'આઈ લવ મોહમ્મદ' બૅનર મુદ્દે ગોધરા સહિત અનેક શહેરોમાં વિવાદ અને FIR, વિરોધપ્રદર્શનો કેમ થયાં?

આઈ લવ મોહમ્મદ , ગોધરા , ગુજરાત , વિવાદ , ઇસ્લામ , મુસ્લિમો , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SUMAIYYA RANA

ઇમેજ કૅપ્શન, 'આઈ લવ મોહમ્મદ' બૅનર મુદ્દે ગોધરા સહિત અનેક શહેરોમાં વિવાદ.
    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશના કાનપુરમાં બારાવફાત (ઈદ મિલાદ-ઉન-નબી) પ્રસંગે 'આઈ લવ મોહમ્મદ' લખેલાં બૅનરો લગાવવા બાબતે વિવાદ સર્જાયો હતો.

એ સંબંધે પોલીસ ફરિયાદ બાદ ઉત્તર પ્રદેશનાં અને દેશનાં અનેક શહેરોમાં મુસલમાનોએ વિરોધપ્રદર્શનો કર્યાંં છે.

અલગ-અલગ શહેરોમાં અનેક એફઆઈઆર નોંધાઈ છે અને કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

ઉત્તરાખંડના કાશીપુરમાં પણ રવિવારે 'આઈ લવ મોહમ્મદ' લખેલાં બૅનરો સાથે સરઘસ કાઢવામાં આવ્યું એ દરમિયાન પોલીસ અને વિરોધપ્રદર્શનકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. અહીં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે સરઘસ કાઢવામાં આવ્યું એ પછી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

મુસલમાનોને તેમના ધાર્મિક સ્વાતંત્ર્યની અભિવ્યક્તિ માટે પોલીસ નિશાન બનાવી રહી હોવાનો આક્ષેપ કેટલાક લોકો કરી રહ્યા છે.

જોકે, કાનપુર પોલીસે જણાવ્યું છે કે 'આઈ લવ મોહમ્મદ' લખેલાં બૅનરો માટે નહીં, પરંતુ નક્કી થયેલી જગ્યાને બદલે અન્ય સ્થળે ટૅન્ટ લગાવવા માટે એફઆઈઆર કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ બીજેપીના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું હતું, "ધર્મને આધારે કોઈને નિશાન બનાવવામાં આવતા નથી."

કાનપુરમાં શું થયું હતું?

આઈ લવ મોહમ્મદ , ગોધરા , ગુજરાત , વિવાદ , ઇસ્લામ , મુસ્લિમો , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ABHISHEK SHARMA

ઇમેજ કૅપ્શન, કાનપુરમાં થયેલું વિરોધપ્રદર્શન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કાનપુરના ડીસીપી-વેસ્ટ દિનેશ ત્રિપાઠીએ એક નિવેદનમાં જણાવ્યું હતું, "રાવતપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બારાવફાતનું પરંપરાગત સરઘસ નીકળવાનું હતું. સ્થાનિક લોકોએ નક્કી થયેલા સ્થળે એક ટૅન્ટ અને 'આઈ લવ મોહમ્મદ' બૅનર લગાવ્યું હતું. એક પક્ષે તેનો વિરોધ કર્યો હતો. બાદમાં તેમની વચ્ચે સહમતીથી બૅનરને પરંપરાગત સ્થાને લગાવી દેવામાં આવ્યું હતું."

દિનેશ ત્રિપાઠીએ દાવો કર્યો હતો કે 'આઈ લવ મોહમ્મદ' લખવા કે બૅનર લગાવવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી નથી, પરંતુ પરંપરાગત સ્થાનને બદલે અન્યત્ર ટૅન્ટ લગાવવા તેમજ સરઘસ દરમિયાન એક પક્ષ દ્વારા બીજા પક્ષનું બૅનર ફાડી નાખવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.

એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે મુસ્લિમ સમુદાયે 'આઈ લવ મોહમ્મદ' લખેલાં બૅનરો લગાવીને નવી પરંપરાની શરૂઆતનો પ્રયાસ કર્યો હતો અને તેનો બીજા સમુદાયે વિરોધ કર્યો હતો. સરઘસ દરમિયાન ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી છે.

એફઆઈઆરમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે સરઘસ દરમિયાન બીજા સમુદાયના ધાર્મિક પોસ્ટર્સ પણ ફાડવામાં આવ્યાં હતાં.

