You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરુણાચલમાં ભારત-ચીનની સેના વચ્ચે ઘર્ષણ : સંસદમાં રક્ષા મંત્રીને આપવો પડ્યો જવાબ, અમિત શાહના કૉંગ્રેસ પર સવાલ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં યાંગ્ત્સે વિસ્તારમાં ભારતીય અને ચાઇનિઝ સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ અંગે ભારત બાદ હવે ચીને પણ પોતાનું નિવેદન આપ્યું છે. સમાચાર સંસ્થા એએફપી અનુસાર ચીને કહ્યું છે કે ભારત સાથેની સરહદ પર સ્થિતિ સ્થિર છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું છે કે ભારત સાથે સૈન્ય અને રાજકીય સ્તરે વાતચીત ચાલી રહી છે.
આ પહેલાં લોકસભામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીન અને ભારતના સૈનિકો વચ્ચે ઘર્ષણ પર સરકારનો પક્ષ મૂક્યો.
રાજનાથ સિંહે કહ્યું, "નવ ડિસેમ્બર 2022ના રોજ તવાંગ સૅક્ટરના યાંગત્સેમાં પીએલએેની એકતરફી કાર્યવાહીમાં યથાસ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ ભારતીય સેના તેમને રોકવા અને આ દરમિયાન હાથાપાઈ થઈ. ચીની સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર કર્યા. આમાં કોઈ પણ સૈનિકનું મૃત્યુ થયું નથી. ચીની પક્ષ સાથે એક ફ્લૅગ મીટિંગ થઈ અને તેને યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું. હું આ સદનને આશ્વસ્ત કરવા માગું છું કે સરકાર સરહદની સુરક્ષા બાબતે કોઈ સમજૂતી નહીં કરે."
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું કે, "તવાંગ સૅક્ટરમાં યાંગત્સે વિસ્તારમાં પીએલએનાં દળોએ અતિક્રમણ કરીને અને તેની યથાસ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો હતો. આ કોશિશને સેનાએ નિર્ણાયક રીતે રોકી હતી. આપણી સેનાએ પીએલએને આ વિસ્તારમાં અતિક્રમણ કરતા રોક્યા હતા અને તેમને પીછેહઠ કરીને તેમની પોસ્ટ પર પાછા જવા માટે મજબૂર કર્યા હતા."
અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે ઘર્ષણ થયું હતું, જેમાં બંને પક્ષના કેટલાક સૈનિકો ઘાયલ થયા હતા.
ભારતીય સેનાએ બીબીસીને જણાવ્યું હતું કે, નવ ડિસેમ્બરે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સૈનિકો અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ઘૂસ્યા, જેના જવાબમાં ભારતે વળતી કાર્યવાહી કરી.
આ ઘર્ષણમાં બન્ને પક્ષોના કેટલાક સૈનિકોને ઈજા પહોંચી છે.
ભારતીય સેના અનુસાર, બન્ને દેશોના સૈનિકો તાત્કાલિક ઘટનાસ્થળેથી પાછળ હટી ગયા છે. ઘર્ષણ બાદ શાંતિ સ્થાપિત કરવા માટે વિસ્તારના કમાંડરે તેમના ચીની સમકક્ષ સાથે ફ્લૅગ સ્તરની વાતચીત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતના એક પ્રમુખ અંગ્રેજી અખબાર 'ધ હિંદુ'એ ભારતીય સંરક્ષણ અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયેલા ઘર્ષણમાં ભારતીય સૈનિકોની સરખામણીએ ચીનના સૈનિકો મોટી સંખ્યામાં ઘાયલ થયા છે.
લદ્દાખની ગણવાન ખીણમાં 15 જૂન, 2020ના રોજ બન્ને દેશોના સૈનિકોએ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ આ પ્રકારની પ્રથમ ઘટના છે. એ વખતે ભારતના 20 સૈનિકો માર્યા ગયા હતા અને કેટલાયને ઈજા પહોંચી હતી.
વિરોધ પક્ષે ઘર્ષણ મુદ્દે મોદી સરકારને ઘેરી
તવાંગમાં ચીનના સૈનિકો સાથેના ઘર્ષણના સમાચાર પર કૉંગ્રેસે ભાજપ સરકાર પર નિશાન સાધીને ઢીલી નીતિ છોડવા કહ્યું છે.
