દહેગામના બહિયલમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ બાદ પથ્થરમારો, પોલીસ કહ્યું 'સોશિયલ મીડિયા પોસ્ટ' બની બનાવનું કારણ

દહેગામના બહિયલ ગામમાં બુધવાર મોડી રાતથી શેરીએ શેરીએ પોલીસ બંદોબસ્ત છે. સામાન્ય રીતે ચહલપહલવાળા આ ગામના રસ્તા નિર્જન ભાસી રહ્યા છે. ગામમાં અજંપાભરી શાંતિ છે.
ગામની આ સ્થિતિનું કારણ બની છે બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ બે જૂથો વચ્ચેના ઘર્ષણની ઘટના.
ગાંધીનગર પોલીસે આપેલી માહિતી પ્રમાણે ઘટનાની રાત્રે એક સમુદાયના કેટલાક લોકોએ ગામમાં એક દુકાન પર હુમલો કર્યો હતો. જે બાદ નિકટમાં આયોજિત ગરબાના આયોજન સ્થળે પણ પથ્થર પડ્યા હતા. ત્યાર પછી આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ સંપૂર્ણ વિવાદ શરૂ થવાનું કારણ એક 'સોશિયલ મીડિયા પોસ્ટ' હતી.
ગાંધીનગર પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર મંડળી રચવી અને આગચંપી સહિતની કલમો અંતર્ગત એફઆઇઆર નોંધવાની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આ કેસમાં અત્યાર સુધી 60 કરતાં વધુ લોકોને રાઉન્ડ-અપ કર્યાની વાત કરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળે ભારે પોલીસ કાફલો ખડકીને સ્થિતિને કાબૂમાં કરી લેવાઈ છે.
આ ઘટનામાં એક સમુદાયના લોકોએ સામા પક્ષના લોકો પર વિવાદની શરૂઆત કર્યાનો આરોપ કર્યો છે. જ્યારે બીજા સમુદાયના લોકોએ 'પોલીસદમન'ની ફરિયાદ કરી છે.
જોકે, પોલીસે કથિત 'દમનના આરોપો' નકારી કાઢ્યા છે અને આ મામલામાં 'કોઈ બળપ્રયોગ' ન કર્યાનો દાવો કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બહિયાલ ગામમાં શું બન્યું હતું?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગાંધીનગર જિલ્લાના મદદનીશ પોલીસ અધીક્ષક (એએસપી) આયુષ જૈને મીડિયા સાથેની વાતચીતમાં સમગ્ર મામલા અંગે માહિતી આપી હતી.
તેમણે કહ્યું, "ગઈ કાલે રાત્રે દહેગામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા બહિયલ ગામમાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જેનું મુખ્ય કારણ એક સોશિયલ મીડિયા પોસ્ટ હતી. પોલીસને આ મામલાની માહિતી મળતાં જ પોલીસ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યારે સ્થિતિ કાબૂમાં છે. અત્યાર સુધી લગભગ 60 કરતાં વધુ લોકોને રાઉન્ડ-અપ કરાયા છે. આગળની તપાસ હજુ ચાલુ છે."
પોલીસે આપેલી પ્રાથમિક વિગતો અનુસાર આ ઘટનામાં ચાર જેટલી દુકાનોમાં આગચંપી કરાઈ હતી. એ સિવાય ચારથી પાંચ વાહનોને પણ નુકસાન થયું છે.
એએસપી આયુષ જૈને આગળ કહ્યું હતું કે હાલ આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે અને એફઆઇઆર પણ નોંધાઈ રહી છે.
તેમણે આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું, "આ પોસ્ટ કોણે કરી, ક્યાંથી આવી? એની તપાસ હજુ ચાલી રહી છે. સ્થિતિ હાલ સંપૂર્ણપણે કાબૂમાં છે. ગામમાં હાલ સંપૂર્ણ શાંતિ છે. હાલ ગામમાં 200 કરતાં વધુ પોલીસકર્મીઓ અને એસઆરપીની બે કંપની તહેનાત કરી દેવાઈ છે."
આ ઉપરાંત ઘટના અંગે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "પોલીસ પાસે હજુ 20 નામ છે, જેમની ધરપકડ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે."
તેમણે કહ્યું હતું કે ઘટનામાં સરકારી ગાડીઓમાં નુકસાન થયું છે. પોલીસની બે અને ફાયરબ્રિગેડની એક ગાડીના કાચ તોડી નખાયા છે. આ સિવાય અન્ય પણ બે-ત્રણ વાહનોના કાચ તોડી નખાયા છે.
તેમણે કહ્યું કે, "સૌપ્રથમ તો એક એચકે પટેલની દુકાનમાંથી સામાન બહાર કાઢીને સામાન બાળવામાં આવ્યો. અને પછી એક સમુદાયના લોકોએ ટોળે વળીને બીજા સમુદાયના વિસ્તાર પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં બે-ત્રણ લોકોને નાની મોટી ઈજા થઈ. અને બે-ત્રણ દુકાનો પણ સળગાવી દેવાઈ હતી."
"બીજા સમુદાયના વિસ્તારથી દુકાન ખૂબ નજીક હતી. પહેલા દુકાન પર હુમલો થયો. એ બાદ હુમલાખોરો બીજા સમુદાયના વિસ્તાર તરફ ગયા. ત્યાં નાકા પર જ ગરબા થઈ રહ્યા હતા. ગરબા આયોજન પર પણ પથ્થર પડ્યા હતા. બીજા સમુદાય તરફથી પણ વળતો પ્રહાર કરાયો હતો. એમને પણ પોલીસ આઇડેન્ટિફાય કરી રહી છે."
ગામલોકોએ શું કહ્યું?