કાનપુરના રાવતપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ક્રમાંક 196 અને 299 હેઠળ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં બે જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવાનો તેમજ નફરત ફેલાવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સરઘસના આયોજકો સહિતના અનેક લોકોનાં નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યાં છે.

કાનપુર પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના સંબંધે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

સ્થાનિક પત્રકાર અભિષેક શર્માના કહેવા મુજબ, ચોથી સપ્ટેમ્બરે બૅનર લગાવવા બાબતે વિવાદ થયો હતો અને બીજા દિવસે બારાવફાત પ્રસંગે સરઘસ કાઢવામાં આવ્યું હતું, જ્યારે એફઆઈઆર 10 સપ્ટેમ્બરે સાંજે નોંધવામાં આવી હતી.

કાનપુરમાં 'આઈ લવ મોહમ્મદ' બૅનર સંબંધી વિવાદ અને એફઆઈઆર પછી એઆઈએમઆઈએમના નેતા તથા સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ 15 સપ્ટેમ્બરે કાનપુર પોલીસને ટૅગ કરીને ઍક્સ પર લખ્યું હતું, "આઈ લવ મોહમ્મદ, કાનપુર પોલીસ આ ગુનો નથી. ગુનો હોય તો બધી સજા મંજૂર છે."

ઓવૈસીએ તેમની પોસ્ટમાં લખ્યું હતું, "તુમ પર મેરી લાખ જાન કુરબાન યા રસૂલ."

લખનૌમાં વિરોધપ્રદર્શન, ધરપકડના આરોપ

આઈ લવ મોહમ્મદ , ગોધરા , ગુજરાત , વિવાદ , ઇસ્લામ , મુસ્લિમો , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SUMAIYYA RANA

ઇમેજ કૅપ્શન, લખનૌમાં મહિલાઓએ પણ વિરોધપ્રદર્શન કર્યુંં.

લખનૌમાં અનેક મહિલાઓએ હાથમાં 'આઈ લવ મોહમ્મદ' લખેલા બૅનરો સાથે વિધાનસભાના ગેટ નંબર ચાર સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.

એ મહિલાઓનું નેતૃત્વ સમાજવાદી પાર્ટીનાં નેતા અને દિવંગત શાયર મુન્નવર રાણાની દીકરી સુમૈયા રાણાએ કર્યું હતું.

સુમૈયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અનેક યુવાઓ વિરોધપ્રદર્શનમાં સામેલ થવા ઈચ્છતા હતા, પરંતુ પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા.

સુમૈયાએ કહ્યું હતું, "અમે મહિલાઓ કારમાં બેસીને વિધાનસભા સુધી પહોંચ્યાં હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે અમને પણ ત્યાંથી હટાવ્યાં હતાં."

સુમૈયાએ દાવો કર્યો હતો કે વિરોધપ્રદર્શનમાં સામેલ થયેલા કેટલાક યુવકોને પોલીસે થોડા કલાક માટે અટકાયતમાં રાખ્યા હતા. જોકે, લખનૌ પોલીસે આ સંબંધે કોઈ નિવેદન નોંધ્યું નથી.

સુમૈયાએ કહ્યું હતું, "મુસલમાનો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવે છે ત્યારે કેસ કરવામાં આવતો નથી. મુસલમાનો તેમના બંધારણીય અધિકારો હેઠળ ધાર્મિક લાગણી અભિવ્યક્ત કરે તો એફઆઈઆર નોંધવામાં આવે છે. આ મુસલમાનોની ધાર્મિક અભિવ્યક્તિ અને લાગણીને દબાવવાનો પ્રયાસ છે, જેને સહન કરવામાં આવશે નહીં."

બીજી તરફ લખનૌના ડીસીપી – સેન્ટ્રલ આશિષ શ્રીવાસ્તવે બીબીસીને કહ્યું હતું, "વિધાનસભા નજીક વિરોધપ્રદર્શન સબબ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. વિરોધપ્રદર્શનકર્તાઓ માટે ઇકો ગાર્ડનમાં નિર્ધારિત જગ્યા છે. વિરોધપ્રદર્શનકર્તાઓને પકડીને ત્યાં જ મુક્ત કરી દેવાયા હતા."