કૉંગ્રેસે કરેલા ટ્વીટમાં લખ્યું, "અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ઘર્ષણના સમાચાર છે. સમય આવી ગયો છે કે સરકાર ઢીલોપોચો અભિગમ છોડીને કડક રીતે ચીનને સમજાવે કે તેની આ હરકત સહન નહીં કરવામાં આવે."
અમિત શાહ શું બોલ્યા?
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકોના ઘર્ષણના બે દિવસ સુધી મોદી સરકારના મૌન અંગે વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે. જોકે, ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે જવાબ આપતાં ખુદ વિપક્ષને જ ઘેરી લીધો.
અમિત શાહે કહ્યું, "વિપક્ષે અરુણાચલની ખીણમાં ઘટેલી ઘટનાઓને ટાંકીને બહુ મૂલ્ય પ્રશ્નકાલને સ્થગિત કરી દીધો. આ નિંદનિય છે અને આનું કંઈ ઔચિત્ય નહોતું. જ્યારે રક્ષા મંત્રી આ મામલે પોતાનું નિવેદન આપવાની વાત કરી રહ્યા હતા ત્યારે આનું કોઈ ઔચિત્ય જ નહોતું. મને આશ્ચર્ય થયું પણ જ્યારે પ્રશ્નકાલની સૂચિ જોઈ તો 5 નંબરનો પ્રશ્ન જોઈને હું એમની ચિંતા સમજી ગયો."
તેમણે ઉમેર્યું, "પ્રશ્ન છે - રાજીવ ગાંધી ફાઉન્ડેશને FCRAરજિસ્ટ્રેશન રદ કરવા અંગેનો. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 2005-06 અને 2006-07ના નાણાકીય વર્ષમાં ચાઇનિઝ દૂતાવાસ તરફથી એક કરડો 35 લાખ રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થયું હતું. જે FCRA કાયદા અને એની મર્યાદા અનુસાર નહોતું. આના પર નોટિસ આપી સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાનું અનુપાલન કરતાં ગૃહમંત્રાલયે એનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું. ફાઉન્ડેશને પોતાનું રજિસ્ટ્રેશન સામાજિક કાર્યો માટે કરાવ્યું હતું અને રકમ ચાઇનિઝ દૂતાવાસ પાસેથી મળી, જે ભારત-ચીન સંબંધોના વિકાસ પર શોધ કરવા માટે આ પૈસા અપાયા હતા. કૉંગ્રેસ પાર્ટી જણાવે કે એણે શોધ તો ચોક્કસથી કરી હશે."
અમિત શાહે એવું પણ જણાવ્યું, "શું એમની શોધમાં 1962માં ભારતની હજારો હેક્ટર ભૂમિ ચીને ઝડપી લીધી - એ સામેલ છે? અને શોધ કરી હોય તો રિપોર્ટ શો આવ્યો હતો? નહેરુજીના પ્રેમને લીધે સુરક્ષાપરિષદમાં ભારતના કાયમીસભ્યપદનો બલિ ચઢી ગયો. આ વિષયને એણે શોધનો વિષય બનાવ્યો હતો શું? અને જો બનાવ્યો હોય તો એનું પરિણામ શું આવ્યું? જે સમયે ગલવાનમાં આપણા સૈન્યના વીર જવાનો ચીનીઓ સાથે લડી રહ્યા હતા એ વખતે ચાઇનિઝ દૂતાવાસના અધિકારીઓને કોણ રાત્રીભોજ આપી રહ્યું હતું. એ એની શોધનો વિષય હતો? અને હોય તો એનું પરિણામ શું આવ્યું હતું?"
'મોદી પોતાની છબિ બચાવવા દેશને જોખમમાં મૂકી રહ્યા છે'
તો કૉંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે કહ્યું છે કે મોદી સરકાર પોતાની રાજકીય છબી બચાવવા માટે ઘટનાને દબાવવાની કોશિશ કરી રહી છે.
તેમણે ટ્વીટ કર્યું, "ભારતીય સેનાના શૌર્ય પર અમને ગર્વ છે. સીમા પર ચીનની હરકતો સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. છેલ્લાં બે વર્ષથી અમે વારંવાર સરકારને જગાડવાની કોશિશ કરી રહ્યા છીએ, પરંતુ મોદી સરકાર માત્ર પોતાની રાજકીય છબીને બચાવવા માટે આ ઘટનાને દબાવવાની કોશિશ કરી રહી છે. એનાથી ચીનનું દુસ્સાહસ વધી રહ્યું છે."