ગામમાં રહેતાં મહેરાજ નામનાં એક મહિલાએ આક્ષેપ કરતાં કહ્યું કે, "રાત્રે આવેલા લોકોએ કોશ વડે લોખંડનો દરવાજો બળજબરીપૂર્વક ખોલ્યો. એ પોલીસવાળા નહોતા પરંતુ ઉગ્રવાદીઓ હતા. ઘરમાં ઘૂસીને બધું બંધ કરીને બધાને માર્યા. મારા છોકરા અને ભાણિયા સાથે અમે લોકો ઉપરના માળે બેઠા હતા. બધાને બંદૂકના ઠોસા માર્યા. મારીને, બધાને વાળ પકડીને લઈ ગયા. મારા દીકરા, મારા પતિ અને મારા ભાણિયાને પોલીસવાળા બળજબરીપૂર્વક લઈ ગયા છે. મારા પતિને તો ચાર ચાર બીમારી છે, છતાં તેમને લઈ ગયા."

ગામમાં 30-40 વર્ષથી રહેતા વૃદ્ધ યુસુફ મિયાંએ કહ્યું કે "અમારા ગામમાં આવું પહેલાં ક્યારેય નથી બન્યું. આ પ્રથમ આવો બનાવ છે. અમે હંમેશાં ભાઈચારાથી જ રહ્યા છીએ. પણ હવે આ લોકોએ સ્થિતિ ખૂબ ખરાબ કરી નાખી છે. રાત્રે આવીને બધાના દરવાજા, ગલ્લા બધું તોડી નાખ્યું, ખૂબ મારઝૂડ કરી છે. અને બધાને લઈ ગયા છે. "
ગઈ કાલ રાત્રે તમે શું જોયું?
આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "ઘણો ખરાબ માહોલ હતો. રાત્રે અમારા અહીં ચઢી આવનાર લોકો ખૂબ અપશબ્દો બોલી રહ્યા હતા. એ લોકોએ મહિલાઓને પણ માર માર્યો. આ લોકોએ રાત્રે ખૂબ ખરાબ કર્યું છે."
ગામનાં જ રહેવાસી એવાં રેશ્મા નામનાં યુવતીએ પોલીસ સામે ગંભીર આરોપ કરતાં કહ્યું, "ગઈ કાલે રાત્રે અમે બધાં ઉપર ઘરમાં બેઠાં હતાં. અચાનક જ પોલીસવાળા આવી પહોંચ્યા. આવીને તેમણે મહિલાઓ સહિત બધાને માર માર્યો. બધાને ઢસડી ઢસડીને લઈ ગયા. અહીં પડેલી બાઇક અને રિક્ષાના કાચ તોડી નાખ્યા. તેમણે ખૂબ નુકસાન કર્યું. બાળકો અને મહિલાઓ સાથેય ધક્કામુક્કી કરી. અને બધા પુરુષોને માર મારીને લઈ ગયા. પોલીસવાળા અમને ધમકી આપી રહ્યા હતા કે જો અમે કંઈ કહીશું તો તેઓ ફાયરિંગ કરશે."
જોકે, પોલીસે આ તમામ આરોપોને ફગાવ્યા છે.
જ્યારે ગામલોકોએ પોલીસ સામે હિંસા આચરવાના આરોપો અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો ત્યારે ગાંધીનગર એએસપી આયુષ જૈને કહ્યું કે પોલીસે "કોઈ જાતનો બળપ્રયોગ" કર્યો નથી.
બીજા સમુદાયના લોકોએ શું કહ્યું?