ઉન્નાવમાં વિરોધપ્રદર્શન, અનેકની ધરપકડ

આઈ લવ મોહમ્મદ , ગોધરા , ગુજરાત , વિવાદ , ઇસ્લામ , મુસ્લિમો , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ABU BAKAR

કાનપુરમાં નોંધવામાં આવેલી એફઆઈઆરના વિરોધમાં ઉન્નાવમાં પણ સરઘસ કાઢવામાં આવ્યું હતું. એ પછી પોલીસે કેસ નોંધ્યો હતો અને પાંચ લોકોની ધરપકડ કરી હતી.

એ દરમિયાન પોલીસ અને વિરોધપ્રદર્શનકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.

ઉન્નાવના ગંગાઘાટ થાણા વિસ્તારમાં અનેક બાળકો તથા મહિલાઓ 'આઈ લવ મોહમ્મદ' લખેલાં પોસ્ટર્સ બાબતે નારાબાજી કરતી હોય તેવું દર્શાવતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા હતા.

ઉન્નાવના ઍડિશનલ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ (ઉત્તર) અખિલેશસિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું, "ઉન્નાવમાં કલમ 163 અમલમાં છે. એ મુજબ પરવાનગી વિના કોઈ સરઘસ કે વિરોધપ્રદર્શન કરી શકાય નહીં. ગંગાઘાટ વિસ્તારમાં પરવાનગી વિના સરઘસ કાઢવામાં આવ્યું અને પોલીસ ત્યાં પહોંચી ત્યારે કેટલીક મહિલાઓ તથા બાળકોએ પોલીસના કામમાં અડચણ સર્જવાના પ્રયાસ કર્યાં હતાં. આ સંબંધે પાંચ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને કેસ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આઠ લોકોનાં નામ આપવામાં આવ્યાં છે. આગળની તપાસ ચાલુ છે."

અખિલેશસિંહના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ સામાન્ય છે અને પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.

બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ધર્મપાલસિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું, "કાયદા સાથે કોઈને રમત કરવા દેવાશે નહીં. માહિતી મળતાં આકરી કાર્યવાહી કરવામાં આવી છે. અનેકની ધરપકડ કરવામાં આવી છે. આગળ પણ તપાસ કરીને આકરી કાર્યવાહી કરવામાં આવશે."

કાશીપુરમાં પણ હિંસા અને એફઆઈઆર

ઉત્તરાખંડના કાશીપુરમાં પણ રવિવારે સાંજે સ્થાનિક મુસલમાનોએ 'આઈ લવ મોહમ્મદ' લખેલાં પોસ્ટર્સ સાથે સરઘસ કાઢ્યું હતું. એ દરમિયાન તેમની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી.

સ્થાનિક પત્રકાર અબુ બકરના જણાવ્યા મુજબ, ઘટના પછી પોલીસે ફરિયાદ નોંધી હતી અને પોલીસદળ તહેનાત કરવામાં આવ્યું હતું. મોડી સાંજ સુધી અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

અબુ બકરના જણાવ્યા મુજબ, કાશીપુરના અલીખાં મોહલ્લામાંથી સરઘસ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે વિરોધપ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તેમાં એક પોલીસ કર્મચારી ઘવાયો હતો.

કાશીપુરમાં પણ લોકો હાથમાં 'આઈ લવ મોહમ્મદ' લખેલાં બૅનર્સ અને પોસ્ટર્સ સાથે પ્રદર્શન કરતાં હતાં.

અબુ બકરે કહ્યુ હતું, "સરઘસ નીકળવાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સરઘસમાં સામેલ કેટલાક યુવકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસનાં વાહનોના કાચ પણ તૂટ્યા હતા."

પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે વધારાનું પોલીસદળ બોલાવવામાં આવ્યું હતું અને લાઠીચાર્જ કરીને લોકોને વિખેરી નાખવામાં આવ્યા હતા.

ઉધમસિંહ નગરના એસએસપી મણિકાંત મિશ્રાએ કહ્યું હતું, "કાશીપુરમાં પરવાનગી વિના સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેમાં લગભગ 400 લોકો સામેલ હતા. લોકોની ભીડે પોલીસનાં વાહનો પર પણ હુમલો કર્યો હતો. નદીમ અખ્તર અને સાત અન્યની ધરપકડ કરવામાં આવી છે અને 10 અન્યને અટકાયતમાં લેવામાં આવ્યા છે."

