કમલા બેનીવાલ: ગુજરાતનાં રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ અને સત્તા સામે સંઘર્ષ

નરેન્દ્ર મોદી અને ગુજરાતના તત્કાલીન ગવર્નર કમલા બેનિવાલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

કૉંગ્રેસ નેતા અને ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ 97 વર્ષનાં હતાં.

તેમણે રાજસ્થાનનાં ઉપમુખ્ય મંત્રી તથા ગુજરાત સહિતનાં ત્રણ રાજ્યોના રાજ્યપાલ તરીકેની ભૂમિકા નિભાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, “ડૉ. કમલા બેનીવાલના અચાનક થયેલાં નિધનથી સ્તબ્ધ છું. તેમની રાજસ્થાનમાં લાંબી રાજકીય કારકિર્દી રહી જ્યાં તેમણે જરૂરતમંદ લોકોની સેવા કરી. જ્યારે હું ગુજરાતમાં મુખ્ય મંત્રી હતો અને તેઓ જ્યારે ગુજરાતનાં રાજ્યપાલ હતાં ત્યારે અમારા વચ્ચે ઘણી ચર્ચાઓ થતી. તેમને મારી શ્રદ્ધાંજલિ અને તેમના પરિવાર અને સ્વજનોને મારી સંવેદનાઓ. ઓમ શાંતિ.”

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે લખ્યું, “તેઓ સક્ષમ શાસનકર્તા તથા વરિષ્ઠ નેતા હતાં. તેમણે મહિલા સશક્તીકરણ માટે ઘણું કામ કર્યું. તેમની સરળતા બધાને આકર્ષતી હતી. હું તેમને પાંચ દાયકાથી જાણું છું. મારા માટે તેમની ખોટ હંમેશાં સાલશે. તેમના પરિવારજનો અને સ્વજનોને આ ખોટ સહન કરવાની ઇશ્વર શક્તિ આપે. ઓમ શાંતિ.”

રાજસ્થાનના પૂર્વ મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોતે બેનીવાલને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, “જ્યારે હું મુખ્ય મંત્રી બન્યો હતો ત્યારે તેઓ મારાં વરિષ્ઠ સાથી હતાં. મને તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું. તેઓ સક્ષમ વહીવટકર્તા અને સ્પષ્ટવક્તા હતાં. તેમની કૉંગ્રેસ વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધતા એક ઉદાહરણ રજૂ કરે છે.”

કમલા બેનીવાલના નિધન પર રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર, મુખ્ય મંત્રી ભજનલાલ શર્મા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

લોકાયુક્તની નિયુક્તિ મામલે નરેન્દ્ર મોદી સામે સંઘર્ષ

નરેન્દ્ર મોદી અને કમલા બેનીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી અને કમલા બેનીવાલ

કમલા બેનીવાલ જ્યારે ગુજરાતનાં રાજ્યપાલ હતાં ત્યારે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સાથે ઘણા મામલે સંઘર્ષ થયો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફરજિયાત મતદાન અંગેનું એક બિલ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા અનામતનું બિલ અને ઇમ્પેક્ટ ફી આધારે ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા અંગેના બિલ મામલે કમલા બેનીવાલ અને નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે સંઘર્ષ થયો હતો.

સૌથી મોટો વિવાદ હતો લોકાયુક્તની નિયુક્તિ મામલે. કમલા બેનીવાલે ઑગસ્ટ, 2011માં જસ્ટિસ (નિવૃત્ત) આર. એ. મહેતાની ગુજરાતના લોકાયુક્ત તરીકે નિમણૂક કરી ત્યારે ગુજરાત સરકારે ભયંકર નારાજગી વ્યક્ત કરી.

ગુજરાત સરકારનું કહેવું હતું કે રાજ્યપાલે લોકાયુક્તની નિયુક્ત કરતા પહેલાં રાજ્યની કૅબિનેટની સલાહ લીધી નહોતી.

રાજ્ય સરકારે લોકાયુક્તની નિયુક્તિને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી. ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની અરજીને ફગાવી દીધી. તત્કાલીન મોદી સરકાર તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ. સુપ્રીમ કોર્ટે પણ જસ્ટિસ (નિવૃત્ત) આર. એ. મહેતાની લોકાયુક્ત તરીકેની નિમણૂકને યોગ્ય ઠેરવી હતી.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે લોકાયુક્તની નિયુક્તિ મામલે ગુજરાત સરકાર કે તેની કૅબિનેટની કોઈ ભૂમિકા નથી.