ગામના એક રહેવાસી હીરેન પટેલે ઘટના અંગે જણાવતાં કહ્યું કે, "અહીં ગરબા ચાલી રહ્યા હતા. ત્યારે સાડા દસ વાગ્યાની આસપાસ બહિયલ ગામમાં રામજી મંદિર બાજુથી પથ્થરમારો ચાલુ થયો. તેમને રોકવા અમે લોકો દોડ્યા તો બીજી તરફ ભાગોળવાળા રસ્તેથી 1000-1500 લોકોનું ટોળું આવ્યું અને તેમણે પથ્થરમારો કરવાનું ચાલુ કર્યું. પથ્થરમારો ચાલતો રહ્યો."
તેઓ આગળ કહે છે કે, "એ બાદ (તેમણે) ઘણી બધી ગાડીઓ સળગાવી દીધી, દુકાનો સળગાવી દીધી. લગભગ 20-25 જેટલી કારને નુકસાન કર્યું. દુકાનની અંદરનો સામાન પણ સળગાવી દીધો. એક કિરાણાની દુકાનમાંથી સામાન ચોરી જઈને દુકાન સળગાવી દેવાઈ."
આ સમગ્ર ઘટના કયાં કારણોસર બની?
આના જવાબમાં તેમણે કહ્યું, "એ લોકો જોર જોરથી બૂમો પાડતા હતા. બૂમો પાડીને તેઓ પથ્થરમારો કરી રહ્યા હતા. એ લોકોએ પૂર્વતૈયારી કરીને આ હુમલો કર્યો હતો એવું લાગી રહ્યું હતું."

દીવાલ પર 'ઝેરોક્ષ ઍન્ડ લેમિનેશન' લખાણવાળી પોતાના મિત્રની બળી ગયેલી દુકાન બતાવી કપિલ પ્રજાપતિ નામની એક વ્યક્તિએ કહ્યું કે, "ગઈ કાલે દુકાનમાં ચાર-સાડા ચાર લાખ રૂપિયા રોકડા દુકાનમાં મૂક્યા હતા. જેમાંથી આ કેટલીક બળેલી નોટો જ બાકી રહી છે. ગઈ કાલે એમણે આ પૈસા ઝેરોક્ષ મશીનની અંદર મૂક્યા હતા, આ રકમ આવતી કાલે સવારે બૅન્કમાં મૂકવાનું આયોજન હતું. પણ એમને ખબર નહોતી કે રાત્રે આવી ઘટના બનશે."
"આ ટોળાએ અચાનક હુમલો કર્યો છે. દુકાનમાં રહેલા સામાનમાંથી કાંઈ જ બચ્યું નથી. બધું રાખ થઈ ગયું છે. તાજેતરમાં જ 3.80 લાખ રૂ.માં દુકાન માટે ઝેરોક્ષ મશીન લાવ્યા હતા, એ સિવાય કમ્પ્યૂટર પણ બળીને રાખ થઈ ગયું છે. આ દસ લાખ રૂ. કરતાં વધુનું નુકસાન થયું છે. દુકાનને બચાવવાની કોઈ તક નહોતી, કારણ કે અહીં બધા બીજા સમુદાયના લોકો એકઠા થયા હતા. અને પથ્થરમારો કરી રહ્યા હતા."
આ દુકાન ટાર્ગેટ કરવાનું કારણ પૂછતાં તેમણે કહ્યું, "સોશિયલ મીડિયાની પોસ્ટને કારણે કદાચ આ લોકો ઉશ્કેરાઈ ગયા હોય, અથવા એનું બીજું કંઈ કારણ હોય."
આ ઘટનામાં રજની પટેલ નામની વ્યક્તિની દુકાનને પણ નુકસાન થયું છે. પોતાની વેરવિખેર અને નુકસાનગ્રસ્ત દુકાન સામે ઊભા રહી બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "20-24 વર્ષથી અમારી આ દુકાન અહીં છે. અમને પાંચથી દસ લાખ રૂ. જેટલું નુકસાન થયું છે. અમારો દૂધનો ધંધો છે, અને ઉઘરાણીના પૈસા દુકાનમાં જ મૂકી રાખ્યા હતા. એ પણ ગયા છે. દુકાનમાંના સીસીટીવી પણ નષ્ટ કરી દેવાયા છે, તેથી કોઈ ફૂટેજ પણ નથી મળ્યાં. આ એક કિરાણાની દુકાન હતી, જેમાં ઘણો બધો સામાન મળતો હતો. દુકાનમાંથી ચોરી પણ થઈ છે અને નુકસાન પણ કરાયું છે. તેલ-ઘીના ડબ્બા, ખાંડની બોરી વગેરે જેવો સામાન ઉઠાવી ગયા છે."
પોલીસનો દાવો છે કે તે આખી ઘટનાની તપાસ કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