મણિકાંત મિશ્રાએ ઉમેર્યું હતું, "આ ધાર્મિક ઉશ્કેરણી ફેલાવવામાં બીજું કોણ-કોણ સામેલ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે."

કાશીપુરમાં જિલ્લા વહીવટીતંત્ર, નગર પાલિકા અને વીજળી વિભાગની ટીમોને પણ તહેનાત કરવામાં આવી છે. એસએસપીએ જણાવ્યું હતું કે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે કે કેમ તેના પર નજર રાખવામાં આવી રહી છે.

બીબીસીએ સ્થાનિક નેતાઓ અને વિરોધપ્રદર્શનમાં સામેલ લોકો સાથે વાત કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમણે કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો.

ગોધરા અને મુંબઈમાં પણ વિરોધપ્રદર્શનો

આઈ લવ મોહમ્મદ , ગોધરા , ગુજરાત , વિવાદ , ઇસ્લામ , મુસ્લિમો , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, DAXSHESH SHAH

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં પણ ગોધરા પોલીસસ્ટેશનની બહાર તોડફોડ થઈ હતી અને પ્રદર્શન થયું હતું.

'આઈ લવ મોહમ્મદ' વિવાદ બાદ ગુજરાતના ગોધરા અને મહારાષ્ટ્રના મુંબઈમાં પણ વિરોધપ્રદર્શનો થયાં છે અને એફઆઈઆર અને ધરપકડો થઈ છે.

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર દક્ષેશ શાહના જણાવ્યા મુજબ, ગત શુક્રવારે ગોધરામાં એક પોલીસ સ્ટેશન બહાર વિરોધપ્રદર્શન અને તોડફોડ પછી 87 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમજ 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સ્થાનિક સંવાદદાતાના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા ઝાકિર બાબા નામના એક સ્થાનિક યુવકે 'આઈ લવ મોહમ્મદ' વિવાદ સંબંધે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. એ પછી પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, યુવકને મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તે પોલીસ સ્ટેશનેથી રવાના થયો પછી પોલીસ પર સતામણી અને દુર્વ્યવહારનો આરોપ મૂકતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યો હતો. એ કારણે સ્થાનિક લોકોનો ગુસ્સો ભડક્યો હતો.

પંચમહાલ જિલ્લાના પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે કહ્યું હતું, "લોકોનાં ટોળાંએ ચોકી નંબર ચારમાં તોડફોડ કરી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ પર અંકુશ મેળવવો પડ્યો હતો."

ડૉ. હરેશ દુધાતે ઉમેર્યું હતું, "એ યુવક સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરે છે. નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને અમે તેને બોલાવ્યો હતો અને વાંધાજનક સામગ્રી પોસ્ટ ન કરવા જણાવ્યું હતું, પરંતુ એ કારણે એવી ગેરસમજ થઈ કે પોલીસે ઝાકિરને માર માર્યો છે. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે."

બીજી તરફ મુંબઈના ભાયખલા વિસ્તારમાં પણ મુસલમાનોનાં વિરોધપ્રદર્શન પછી એફઆઈઆર નોંધવામાં આવી છે.

સ્થાનિક સંવાદદાતા અલ્પેશ કરકરેના જણાવ્યા મુજબ, "મુંબઈના ભાયખલા વિસ્તારમાં 21 સપ્ટેમ્બરે કેટલીક મહિલાઓ અને પુરુષોએ રેલી કાઢી હતી. ભાયખલા પોલીસે પરવાનગી વિના રેલી કાઢવાના આરોપસર ગુનો નોંધ્યો હતો અને એક વ્યક્તિને અટકાયતમાં લેવામાં આવી હતી."

મુસ્લિમ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે 'આઈ લવ મોહમ્મદ' અભિયાનના સંદર્ભમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

તેના વિરોધમાં એઆઈએમઆઈએમના કાર્યકરો સહિતના મુસ્લિમ સંગઠનોના લોકો ભાયખલા પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા હતા.

પોલીસે અટકાયતમાં લીધેલી વ્યક્તિને નોટિસ આપીને મુક્ત કરી હતી.

