સ્વાતિ માલીવાલનો 'રાજકીય હિટમૅન' તરફ ઈશારો, આતિશીએ કહ્યું- 'સ્વાતિ ભાજપનાં ષડયંત્રનો ચહેરો'

સ્વાતિ માલીવાલ અને આતિશી મારલેના

ઇમેજ સ્રોત, SONU MEHTA/SANJEEV VERMA/HINDUSTAN TIMES/GETTY IMAGES

“દર વખતની જેમ જ આ વખતે પણ રાજકીય હિટમૅને પોતાને બચાવવાની કોશિશ શરૂ કરી દીધી છે.”

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આમ આદમી પાર્ટીનાં રાજ્યસભાનાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલની આ પોસ્ટ પછી દિલ્હીના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

સ્વાતિ માલીવાલે આ પોસ્ટમાં લખ્યું, “તેમને લાગે છે કે પોતાના લોકો પાસેથી ટ્વીટો કરાવીને કે કોઈ પણ સંદર્ભ વગર વીડિયો ચલાવીને આ ગુનાને અંજામ આપીને પોતાને બચાવી લેશે. કોઈ વ્યક્તિ મારતી વખતે વીડિયો બનાવે? ઘરની અંદરની તરફના રૂમના સીસીટીવી ફૂટેજની તપાસ થતાંની સાથે જ સત્ય બધાની સામે આવી જશે.”

તેમણે કોઈનું પણ નામ લીધા વગર લખ્યું છે કે જેટલી હદ સુધી નીચે જવું હોય જાવ, ભગવાન બધું જોઈ રહ્યા છે. એક દિવસ સત્ય દુનિયા સામે આવશે."

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. 52 સેકન્ડનો આ વીડિયો સ્વાતિ માલીવાલ સાથે થયેલી કથિત મારપીટના દિવસનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

વીડિયોમાં સાંભળી શકાય છે કે સુરક્ષાકર્મી સ્વાતિ માલીવાલને બહાર જવા માટે કહી રહ્યા છે. જોકે, માલીવાલ ઇનકાર કરતાં નજરે ચડે છે.

આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા હૅન્ડલે આ વીડિયોને રી-ટ્વીટ કરીને તેને “સ્વાતિ માલીવાલનું સત્ય” ગણાવ્યું છે.

દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ શું કહ્યું?

આપ નેતા આતિશી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આપ નેતા આતિશી

દિલ્હી સરકારનાં મંત્રી આતિશીએ શુક્રવારે સાંજે આમ આદમી પાર્ટીનાં રાજ્યસભાનાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલ સાથે કથિત મારપીટના મામલે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આતિશીએ કહ્યું, “ભાજપે ષડયંત્ર રચ્યું છે. આ ષડયંત્ર પ્રમાણે ભાજપે સ્વાતિ માલીવાલને કેજરીવાલના ઘરે મોકલ્યાં. આ ષડયંત્રનો ઉદ્દેશ્ય કેજરીવાલ પર ખોટો આરોપ લગાડવાનો હતો. સ્વાતિ કોઈ પણ ઍપૉઇન્ટમેન્ટ વગર જ મુખ્ય મંત્રી આવાસ પર પહોંચ્યાં હતાં. તેમનો ઈરાદો હતો મુખ્ય મંત્રી પર આક્ષેપ કરવાનો હતો. જોકે, તેઓ તે સમયે હાજર ન હતા એટલે બચી ગયા. આ કારણે જ સ્વાતિએ બિભવકુમાર પર આરોપ લગાવ્યો.”

તેમણે ઉમેર્યું, “સ્વાતિજીએ જે ફરિયાદ કરી હતી તે એફઆઇઆરમાં સ્વાતિએ કહ્યું છે કે મારી સાથે નિર્દયતાથી મારપીટ કરવામાં આવી હતી. તેમને મુક્કા મારવામાં આવ્યા અને ઈજા થઈ હતી. તેઓ પોતાની ફરિયાદમાં કહે છે કે તેમનાં કપડાં ફાડવામાં આવ્યાં. જોકે, જે વીડિયો આજે સામે આવ્યો તેમાં તેમની હાલત અલગ દેખાઈ રહી છે. તેઓ પોલીસવાળાને ધમકાવી રહ્યાં છે. તેઓ આરામથી બેઠાં જોવાં મળે છે. તેમનાં કપડાં ફાટેલાં નથી. એક જ વસ્તુ માત્ર દેખાય છે કે તેઓ બધાને ધમકાવી રહ્યાં છે.”

આતિશીએ સ્વાતિ માલીવાલના આરોપોને ખોટા ગણાવ્યા છે.

