You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પેસિવ આવક શું હોય છે અને શું એ નજીવા પ્રયાસો સાથે ‘તગડી કમાણી’ કરાવી શકે?
38 વર્ષીય સાજન દેવશી કહે છે કે તેમણે 2020ના કોરોના લૉકડાઉન દરમિયાન પહેલી વાર પેસિવ ઇન્કમ વિશે સાંભળ્યું હતું.
(પેસિવ આવક એક એવી આવક છે જેમાં કામ કર્યા વિના અથવા નજીવા કામે પૈસા કમાવવાના માધ્યમોનો સમાવેશ થાય છે.)
દેવશી જણાવે છે કે કોરોના દરમિયાન લગભગ દરેક વ્યક્તિ ઘરે બેઠી હતી, એ સમયે તેમણે નોંધ્યું કે ઘણા લોકો ફેસબુક અને ટિકટૉક પેજ પર પોસ્ટ લખીને પોતે કેવી રીતે મામૂલી મહેનત કરીને કમાણી કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા હતા.
દેવશી કહે છે, "મને બહુ ઓછી મહેનત અને મૂડી સાથે બિઝનેસ શરૂ કરવાનો અને પછી તેને આપમેળે ચાલવા દેવાનો વિચાર ખૂબ ગમ્યો. આનો અર્થ એ હતો કે હું મારા માટે મહત્ત્વનાં એવાં અન્ય ઘણાં કામ કરી શકતો હતો. અને આ સાથે જ મારું ગુજરાન ચલાવવા માટે જરૂરી પૈસા પણ કમાવી શકતો હતો.
આ વિચાર સાથે દેવશીએ ઑફિસેથી પરત ફર્યા બાદ જ્યારે તેમનાં બાળકો ઊંઘી જતાં ત્યારે શિક્ષણક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું. નિષ્ણાતોએ તેને પરોક્ષ આવક નામ આપ્યું એટલે કે ખૂબ ઓછા પ્રયત્નો વડે કમાણી.
સાજન બ્રિટનના લિસ્ટરશાયરમાં રહે છે પણ આ રીતે પરોક્ષ આવક મેળવવાનો ટ્રેન્ડ ભારતમાં પણ ચાલી રહ્યો છે.
રાંચીસ્થિત ભૂતપૂર્વ બૅન્કર અને હવે નાણાકીય સલાહકાર મનીષ વિનોદ આ વાત અંગે વધુ જાણકારી આપતાં કહે છે, "શરૂઆતમાં તમારે થોડું સક્રિય થઈને અમુક કામ અથવા વ્યવસાયની શરૂઆત કરવી પડશે, પરંતુ થોડા દિવસો પછી તમને પૈસા મળવાનું શરૂ થશે. અને તે પછી તમારે દરરોજ તેના પર પૈસા ખર્ચવા નહીં પડે. તમારે સખત મહેનત કરવાની જરૂર નથી, તમારું કામ ઑટો-મોડમાં આવી જાય છે."
બીબીસી હિંદી માટે ફાતિમા ફરહીન સાથેની વાતચીતમાં વિનોદે આને સેકન્ડ લાઇન ઑફ ડિફેન્સ ગણાવે છે. તેઓ કહે છે, "તે પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યની સુરક્ષા માટે જે બીજી આવક તૈયાર કરાય છે તેને જ પેસિવ ઇનકમ કહેવાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના લૉકડાઉન વખતે ઘરે બેઠા કમાણીનો શરૂ થયો ટ્રેન્ડ
પહેલાં આ આવકનો આ સ્રોત ફક્ત ધનિકો સુધી જ સીમિત હતો, કેમકે તેમની પાસે સંપત્તિ હતી. જેનું તેઓ રિયલ ઍસ્ટેટમાં અથવા અન્ય જગ્યાએ રોકાણ કરીને ભાડામાંથી આવક મેળવતા હતા.
પરંતુ કોરોના લૉકડાઉન પછી પેસિવ આવકની વ્યાખ્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ. કારણ કે હવે યુવાનો અને ખાસ કરીને જનરેશન ઝેડ (ઝી)ના યુવાનોએ પરોક્ષ આવક મેળવવાની નવી રીતો શોધી કાઢી છે.
નિષ્ણાતોનું કહેવું છે કે નોકરીના પડકાર અને સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે પરોક્ષ આવકમાં લોકોની રુચિ વધી રહી છે.