બહરાઇચમાં આવેદનપત્ર આપવા બદલ કેસ દાખલ

આઈ લવ મોહમ્મદ , ગોધરા , ગુજરાત , વિવાદ , ઇસ્લામ , મુસ્લિમો , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FAIZUL HASAN

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના કેસરગંજ તાલુકામાં એસડીએમને આવેદનપત્ર સુપરત કરનાર યુવાઓના સમૂહ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ ફૈઝુલ હસને બીબીસીને કહ્યું હતું, "અમે શાંતિપૂર્ણ કૂચ કરી હતી અને 'આઈ લવ મોહમ્મદ' લખેલાં બૅનરો લગાવવાં બદલ એફઆઈઆરનો વિરોધ કર્યો હતો. અમે કોઈ નારાબાજી કરી ન હતી અને કાયદાનું ઉલ્લંઘન પણ કર્યું ન હતું. અમારા પર કેસ નોંધવામાં આવ્યો છે તેની ખબર તો અમને બાદમાં પડી હતી."

ફૈઝુલ હસને એફઆઈઆર રદ્દ કરાવવા માટે હવે અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.

ફૈઝુલ હસને કહ્યું હતું, "મુસલમાનો પૈગંબર મોહમ્મદને પ્રેમ કરે છે. અમને અમારા રસૂલ પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરવા બદલ નિશાન બનાવવામાં આવી રહ્યા છે."

મુસલમાનો સામે કાર્યવાહી

આઈ લવ મોહમ્મદ , ગોધરા , ગુજરાત , વિવાદ , ઇસ્લામ , મુસ્લિમો , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, FAIZUL HASAN

માનવાધિકાર કાર્યકરોનું કહેવું છે કે નાની-નાની ઘટનાઓને મોટી બનાવીને મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમની ધાર્મિક લાગણીને ઉશ્કેરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

'યુનાઇટેડ અગેન્સ્ટ હેટ' નામના સંગઠન સાથે જોડાયેલા નદીમ ખાને બીબીસીને કહ્યું હતું, "અનેક સ્થળે મુસલમાનો સામે પોલીસ કાર્યવાહીને માહિતી અમને મળી છે. કુલ કેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે કે કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે તેની માહિતી અમે હજુ સુધી એકઠી કરી શક્યા નથી."

નદીમ ખાને કહ્યુ હતું, "કાનપુરમાં જે થયું તેનાથી મુસલમાનો નારાજ છે, ગુસ્સે થયા છે, પરંતુ એ આવી પહેલી ઘટના નથી. પરિસ્થિતિ ધીમે-ધીમે આ તબક્કે પહોંચી છે. રમઝાન મહિનામાં મુરાદાબાદમાં ઘરમાં નમાજ પઢવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પછી છત પર નમાજ પઢતા રોકવામાં આવ્યા હતા. હવે પયગંબરનાં પોસ્ટર બાબતે કેસ થયો છે. મુસલમાનોને સિલેક્ટીવ રીતે નિશાન બનાવવાના અને તેમની લાગણી ભડકાવવાના પ્રયાસ થતા હોય એવું લાગે છે."

કાનપુરની ઘટના બાબતે નદીમ ખાને કહ્યું હતું, "આઈ લવ મોહમ્મદ બૅનર તોડવામાં આવ્યું હતું. એ બાબતે મુસલમાનોએ ફરિયાદ કરી હતી. એ સંબંધે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. તેના બદલે ઉલટાનો મુસલમાનો સામે જ કેસ નોંધવામાં આવ્યો હતો. અમારું પ્રતિનિધિમંડળ કાનપુરના પોલીસ કમિશનરને મળવા ગયું છે. બૅનર તોડવા બાબતે એફઆઈઆર નહીં કરવામાં આવે તો અમે અમારા બંધારણીય અધિકારો બાબતે અદાલતમાં જઈશું અને કેસ નોંધાવીશું."

કાનપુર પોલીસે નદીમ ખાનના આરોપોનો જવાબ આપ્યો નથી.

શું 30 કરોડ મુસલમાનો પર કેસ નોંધાશે?

કૉંગ્રેસના સંસદસભ્ય ઇમરાન પ્રતાપગઢીએ સવાલ કર્યો હતો કે પયગંબર મોહમ્મદ પ્રત્યે પ્રેમ જાહેર કરવા બદલ કેસ નોંધવામાં આવી રહ્યા હોય તો શું ભારતના 30 કરોડ મુસલમાનો પર કેસ નોંધવામાં આવશે, કારણ કે દરેક મુસલમાન પયગંબર મોહમ્મદને પોતાના જીવથી વધારે પ્રેમ કરે છે?