આતિશીને પૂછવામાં આવ્યું કે મારપીટની વાત સાચી નથી તો સંજયસિંહે સ્વાતિ સાથે ગેરવર્તન થયાની વાત કેમ કરી? આનો જવાબ આપતાં આતિશીએ કહ્યું કે ત્યારે સંજયસિંહને આખી વાત ખબર નહોતી. તેમને માત્ર એક પક્ષની માહિતી હતી.

આતિશીના આરોપ પર સ્વાતિ માલીવાલે શું કહ્યું?

સ્વાતિ માલીવાલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સ્વાતિ માલીવાn

સ્વાતિ માલીવાલે આતિશીના આરોપનો જવાબ આપ્યો છે.

સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું, “પાર્ટીમાં કાલે આવેલા નેતાઓએ 20 વર્ષ જૂનાં કાર્યકર્તાને ભાજપનાં એજન્ટ ગણાવી દીધાં. પાર્ટીએ બે દિવસ પહેલાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને સત્યનો સ્વીકાર કર્યો હતો અને આજે યૂ-ટર્ન.”

સ્વાતિએ આરોપ લગાવ્યો, “આ ગુંડો પાર્ટીને ધમકાવી રહ્યો છે કે જો મારી ધરપકડ કરશે તો હું બધાં જ રહસ્યો ખોલી દઈશ. તેમના દબાણને કારણે આજે પાર્ટીએ હાર સ્વીકારી લીધી અને આજે એક ગુંડાને બચાવવા માટે આખી પાર્ટી મારા ચરિત્ર પર સવાલો કરે છે.”

સ્વાતિએ કહ્યું, “હું દેશની મહિલાએ માટે એકલી લડતી આવી છું. મારા માટે પણ લડીશ. ભલે ચરિત્ર હનન કરો. સમય આવ્યે સત્ય સામે આવશે.”

કથિત મારપીટની ઘટના અને પોલીસની એફઆઈઆર

સ્વાતિ માલીવાલની પોસ્ટ

ઇમેજ સ્રોત, X@SWATIJAIHIND

ઇમેજ કૅપ્શન, સ્વાતિ માલીવાલની પોસ્ટ

આ આખા મામલાની શરૂઆત સ્વાતિ માલીવાલે જ્યારે 13 મેની સાંજે આરોપ લગાવ્યો કે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના સહયોગી બિભવકુમારે મુખ્ય મંત્રી નિવાસ પર તેમની સાથે મારપીટ કરી છે ત્યારે થઈ હતી.

દિલ્હી પોલીસે ગુરુવારે સાંજે આ મામલે એફઆઈઆર નોંધી હતી. આ કેસમાં બિભવકુમારને આરોપી બનાવવામાં આવ્યા છે.

સ્વાતિ માલીવાલની એફઆઈઆરમાં બિભવકુમાર પર ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. એફઆઈઆરમાં વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુખ્ય મંત્રી નિવાસ પર તેમની સાથે શું-શું થયું.

સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, સ્વાતિ માલીવાલ શુક્રવારે દિલ્હી પોલીસની ટીમ સાથે તીસ હજારી કોર્ટ ગયાં હતાં. તેમણે ત્યાં મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.

દિલ્હી પોલીસે આ પહેલાં સોમવારે જણાવ્યું હતું કે અમને આ બાબતે કોઈ ફરિયાદ મળી નથી. ઉત્તર દિલ્હીના ડીસીપી મુકેશકુમાર રાણાએ મીડિયાને કહ્યું કે સ્વાતિ માલીવાલ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. જોકે, તેમણે કહ્યું કે હું પછી ફરિયાદ કરીશ અને ચાલ્યાં ગયાં.

પોલીસે આપેલી જાણકારી પ્રમાણે એક મહિલા કૉલરે સોમવારે સવારે 9:34 વાગ્યે પીસીઆર કૉલ કર્યો હતો અને જણાવ્યું કે મુખ્ય મંત્રી નિવાસમાં તેમના પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ કૉલના થોડા સમય પછી સ્વાતિ માલીવાલ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં.

પોલીસની ડાયરીમાં પીસીઆર કૉલ સાથે જે નંબર નોંધવામાં આવ્યો છે તે સ્વાતિ માલીવાલનો જ છે.

ફોન કરનારને ટાંકીને પીસીઆર કૉલ એન્ટ્રીમાં નોંધવામાં આવ્યું છે કે, "મહિલા કૉલર કહી રહ્યાં છે કે હું હાલમાં મુખ્ય મંત્રીના ઘરે છું, તેમણે પોતાના પીએ બિભવકુમાર થકી મને માર માર્યો છે."