જયરામ રમેશે એમ પણ કહ્યું કે, "દેશથી મોટું કોઈ નથી પરંતુ મોદીજી પોતાની છબી બચાવવા માટે દેશને જોખમમાં મૂકી રહ્યા છે. કૉંગ્રેસના નેતાએ કહ્યું કે ઉત્તર લદ્દાખમાં ઘૂસણખોરી સ્થાનિક કરવાની કોશિશમાં ચીને ડેપસાંગમાં એલએસીની સીમામાં 15-18 કિલોમીટર અંદર 200 સ્થાયી રહેઠાણ બનાવી દીધાં, પણ સરકાર ચૂપ રહી."
એઆઈએમઆઈએમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સરકારને પ્રશ્ન કર્યો છે કે, સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, સરકારે છતાં આટલા દિવસો સુધી ઘર્ષણ વિશેની માહિતી કેમ છુપાવી રાખી?
તેમણે લખ્યું, "અરુણાચલ પ્રદેશથી મળતા સમાચાર ચિંતાજનક છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે મોટું ઘર્ષણ થયું છે અને સરકારે દેશને ઘણા દિવસો સુધી અંધારામાં રાખ્યો. જ્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તો સંસદને આ વિશે કેમ માહિતગાર કરવામાં નથી આવી?"
ઓવૈસીએ પૂછ્યું, "ઘર્ષણનું કારણ શું હતું? શું ગોળીબાર થયો કે પછી ગલવાન જેવું ઘર્ષણ હતું? તેમની સ્થિતિ શું હતી? કેટલા સૈનિકો ઘાયલ થયા? સંસદ ચીનને કડક સંદેશ આપવા માટે પોતાના સૈનિકોનો સાથ કેમ ન આપી શકે?"
ઓવૈસીએ કહ્યું, "સેના ચીનને કોઈ પણ સમયે જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. મોદીની આગેવાનીમાં નબળું નેતૃત્વ છે, જેને લીધે ભારતે ચીન સામે અપમાનિત થવું પડે છે. સંસદમાં તેના પર તત્કાળ ચર્ચાની જરૂર છે. હું 13 ડિસેમ્બરે આ મુદ્દે સંસદમાં તાકીદની ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ રજૂ કરીશ."
કિરણ રિજિજુ શું બોલ્યા?
અરુણાચલ પ્રદેશના તવાંગ સૅક્ટરમાં ભારતીય અને ચીની સેના વચ્ચે ઘર્ષણ અંગે કાયદામંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે 'અતિક્રમણ પર આજે વાત કરી નહીં, આપણે આપણી સંસ્કૃતિને ફરી વાર જીવિત કરવાની છે.'
પત્રકારો સાથે વાત કરતા રિજિજુએ કહ્યું, "આજે આપણે કોઈ દેશમાં જઈએ તો ભારતથી આવ્યા હોવાની વાત જાણતા સન્માન મળે છે. કારણ એ છે કે ભારતનો ઇતિહાસ આપણે સામે લાવ્યા છીએ. ભારત એકજૂથ થઈ ગયું છે. ભારત જ્યારે એકજૂથ થાય ત્યારે તાકાતવર બની જાય છે. વડા પ્રધાનની કલ્પના છે એક ભારત, શ્રેષ્ઠ ભારત. તેમાં ભારતને એકસૂત્ર બાંધવાનું કામ કર્યું છે."
તવાંગમાં થયેલા ઘર્ષણ પરના સવાલ પર તેઓ બોલ્યા, "ઘણી બધી બાબતો થઈ રહી છે, તેમાં આપણે આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું ભૂલી જઈએ છીએ. આપણે આપણી સંસ્કૃતિને ઊજવવી જોઈએ, ઉત્સવ ઊજવવો જોઈએ. આજે હું અતિક્રમણના વિષય પર વાત નહીં કરું. આજે ભારત શક્તિશાળી દેશ છે, તેની પાસે વિઝન છે. જો હું અતિક્રમણ પર વાત કરીશ તો મુદ્દો ભટકાઈ જશે, આ મુદ્દે હું પછી વાત કરીશ."
સંસ્કૃતિ ભાર મૂકતાં તેમણે કહ્યું, "આજે ભારત દુનિયા અને પડોશી દેશો માટે પ્રેરણારૂપ છે. અમે G-20માં પણ ભારતીય સંસ્કૃતિને બતાવીશું. મારો હેતુ એ છે કે જે મુદ્દો કેન્દ્રમાં નથી તેને કેન્દ્રમાં લાવીએ. અમે મુદ્દાને ડાયવર્ટ કરવા માગતા નથી.
તેમણે કહ્યું કે અરુણાચલ પ્રાચીન કાળથી ભારતનું અંગ રહ્યું છે. પીએમ મોદીએ તેને સુંદર રીતે નિરૂપ્યું છે.
અરુણાચલ પ્રદેશને લઈને શું વિવાદ છે?
અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયા બાદ ફરી એકવાર બન્ને દેશો વચ્ચેના તણાવ વધી ગયો છે. અરુણાચલ પ્રદેશને લઈને ચીન પહેલાંથી જ દાવો કરતું આવ્યું છે અને ભારત દર વખતે એનો વિરોધ કરતું રહ્યું છે.
ચીન અરુણાચલ પ્રદેશને પોતાની જમીન ગણાવે છે અને એને દક્ષિણ તિબેટ કહે છે. ભારત અને ચીન વચ્ચે લગભગ 3500 કિલોમીટર લાંબી સરહદને લઈને વિવાદ રહ્યો છે. જેને વાસ્તવિક નિયંત્રણ રેખા કે એલએસી કહેવામાં આવે છે.
ગત વર્ષે ડિસેમ્બરમાં ચીને અરુણાચલ પ્રદેશનાં 15 સ્થાનો માટે ચાઇનિઝ, તિબેટી અને રોમન એમ ત્રણ ભાષામાં નામોની યાદી જાહેર કરી હતી. ચીનમાં નાગરિક બાબતોના મંત્રાલયે જાહેરાત કરી હતી કે તેણે જાનનાન (અરુણાચલ પ્રદેશનું ચાઇનિઝ નામ)નાં 15 સ્થાનોનાં નામ ચાઇનિઝ, તિબેટી અને રોમનમાં જાહેર કર્યાં હતાં.
ભારતના વિદેશ મંત્રાલયે અરુણાચલ પ્રદેશની કેટલીક જગ્યાનાં નવાં નામ રાખવાના ચીનના પગલા સામે આકરો વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ હંમેશાં ભારતનો અભિન્ન અંગ રહ્યો છે અને આગળ પણ રહેશે.
ચીને આ 15 જગ્યાનાં અક્ષાંશ અને રેખાંશ પણ બતાવ્યા હતા. આમાંથી આઠ રહેણાક વિસ્તાર છે. ચાર પર્વત છે અને બે નદીઓ છે અને એક પહાડી ઘાટ છે.
ગલવાનમાં શું થયું હતું?
ભારત અને ચીન વચ્ચે વર્ષ 2020માં ગંભીર સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. તારીખ પહેલી મે 2020ના રોજ બંને દેશના સૈનિક વચ્ચે પૂર્વીય લદ્દાખની પૅંગોંગ ત્સો ઝીલના નૉર્થ બૅન્કમાં અથડામણ થઈ હતી.
એમાં બંને તરફના ડઝનબંધ સૈનિકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ 15 જૂને ગલવાન ઘાટીમાં ફરી એક વાર બંને દેશના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.
આ અથડામણ અંગે 16 જૂને ભારતીય સેનાએ એક નિવેદન આપ્યું હતું.
એમાં કહેવાયું હતું કે, "અથડામણ થઈ એ જગ્યાએ ડ્યૂટી પર રહેલા 17 સૈનિકોનું ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના કારણે મૃત્યુ થયું છે. આ અથડામણમાં મૃત્યુ પામનારા સૈનિકોની સંખ્યા વધીને 20 થઈ ગઈ છે."
ભારત કહેતું રહ્યું છે કે ગલવાનમાં ચીનના સૈનિકો મોટી સંખ્યામાં માર્યા ગયા હતા, પણ ચીન માત્ર ચાર સૈનિકોનાં મોતની પુષ્ટિ કરી હતી.
ઑસ્ટ્રેલિયાના એક અખબાર 'ધ ક્લૅક્સન'એ પોતાના એક સંશોધિત રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ચીન તરફથી ચાર સૈનિકોનાં મૃત્યુનો આંકડો જણાવાયો હતો પરંતુ એનાથી 9 ગણા વધારે, એટલે કે ઓછામાં ઓછા 38 પીએલએ જવાનોનાં મૃત્યુ થયાં હતાં.