ગુજરાત સરકારે એ પણ આરોપ લગાવ્યો હતો કે જસ્ટિસ (નિવૃત્ત) મહેતા મોદી સરકાર પ્રત્યે પક્ષપાતભર્યું વલણ ધરાવે છે. કોર્ટે આ આરોપ પણ ફગાવી દીધો હતો.

જોકે, દરમિયાનમાં જસ્ટિસ (નિવૃત્ત) મહેતાએ લોકાયુક્તપદ સંભાળવાનો ઇનકાર કરી દીધો. તેમણે ગુજરાત સરકાર અને તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલને પત્ર લખીને તત્કાલીન મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, “રાજ્ય સરકારનું જે પ્રકારનું તેમના પ્રત્યેનું પૂર્વગ્રહ ધરાવતું વલણ જોવા મળે છે, તેથી તેઓ આ પદને સંભાળી શકે તેમ નથી.”

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ તે વખતે લોકાયુક્ત તરીકે જસ્ટિસ જે. બી વોરાનું નામ સૂચવ્યું હતું. પરંતુ ગુજરાત હાઈકોર્ટે જસ્ટિસ (નિવૃત્ત) મહેતાના નામની ભલામણ કરી. ગુજરાત સરકારનો વિરોધ હોવાના કારણે વર્ષ 2003થી ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ નહોતી થઈ.

ત્યાર બાદ વર્ષ 2011માં તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ભલામણના આધારે જસ્ટિસ (નિવૃત્ત) મહેતાની લોકાયુક્ત તરીકે નિમણૂક કરી હતી.

જસ્ટિસ (નિવૃત્ત) મહેતાના ઇનકાર બાદ ગુજરાતમાં લોકાયુક્તની નિયુક્તિ માટે તત્કાલીન મોદી સરકારે ગુજરાત લોકાયુક્ત આયોગ બિલ 2013ને વિધાનસભામાં પસાર કરાવ્યું. પરંતુ આ બિલને કમલા બેનિવાલે હસ્તાક્ષર કર્યા વગર પરત મોકલ્યું હતું, જેને કારણે પણ વિવાદ થયો હતો.

કમલા બેનીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતનાં પૂર્વ રાજ્યપાલ કમલા બેનીવાલનું 97 વર્ષની ઉંમરે જયપુરની હૉસ્પિટલમાં લાંબી બીમારીને કારણે નિધન થયું છે

રાજકીય વિશ્લેષક રાજીવ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “કમલા બેનીવાલ કૉંગ્રેસી હતાં અને નરેન્દ્ર મોદી રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા. તેથી બંને વચ્ચે ઘણા મામલે સંઘર્ષ થયો. કમલા બેનીવાલ કેન્દ્રની સરકારના ઇશારે કામ કરતાં હતાં અને મોદીને ઘેરવાની કોશિશ કરતાં હતાં, તેને કારણે બંને વચ્ચે સંઘર્ષ થયો.”

તો રાજકીય વિશ્લેષક ધીમંત પુરોહિત બીબીસી ગુજરાતીને જણાવે છે, “મોદી ગુજરાતના મુખ્ય મંત્રી થયા ત્યારે શરૂઆતમાં જે રાજ્યપાલો હતા- સુંદરસિંહ ભંડારી અને કૈલાસપતિ મિશ્રા, તેઓ સંઘનાં મૂળ ધરાવતા હતા, તેથી તેમની સાથે તેમનો સંઘર્ષ નહોતો થયો. પરંતુ બાદમાં આવેલાં કમલા બેનીવાલ કૉંગ્રેસ કુળના હોવાને કારણે તેમની સાથે તેમનો સંઘર્ષ વધ્યો. કમલા બેનીવાલ પહેલાં પણ કૉંગ્રેસી મૂળના નવલકિશોર શર્મા રાજ્યપાલ રહી ચૂક્યા હતા, પરંતુ તેમના વચ્ચે સુમેળભર્યા સંબંધો રહ્યા હતા.”

“ઘણી વાર જાહેર કાર્યક્રમો હોય ત્યારે બંને વચ્ચેના સંબંધોમાં ખટરાગ છે તે સ્પષ્ટ દેખાતું. મોદી તેમને 'શ્રદ્ધેય, માતૃતુલ્ય મહોદયા કમલાજી' તરીકે ઉદ્બોધન કરતા, જ્યારે સામે કમલા બેનીવાલ પણ તેમને મુખ્ય મંત્રી 'મહોદય નરેન્દ્ર મોદીજી' સંબોધિત કરતાં. આવા સમયે સમારંભમાં લોકો વચ્ચે અજીબ સન્નાટો છવાઈ જતો.”

કમલા બેનીવાલે કેટલાંક બિલો પર હસ્તાક્ષર નહોતા કર્યા. જેમ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓ માટે 50 ટકા અનામતનું બિલ.

મોદીએ તે વખતે કમલા બેનીવાલ પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો, “તેઓ એક મહિલા છે, છતાં મહિલા સશક્તીકરણ માટેના આ બિલને માન્ય નથી ગણતાં.”

નરેન્દ્ર મોદી અને કમલા બેનીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

સ્થાનિક સ્વરાજ્યમાં ફરજિયાત મતદાનના બિલને પણ કમલા બેનીવાલે ગુજરાત સરકારને ફેરવિચાર માટે પરત મોકલ્યું હતું. ગુજરાત વિધાનસભાએ આ બિલને બીજી વાર પસાર કરીને ફરી રાજ્યપાલ પાસે મોકલ્યું, પણ રાજ્યપાલે તેના પર હસ્તાક્ષર કર્યા નહોતા.

રાજકીય વિશ્લેષક દિલીપ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “કેટલાંક વિવાદિત બિલો તેમણે રાજ્ય સરકારને પરત મોકલ્યાં, જેને કારણે વિવાદો પણ થયા. બંને (મોદી અને કમલા બેનીવાલ) વચ્ચેના સંબંધો સારા નહોતા. કમલા બેનીવાલ રૂલ બુક પ્રમાણે ચાલનાર હતાં. તેમણે જે બિલો પરત મોકલ્યાં તેમાં તેમણે ઠોસ બંધારણીય કારણો પણ રજૂ કર્યાં હતાં, કારણ કે તે પૈકીનાં કેટલાંક તો બંધારણની મૂળભૂત જોગવાઈની વિરુદ્ધનાં હતાં.”

કમલા બેનીવાલ 11 વર્ષની ઉંમરે સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયાં

કમલા બેનિવાલ

ઇમેજ સ્રોત, @ashokgehlot51

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા અશોક ગહેલોત અને કમલા બેનીવાલ

કમલા બેનીવાલનો જન્મ 12 જાન્યુઆરી, 1927ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ગોરિર ગામમાં એક જાટ પરિવારમાં થયો હતો. તેમણે સ્કૂલનું શિક્ષણ ઝુંઝુનુમાં લીધું.

તેમના પિતા રામસિંહ બેનીવાલ પણ સ્વતંત્રતા સેનાની હતા. તેમણે ઘણી વાર જેલ જવું પડ્યું હતું. કમલા બેનીવાલના દાદા જાગીરદાર હતા, તેમને આઝાદીની ચળવળમાં ભાગ લેવું પસંદ નહોતું, તેથી તેમણે તેમના પુત્ર રામસિંહને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, જેને કારણે કમલા બેનીવાલનું બાળપણ મુશ્કેલીમાં, પરંતુ દેશભક્તિના સંસ્કારો સાથે પસાર થયું હતું.

તેમણે અર્થશાસ્ત્ર તથા ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી ત્યાર બાદ ઇતિહાસમાં તેમણે એમએ કર્યું. કમલા બેનીવાલને તરવાનો, ઘોડેસવારીનો તથા કલાકારીનો શોખ હતો.

11 વર્ષની ઉંમરમાં તેમણે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ હંમેશાં ખાદી પહેરતાં. તેમને દિવંગત વડાં પ્રધાન ઇંદિરા ગાંધી દ્વારા તામ્રપત્રથી સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.

1954માં તેઓ માત્ર 27 વર્ષની ઉંમરમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જીત્યાં અને રાજસ્થાન સરકારમાં પહેલા મહિલા મંત્રી બન્યાં. તેમણે ગૃહ, શિક્ષણ અને કૃષિ સહિત ઘણા વિભાગો સંભાળ્યા. તેઓ રાજ્યનાં ઉપમુખ્ય મંત્રી પણ રહ્યાં હતાં.

તેઓ રાજસ્થાનમાં સાત વખત ધારાસભ્યપદે ચૂંટાયાં હતાં.

બેનીવાલની ગુજરાતના રાજ્યપાલ તરીકેની નિયુક્તિ 27 નવેમ્બર, 2009માં થઈ. તે પહેલાં તેઓ ત્રિપુરાનાં રાજ્યપાલ હતાં.

2014માં જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યાર બાદ 6 જુલાઈ, 2014માં તેમને બદલીને ગુજરાતથી મિઝોરમ મોકલી દેવાયાં હતાં.

તેમનો કાર્યકાળ સમાપ્ત થાય તેના બે મહિના પહેલાં કેન્દ્ર સરકારે તેમને મિઝોરમના રાજ્યપાલ તરીકે હઠાવી દીધાં હતાં. ત્યાર બાદ તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.