બિભવકુમાર એનસીડબ્લ્યુ સમક્ષ હાજર થયા ન હતા

એનસીડબ્લ્યૂની પોસ્ટ

ઇમેજ સ્રોત, X@NCWINDIA

રાષ્ટ્રીય મહિલા આયોગે (એનસીડબ્લ્યુ) સ્વાતિ માલીવાલના કેસમાં જાતે સંજ્ઞાન લઈને અરવિંદ કેજરીવાલના સચિવ બિભવકુમારને નોટિસ જાહેર કરી હતી.

બિભવકુમારને શુક્રવારે સવારે 11 વાગ્યે કમિશનની સામે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, તેઓ એનસીડબ્લ્યુ સામે હાજર ન થયા.

એનસીડબ્લ્યુનાં પ્રમુખ રેખા શર્માએ બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે બિભવકુમારને આજે બીજી નોટિસ આપવામાં આવી છે. તેઓ નહીં આવે તો તેમને બોલાવવા માટે પોલીસની મદદ પણ લેવામાં આવશે.

રેખા શર્માએ જણાવ્યું કે મહિલા આયોગની ટીમ બિભવકુમારની ઘરે નોટિસ દેવા માટે ગઈ હતી, પરંતુ તેઓ ઘર પર ન હતા.

તેમણે પત્રકારોને કહ્યું, “બિભવકુમારનાં પત્નીએ નોટીસ લેવાનો ઇનકાર કરી દીધો. મારી ટીમ આજે પોલીસની સાથે તેમના ઘરે ફરીથી ગઈ. તેઓ જો એનસીડબ્લ્યુ સમક્ષ હાજર ન થાય તો અમે ત્યાં જઈને તપાસ કરીશું.”

તેમણે કહ્યું કે તેઓ સ્વાતિ માલીવાલને પણ મળશે.

રેખા શર્માએ કહ્યું, “હું સ્વાતિજીને ટ્વિટર પર કહેતી હતી કે પોતાનો અવાજ ઉઠાવે, પરંતુ મને લાગે છે કે તેઓ પાર્ટી નેતાના ઘરે થયેલી ઘટનાને કારણે આઘાતમાં છે. એક સંસદસભ્ય જે હંમેશાં મહિલાઓના મુદ્દા ઉઠાવતાં રહ્યાં છે, તેમને માર માર્યો છે.”

“મારી સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું”

સ્વાતિ માલીવાલની પોસ્ટ

ઇમેજ સ્રોત, X@SWATIJAIHIND

સ્વાતિ માલીવાલે આ પહેલાં ગુરુવારે ઍક્સ પર એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તેમણે પોતાનું નિવેદન પોલીસને આપી દીધું છે.

આ ઘટનાને લઈને દિલ્હી મહિલા આયોગનાં પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પહેલી વખત સાર્વજનિક રૂપે પોતાનો પક્ષ રાખ્યો.

તેમણે ઍક્સ પર લખ્યું, “મારી સાથે જે થયું તે ખૂબ જ ખરાબ હતું. મેં મારી સાથે બનેલી ઘટના વિશે પોલીસને નિવેદન આપી દીધું છે. મને આશા છે કે યોગ્ય કાર્યવાહી થશે.”

તેમણે કહ્યું, “મારા માટે છેલ્લા દિવસો મુશ્કેલ રહ્યા છે. મારા માટે જે લોકોએ પ્રાર્થના કરી તેમનો આભાર માનું છું. જે લોકોએ મારું ચરિત્ર હનન કરવાની કોશિશ કરી છે અને કહે છે કે હું બીજી પાર્ટીના ઈશારા પર કરી રહી છું, ભગવાન તેમને પણ ખુશ રાખે. દેશમાં મહત્ત્વની ચૂંટણી ચાલી રહી છે. સ્વાતિ માલીવાલ જરૂરી નથી. દેશના મુદ્દા જરૂરી છે.”

ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવેલી પ્રતિક્રિયા વિશે માલીવાલે કહ્યું કે ભાજપવાળાને ખાસ વિનંતી છે કે આ ઘટના પર રાજકારણ ન કરે.

રાજકીય પ્રતિક્રિયાઓ

કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ

સ્વાતિ માલીવાલ કેસ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી હતી.

દરમિયાન નિર્મલા સીતારમણે સ્વાતિ માલીવાલની ઘટના પર કહ્યું, “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે પોતાની જ પાર્ટીનાં એક મહિલા સભ્ય અને રાજ્યસભાનાં સભ્ય પર થયેલા ગંભીર હુમલાના મામલે અરવિંદ કેજરીવાલ ચૂપ છે. આ સાચે જ અવિશ્વનીય અને અસ્વીકાર્ય છે. કેજરીવાલે આ ઘટના માટે માફી માગવી જોઈએ.”

મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે કહ્યું, “આપણી સંસ્કૃતિ મહિલા સન્માનની રહી છે. આમ આદમી પાર્ટીમાં જે કંઈ ચાલી રહ્યું છે તે માટે દેશ અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટીને માફ નહીં કરે. દેશના ઇતિહાસમાં આ પહેલી વખત થયું છે કે એક મુખ્ય મંત્રીને જેલ મોકલવામાં આવ્યા છે અને એક મહિલા સાથે તેમના નિવાસ પર મારપીટ થઈ છે. તેઓ આ મામલે કંઈ પણ કરી રહ્યા નથી. આ નિરાશાજનક છે, કારણ કે સ્વાતિ માલીવાલ પાર્ટીનાં એક વરિષ્ઠ નેતા છે અને આપણા દેશમાં મહિલાઓની સાથે દેવીની જેમ વ્યવહાર કરવામાં આવે છે.”

દિલ્હી મહિલા મોર્ચાના કાર્યકર્તાઓએ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ પર શુક્રવારે વિરોધપ્રદર્શન કર્યું. પ્રદર્શન કરનાર મહિલા કાર્યકર્તાઓ સ્વાતિ માલીવાલના મામલે અરવિંદ કેજરીવાલના રાજીનામાની માગણી કરી રહ્યાં હતાં.

આમ આદમી પાર્ટીએ પહેલાં શું કહ્યું હતું?

આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ

સ્વાતિ માલીવાલ સાથે અરવિંદ કેજરીવાલના નિવાસ પર થયેલી ગેરવર્તણૂક મામલે પાર્ટીના નેતા સંજયસિંહે મીડિયા સાથે વાત કરી હતી.

સંજયસિંહે મંગળવારે કહ્યું હતું, “ગઈ કાલે ખૂબ જ નિંદનીય ઘટના બની. હું આ વિશે તમે કહેવા માગું છું.”

સંસદસભ્ય સંજયસિંહે કહ્યું, “સ્વાતિ માલીવાલ ગઈ કાલે સવારે અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમના નિવાસ પર ગયાં હતાં. તેઓ ડ્રૉઇંગ રૂમમાં કેજરીવાલની રાહ જોઈ રહ્યાં હતાં. બિભવકુમાર આ દરમિયાન ત્યાં પહોંચ્યાં અને તેમની સાથે અભદ્રતા અને ગેરવર્તણૂક કરી હતી.”

બિભવકુમારને કેજરીવાલના અંગત ગણવામાં આવે છે.

સંજયસિંહે જણાવ્યું, “દિલ્હીના મુખ્ય મંત્રીએ આ ઘટના ધ્યાનમાં લીધી છે. તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે. સ્વાતિ માલીવાલનો સવાલ છે તો તેમણે દેશ અને સમાજ માટે ખૂબ જ કામ કર્યું છે. તેઓ વરિષ્ઠ અને જૂનાં નેતાઓ પૈકીનાં એક છે. અમે તેમની સાથે છીએ.”

સંજયસિંહે ગુરુવારે લખનૌની પત્રકારપરિષદમાં કહ્યું, “ભાજપે સ્વાતિ માલીવાલના મામલે રાજકારણ ન કરવું જોઈએ. મણિપુરમાં કારગિલના યોદ્ધાનાં પત્નીને નિર્વસ્ત્ર કરીને ફેરવ્યાં, સેંકડો મહિલાઓ પર અત્યાચાર થયો, પણ વડા પ્રધાન મોદી ચૂપ રહ્યા. પ્રજ્વલ રેવન્નાએ હજારો મહિલાઓ સાથે બળાત્કાર કર્યો. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ (પ્રજ્વલ રેવન્ના) ભારતને મજબૂતિ આપશે, તેમને મત આપો. તેમને ભગાડી દેવામાં આવે છે.”

સંજયસિંહે કહ્યું, “મહિલા પહેલવાનો જ્યારે જંતર-મંતર પર ન્યાય માટે લડી રહ્યાં હતાં ત્યારે સ્વાતિ માલીવાલ તેમના સમર્થનમાં ત્યાં ગયાં હતાં. પોલીસે તેમને (સ્વાતિ માલીવાલ) ઢસડીને માર્યાં હતાં. પાર્ટીએ પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, ભાજપે તેનો જવાબ આપવો જોઈએ.”