યુએસ સેન્સસ બ્યૂરો અનુસાર અમેરિકામાં લગભગ 20 ટકા પરિવારો પેસિવ આવક મેળવે છે અને તેમની સરેરાશ આવક વાર્ષિક આશરે $4,200 છે. અને 35 ટકા મિલેનિયલ્સ પણ પેસિવ આવક મેળવે છે.
ભારતમાં પણ આનું ચલણ વધી રહ્યું છે.
મનીષ વિનોદના મતે ભારતમાં પેસિવ આવક મેળવનારાની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે કારણ કે ઘણા લોકો તેને છુપાવે છે.
ડેલૉઇટ ગ્લોબલ 2022ના જનરેશન ઝેડ (ઝી) અને મિલેનિયલ્સ સર્વે અનુસાર ભારતમાં 62 ટકા જનરેશન ઝી અને 51 ટકા મિલેનિયલ્સ સાઇડમાં કોઈ ને કોઈ અન્ય નોકરી કરે છે અને પેસિવ આવક કમાય છે.
મુંબઈસ્થિત પર્સનલ ફાઇનાન્સ ઍક્સપર્ટ કૌસ્તુભ જોશી પણ માને છે કે ભારતમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે, જોકે તેમની પાસે પણ આ અંગે કોઈ સત્તાવાર ડેટા નથી.
તેમણે કહ્યું, “મેં જોયું છે કે જો નવી પેઢીના યુવાનો પર્સનલ ફાઇનાન્સ માટે આવે છે, તો તેઓ ફક્ત એ નથી પૂછતા કે રોકાણ ક્યાં કરવું જોઈએ પણ તે એ પણ જાણવામાં રસ ધરાવે છે કે પેસિવ આવક મેળવવાની બીજી કઈ રીતો હોઈ શકે.
સોશિયલ મીડિયાનો પ્રભાવ
તમને ઇન્સ્ટાગ્રામ પર એવા હજારો વીડિયો જોવા મળશે જે તમને જણાવશે કે તમે કેવી રીતે પૈસા કમાઈ શકો છો.
બ્રિટનની લીડ્સ યુનિવર્સિટી બિઝનેસ સ્કૂલમાં ભણાવતા પ્રોફેસર શંખા બાસુ કહે છે કે આવા વીડિયોના કારણે યુવાનોમાં પેસિવ આવક મેળવવાની રુચિ વધી રહી છે.
તેઓ કહે છે કે લોકો ઇન્ફ્લ્યુન્સરને તેમની સફળતાની કહાણી કહેતા જુએ છે અને તેમનાથી પ્રભાવિત થાય છે અને તે જ કરવાનું શરૂ કરે છે. પછી તેમાંથી કેટલાક લોકો જે સફળ થાય છે તેઓ તેમની કહાણી કહે છે અને આમ આ સફળતાનું ચક્ર ચાલુ રહે છે.
જનરેશન મનીના સ્થાપક અને પર્સનલ ફાઇનાન્સ ઍક્સપર્ટ એલેક્સ કિંગ પણ માને છે કે સોશિયલ મીડિયા લોકોને એવું માનવામાં મદદ કરી રહ્યું છે કે પેસિવ આવક મેળવવાનું ન માત્ર શક્ય છે પરંતુ નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવાનું એક સામાન્ય માધ્યમ પણ છે.
કિંગ કહે છે કે આર્થિક પરિસ્થિતિને કારણે લોકોએ પેસિવ આવક મેળવવા અંગે વધુ વિચારવાનું શરૂ કર્યું છે.
તેઓ કહે છે, "ગત દાયકામાં લોકોની આવકમાં કોઈ વધારો થયો નથી. ઘણા યુવાનો ખૂબ જ નબળી પરિસ્થિતિમાં કામ કરે છે અને ઘણી કંપનીઓના ઓવરટાઇમ અંગે કડક નિયમો હોઈ છે, તમે માત્ર થોડા કલાકોનો ઓવરટાઇમ કરી શકો છો."
બાસુના જણાવ્યા મુજબ વધતી જતી મોંઘવારી અને રોજિંદા ખર્ચને કારણે ઘણા યુવાનોનો હવે પેસિવ આવક તરફ ઝુકાવ વધી રહ્યો છે કારણ કે તેમના મતે તેઓ મુખ્ય નોકરીઓમાં કલાકો સુધી કામ કરે છે પરંતુ તેની સરખામણીએ તેમની આવક પ્રમાણસર ખૂબ ઓછી છે.