ઇમરાન પ્રતાપગઢીના કહેવા મુજબ, મુસલમાન યુવકોએ પરવાનગી વિના સરઘસ કાઢવું ન જોઈએ. એવું કરીને તેઓ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું હતું, "તમે વિરોધપ્રદર્શન કે ધરણા કરવા ઇચ્છતા હો તો તેની પરવાનગી લો. દરેક રાજ્ય, જિલ્લામાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન માટે કેટલાંક સ્થળો હોય છે. ત્યાં બેસીને પણ વિરોધ નોંધાવી શકાય છે. સોશિયલ મીડિયા પર પણ વિરોધ કરી શકાય છે."

અનેક એફઆઈઆર નોંધવા બાબતે ઇમરાન પ્રતાપગઢીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રે મુસલમાનોને નિશાન બનાવવાનું નક્કી કર્યું છે. તેથી લોકોએ પોતાની લાગણી સંભાળીને વ્યક્ત કરવાની જરૂર છે.

ભાજપે શું કહ્યું?

આઈ લવ મોહમ્મદ , ગોધરા , ગુજરાત , વિવાદ , ઇસ્લામ , મુસ્લિમો , બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કાનપુરના મુસ્લિમ બહુલ મોહલ્લામાં લગાવાયેલું પોસ્ટર

સરકાર અને પોલીસ પરના ભેદભાવના આરોપને ફગાવી દેતાં ઉત્તર પ્રદેશ બીજેપીના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું હતું, "સરકાર ધર્મ જોઈને કાર્યવાહી કરતી નથી. જે કાયદાનું ઉલ્લંઘન કરશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે."

આ ઘટનાને મુદ્દો બનાવીને રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડવાના તેમજ રાજકારણ રમવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું પણ રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં રાકેશ ત્રિપાઠીએ કહ્યું હતું, "કોઈને તેની આસ્થાના આધારે ટાર્ગેટ કરી શકાય નહીં. કોઈ ધાર્મિક નારા સામે પણ વિરોધ નથી, પરંતુ કોઈ નારો કે સુત્ર કાયદાની મર્યાદાનું ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી નિશ્ચિત રીતે થશે. કોઈ બૅનર કે સ્લોગન ક્યાં લખવાનું છે તેના માટે સ્થાન નિર્ધારિત છે. તેનું ઉલ્લંઘન થતું હોય અને પરવાનગી વિના તે લગાવવામાં આવતું હોય તો કાર્યવાહી થશે. જાણીજોઇને એક આંદોલન બનાવીને લોકોની લાગણીને ઉશ્કેરવાના પ્રયાસ થઈ રહ્યા છે, જે યોગ્ય નથી."

મુસ્લિમોની પ્રતિક્રિયાનું કારણ શું છે?

કાનપુરની ઘટના પછી માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં, અનેક અન્ય રાજ્યોમાં પણ વિરોધપ્રદર્શનો થયાં છે. ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં 'આઈ લવ મોહમ્મદ'ના મુદ્દે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

મુસલમાનો સોશિયલ મીડિયા પર 'આઈ લવ મોહમ્મદ'ના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી રહ્યા છે. અનેક લોકોએ આ પોસ્ટરને પ્રોફાઇલ પિક્ચર પણ બનાવ્યું છે.

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત વિવેકકુમારે કહ્યું હતું, "કેન્દ્રીય સ્તરે કોઈ નીતિ હેઠળ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે કે આ એવું કોઈ અભિયાન છે, એમ તો કોઈ કહેતું નથી, પરંતુ નાની-નાની ઘટનાઓ અને તેના વિશેના પ્રતિભાવથી અનુમાન કરી શકાય કે પોતાને અલગ કરવામાં આવતા હોવાની લાગણી લઘુમતીઓમાં પેદા થઈ રહી છે."

પ્રોફેસર વિવેકકુમારે કહ્યુ હતું, "તેઓ નિર્બળ કે અલગ છે, એવો અહેસાસ એક સમૂહને કરાવવામાં આવી રહ્યો છે."

તેમણે દલીલ કરી હતી કે એક સમૂહ એફઆઈઆરને આટલી ગંભીર શા માટે ગણે છે એ સમજવાની જરૂર છે. એફઆઈઆર નોંધાવાથી તેમને એવું કેમ લાગે છે કે તેમના બંધારણીય અધિકારો પર હુમલો થઈ રહ્યો છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન