમે તેમને શોધી રહ્યા છીએ. સંસ્થાના ભોંયરામાંથી સંયુક્ત રાષ્ટ્રસંઘની બનાવટી નંબર પ્લેટવાળી વૉલ્વો કાર જપ્ત કરવામાં આવી છે. આ બનાવટ માટે એક અલગ કેસ નોંધવામાં આવ્યો છે."
પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે, એમ જણાવતાં તેમણે એવું પણ કહ્યું હતું, "બનાવટી નંબર પ્લેટ્સ અને જાતીય સતામણી માટે અલગ-અલગ કલમો લગાવવામાં આવી છે. સંબંધિત વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યાં છે."
"આરોપીને શોધવા માટે દિલ્હી પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે અને અમે ટૂંક સમયમાં જ તેમના સુધી પહોંચી જઈશું તેનો અમને વિશ્વાસ છે. જાતીય સતામણીના ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાથી વધુ વિગતો જાહેર કરવી શક્ય નથી."
સંસ્થા શું કરે છે?
આ સંસ્થા ઑલ ઇન્ડિયા કાઉન્સિલ પૉર ટેકનિકલ ઍજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા માન્ય છે.
સંસ્થાની વેબસાઇટ પરની માહિતી મુજબ, એસઆરઆઈએસઆઈઆઈએમનું સંચાલન ઐતિહાસિક શ્રૃંગેરી શારદા પીઠ સાથે સંકળાયેલા શંકરા વિદ્યા કેન્દ્ર (એસકેવી) દ્વારા કરવામાં આવે છે. કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં સ્થિત આ પીઠ આદિ શંકરાચાર્ય સ્થાપિત ચાર અદ્વૈત મઠો પૈકીના એક તરીકે ઓળખાય છે.
શારદા ઈન્સ્ટિટ્યૂટ વિવિધ પોસ્ટગ્રેજ્યુએટ મેનેજમેન્ટ અભ્યાસક્રમો ઓફર કરે છે. સંસ્થા પરંપરાગત ભારતીય મૂલ્યો અને આધુનિક મેનેજમેન્ટ શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવાનો દાવો કરે છે.
સંસ્થાના ફેસબુક પેજ અને સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સમાં પરંપરાગત ભારતીય તહેવારોની ઉજવણી તથા વિવિધ કાર્યક્રમો જોવા મળે છે. સંસ્થાની ઈમારત વાતાનુકૂલિત વર્ગખંડો, વિશાળ પ્રયોગશાળાઓ અને અન્ય આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય મહિલાપંચે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Ashay Yegde
રાષ્ટ્રીય મહિલાપંચે આ કેસની જાતે નોંધ લીધી છે. આ ઘટના બાબતે વિગતવાર અહેવાલ ત્રણ દિવસમાં સુપરત કરવા તેણે અધિકારીઓને જણાવ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "આ કેસ વિશેના અહેવાલોને આધારે એવું લાગે છે કે આરોપીએ અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હતો, અભદ્ર મૅસેજીસ મોકલ્યા હતા, અયોગ્ય વર્તન કર્યું હતું અને ફૅકલ્ટી-કર્મચારીઓએ તેમની ગેરકાયદે માંગણીઓને વશ થવા વિદ્યાર્થીઓને કથિત રીતે દબાણ કર્યું હતું."
રાષ્ટ્રીય મહિલાપંચે એ પણ નોંધ્યું છે કે પીડિતો પૈકીની ઘણી વિદ્યાર્થિનીઓ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટેની શિષ્યવૃત્તિ મેળવતી હતી. આ બાબત પહેલાથી જ નબળી વિદ્યાર્થિનીઓના વ્યવસ્થિત શોષણ બાબતે ચિંતા સર્જે છે.
ડેપ્યુટી કમિશનર અમિત ગોયલે કહ્યું હતું, "દિલ્હી પોલીસની ટીમો હાલ દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં આરોપીઓને શોધી રહી છે."
સ્વામી ચૈતન્યાનંદને શ્રૃંગેરી વિદ્યાપીઠે સસ્પેન્ડ કર્યા છે અને રાષ્ટ્રીય મહિલાપંચે હસ્તક્ષેપ કર્યો છે. તેથી આ કેસ થોડા સમય માટે સમાચારમાં રહેવાની શક્યતા છે. જોકે, કેટલાક સવાલોના જવાબ મળવાના બાકી છેઃ ઉત્પીડન કેટલા સમયથી ચાલતું હતું? કર્મચારીઓ આ બધાથી વાકેફ હતા? તપાસ દરમિયાન આરોપી કેવી રીતે છટકી ગયો?
આ સવાલોના જવાબો બહાર આવતા સમય લાગશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