કોવિડ લૉકડાઉનને કારણે ઘણા લોકોને લાગ્યું કે તેમને તેમની નોકરીમાં વધુ સ્વતંત્રતાની જરૂર છે અને તે સમય દરમિયાન લોકોને પેસિવ આવક માટે નવી તકનીકો અને કુશળતા પ્રાપ્ત કરવા માટે સમય અને તક બંને મળી ગયાં.
કિંગના મતે, નવી પેઢીમાં એક સામાન્ય અભિપ્રાય બની ગયો છે કે વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં તમારી પાસે આવકના એકથી વધુ સ્રોત હોવા ખૂબ જ જરૂરી છે.
ભારતમાં પેસિવ આવકની કેવી પરિસ્થિતિ છે?
મનીષ વિનોદ અનુસાર ભારતમાં કેટલાક લોકો ફૂડ બિઝનેસ કરી રહ્યા છે અને કેટલાક બ્લૉગર બની ગયા છે.
કેટલાક લોકોએ શૅર ખરીદવા અને વેચવાનું શરૂ કર્યું છે જ્યારે કેટલાક ડ્રૉપ શિપિંગ સ્ટોર્સની સંભાળી રહ્યા છે.
મિલકત ભાડે આપવી એ આવકનો સૌથી સહેલો રસ્તો છે. કોરોના દરમિયાન ઑનલાઇન ક્લાસનું ચલણ પણ ઘણું વધી ગયું હતું.
તે સમય દરમિયાન એવા ઘણા લોકો હતા જેઓ અન્ય નોકરી કરતા હતા પરંતુ ભણાવવાના શોખીન હતા. આનો લાભ લઈને આવા લોકોએ પોતાનો શોખ તો પૂરો કર્યો જ પરંતુ સાથે જ આવકનો બીજો સ્રોત પણ બનાવ્યો.
આ સમયગાળા દરમિયાન ઘણા લોકોએ પુસ્તકો લખ્યાં અને પછી તેને પ્રકાશિત કરીને આવક ઊભી કરી.
મનીષ વિનોદના જણાવ્યા અનુસાર, યૂટ્યૂબ ચેનલ પર રસોઈ ક્લાસ દ્વારા ઘણા લોકોએ ખાસ કરીને મહિલાઓએ તેમના શોખની સાથે સાથે ખૂબ પૈસા કમાયા છે. મનીષ વિનોદનું કહેવું છે કે કોરોના દરમિયાન લોકોએ ડ્રૉપશિપિંગ દ્વારા પણ ઘણી કમાણી કરી હતી અને હવે તે ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે.
ડ્રૉપશિપિંગ એ આધુનિક ઑનલાઇન બિઝનેસ મૉડલ છે, જેમાં ખૂબ ઓછા રોકાણની જરૂર છે. આમાં, તમારે ન તો ઘણો બધો સામાન ખરીદીને ગોડાઉનમાં રાખવાની જરૂર નથી અને ન તો તમારી પ્રોડક્ટ વેચાશે કે નહીં તેની ચિંતા કરવાની જરૂર છે.
ડ્રૉપશિપિંગમાં તમે સપ્લાયર પાસેથી સામાન લો છો અને સીધો જરૂરિયાતમંદને આપો છો.
તમારે ફક્ત એક ઑનલાઇન સ્ટોર ખોલવાનું છે. અને સપ્લાયરો સાથે જોડાણ રાખવાનું હોય છે.
જેવો તમને કોઈ ઑર્ડર મળે તમે એ વસ્તુ સપ્લાયર પાસેથી લઈ લો અને તે વસ્તુ ખરીદનારને ઑનલાઇન વેચો. શૅર અને શૅરનું ટ્રેડિંગ પણ એક એવો વ્યવસાય છે કે જેનાથી તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો.
કૌસ્તુભ જોશી કહે છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં મેં જોયું છે કે લોકો ઑનલાઇન પોર્ટલ, ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ, ફેસબુક અને યૂટ્યૂબની મદદથી કમાણી કરી રહ્યા છે.
તમે જે પણ વસ્તુ જાણતા હો કે જે વિષયમાં તમે નિષ્ણાત હો તમે એ અંગેના વીડિયો અથવા અન્ય કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરીને પૈસા કમાઈ શકો છો.
એ વાત સાચી છે કે યૂટ્યૂબ ઘણા લોકોની આવકનો પ્રથમ સ્રોત બની રહ્યું છે, પરંતુ ઘણા લોકો હજુ પણ તેને પેસિવ આવકનો સ્ત્રોત માને છે.
ઇન્સ્ટાગ્રામે યુવાનોને એક સરળ રસ્તો આપ્યો છે, જેમાં જો તમારું ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ ઘણું સારી 'રીચ' ધરાવતું હોય તો તમે માર્કેટિંગ કંપની સાથે ટાઇઅપ કરીને પેઇડ પ્રમોશન પણ કરી શકો છો.
કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે?
પરંતુ પેસિવ આવકથી પૈસા કમાવવા એટલું સરળ પણ નથી. અમુક સારી કમાણી કરી લે છે અને કેટલાક આવું નથી કરી શકતા. ખરેખર આ બધું એટલું સરળ નથી જેટલું સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સરો દ્વારા બતાવાયા છે.
દેવશીએ શૈક્ષણિક સંસાધન વેબસાઇટ શરૂ કરી જેથી વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં મદદ મળી રહે. પરંતુ આ હાંસિલ કરવું તેમણે અગાઉ વિચાર્યું હતું એટલું સરળ ન હતું.
દેવશી કહે છે કે કોઈ પણ પ્રોજેક્ટને સ્થાપિત કરવામાં સખત મહેનત અને સમય લાગે છે અને તે પછી પેસિવ આવકની શરૂઆત થાય છે… તેથી પેસિવ આવક મેળવવી એટલું સરળ નથી જેટલું બતાવાય છે.
કિંગ કહે છે કે ઘણા ઇન્ફ્લ્યુન્સર બદઇરાદા સાથે આવું કરે છે. તેમને લાગે છે કે આવા કોર્સ વેચીને પૈસા કમાશે. જેના કારણે તેઓ કમાણી કરે છે પરંતુ દર્શકોને ફાયદો નથી થતો.
તો પણ આ આવકની એક સારી તક છે.
નિષ્ણાતો માને છે કે કેટલાંક સફળ ઉદાહરણોને એક શીખ માફક લેવાં જોઈએ, પરંતુ તેમ છતાં આ તકોનો પૂરો ઉપયોગ કરવો જોઈએ.
જો વધુ લોકો પરોક્ષ આવક મેળવશે, તો યુવાનો માટે આવકનાં માધ્યમોમાં પરિવર્તન આવશે... બાસુ કહે છે કે ડિજિટલ બિઝનેસ બંધ કરવો બહુ નુકસાનકારક નથી...
માનસિકતા બદલાઈ ગઈ છે... તે માત્ર અમીરો માટે જ નથી... આવક મેળવી શકાય તેવી વિચારસરણી બદલાઈ રહી છે.
સાવધાની પણ જરૂરી
પેસિવ આવકનું ચલણ વધી રહ્યું છે અને ઘણા લોકો તેની તરફેણ પણ કરી રહ્યા છે. પરંતુ કૌસ્તુભ જોશી પણ આ બાબતે સાવધ રહેવાની સલાહ આપે છે. તેઓ કહે છે, "જ્યારે લોકો વધારાની આવક માટે પેસિવ ઇનકમને પોતાની આવકનો મુખ્ય સ્રોત માનવા લાગે છે તો એ યોગ્ય નથી."
"મેં ઘણા લોકોને તેમની ઑફિસના કામને અવગણીને તેમની પેસિવ આવક પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરતા જોયા છે, આ પ્રયાસ ખોટો છે. આ તમારા બંને આવકના સ્રોતોને અસર કરી શકે છે."
અન્ય એક મહત્ત્વના મુદ્દા તરફ ધ્યાન દોરતાં તેઓ કહે છે, "પેસિવ આવક મેળવવાની આજ કાલ દરેક વ્યક્તિની ઇચ્છા છે, પરંતુ જો તમે તેમાં તમારો વધુ પડતો સમય પસાર કરતા હો અને તમારા અને તમારા પરિવાર માટે સમય ન કાઢી શકતા હો તો આવી સ્થિતિમાં યુવાનોએ ધ્યાન આપવું જોઈએ. વધુ આવક એ તમારો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ, પરંતુ તે તમારો અંતિમ ઉદ્દેશ ન હોવો જોઈએ."
આ મૂળ લેખ આપ અહીં વાંચી શકો.