You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચૅમ્પિયન્સ ટ્રૉફી રમવા ભારતની ટીમ પાકિસ્તાન નહીં જાય, કેમ થઈ રહી છે ચર્ચા?
પાકિસ્તાનના મીડિયામાં રવિવારથી જ એ વાતનો હંગામો છે કે ભારતે પાકિસ્તાનમાં ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ મોકલવાનો ઇન્કાર કર્યો છે.
જોકે, બીસીસીઆઈ તરફથી અધિકૃતપણે આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ પાકિસ્તાની મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે બીસીસીઆઈએ આઈસીસીને સૂચિત કર્યું હતું અને આઈસીસીએ પાકિસ્તાનને કહી દીધું છે કે આવતા વર્ષે રમાનાર ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા ભારત નહીં આવે.
પાકિસ્તાની મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે આઈસીસીએ પાકિસ્તાનને લેખિતમાં આ જાણકારી આપી છે.
સોશિયલ મીડિયામાં પાકિસ્તાનના લોકો તેમની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તેમનું કહેવું છે પાકિસ્તાને આ મામલે કડક જવાબ આપવો જોઇએ.
પાકિસ્તાની મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે ભારતના આ વલણ બાદ પાકિસ્તાન પણ ભારતમાં મૅચ રમવાનો ઇનકાર કરી શકે છે.
પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડના પ્રવક્તાએ બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે આઈસીસીએ રવિવારે જ પીસીબીને ઇ-મેઇલ મારફતે આ સૂચના આપી છે.
તેમના કહેવા પ્રમાણે બીસીસીઆઈએ આઈસીસીને લેખિતમાં સૂચના આપી છે કે ટીમ ઇન્ડિયા ચૅમ્પિયન્સ ટ્રૉફી રમવા માટે પાકિસ્તાન નહીં જઈ શકે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા એમ. આસિફે ભારતીય ટીમના પાકિસ્તાન આવવાના ઇનકાર પર જિયો ન્યૂઝને કહ્યું, "આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે ભારત તેના પ્રૉક્સીઓ (છજ્ઞ્મ સંગઠનો) દ્વારા પાકિસ્તાન સામે યુદ્ધ લડી રહ્યું છે. જેમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી, તહરીક-એ- પાકિસ્તાન અને તાલિબાન જેવા સંગઠનોનો સમાવેશ થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખ્વાજા એમ આસિફે જિયો ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "હું હાઇબ્રિડ મૉડલ પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. મારે ઑક્સફૉર્ડમાં કાશ્મીર મુદ્દે એક કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. આ કાર્યક્રમમાંથી તમામ ભારતીયોએ તેમનાં નામો પાછા ખેંચી લીધાં હતાં.”
ભારત પાકિસ્તાનમાં પોતાના ખેલાડીઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. 2009માં શ્રીલંકાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી અને ત્યાં તેમના પર આતંકવાદી હુમલો થયો હતો.
અમેરિકામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત હુસૈન હક્કાનીએ લખ્યું છે કે, "હું દક્ષિણ એશિયામાં જન્મેલા થોડા લોકોમાંથી એક છું જે ક્રિકેટને અનુસરતા નથી પરંતુ હું પાકિસ્તાન અને ભારત વચ્ચે સારા સંબંધોની વકીલાત કરું છું. ભારતે આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પોતાની ટીમ નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. આ દર્શાવે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો હજુ પણ નીચલા સ્તરે છે.”
પાકિસ્તાનની તીખી પ્રતિક્રિયા
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ કૉમેન્ટેટર આકાશ ચોપડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં પાકિસ્તાનના ક્વેટામાં થયેલા બૉમ્બવિસ્ફોટનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, “પાકિસ્તાનમાં સ્થિતિ સામાન્ય કરવી અને બંને દેશો વચ્ચે ભવિષ્યમાં મૅચ સુનિશ્ચિત કરવી પાકિસ્તાનની જવાબદારી છે.”
પાકિસ્તાનના વરિષ્ઠ સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ ડૉ. નૌમાન નિયાઝે ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે પીસીબી એ હાઇબ્રિડ મોડલના પક્ષમાં નથી કે જેમાં ભારતની મૅચ બીજે ક્યાંક યોજવામાં આવે.
તેમના મતે, પાકિસ્તાન એ પણ વિચારી રહ્યું છે કે તેણે ભારત સાથે કોઈપણ મેદાન પર કોઈપણ ફૉર્મેટની મૅચ ન રમવાનો નિર્ણય લે.
પાકિસ્તાનના કરાચીના સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ ફૈઝાન લાખાનીએ ઍક્સ પર લખ્યું, "પાકિસ્તાન સરકારના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે જ્યાં સુધી ભારત પોતે પાકિસ્તાનમાં આવીને રમવા માટે તૈયાર નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન પણ ભારત સામે કોઈ મૅચ નહીં રમશે."
જિયો ન્યૂઝે તેના સૂત્રોને ટાંકીને લખ્યું છે કે પાકિસ્તાન સરકાર ભારત સાથે કોઈપણ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં નહીં રમવાનું વિચારી રહી છે.
ચૅમ્પિયન્સ ટ્રૉફીના મુકાબલાના કાર્યક્રમની જાહેરાત ટળી
પીસીબીના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે, ટુર્નામેન્ટના કાર્યક્રમની ઘોષણા 11 નવેમ્બરે કરવામાં આવનાર હતી. પરંતુ તે જાહેરાત થઈ નથી અને હવે આઈસીસી આ મુદ્દે નિર્ણય કરશે.
કોઈપણ આઈસીસી ટુર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત ટુર્નામેન્ટના 100 દિવસ પહેલાં થઈ જતી હોય છે. જેથી કરીને આયોજક દેશ, પ્રસારકો અને અન્ય પક્ષોને તેની તૈયારી માટે પર્યાપ્ત સમય મળી શકે.
પીસીબીએ ચૅમ્પિયન્સ ટ્રૉફીના આયોજન માટે કરાચીના નૅશનલ સ્ટેડિયમ અને લાહોરના ગદ્દાફી સ્ટેડિયમના નવીનીકરણ માટે લાખો ડૉલર ખર્ચ કર્યા છે. આ નવીનીકરણનું કામ આવનારા બે મહિનામાં પૂર્ણ થઈ જશે.
ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં પાકિસ્તાન અને ભારત સિવાય બાંગ્લાદેશ, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ અને અફઘાનિસ્તાનની ટીમો પણ ભાગ લેશે.
વન-ડે રૅંકિંગમાં ટૉપ-8માં નહીં હોવાને કારણે શ્રીલંકાની ટીમ આ ટુર્નામેન્ટનો ભાગ નહીં બની શકે.
વર્ષ 2023માં એશિયા કપનો મુકાબલો પાકિસ્તાનમાં જ થવાનો હતો પરંતુ ભારતની ટીમે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ ઘણી મૅચ શ્રીલંકામાં શિફ્ટ કરવામાં આવી હતી. ચૅમ્પિયન્સ ટ્રોફીને લઇને અત્યાર સુધીમાં આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ભૂતકાળમાં પણ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ રહ્યો છે, પરંતુ નવેમ્બર 2008માં મુંબઈ હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ ન કરવાનો નિર્ણય લીધો હતો અને બંને દેશો એકબીજા સામે માત્ર આઈસીસી ટુર્નામેન્ટમાં જ રમ્યા છે.
વર્ષ 2021માં પાકિસ્તાનમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મહિલા ક્રિકેટ શ્રેણીમાં, બંને ટીમો વચ્ચે પૉઇન્ટ વહેંચવામાં આવ્યા હતા અને ભારત વન-ડે વર્લ્ડકપ માટે ક્વૉલિફાય થયું હતું.
તે સમયે આઈસીસીએ કહ્યું હતું કે બીસીસીઆઈએ તેમને જાણ કરી હતી કે સરકાર આ કરી શકે છે પરંતુ ભારતને પાકિસ્તાનમાં આ શ્રેણી રમવા માટે જરૂરી મંજૂરી મળી શકી ન હતી. તેથી એ શ્રેણીના પૉઇન્ટ બંને ટીમો વચ્ચે વહેંચવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન